Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

પુષ્કરના આંતરરાષ્ટ્રીય પશુમેળાની ઉઘડતી સવારે કેમેરાની આંખે ઝિલાયેલી આ એક જીવંત સફર છે. અરવલ્લીની ટેકરીઓ અને થારની રેતી વચ્ચે ઊંટપાલક રાઈકા-રબારી અને દેવાસી સમાજની ખાનાબદોશ જીવનશૈલી, સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથે ટકી રહેવાની અદમ્ય ખુમારીનું અહીં હૃદયસ્પર્શી વર્ણન છે.

     પુષ્કરના આંતરરાષ્ટ્રીય પશુમેળાના વિશાળ પડાવે સવાર પડી. મોસૂઝણું થાય તે પહેલા જ એક ગરમા-ગરમ ચા ચડાવીને હું લોકલોક પડાવની દૂર ઘાસિયા મેદાન પાસે પહોંચી ગઈ હતી જેથી ઉઘડતી સવારે મને છાયાચિત્રો મળે અને હું ઊંટ અને તેના રખેવાળોનો ઠોસ આકાર જીલીને હૂંફાળા આકાશના કેનવાસ પર કેમેરાના માધ્યમથી થોડા છાયાચિત્રો દોરીને ઊંટ જેવા સુસ્પષ્ટ વિષયને એટલી જ સ્પષ્ટ outline સાથે જીલી શકું.




    રણની રેતીમાં ચાલતાં ચાલતાં વિશાળ મેદાની પડાવની ધારે પહોંચતા જ ‘ઓઢ’ તરીકે ઓળખાતો ઊંટનો પાલક રબારી ઊંટના નાકમાં પરોવેલી ‘નકેલ’ સાથે બાંધેલી દોરી પકડીને તેને દોરી જતો હતો અને ટટ્ટાર ઉભેલા આ એકલવીર ઊંટ પાછળ શાલમા વીંટળાયેલા અન્ય ત્રણ રબારીઓ પણ ઊભા હતા પરંતુ તે ત્રણેય વચ્ચે અંતર નહોતું એટલે ત્રણેય જાણે એકબીજામાં ભળી ન ગયા હોય તેવું લાગતું હતું.




    એકલા ઊંટ જ ઊંટની વણઝાર વચ્ચેથી મારગ કાઢી ઘાસ વચ્ચે ઉભેલા બે-ત્રણ ઊંટનું silhouette તરીકે તસવીરકારોમાં ચર્ચાતું છાયાચિત્ર જીલ્યું ત્યારે મેં કશુંક extra dramatic કર્યુ તેવો ભાવ થતો હતો પરંતુ ઊંટ જેવો solid subject મારી સામે હતો અને સૂર્યોદય પહેલાનો માહોલ રચીને આકાશ સુરજની રાહમાં હતું ત્યારે બધું મારી સામે જ હતું અને એક છાયાચિત્ર પણ જીલ્યું પરંતુ photographyનો પાયાનો નિયમ કે ફોટો પાડો ત્યારે તેમાં રહેલા બધા વિષયો એકબીજામાં ભળીને merge ન થવા જોઈએ પરંતુ figure out થવા જોઈએ તે ચુકાય ગયું અને ફોટો તો પડ્યો  જ પરંતુ બે ઊંટો વચ્ચે રહેલો વચલો ઊંટ થોડું ચાલ્યો અને તેની બાજુના ઊંટમાં એવો ભળી ગયો તે જાણે ખબર જ ન રહિ તેવો ઘાટ ઘડાયો.




    થોડી જ વારમાં આખું અરવલ્લી ઉજળું થાય તેવો સૂર્યોદય તેના સોનું પાથરતા સૂર્ય કિરણોથી રણની રેતીને ચમકાવી રહ્યો હતો અને તેવા ઉજળા અને ઉગમણા સમયે સતત વિષયો શોધતી મારી નજર દૂર ઉભેલા બે કેસરીયા પાઘડી પહેરેલા અને હાથમાં ડાંગ લીધેલા મૂછાળા રાજસ્થાનીઓ પર ગઈ જે બંનેમાંથી એક સોલાપુરી ચાદર અને બીજા checks વાળી ગરમ શાલમાં વિંટળાઈને દૂરથી આવતાં ઊંટ તરફ જોઈ રહ્યા હતા.




    છેક દિલ્હીથી હરિયાણા અને હરિયાણાથી રાજસ્થાન આવીને અમદાવાદ નજીક પૂરી થતી અરવલ્લીની છસ્સો નેવું કિલોમીટર લાંબી ઉતર-પશ્ચિમી ગિરિમાળાની એક ટેકરી મારી બરાબર સામે હતી અને ઉઘડતી સવારે મેળાનો વિશાળ પડાવ છોડીને મારી જેમ દૂર નીકળી ગયેલા બે કેસરી પાઘડી વાળા રાજસ્થાનીઓએ રણની રેતીમાં ચાલવાનું શરૂ કર્યું ત્યારે તેના વસ્ત્રોમાંથી ચળાયને આવતો કુણો સૂર્ય પ્રકાશ, તે બંનેની ચાલવાની ગતિ અને તે બંનેના backdropમાં રહેલી અરવલ્લીની ટેકરી મારા verical comositionને સુંદર બનાવી રહિ હતી.



    સવારે સવારે મળેલા લોટરી જેવા આ બે સંયોજનોના જોરે હું હવે પુષ્કરના મેળાના ધબકતા હૃદય જેવા લોક મેળાના મુખ્ય પડાવે પહોંચી ત્યારે ક્યાંક ચુલે ચા ઉકળતી હતી તો ક્યાંક રોટલા-ચાની રાહ જોતા પુરુષો ઊંઘરેટુ મોં કરી બેઠા હતા. ક્યાંક ઊંટના ભોજનના ખાન-દાણથી ભરેલી આખી ઊંટ ગાડીને ટેકે બે જણા બેઠા હતા તો ક્યાંક શણની ચાદર પાથરીને ઊંટ ગાડિ પાછળ બેઠેલા ચાર જણા સવારે-સવારે કેમરા લઈને નીકળી પડેલા મારી જેવા ભ્રમણશીલ પ્રાણીને જોઈ રહ્યા હતા.




    પુષ્કરની ટાઢી બોળ સવારે ત્રણ ચાર ઈંટ ગોઠવીને છાણા-કરગઠિયા (twig)નો ચુલો કરીને ચા બનાવતા નટીશૂન્ય નાટક ભજવતા સ્ત્રીઓ વગરના પડાવો અને ઊંટોથી સભર લેન્ડસ્કેપ વચ્ચે હું મારી આગળ મારા સહપ્રવાસી ઘનશ્યામ કહાર ને જોઈ ગઈ અને જોઈ ગઈ જમણી બાજુએ ગરદન ઊંચી કરીને જાણે પ્રભાતિયું ગાવાની તૈયારી કરતાં ઊંટને પણ.ભાઈ ઘનશ્યામ તો એની ધૂનકીમાં આગળ નીકળી ગયો અને હું પણ મારી ધૂનકીમાં ચાલતાં-ચાલતાં વૃક્ષોની લાઈનબંધ ધારવાળા એવા લોકેશન પર પહોંચી જ્યાં મગફળી, તલ અને એરંડા જેવા તેલીબિયાં ઉપરાંત મહુડો, પીલુડી, કરંજ અને લીમડાના ફળોને ઘાણીમાં  પીલીને તેલ કાઢી લીધા બાદ બાકી રહેલા જથ્થાના પડ, પાપડી કે ભૂકાના બનેલા ખોળનો નાસ્તો કરતાં ઊંટ હતાં અને ઊંટના રખેવાળો પણ ટીનની દેગડીમાં શાકનો વઘાર કરતાં હતાં.



    ઓહો! જીવન જ જીવનથી ભરપૂર પડાવો મારી સવારને રણની nomad lifeથી સુવાસિત કરી રહ્યા હતાં અને હું રાજસ્થાનના રાઈકા અને રબારી જેવી semi-nomadic પ્રજાને, તેની cultural ઓળખ જેવા ઊંટને, તેની ઊંટની સંભાળને સગી આંખે જોઈ રહિ હતી.એવા અવલોકને હું ખાસ્સી દૂર નીકળી ગઈ જ્યાં નવ-દસ પુરુષો પડાવ નાખીને બેઠા હતા અને દૂરથી એક અગિયારમો જણ ખેતરે (Latrin) જઈને આવી રહ્યો હતો.




    હવે નવેમ્બર મહિનાની કાર્તિકી સવારની કુણી-મીઠી તડકિ સૌને હુંફ આપી રહિ હતી ત્યારે શિયાળાની એ હૂંફમાં પોતાના ઊંટની વણઝાર સાથે સતત થારના રણમાં રખડતાં-ભટકતાં એવા રાયકા-રબારી પુરુષો સુધી હું પહોંચી જેના ચહેરાનો વર્ણ રણમાં રખડી-રઝળીને તાંબા વર્ણો થઈ ગયો હતો.ચાની ગરણી, સ્ટીલના વાટકા, ટીનના બોઘરણા-બોઘરણીની આગળ બેસીને દૂર નજર દોડાવતી કેસરી, ગુલાબી અને કથ્થાઈ પાઘડીવાળી ત્રિપુટીને કેમેરાની જોળીમાં ભરતી હું તેઓના જીવનનો આવો વિચાર કરતી હતી જેમાં વર્ષોના વર્ષો થાર જેવા વિશાળ, સુક્કા ભઠ્ઠ અને ઉનાળામાં પચાસ સેલ્સિયસ ગરમીમાં તપતા રણમાં પસાર થયા હોય. 



      ૮૫ ટકા ભારતની ઉત્તર-પશ્ચિમે અને પંદર ટકા પાકિસ્તાનમાં રહેલા 200,000 ચોરસ કિલોમીટરમાં પથરાયેલા થારના રણનો આશ્ચર્યચકિત કરે તેવો આ વિચાર કરવામાં મેં  બે ગુલાબી પાઘડીવાળા ભાઈબંધ-ભેરુડાને સીમેન્ટની એક ઓટલી પર પોતાની મોજમાં બેઠેલા જોઈને જેવો કેમેરા તેમના તરફ ધર્યો ત્યાં બેમાંના એકે બીડીનો કસ મારવાની stylist હરકત કરી અને એવી candid clickને કેમેરામાં જમા કરીને હું અરવલ્લીની ટેકરીઓને અડીને બેઠેલા છ-સાત ઊંટવાળાના એક પડાવે પહોંચી.




    ડાબી બાજુ પાણીનું માટલું, જમણી બાજુ કરગઠિયાનો તાજ્જો ઓલવેલો ચૂલો અને બરાબર વચ્ચે ઉભડક અને એકબીજાની એકદમ ઓરા બેઠેલા સૌ ઊંટવાળા ચા પી રહ્યા હતા. જે સૌની સવાર અને સાંજ નીચે ધરતી અને ઉપર આકાશ જેવી ખાનાબદોશ હોય છે તેવા રાજસ્થાની રાઈકા અને રબારી જાતિના આ બંદાઓ થારની પશ્ચિમી ધારે રહેલા પુષ્કરમાં પોત પોતાના પડાવ નાખીને બેઠા હતા અને એવું નહોતું કે પુષ્કરના પશુ મેળામાં ઊંટની પોઠની પોઠ લઈને આવેલા સૌ રાઈકા-રબારી કે દેવાસી સમાજના પુરુષો જ હતાં પરંતુ વર્ષ ૨૦૦૧માં આજથી પચ્ચીસ વર્ષો પહેલા તો પુષ્કરના પશુ મેળાનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક ચાર્મ રાઈકા અને રબારી અથવા દેવાસી સમાજના ઊંટવાળાઓથી જ આકર્ષક હતો કારણ કે રાજસ્થાનમાં રાઈકા કે જેને રબારી કે દેવાસી પણ કહે છે એ જાતિના લોકો જ પારંપરીક રીતે ઊંટની પાલક પ્રજા છે.



    રાજસ્થાન અને ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો ઊંટ લઈને પુષ્કરના મેળામાં આવતા આ સમાજના પુરુષો મેળા પહેલા અઠવાડિયા–પંદર દિવસ પહેલેથી જ પેદલ યાત્રા કરી રણ અને ધોરી માર્ગો પર ચાલતા-ચાલતા પુષ્કરમાં સ્થિત થારના રણમાં પડાવ નાખીને મેળો પૂર્ણ થાય ત્યાં સુધી રહે છે અને ક્યારેક ટેન્ટ તો ક્યારેક ખુલ્લામાં રહેતા આ જાતિના લોકો જ પુષ્કરના મેળાની કરોડરજ્જુ ગણાય છે. 




    શણના કોથળામાં મોઢું નાખીને ખાણ-દાણ કે ખોળ ખાતા ઊંટથી શરૂ કરી દૂર નજર નાખો ત્યાં સુધી પડાવો જ પડાવોના આ મેળામાં એક પડાવે મેં ઊંટના દૂધની ચા પીધી અને ગ્લુકોઝ મળી ગયાને ટેકે રાઈકા-રબારી સિવાયના જાટ, રાજપૂત, ગુર્જર અને બિશ્નોઈ જેવી રાજસ્થાની પ્રજાના પુરુષોને પણ મળી અને ઊંટ, ઘેટા-બકરાના ઉછેર સિવાય ખેતી કરતાં અને માલની હેરફેર માટે ઊંટગાડી ચલાવતા પુરુષોને પણ મળી.



    ધીમે ધીમે રણની રેતી વચ્ચે અને પડાવોના પારાવાર માહોલ વચ્ચે ગરમી અને ભૂખના દુખે મેં સવારના explorationને વિરામ આપવાનું નક્કિ કરીને મારા નિવાસ તરફ ચાલવાનું શરૂ કર્યું ત્યારે બાંધણીઓની લાલ-ગુલાબી પાઘડીઓ અને બાંધણીની પાઘડી સાથે oxford blue ભૂરા ખમીશ પહેરેલા દેખાવડા રબારીઓને રણની રેતીના ઊંટ વચ્ચે બેઠેલા જોયા અને કેટલાકને ચાલીને આગળ જતા પણ જોયા.



    અવરજવરની આ આખીય રમત લાખોના વેપારની હોવા ઉપરાંત એક આખા રબારી-રાઈકા સમાજની પણ હતી જે રાજસ્થાનના પાલી-મારવાડ, કુંબલગઢ, બાડમેર અને જાલોર જેવા વિસ્તારોમાંથી પુષ્કર સુધી પોતાના ઊંટ લઈને આવ્યા હતા.મારવાડી ઊંટોના મુખ્ય પાલક ગણાતા આ માલધારીઓ એક જમાનામાં રાજા-મહારાજાઓના ઊંટોની સંભાળ લેતા અને લાંબા અંતરના સંદેશાઓ પહોંચાડવાનું કામ પણ કરતાં. આ રબારીઓના અરવલ્લીની પર્વતમાળા સાથેના પર્યાવરણીય સહઅસ્તિત્વનો વિચાર કરતાં કરતાં રાજસ્થાનની આ nomadic pastoral community, તેની ભ્રમણશીલ જીવનશૈલી અને અરવલ્લીના સુક્કાભટ્ઠ, ખરબચડા અને સંઘર્ષથી ભરપૂર વાતાવરણમાં ટકિ જવાની survival instinctને હું નતમસ્તક થઈ અને મારા નિવાસે પહોંચીને સ્વગોક્તિના સૂરમાં મનોમન બોલી કે ‘The survival instinct of the self overrides everything.’ 

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.