૨૦૦૧ના પુષ્કર મેળાની આ સફર માત્ર પ્રવાસ નથી, પણ અરવલ્લીના ખોળે ધબકતી રાજસ્થાની સંસ્કૃતિ, ઊંટની વણઝારો, રંગબેરંગી પાઘડીઓ અને અતરંગી ઓઢણીઓને કેમેરામાં કંડારવાનો એક કલાત્મક દસ્તાવેજ છે. આ સ્મરણ લેન્ડસ્કેપ અને લોકજીવનને સાંકળતો એક જીવંત અને ભાવવાહી સાંસ્કૃતિક ખજાનો છે.
સવારે ટેક્ષી દ્વારા વડોદરાથી પુષ્કર આવવા નીકળેલા અમે હવે તો ભારતની ઉત્તર-પશ્વિમે રહેલી અરવલ્લીની પર્વતમાળાને જોઈ રહ્યા હતા અને કારતક મહિનાના ગમતા વાતાવરણમાં પુષ્કર પહોંચવાને હજી વાર હતી તેવા સમયે અરવલ્લીના ખોળામાં રહેલા ખેતર મધ્યે કોઈ રાજસ્થાની ગીતનું શુટીંગ થઈ રહ્યું હતું તે જોઈ ગયા અને શુટીંગની ટીમના મૂળ માણસને પૂછીને અમે પણ ગુલાબી ફૂલોથી સભર ખેતર વચ્ચે લાલ-પીળી બાંધણીમાં રહેલી નાયિકા અને ઘાટ્ટી મૂછ-દાઢી વાળા અને પાઘડી પહેરેલા નાયકના ફોટા પાડીને પુષ્કર પહોંચ્યા ત્યારે પુષ્કરના મેળાના સ્થાનની આસપાસ કોઈ dormitoryમાં ઉતારો લીધો અને રાત્રિનું ભોજન લઇ લંબાવ્યુ કે વહેલી પડે સવાર.

તદ્દ્ન નવા સ્થળની સવાર વીણવાના શોખીન અમે ચારે ચાર છબીકારો પોત પોતાના કેમેરા સજ્જ કરી, સાથે રહેલી કેમેરા કિટમાં કોડાક કંપનીના ફિલ્મ રોલના કાળા-પીળા બોક્ષ નાખી ફોટોગ્રાફી કરવા ઉપડ્યા ત્યારે પુષ્કરની ઉઘડતી સવારે ક્યાંક ઊંટના પડાવો વચ્ચે ઉભેલા ઊંટની ડોક પરથી દેખાતા સુરજ નારાયણનું છાયાચિત્ર જીલ્યું તો ક્યાંક છાણાનો થપ્પો કરીને તાપ થતો હતો તે જીલ્યો.ક્યાંક આખા વિશાળ લેન્ડસ્કેપમાં છાણા-માટલાના વેચાણ વચ્ચે ઘુમ્મટો તાણીને બેઠેલી કોઈ રાજસ્થાની સ્ત્રીને સંયોજી તો ક્યાંક લાલ સફેદ પાઘડી વાળા મુછાળા પુરુષો છાણા ખરીદવા નીકળ્યા હતા તેને પણ કેમેરાની જોળીમાં હળવે હાથે સરકાવ્યા.

૨૦૦૧ના નવેમ્બરમાં જ્યારે અમે પુષ્કરનો મેળો એક્ષપ્લોર કર્યો ત્યારે છાયાચિત્રો એટલે Silhouette [સીલુએટ]ની striking technique મને ખાસ આવડતી નોહતી પરંતુ જયારે ખુબ ઉજળા backgroundમાં ઉભેલા ઊંટોનો ફોટો તે ઝળાહળા પ્રકાશને સામે રાખીને લેતી ત્યારે ઊંટની sketchable anatomyનો Solid વિષય એવો ઉભરીને દેખાતો કે પુષ્કરનો સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય મને સોનું હાથ લાગ્યા જેવો અહેસાસ કરાવતો અને હું ‘રણના વહાણ’ તરીકે ઓળખાતા ઊંટને જીલ્યા જ કરતી.

આ તો મેળો જ ઊંટનો હતો અને હજારો ઊંટ સાથે આ આંતરરાષ્ટ્રીય પશુમેળામાં ઘોડા, ઘેંટા-બકરા જેવા અન્ય પશુઓની પણ લે-વેચ થતી પરંતુ મને તો રાજસ્થાની ઊંટ, તેની એક ખૂંધ, તેના લાંબા-ઊંચા પગ અને તેની છટાદાર ચાલ એટલી પ્રિય હતી કે પુષ્કરના મેળાની વહેલી સવાર અને ઢળતી સાંજે હું રોલનો થેલો ભરીને જ્યાં ઊંટની વણજારોના પડાવો હોય ત્યાં પહોંચી જતી અને એવી થકવાડી દે તેવી રેતાળ વૉક સુધી પહોંચું તે પહેલા મને રાજસ્થાની ટીકો પહેરેલી જમરૂખ વેંચતી બહેનો, તેની સતારા વાળી લાલ-ગુલાબી ઓઢણીઓ, તેની ઘુમટા તાણી તાણીને સહિયરો સાથે મજાક-મસ્તી કરવાની રમતિયાળ gestures લૂટી ન લૂટાય એટલી મળતી અને એવામાં ક્યારેક જો હું ભૂખી થઈ હોવ તો એકાદ જમરૂખ કે તાજ્જા અને તુરા આમળા ખરીદીને પેટ પૂજા પણ કરી લેતી.

આવા વખતે ટોળામાંથી કોઈ એક કાળી કામળી વાળી, ગળામાં ચાંદીની હાંસડી પહેરેલી અને હાથીદાંતના ચુડા પહેરેલી ઠસ્સાદાર સ્ત્રીનો એકલીનો ફોટો પાડવો હોય ત્યારે zoom lens ચડાવી કામ કરું અને આખી મથામણને અંતે પલોઠી વાળીને રૂઆબથી ફોટો પડાવતી રાજસ્થાનીને હું મારી રખડું જોળીમાં ભરું ત્યારે મને ભારત ભ્રમણ કેવો સાંસ્કૃતિક ખજાનો છે તેનો અહેસાસ થતો.
તેવા ઉત્સાહી એહસાસે હું વિશાળ મેદાનમાં આયોજીત થયેલા મેળાની એવી જગ્યાએ પહોંચી જ્યાં અરવલ્લીની પર્વતમાળાના ખોળે, ટેન્ટ પાસે સફેદ રંગની ભાત પાડેલા માટલાઓની ગોઠવણી આગળ floral designના ભૂરા ચણીયા પર લીંબુ પીળી ઓઢણી ઓઢેલી એક સ્ત્રી એવી રીતે ઉભેલી જોવા મળી કે મને થયું આનું ભાવવાહિ એટલે abstract composition જીલું તો મજા પડે એટલે એક માટલા પર બીજુ માટલું ચડાવેલી આખી હરોળને છેડે જમણી બાજુ ઉભેલી સ્ત્રીને માટલાની હરોળની ઉંચાઈએ અડધી જીલી ત્યારે સાંજનો પ્રકાશ અને માટલાના earthen રંગ સાથે ઓઢણીના લીંબુ પીળા રંગની brightnessના આ ભાવવાહિ વિષયને પુષ્કરના આખા માહોલથી Isolate કરીને જીલવાની એટલી મજા આવી કે આજની તારીખે મને આ abstract composition અનન્ય લાગે છે.

Carnival of colours તરીકે ઓળખાતા પુષ્કરના મેળામાં ક્યાંક લોક ગીત-સંગીત ચાલતા હતાં તો ક્યાંક પાઘડી બાંધવાની અને લાંબામાં લાંબી મૂછની સ્પર્ધાઓ પણ ચાલતી હતી પરંતુ હું તો રણપ્રદેશની રેત ઉડાડતી ઉડાડતી પુષ્કરના મેળામાં આવતી ઊંટની વણઝારો જોવામાં વ્યસ્ત હતી કારણ કે અરવલ્લીની ટેકરીઓની આગળ લયબધ્ધ રીતે ચાલતો વણઝાર સહિતનો એ landscape મને ખૂબ પ્રિય હતો.દૂર દૂરથી આવતી વણજારો અને તેના રખેવાળના ફોટા પાડવા રીતસર ઝડપી ચાલે ચાલવું પડતું અને એવું કરવામાં મેળા દરમિયાન પડાવમાં ચૂલો સળગાવી ચા-પાણી, રોટલા રાંધવા રસ્તામાંથી કરગઠિયા [dry twigs] વીણીને વણઝાર સાથો સાથ લાંઘા ભરીને ચાલતા તેના માલિકને હું જોતી ત્યારે થતું આ કેવું ભ્રમણશીલ-Nomadic જીવન જેમાં સંઘર્ષ જ સંઘર્ષ છે.

ક્યારેક આખા રેતિયા લેન્ડસ્કેપમાં એક જ ઊંટ હોય, તેની પોઠ પર શણનો કોથળોને સફેદ પોટકિ હોય અને તેની સાથે ધોતી-ખમીશ, કોટ અને કેસરી પાધડી પહેરેલા બબ્બે ઊંટવાળા ચાલતાં હોય.
એક દિવસ આખા લેન્ડસ્કેપમાં ઊંટ જ ઊંટ હોય, ટોળે વળીને રોંઢો કરવા બેઠેલા ઊંટવાળા હોય અને હોય અરવલ્લીના backdropમાં રહેલા tents તેવા pictorial landscapeના લોભે લોભે હું પુષ્કરમાં સ્થિત બ્રહ્માના મંદિરે પહોંચી ગઈ અને પહોંચ્યા ભેગી ‘Brahma Mandir’ લખેલા બોર્ડની આગળ ટોળામાં ઉભેલી લાલ-પીળી બાંધણી વાળી જુવાન સ્ત્રીને જીલી ત્યારે થયું કે મેળામાં ફોટોગ્રાફિ કરવી સહેલી નથી કારણ કે કાં તો આખા crowdને compose કરો અથવા crowdમાં રહેલા એક-બે જણને પરંતુ એવું કરવામાં ઈચ્છો તેવા facial expression મેળવવા zoom lense ધરીને ખાસ્સું ઉભું રહેવું પડે અથવા crowdની ફોટોગ્રાફી કરવામાં કોઈકનું માથું, કોઈનો હાથ, કોઈનો ઘૂમટો, કોઈની આંખનો એવો ફોટો સંયોજાય કે જાણે કોઈ collage ન હોય.

Anyways, પુષ્કર લેઈક પાસે સ્થિત પથ્થર અને સંગેમરમરથી નિર્મિત ચૌદમી સદીના આ બ્રહ્મા મંદિરે ખુબ ભીડ હતી અને તેમ છતાં ગર્ભગૃહમાં રહેલી જગતપિતા બ્રહ્માજીની ચતુર્મુખી પ્રતિમાના અને બ્રહ્માના પત્ની ગાયત્રીના દર્શન કરી અને મેં classic રાજસ્થાની શૈલીના ઝરૂખા વાળા મંદિરનો બહારથી ફોટો પાડતા પહેલા ગર્ભગૃહની બહાર રહેલો સ્તંભ વાળો મંડપ જોયો. તે મંડપની સફેદ અને કાળી ચેક્સ વાળી માર્બલ ફ્લોર પર ઉભા રહી અને ચાંદિના સિક્કા જડેલી મંડપની અંદરની દીવાલોને પણ નિરાંતે જોઈ કારણ કે મારો મૂળ જીવ તો સ્થાપત્યનો જ ને.

આ બધું જોઈને ઊંચી પીઠિકા પર સ્થિત મંદિરના ચાલીસેક પગથીયા ઉતરી અતરંગી ઓઢણીઓ ઓઢેલી રાજસ્થાની સ્ત્રીઓના ટોળાને ટોળા મંદિરના પગથીયા ચડ-ઉતર કરતા હતા ત્યાં ઉભા રહી ફોટો પાડ્યો ત્યારે એક સાથે કોઈ નદીનો પ્રવાહ હોય તેવા બહેનોના સમુહની અવરજવરનો લય અને છટાં એકદમ આકર્ષક લાગતા હતા પરંતુ સ્ટીલ ફોટોગ્રાફિમાં એવો grace લાવવો મારી માટે અઘરો હતો જે કદાચ વિડિયો ફિલ્મ કે રીલમાં લાવી શકાય અથવા સ્ટીલ ફોટોગ્રાફીમાં પણ લયબધ્ધ ચાલનારી સ્ત્રીઓના સમૂહનો grace દર્શાવવાની આવડત હોવી જોઈએ જે મારા સહપ્રવાસી એવા વડોદરાના છબીકારો, ઘનશ્યામ કહાર, બીપીન પટેલ અને પ્રકાશભાઈ ગજ્જરમાં હતી તેની મને ખાતરી હતી કારણ કે ત્રણેય છબીકારો વડોદરાના નામાંકિત છબીકારો હોવા ઉપરાંત Wedding photographyના નિષ્ણાંત હતાં.

વહેલી સવારે મોસજણું થાય એ પહેલા જ ચા પી અને પુષ્કરના મેળાના પડાવો, વણઝારો, પોઠ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના દેશને પ્રવાસી જોળીમાં જતનથી જાળવીને મુકવા માટે ખભે કોથળો અને દેહ મોકળો કરીને નીકળી પડતી હું સવારના સાડા અગિયાર થાય એટલે થાકીને પાછી અમારા નિવાસે આવવા પાછી વળી ત્યારે આખા શરીર પર પરંપરાગત motif દોરેલા ઊંટની ખટારાના પૈડા વાળી લાઈન બંધ ત્રણ ઊંટ ગાડીઓ જોવા મળી જેમાં Exotic Resort and adventure નામની ટ્રાવેલ કંપનીના પેકેજમાં આવેલા પરદેશીઓના પરિવાર બેઠા હતા.

ધોળો ધોળા બાફસા જેવા બાળકો અને તેના મા-બાપોને ઊંટ ગાડીમાં સફેદ પોચા પોચા ગાદલા પાથરીને બેસાડ્યા હતા અને આ તો બહુ મોંઘી ટ્રાવેલ કંપની હતી એટલે એના પેકેજમાં exotic resort હતાં, luxurious desert camping હતું આરામદાયક Swiss Tentsની જાહોજલાલી હતી, tentમાંથી જ અરવલ્લીની ટેકરીઓ દેખાય તેવો view હતો અને થોડું ચાલો ત્યાં પુષ્કર લેઈકના શાંત તળાવનું પવિત્ર સ્નાન હતું અને હતું આપણા ભારતના રંગીલા રાજસ્થાનની પરંપરાગત સંસ્કૃતિનું દર્શન જે દર દસ દસ મીનીટે આ પરદેશીઓને ‘wow’ના interjectionમાં ડુબાડીને એક બીજું પવિત્ર સ્નાન કરાવતું હતું.

જે બીજું સ્નાન તળના અંતરિયાળ રાજસ્થાની ખેડૂતો, રબારીઓ અને બંજારા જેવી ભ્રમણશીલ પ્રજા, કુંભારો, કઠપુતળી બનાવવા વાળા અને તે સૌના પહેરવેશ અને પરંપરાનું હતું, તેના લોકનૃત્યો અને ગીતોનું હતું આથી જેટલા દિવસ પુષ્કર રોકાણા એટલા દિવસ આ પરદેશીઓ માફક આવી ડૂબકીઓ લેતી હું પુષ્કરના ચિત્રમયી ગામના અમારા નિવાસે, લંચ લીધા પછી એકાદ કલાકના આરામ અર્થે, પાછી ફરતી હતી ત્યારે રાજસ્થાની ઊંટને બત્રીસ પ્રકારના પારંપરિક શણગારથી શણગારી શકાય તેવી વસ્તુઓ વેંચતી એક-બે દુકાનો જોઈ જે ખાસ્સી રંગીન હતી.

આ દુકાનમાં ઊંટને ગળે બાંધવાનું ગોરબંધ હતું જે કાંચ, કોડિ અને મોતીનું બનાવેલું હતું. ઊંટના નાકમાં બાંધવામાં આવતી ‘ગિરબાણ’ તરીકે ઓળખાતી ચામડાની પાતળી કીલ હતી અને તે કિલને બાંધવાની વિવિધ રંગની રસ્સી પણ હતી. ઊંટ પર બેસવાની પલાણની ગાદીઓ ઉપરાંત અહીં ઊંટની ટૂંકી પૂછડીને શોભાવતું ‘પરચની’ નામનું આભૂષણ ખાસ્સુ આકર્ષક હતું અને ઊંટના ચહેરાને શોભાવતો મોહરા-મોહરીનો તો પાર નહોતો.

આવી બે ચાર દુકાનો પસાર કરી હંગામી ધોરણે ઉભા કરેલા ટેબલ-ખુરશી વાળા એક ટી સ્ટોલ પાસેથી પસાર થતાં જ હું અટકિ ગઈ કારણ કે કુલ ચાર લાલ-પીળી મૂછાળી પાઘડીઓ ચાના ટેબલે બેઠી બેઠી વાતોમાં મશગુલ હતી અને મને તેમાંથી ત્રણ હેન્ડસમ પુરુષોનો પીઠ અને કમરનો ભાગ દેખાતો હતો.

સૌથી પહેલા તો ચારમાંના એકના હાથમાં ડાંગ પકડિ હોય તેવો ફોટો ખેંચ્યો ત્યાં સુધીમાં સૌની ચા આવી અને હું હિંમતથી તે સૌની સામે જઈ નજીકથી ફોટા ખેંચવા લાગી જે ફોટામાં મુખ્ય તો રાજસ્થાનની સમૃધ્ધ સંસ્કૃતિ, માન અને પરંપરાના પ્રતિક જેવી પાધડીઓ હતી.ક્યારે લહેરીયા કે બાંધણી અને ક્યારે પંચરંગી પાઘડીઓ પહેરાય એ મને ખબર નોહતી પરંતુ જે બેઠા હતાં તેમાંથી ત્રણે કંકુવર્ણી લાલ અને એકે પીળી પાઘડી પહેરી હતી.

લાલ સુતરાવ પાઘડી વાળા બે પુરુષોના ફોટા પાડ્યા પછી મેં તો કેમેરા પીળી પાઘડી પહેરેલા ખાસ્સા નમણા દેખાવડા અને કાળી ભમ્મર મૂછવાળા પુરુષ પર ફોકસ કરી ફોટો પાડ્યો અને ત્યારે મારો ફોટોગ્રાફીનો એવો શરૂઆતી દૌર ચાલતો હતો કે portrait લેવાની ઈચ્છા હોય પણ હું જે તે વ્યક્તિ કે વિષયને કેમેરા સામે જુઓ એવું હિમંતથી કહિ નોહતી શકતી એટલે એ હિંમત જો મેં આજથી પચ્ચીસ વર્ષ પહેલા દેખાડી હોત તો આ પીળી પાઘડીયાળા ભાઈની penetrating આંખો કામણ કરીને ભાવકને પાગલ કરી શકત તેની ખાતરી છે.
આવી suretyનો થેલો ભરીને આગળ ચાલી ત્યારે થયું કે કોઈપણ લોકમેળો કોઈ સંસ્કૃતિનો પ્રાણ છે અને એ પ્રાણને capture કરો તો આપોઆપ સંસ્કૃતિ પણ capture થઈ શકે છે...
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.