બંધારણના અનુચ્છેદ-૧૭૬(૧) હેઠળ કેબિનેટે તૈયાર કરેલા સંબોધનને રાજ્યપાલ યથાવત્ વાંચવા બંધાયેલા છે કે નહીં તે અંગે બંધારણમાં મૌન છે. ૧૯૬૯માં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ધર્મ વીરાએ પોતાની જ ટીકાવાળા અંશો વાંચવાનો ઇનકાર કરતાં બંધારણીય સત્તા અને રાજકીય પરંપરા વચ્ચે સર્જાયેલો ઐતિહાસિક વિવાદ છેક સંસદ સુધી ગાજ્યો હતો.
ભારતના બંધારણના અનુચ્છેદ-૧૭૬(૧)માં એવી જોગવાઈ છે કે રાજ્યપાલ વિધાનસભાની દરેક સામાન્ય ચૂંટણી પછીના પહેલા સત્રને અને દર વર્ષના પહેલા સત્રના પ્રારંભે વિધાનસભાને અથવા વિધાનપરિષદવાળા રાજ્યની બાબતમાં એકત્રિત થયેલા બંને ગૃહોને સંબોધશે અને વિધાનમંડળને બોલાવવાના કારણો જણાવશે. રાજ્યપાલ ગૃહને સંબોધન કરવાના હોય તે- ‘સ્પીચ’/ અભિભાષણ/ સંબોધન રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવતું હોય છે. જે કેબિનેટ (મંત્રીમંડળ) દ્વારા મંજૂર કરવામાં આવે છે. આ સંબોધનમાં રાજ્યપાલ પોતાની રીતે ફેરફાર કરી શકે ? રાજ્યપાલ રાજ્ય સરકારે તેમને સોંપેલુ આખેઆખું સંબોધન વાંચે જ તે જરૂરી છે?
આ પ્રશ્નો માટે બંધારણમાં સીધી કોઈ જોગવાઈ નથી. પરંતુ ભૂતકાળના કેટલાંક બનાવો જોઈએ તો આપણને આ સંદર્ભે કેટલી માહિતી મળે છે જેમકે જાન્યુઆરી,૧૯૬૮માં કેરાલાના રાજ્યપાલ કે. કે. વિશ્વનાથએ( જે પછીથી ગુજરાતના ૧૯૭૩-૧૯૭૮ દરમિયાન રાજ્યપાલ રહ્યા હતા.) કેબિનેટે મંજુર કરેલ સંબોધનમાંથી એક શબ્દ અને કેન્દ્ર સરકારની ટીકા વર્ણવતો ભાગ સંબોધનમાંથી દૂર કર્યો હતો. પરંતુ આ અંગેનો રસપ્રદ બનાવ પશ્ચિમ બંગાળ વિધાનસભા ખાતે ૧૯૬૯માં બન્યો હતો.જેમા તે સમયે રાજ્યપાલ પદે રહેલ ધર્મ વીરાનો પરિચય કરી લઇએ.
૧૯૩૦માં ભારતીય સનદી સેવા (આઇ.સી.એસ.) માં જોડાયેલા ધર્મ વીરા - એક વહીવટી કુનેહ ધરાવતા અધિકારી ગણાતા. આઝાદી બાદ ભારતના ભાગલા થયા તેવા કપરા કાળમાં તેઓ કેબિનેટ સચિવાલયમાં તથા ત્યારબાદ વડાપ્રધાન નહેરુના અગ્ર અંગત સચિવ (પી.પી.એસ.) પદે રહીને સફળતાપૂર્વક ફરજ બજાવી ચૂક્યા હતા અને પોતાની કારકિર્દીના અંતિમ સમયમાં તેઓ કેબિનેટ સેક્રેટરી પણ રહ્યા હતા. તેમની વહીવટ ઉપરની પકડ તથા અનુભવને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે તેમને પંજાબ (૧૯૬૬-૧૯૬૭) , પશ્ચિમ બંગાળ (૧૯૬૭-૧૯૬૯ અને કર્ણાટક (૧૯૬૯-૧૯૭૨) જેવા રાજકીય રીતે ચુનૌતીપૂર્ણ રાજ્યોમાં રાજ્યપાલ પદે નિમણૂક આપી હતી. તેમના પશ્ચિમ બંગાળના રાજ્યપાલ પદના અનુભવ ‘કેસ સ્ટડી’ બને તેમ છે.
૧૯૪૭થી ૧૯૬૭ સુધીનો સમય ભારતા દેશ અને તેના રાજ્યોમાં એકપક્ષીય સરકારોનો રહ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો વિજય રથ ૧૯૬૫ પછી ઘણા રાજ્યોમાં ધીમો પડ્યો અને ત્યારબાદની યોજાયેલ ચૂંટણીઓમાં ઘણા રાજ્યોમાં ગઠબંધનથી બિન-કોંગ્રેસી સરકારો રચાઇ. તેવા સમયે રાજ્યપાલની ભૂમિકા ઘણી જ ચાવીરૂપ બનવા લાગી હતી. ૧૯૬૭માં પશ્ચિમ બંગાળમાં ‘યુનાઇટેડ ફ્રન્ટ’ નામની બાંગ્લા કોંગ્રેસ અને ડાબેરી વિચારધારાઓવાળા પક્ષોની સરકાર મુખ્યમંત્રી અજોય કુમાર મુખરજીના વડપણ હેઠળ કાર્યરત હતી. તેમાંથી બાંગ્લા કોંગ્રેસના કેટલાક સભ્યોએ ‘દલબદલ’ કરતા એક સમયે એવો આવ્યો કે રાજ્યપાલે સરકાર બરખાસ્ત કરી અને રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું.
એક વર્ષ જેટલા ચાલેલા રાષ્ટ્રપતિ શાસન બાદ યોજાયેલ ચૂંટણીમાં ૧૯૬૯માં ફરીથી ‘યુનાઇટેડ ફ્રન્ટ’ની જ સરકાર સત્તા પર આવી. હવે રાજ્યપાલ ધરમ વીરા માટે નવી સરકાર સામે સંકલન સાધવું આકરું થઈ પડ્યું. અગાઉની બરખાસ્તગી ન ભૂલેલા ‘યુનાઇટેડ ફ્રન્ટ’એ બદલો લેવાનો ‘મૂડ’ બનાવ્યો. રાજ્યપાલ જ્યારે વિધાનમંડળના બંને ગૃહોને સંબોધન કરશે ત્યારે તેમનો ઘેરાવ કરવાની ધમકી તેમને અપાઇ ! તેમ છતાં રાજ્યપાલ સંબોધન માટે વિધાનસભા પહોંચ્યા તે દિવસે ‘યુનાઇટેડ ફ્રન્ટ’ના કાર્યકરો વિધાનસભાની ભીડને કાબૂમાં રાખતા જોવા મળ્યા તથા તે જગ્યાએ પોલીસની ગેરહાજરી ઉડીને આંખે વળગતી હતી. કંઈક નવાજૂની થવાના એંધાણ તેના વાતાવરણમાં વર્તાતા હતા. રાજ્યપાલ જ્યારે વિધાનસભા ગૃહમાં આવે ત્યારે તેમનો એક ‘પ્રોટોકોલ’ હોય છે પરંતુ તે દિવસે રાજ્યપાલ ગૃહમાં પ્રવેશ્યા ત્યારે ‘યુનાઇટેડ ફ્રન્ટના સભ્યો રાજ્યપાલના માનમાં ઊભા ન થયા. રાજ્ય સરકારે રાજ્યપાલને જે સંબોધન આપ્યું હતું તેમાં તેમને તેમની સરકારને અગાઉ બરખાસ્ત કરી હતી તે તથા કેન્દ્ર સરકારે એમા ભાગ ભજવ્યો છે તેવી ટીપ્પણીવાળા ભાગો/વાક્યો હતા. રાજ્યપાલ માટે એક અજીબ પરિસ્થિતિ સર્જાઇ. પોતાના સંબોધનમાં તેમણે પોતાની જ ટીકા કરવાની આવી પરંતુ રાજ્યપાલે આ બાબતે કાયદાકીય સલાહ લીધી હતી તેથી તે દિવસે વિધાનસભામાં તે વાક્યો રાજ્યપાલે વાંચ્યા નહીં. ત્યારે આ બાબત સંદર્ભે મુખ્યમંત્રી અજોય કુમાર મુખરજીએ તરત જ એ ચાલુ સંબોધન દરમિયાન ઊભા થઈને પોતાનો વિરોધ નોંધાવ્યો.રાજ્યપાલે સંબોધનનો અમુક ભાગ ન વાંચવા અંગે તેમણે કરેલો વિરોધ વિધાનસભાની કાર્યવાહી નોંધમાં દર્જ થાય તેવો તેમણે આગ્રહ રાખ્યો. રાજ્યપાલનું સંબોધન પૂર્ણ થયું અને તેમના વિધાનસભા ગૃહમાંથી જતા જ ગૃહમાં ભારે વિરોધ અને સૂત્રોચ્ચાર ગાજી ઉઠ્યા.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલના સંબોધનને લગતી આ ઘટનાના પડઘા તરત જ નવી દિલ્હી ખાતે પડ્યા. ૬ માર્ચ,૧૯૬૯ રોજ લોકસભામાં વિરોધ પક્ષના સભ્યોએ આ મુદ્દો ઉપસ્થિત કરી ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે અંગેનો જવાબ ત્યારે શક્ય ન બનતા ૧૦ માર્ચ,૧૯૬૯ના રોજ ફરી લાંબી ચર્ચા થઇ અને અંતે ગૃહ મંત્રી વાય.બી.ચવ્હાણએ તેમનું સ્ટેટમેન્ટ ગૃહમાં રજૂ કરી સરકારનો પક્ષ રજુ કર્યો. આ વિષયમાં ન્યાયિક અભિગમ અને સંસદીય પરંપરા વચ્ચે હંમેશા તણાવ જોવા મળ્યો છે.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે