Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

૧૯૫૨ની ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં આઝાદી અપાવનાર કોંગ્રેસ પક્ષના બે કદાવર નેતાઓ - જય નારાયણ વ્યાસ (રાજસ્થાન) અને મોરારજી દેસાઈ (બોમ્બે) મુખ્યમંત્રી પદના દાવેદાર હોવા છતાં ચૂંટણી હારી ગયા હતા. આ ઐતિહાસિક ઘટના દર્શાવે છે કે લોકશાહીમાં ભૂતકાળની સિદ્ધિઓ કરતાં જનતાનો વર્તમાન વિશ્વાસ જ સર્વોપરી છે.

૧૯૫૨માં ભારતમાં દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી સાથે  ઘણા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ યોજાઇ હતી. આપને નવાઈ લાગશે કે દેશને આઝાદી અપાવવામાં મોટો ફાળો આપનાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના તે સમયના બે મુખ્યમંત્રીઓ પોતાની બેઠકો પરથી હારી ગયા હતા. પશ્ચિમ ભારતના બે મોટા રાજ્યો - રાજસ્થાન અને બોમ્બેના મુખ્યમંત્રીઓ કે જેઓ અંગ્રેજો સામેની લડતોમાં સક્રિય હતા અને કોંગ્રેસ પક્ષના કદાવર નેતા ગણાતા હતા. પ્રજાએ તેમને નકાર્યા હતા.



     ૧૯૨૦ના વર્ષની આસપાસના સમયમાં રાજસ્થાનમાં તે સમયના નેતાઓ કે જેઓ મોટે ભાગે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા. તેઓ ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે અને રજવાડાઓની સામંતશાહી જોહુકમી સામે એમ બન્ને મોરચે લડતા હતા. તે સમયે ‘મારવાડ હિતકારીણી સમિતિ’ તથા ‘મારવાડ લોક પરિષદ’ જેવી સંસ્થાઓથી રાજાઓ સામે પ્રચંડ જનમત  ઉભો થયો હતો. તેના પરિણામે રાજવીઓએ પોતાના વિસ્તારોમાં થોડા ઘણા વહિવટી સુધારાઓ કરવા પડ્યા અને કેટલીક છૂટછાટો આપવી પડી.  આ લડતમાં મોખરે  રહેતા હતા-જય નારાયણ વ્યાસ. તેમની સક્રીય નેતાગીરીના કારણે તેઓ ૧૯૪૮માં જોધપુર રજવાડાના ‘પ્રધાનમંત્રી’ બન્યા હતા.જવાહરલાલ નેહરૂના કરીબી મનાતા જય નારાયણ વ્યાસ માર્ચ, ૧૯૫૧માં ભૌગોલિક રીતે વિશાળ એવા રાજસ્થાન રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તે દરમિયાન ૧૯૫૨માં રાજ્યની વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ.



 
  ભારતના એકીકરણથી જેમની  સત્તા, સંપત્તિ, માન-મરતબાને હાનિ પહોંચી હતી તેવા  રાજવીઓ ચૂંટણી લડી લોકશાહી રીતે પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે થઈને કોંગ્રેસ પક્ષની સામે ચૂંટણી  લડી રહ્યા હતા. રાજવીઓએ સત્તા- સંપત્તિ ભલે ગુમાવ્યું હોય પરંતુ તેમની જનતાના હૃદયમાં હજુ તેમનું સ્થાન અકબંધ હતું. આ ચૂંટણીમાં ‘જોધપુર શહેર-બી’ વિધાનસભા મતવિસ્તારમાં જોધપુરના ૨૭મા રાજા એવા હનવંત સિંહએ મુખ્યમંત્રી જય નારાયણ વ્યાસને કારમી હાર આપી. તે ચૂંટણીમાં જોધપુર નરેશને ૧૧,૭૮૬ મતો મળ્યા જ્યારે મુખ્યમંત્રીશ્રી વ્યાસને માત્ર ૩૧૬૯ જેટલા મતો મળતા તેમણે પોતાની ડિપોઝિટ પણ ગુમાવી હતી.  વધુ શરમજનક બાબત એ થઈ કે મુખ્યમંત્રીશ્રી પોતે બે બેઠકો પર ચૂંટણી લડી રહ્યા હતા. બીજી બેઠક ‘ઝાલોર-એ’  એ મતવિસ્તારમાં પણ તેઓ હારી ગયા પરંતુ આ બાબતમાં વળાંક એવો આવ્યો કે ચૂંટણીનું પરિણામ આવે અને પોતે મેળવેલ જીતનો જશ્ન મનાવે તે પહેલા જોધપુરના રાજા અને તેમના પત્ની પ્લેન ક્રેશ દુર્ઘટનામાં માર્યા ગયા. મુખ્યમંત્રી હારતા વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે ટિકા રામ પાલીવાલને મુખ્યમંત્રી પદે બેસાડવામાં આવ્યા. બીજી તરફ તે જ વર્ષે કિશનગઢ મતવિસ્તારની પેટા ચૂંટણી જીતીને જય નારાયણ વ્યાસ ફરીથી મુખ્યમંત્રીની ખુરશી મેળવવામાં સફળ રહ્યા અને ૧૯૫૪ સુધી તેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી રહ્યા. 



 હવે રાજસ્થાન પછી જઈએ બોમ્બે. વયને કારણે બોમ્બેના મુખ્યમંત્રી રહી ચૂકેલા બાળા સાહેબ ખેર એ  ૧૯૫૨ની વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઇન્કાર કર્યો. તેમના બાદના  તેમના મંત્રીમંડળના બીજા સ્થાને ગણાતા મહત્વના પ્રધાન એટલે ગુજરાતના મોરારજી દેસાઈ કે જેઓ હવે મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન જ થવાના હતા પછી જે ઘટના ઘટી તે આગળ જોઇએ.



બોમ્બે રાજ્યના વલસાડ- ચીખલી મતવિસ્તારની બિન અનામત બેઠક પરથી કુલ-૩ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હતા. જેમાંના  એક કે જેમના કારણે આ બેઠક વી.વી.આઈ.પી. બની ગઈ તે હતા મોરારજી રણછોડજી દેસાઈ. તેમનો મુકાબલો હતો સમાજવાદી એવા ડૉ. અમૂલ દેસાઈ સામે. ૧૭ જાન્યુઆરી,  ૧૯૫૨ના રોજ ચીખલી- વલસાડ મતવિસ્તારની બિન અનામત બેઠક પર ત્રીજી વારની મતગણતરી પૂર્ણ થઈ અને મોરારજી દેસાઈ સમાજવાદી પક્ષના ડૉ. અમૂલ દેસાઈ સામે માત્ર ૧૯ મતોથી હારી ગયા.  ત્રીજીવારની  મતગણતરીમાં  પ્રથમ- બીજી મતગણતરીની ક્ષતિઓ પણ સુધારવામાં આવી. અંતે ડૉ. અમૂલ દેસાઈ માત્ર ૧૯ મત જેવી નજીવી સરસાઈથી મોરાજી દેસાઈ સામે વિજય બન્યા. ત્યારબાદ પરાજિત ઉમેદવાર મોરારજી દેસાઈ ‘અમદાવાદ’  બેઠક પરથી પેટા ચૂંટણીમાં વિજેતા બન્યા અને બોમ્બે રાજ્યના  મુખ્યમંત્રી બન્યા.ઉપર જણાવેલા બન્ને કિસ્સાઓમાં અંગ્રેજો સામે આઝાદીની ચળવળમાં એકહથ્થુ લોકપ્રિયતા મેળવેલી હોવા છતાં લોકશાહી ઢબે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના કદાવર ગાંધીવાદી નેતાઓ રાજાઓ અને સમાજવાદીઓ સામે હારી ગયા.આ જ છે લોકશાહીની સુંદરતા.નેતાઓએ દર પાંચ વર્ષે જનતાનો વિશ્વાસ જીતવાનો રહે છે.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે