Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

વર્ષ ૧૯૯૯માં મનાલી નજીકના બહંગ ગામની શાંત પગદંડીઓ, ગાર-માટીના ઘરો પરના પીળા લોકચિત્રો અને બિયાસ નદીના ખળખળ વહેણ વચ્ચે વિતાવેલી ક્ષણોનું આ એક જીવંત દસ્તાવેજીકરણ છે. પ્રકૃતિ અને પહાડી સંસ્કૃતિને કેમેરાની સાથે સ્મરણોમાં કંડારતી આ અવિસ્મરણીય સ્મૃતિ યાત્રા છે.

આગલે દિવસે સવારથી મનાલીથી છ-સાત કિલોમીટર દૂર કુલ્લુ વેલીના ઉતરી છેડે રહેલા પરંતુ મનાલીની દક્ષિણે રહેલા જગતસુખ ગામનું excursion કરેલું. બિયાસ નદીના ડાબે કાંઠે વસેલા આ પ્રાચીન ગામના જગતસુખ મંદિર પરિસરમાં દ્રાપરયુગમાં પાંડવો દ્વારા સ્થાપિત કરાયેલા સંધ્યા ગાયત્રી મંદિર અને નાગર શૈલીનું શિખર ધરાવતા ગૌરીશંકર મંદિરને નિરાંતે જોઈ, ફોટોગ્રાફિ કરી અમે છ સહપ્રવાસીઓ સાંજ સુધીમાં મનાલી પાછા ફરેલા.



    જગતસુખ મંદિર પરિસર explore કર્યાને બીજે દિવસે સવારે ચા-પાણી, નાસ્તો કરી અમે મનાલીના હિમાચલ પથ પરિવહનના બસ સ્ટેન્ડથી બસમાં બેસી મનાલીની ઉત્તરે રહેલા બહંગ કે ભાંગ ગામ તરફ ઉપડ્યા ત્યારે બારીમાં બેઠા બેઠા જ મેં એક કિશોરવયના બાળકનો ફોટો ખેંચ્યો.સ્કુલે જવાનું દફતર પાછળ નાખીને પોતાના બળદને વૃક્ષની ડાળની લાકડિએ હાંકતો તે છોકરો અને તેના બળદનો ફોટો લીધો ત્યારે તે બંને વચ્ચે દોરાવાર જગ્યા પણ જો છુટી હોત તો સંયોજનમાં રહેલા બંને વિષયો બરાબર figure out થાત પરંતુ તેની માટે ગતિમાં રહેલા તે વિષયની મારે બે-ત્રણ ક્લિક લેવાની જરૂર હતી પરંતુ હું તો બસની બારીમાં બેસીને ફોટોગ્રાફિ કરતી હોવાથી બીજી click પહેલા તો બસ આગળ નીકળી ગઈ.



    સ્થાનિક હિમાચલીઓને લઈને સોલાંગ વેલી અને રોહતાંગ પાસ તરફ મનાલીથી ઉત્તર દિશામાં જતી બસ નેશનલ હાઈ વે નંબર ત્રણ પર ચાલતી હતી અને અમે વશિષ્ઠ અને બુરવા ગામ નજીક આવેલા ભાંગ નામના ગામે તો અડધી-પોણી કલાકમાં જ પહોંચીને બિયાસની પૂર્વ બાજુએ રહેલા આ ગામમાં ઉતર્યા ત્યારે લીલીછમ ટેકરીઓ, સફરજનના બગીચાઓ અને બરફાચ્છાદિત પર્વત શિખરોનું આ ગામ તેના શાંત સ્વાંગમાં અમને હિમાલયના ગામડા ગામનું ચિત્રમયી દ્રશ્ય દેખાડી રહ્યું હતું જેમાં ગાર-માટીના ઘર-ખોરડા તો હતા જ પરંતુ હિમાચલી ગામના આંગણેથી ઉડીને નજીકના ઈલેક્ટ્રિક વાયર પર બેઠેલા શાંતિદૂત જેવા સફેદ કબૂતરો પણ હતાં જે વાયર પર સમતુલા જાળવવા હાલક ડોલક થતાં હતા.



    જગતસુખમાં તો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત પ્રાચીન મંદિર પણ હતું પરંતુ મનાલી આસપાસના નાના ગામડાઓમાંથી ૩, ૯૦૦ ફુટની ઊંચાઈ પર રહેલા ભાંગ નામના આ ગામે અમને પાંચ સહપ્રવાસીઓને લાવવા પાછળનો સુભાષનો હેતુ તો મનાલીની ધમાલથી દૂર જવાનો, બિયાસના કિનારે બેસવાનો, સફેદ લીસ્સી શિલાઓ અને પથ્થરો વચ્ચે વહેતી બિયાસના કિનારેથી આસપાસના બરફાચ્છાદિત પર્વતોને નિરાંતે જોવાનો અને કોઈ નાની trail પર નદીની સમાંતરે ચાલવાનો હતો.



    આવી નિરાંતને explore કરવાને ઈરાદે સોલાંગ વેલી તરફ જતાં trekkersના પ્રવેશદ્વાર ગણાતા આ ભાંગ કે બહંગ ગામમાં અમે ચાલવાનું શરુ કર્યું ત્યારે ૧૯૯૯ના મે મહિનામાં તો સો-દોઢસો ખોરડાના આ ગામના એક ગાર-માટી અને લાકડાના ઘરે ઘરનો મુખ્ય દરવાજો અને તેની બંને બાજુએ રહેલા નાના-નાના બે ગોખલા પરનું પરંપરાગત ભીંતચિત્ર જોઈને હું અટકિ ગઈ.



    આ ઘરે ડાબી બાજુ લાકડાનો દાદરો હતો અને મોટા-મોટા સ્થાનિક પથ્થરોથી પેવમેન્ટ કરેલા આંગણામાં કબૂતરાઓ દાણા ચણતા હતા.ઘરની અંદર જવાના ગેરુવા રંગના લાકડાનાં દરવાજા અને તેની સાથેની ભીંત પર દોરેલા ચિત્રનો નજીકથી ફોટો પાડવા થોડા ડગલા આગળ જવાની બદલે પહેલા તો આવું મજાનું ઘર આંગણું જોઈને એક ફોટો દૂરથી જ પાડ્યો એટલે કબૂતરો પણ ઉડી ન જાય અને મને કબૂતરો સહિતનું આંગણું મળે.



    કબૂતરોને foregroundમાં રાખી ગેરુવા રંગ પર માટી જેવા પીળા રંગથી દોરેલા પરંપરાગત પ્રતિકોના લોકશૈલીના ચિત્રને નજીક જઈને જોયું તો તેમાં સૌથી ઉપર ઢીંગલી કે પુતળીઓ ચીતરી હોય તેવા લાઈનબંધ ત્રિકોણ ઉપર ગોળ માથું દોરેલું હતું અને વારલી ચિત્ર શૈલીમાં જોવા મળે છે તેવા એક એક લાઈનથી દોરેલા હાથ-પગ હતાં.કચ્છ-કાઠિયાવાડના મોતીના તોરણોમાં હોય તેવા પૂતળીઓના પ્રતિકો અને ભાત અહીં આટલે દૂર રહેલા હિમાલયમાં જોઇને હું ખુશ થઈ ગઈ.



      સત્તરમી-અઢારમી સદીમાં હિમાચલની કુલ્લુવેલીમાં પહાડિ miniature painting તરીકે flourish થયેલા કુલ્લુ school of painting વારંવાર કુલ્લુ-મંડિ કલમ તરીકે ઉલ્લેખાતા સાંભળ્યા હતા અને રાધા-કૃષ્ણના પ્રેમનું નિરૂપણ કરતી કાંગરા શૈલીથી તો આપણે વર્ષોથી પરિચિત હોઈએ જ પરંતુ કુલ્લુ અને કિન્નોરી શાલ, હિમાચલી ટોપી, ફૂલન જેવા eco-friendly handmade foot wear, દેવદારના લાકડા પર થતા wood carvings અને હિમાચલના બૌધ્ધ મઠોમાં જોવા મળતાં મ્યુરલ્સ અને થાંકા ચિત્રોની આ ભૂમિમાં મારી બરાબર સામે રહેલું અને ગાર-માટીના ગેરુવા backgroundમાં મેથ્યા પીળા રંગથી આલેખાયેલા rustic પેઈન્ટીંગે મને ખરેખર રોકિ રાખી.



    હજી તો ભાંગ જેવા નાનકડા ગામના રૂપકડા આંગણાને આપણા ભારતના સંસ્કૃતિ-વારસાની સમૃધ્ધ જોળીમાં જતનથી જાળવીને મુકું ત્યાં એ જ ઘરની મેડીએ  એક હિમાચલી સ્ત્રી તેના સંપૂર્ણ હિમાચલી પહેરવેશમાં કારપેટ સુકવવા માટે થઈને ઘરની લોબીમાં આવ્યા અને મેં તેમને પણ સંયોજીને સાચવીને કેમેરાની cartridgeમાં ગોઠવ્યા જાણે કોઈ સોનાની લગડિ ન હોય.



 

      ગાર-માટી અને લાકડા-પથ્થરના indigenous ઘરો, સ્થાનિક પથ્થરોના આંગણાઓ અને જો કોઈ સ્થાનિક હિમાચલી મળે તો તેને જીલતા-કારવતા અમે ભાંગ ગામમાં ચાલી રહ્યા હતા ત્યારે મારા સહપ્રવાસી કાર્તિકેયભાઈ અને દિપકને પણ આંગણામાં વાછરડી બાંધી હોય તેવું ઘર મળ્યું.દૂધ જેવી સફેદ દિવાલ તેની નીચે ગાર-માટીનો ખાખી રંગનો એક-બે ફૂટનો પટ્ટો, તેની મધ્યે ગેરુવા રંગનું બારણું અને તેની પર yellow ochre [મેથ્યા પીળા] રંગે એટલે કે માટી જેવા મેથ્યા પીળા રંગે દોરેલ vertical ભાત અને પરંપરાગત દેશી પ્રતીકોના ચિત્રોએ અમારી ભાંગની મુલાકાતને જાણે ભારતના rustic paintingના દસ્તાવેજીકરણમાં ફેરવી હોય તેવો ઘાટ, સહજ રીતે, ઘડાતો ગયો જેને જોઇને આજે પણ હું કહિ શકું કે ભાંગ ગામમાં આજથી સત્યાવીસ વર્ષો  પહેલા ઘરના કમાડ પર આવા મજાના ચિત્રો દોરાતાં હતા.



    Village tourism તો છેલ્લા થોડા વર્ષોથી વીકસ્યું પરતું અમે તો ૧૯૯૯માં ભાંગ ગામની આવી cultural village walk લીધી અને ધીમે ધીમે ગામની બહાર નીકળીને ગામના મુખ્ય રસ્તે પહોંચ્યા ત્યારે મારા સહપ્રવાસી દિપક ચૌહાણને ખેતરથી આવતી, ગરમ ધાબળીનો પટ્ટુ, કમર પર ‘બુમની’ અને માથા પર ‘થીપુ’ તરીકે ઓળખાતો સ્કાર્ફ પહેરલી, સ્ત્રી દેખાણી અને દિપકે વાંસ-નેતરની લાંબી-ઊંડી ટોપલી વાળી તે સ્ત્રીનો ફોટો પાડ્યો ત્યારે ઉતાવળે ફોટો થોડો હલી ગયો પરંતુ સત્યાવીસ વર્ષ પહેલાના ભાંગની તસવીર જાણે એક દસ્તાવેજ માફક આપણી પાસે છે તેનો સંતોષ છે કારણ કે ઝડપથી urbanise થતાં હિમાચલી ગામોમાં પણ થીપુ, બુમની અને પટ્ટુ જેવા પરંપરાગત વસ્ત્રો પહેરવાની સંસ્કૃતિ ક્યાં સુધી ટકશે એ ખબર નથી.



    આમ કેમેરાની જોળી ભરતાં-ભરતાં મોટાભાઈ સુભાષ સહિતના અમે છ સહપ્રવાસીઓએ હવે ભાંગમાં વહેતી બિયાસ તરફ ચરણ ઉપાડ્યા ત્યારે એક ખેતરમાં પીઠ પર રાખેલા બાસ્કીટમાં નિંદામણ ભરીને ઘર તરફ જતાં મા-દીકરી મળ્યા જેનો ફોટો પાડતી વખતે લેન્સ સામે કે મારી સામે જોવો એવું કહેતા હજી નોહતી શીખી એટલે નાની દીકરીએ તો ફોટો પાડનાર મારી સામે જોયું પણ બેન શરમાઈને નીચે જ જોઈ રહ્યા એટલે ફોટો તો લીધો પરંતુ એ ફોટો જોઈએ ત્યારે કંઈક ખૂટે છે એવું થયા કરે.



    ખેર, ૧૯૯૯માં તો ત્રણ વર્ષે ત્રગડો ઘૂટતી મારી ફોટોગ્રાફી અને હું અપર કુલ્લુ વેલીમાં વહેતી બિયાસ નદી સુધી પહોંચ્યા ત્યારે સફરજનના બગીચા, ચીડના વૃક્ષો અને ગામની સ્થાનિક walking trailsની સમાંતરે વહેતી બિયાસ પથ્થરો-શીલાઓને સ્પર્શતી વહેતી હતી અને વહેતા વહેતા કહેતી હતી કે હું બિયાસ છું અને મારી કુલ ૪૭૦ કિલોમીટરની લાંબી યાત્રામાં હું ભાંગમાં પણ વહુ છું અને ભાંગ અને ગોશાલ નામના ગામડા વચ્ચેનું હું ભૌગોલિક અને પ્રાકૃતિક divider છું. ચોથી સદીમાં Alexander the greatના અભિયાનમાં તેના થાકેલા સૈનિકોએ પંજાબના મેદાની ઈલાકામાં જ્યાં Alexander સામે જ બળવો કરી આગેકૂચ કરવાની ના પાડેલી ત્યાં હું જ હતી કારણ કે અંતે તો હું પંજાબની સતલજને મળું છું અને તેમાં જ ભળું છું.



    પાઈનના વૃક્ષો વચ્ચે વહેતી અને બરફાચ્છાદિત પર્વત શિખરો વચ્ચેથી પસાર થતી બિયાસને આમ સાંભળતા સાંભળતા અમે તેના રળિયામણા કિનારેથી ઊભા થયા અને ભાંગથી ચાર-પાંચ કિલોમીટર દૂર રહેલા મનાલી તરફની વળતી મુસાફરી શરુ કરતાં પહેલા અમે બપોરનું ભોજન કર્યું અને સોલાંગ વેલી, નહેરુ કુંડ, વશિષ્ઠ village અને જોગીની જળધોધ જેવા નજીકના આકર્ષણો ધરાવતાં બહંગ કે ભાંગ ગામ આસપાસ આમ જ રખડપટ્ટી આદરી.



      આવી રખડપટ્ટી દરમિયાન જે સોનું મળ્યું એની વાત તો પછી માંડીને કરું પરંતુ એ વખતે નદી-પર્વતો, વૃક્ષો અને ગાર-માટીના હિમાચલી ઘરો વચ્ચે પસાર કરેલી એક એક ક્ષણ એક બહુ મોટી વાત કહેતી હતી કે The goal of life is to die with memories not dreams અને અમે પ્રકૃતિ વચ્ચે રહેવાની જે ક્ષણો ભેગી કરી રહ્યા હતા તે આજે અવિસ્મરણીય સ્મરણ યાત્રા સાબિત થઈને કહે છે કે સ્મરણનું મરણ નથી.



    આવા life time achievement જેવા સ્મરણોને વીણવા અમે ભાંગ ગામથી મુખ્ય માર્ગે બહાર આવતાં હતાં ત્યારે...

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.