મુંબઈની કોફીશોપમાં પ્રસૂન જોશીને અચાનક સ્ફુરેલા શબ્દોને શંકર મહાદેવને પોતાની ટ્યૂનમાં પરોવીને 'જીને કે ઈશારે' જેવું અદભુત ગીત સર્જ્યું. ગુલઝાર જેવી જ કાવ્યાત્મક ઊંડાઈ અને 'શામ સિંદૂરી' જેવા પ્રકૃતિના અદભુત વર્ણનથી સજ્જ આ મખમલી ગીત ખરા અર્થમાં કાનના જલસા સમાન છે.
એક હિન્દી ફિલ્મનો ગીતકાર તાજ લેન્ડસ એન્ડ હોટેલ,મુંબઇના કોફી શોપમાં બેઠો છે. રોજ હોય તેવી જ ચહલપહલ કોફીશોપમાં છે.તેણે હજુ કઇ ઓર્ડર નથી આપ્યો. તે એક ફિલ્મના ગીત - માટે સંગીતકાર શંકર –એહસાન-લોયના શંકર મહાદેવનની રાહ જોઇ રહ્યો છે.સંગીતકારના આવવાની રાહ જોતા જોતા ગીતકારને પાંચ- છ પંક્તિઓ અમસ્તી જ સૂઝી.સર્જકોને પ્રેરણા ગમે ત્યારે અને ગમે ત્યાંથી આવે. કવિ પત્રકાર વેણીભાઈ પુરોહિત આ પરિસ્થિતિને હું ગાભણો થયો છું તેમ કહેતા અને લખવા બેસી જતા.
ગીતકારે "કુછ ખુશ્બૂએ યાદો કે જંગલ સે બેહ ચલી", "બિછડે થે કિનારે મિલ ગયે" વગેરે શબ્દો લખ્યા. આ છુટા પડેલા મોતી હતા. એને એક હારમાં પરોવાનું કામ સંગીતના ઝવેરી એવા શંકર મહાદેવને કોફીશોપમાં આવતાની સાથે જ કરી દીધું. ગીતકાર એ લખેલા કાગળને સંગીતકાર શંકર મહાદેવને જોઈ લીધો અને એ શબ્દોને થોડા ગુનગુનાવીને તરત જ એક ટ્યૂનમાં પરોવીને તે ગાવા લાગ્યા. બસ, આમ જ આ ગીત તૈયાર થઈ ગયું. પાછળથી ફિલ્મના દિગ્દર્શક રેવથી(જૂની "બાગી" ફિલ્મના હિરોઈન તેમજ "ટુ સ્ટેટસ"માં આલિયા ભટ્ટની માતાની ભૂમિકા ભજવનાર) એ આ ગીતને લીલી ઝંડી આપી. આ સમગ્ર કિસ્સો ઉપરના કિસ્સામાં જે ગીતકાર છે તેવા પ્રસૂન જોશીએ પોતાના પુસ્તક ‘સનસાઇન લેન્સ અ પોએટીક જર્ની’માં લખ્યો છે.આ તો થઇ ગીતના નિર્માણ પહેલાની વાતો હવે એના શબ્દોની સુંદરતા માણીશું.
૨૦૦૪ના વર્ષમાં રિલિઝ થયેલી ફિલ્મ "ફિર મિલેંગે" ‘એઇડસ’ જેવા ચર્ચાસ્પદ રોગ ઉપર આધારીત હતી જેના દિગ્દર્શક હતા આશા કેલ્લુનીની એટલે કે રેવથી. જેમણે તામિલ, મલયાલમ અને કેટલીક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. આજે આ ફિલ્મના એક ગીત "જીને કે ઈશારે... "ની વાત કરવી છે.
ગીતની ફિલ્મમાં સિચુએશન એવી છે કે એક રિ-યુનિયનમાં નાયિકા તમન્ના (શિલ્પા શેટ્ટી) અને કોલેજ જુના મિત્ર રોહિત (સલમાન ખાન) ફરી મળે છે. આ પ્રેમનો ઈકરાર કરતુ આ ગીત ત્યારે આકાર લે છે. ગીતકાર પ્રસૂન જોશી આ ગીતના શબ્દો એવા જીવંત છે કે એ નીરવતામાં વરસાદની બૂંદ જે ધ્વનિ સર્જે છે તેવો જ ધ્વનિ આપણા કાનમાં પડે છે. ‘વેલકમ જીંદગી’ નાટકમાં સૌમ્ય જોશીએ લખ્યું છે તેમ –“આ કાનના જલસા છે જે આંખથી ન કરાય.”
ઉત્તરાખંડ જેવા કુદરતી-રમણીય સૌંદર્યથી ભરપૂર રાજ્યમાંથી આવતા પ્રસૂન જોશી પાસે કુદરતી- નૈસર્ગિક કાવ્ય પંક્તિઓનો ભરપૂર સ્ટોક છે. નાની ઉંમરમાં જ કવિતા લખવા લાગેલા તથા સાહિત્યિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેલા પ્રસૂન જોશી પોતે લખેલા ફિલ્મી ગીતો ઉપર પણ સાહિત્યનો રંગ લગાવતા રહ્યા છે- જેમ કે "ધૂપ કે સિક્કે", " યે સાજિસ હૈ બુંદો કી", "તારે જમી પે", "ધૂપ કે મકાન સા યે સફર" જેવા શબ્દો અને ગીતમાં લખતા પ્રસૂન જોશી જાણે ગીતકાર ગુલઝારની હરીફાઈમાં ઉતર્યા હોય એમ લાગે.ગીતના શબ્દોને ધ્યાને લેતા રહેજો.
कुछ ख़ुश्बुएं यादों के जंगल से उड़ चलीं
कुछ खिड़कियाँ लम्हों की दस्तक पे खुल गईं
कुछ गीत पुराने रक्खे थे सिरहाने
कुछ सुर कहीं खोए थे बन्दिश मिल गई
जीने के इशारे मिल गए
बिछड़े थे किनारे मिल गए
कुछ ख़ुश्बुएं साँसों से साँसों में घुल गईं
कुछ खिड़कियाँ आँखों ही आँखों में खुल गईं
कुछ प्यास अधूरी, कुछ शाम सिंदूरी
कुछ रेशमी गुनाहों में रातें ढल गईं
जीने के इशारे मिल गए
પ્રસૂન જોશીએ અહીં ગુલમહોરને પ્રેમના પ્રતિક તરીકે રાખ્યું છે તો શબ્દ "શામ સિંદુરી" માણવા જેવો છે. આ શબ્દ કુદરતના નિરીક્ષણથી જ ગીતકારે લખ્યો હોય એવું લાગે છે. ક્યારેક સાંજનું એ લાલાશયૂક્ત વાદળોનું વાતાવરણ તમે જોયું જ હશે. પ્રસૂન જોશી ‘શામ સિંદુરી’ શબ્દ લખી તમને એ સાંજની યાદ અપાવી જાય છે.
કાનોના જલસા કરાવતું, ધીમી ધીમી આંચ પર લિજ્જત આપતું, શંકર મહાદેવનના મખમલી અવાજમાં આ ગીતનો ચોક્કસ લુત્ફ ઉઠાવજો.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે