Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

અટલ ટનલ બન્યા પહેલાં, ઉદેપુરથી મનાલીની HRTC બસ મુસાફરી દરમિયાન હિચહાઈકિંગ, તોફાની પાગલ નાળું, લપસણો બ્લેક આઈસ, ૧૩,૦૫૦ ફૂટે રોહતાંગ પાસ અને ગુલાબાના રોમાંચક ટ્રાફિક જામ વચ્ચે લેખકે ભય, કુદરતી સૌંદર્ય અને જીવંત હિમાલયન સ્પિરિટનો અદ્ભુત સમન્વય આલેખ્યો છે.

    લાહૌલ અને સ્પીતિ જીલ્લાના ૮,૧૧૦ ફુટ ઊંચા ઉદેપુરમાં આ અમારી ત્રીજી સવાર હતી અને આગલા બે દિવસોમાં અમે એક દિવસ મિરકુલા દેવીના પ્રાચીન મંદિર અને ચંદ્રભાગાના ખડકાળ કિનારાને અને બીજો આખો દિવસ ઉદેપુરથી કુકુમશેરી ગામ થઈને ૧૦૦૦ વર્ષ પ્રાચીન ત્રિલોકિનાથ મંદિરનો ટ્રેક કર્યો હતો અને એવા ૯,૦૫૫ ફુટ ઊંચા high altitude trekમાં વળતી વખતે hitchhiking કરીને ઉદેપુરના અમારા નિવાસ સ્થાને પહોંચેલા.




    ત્રિલોકિનાથ મંદિર નજીકના હિન્સા જેવા નાના ગામડામાંથી પસાર થતા એક ટ્રેકટરને ઊભું રખાવીને ડ્રાઈવરની કૃપાથી સંધ્યાકાળ પહેલા ઉદેપુર પહોંચેલા અમારામાંથી બે જણાને હિચહાઈકીંગનો અનુભવ હતો અને બીજા ચારે એ અનુભવ અંકે કર્યો અને જાણ્યું કે અજાણ્યા વાહનને અંગુઠો દેખાડીને કે હાથ હલાવીને ઊભું રખાવીને કેવીરીતે આપણા ગંતવ્યે પહોંચી શકાય છે અને જો મુસાફરી લાંબી હોય તો એકાદ-બે પડાવો પર ડ્રાઈવર ભાઈની ચા-કોફી-નાસ્તાના પૈસાની ચૂકવણી કરીને હિચહાઈકિંગને ભાઈચારમાં બદલી મૈત્રીભાવે ઉજવી પણ શકાય છે. 




    ક્યુબા, ઈઝરાયલ અને પોલેન્ડ જેવા દેશોમાં તો જીવનમાં વણાયેલી આ હિચહાઈકિંગની પરંપરાનો અમે પણ ઉપયોગ કર્યો અને ત્રિલોકિનાથના ટ્રેકની બીજી સવારે ઉદેપુરથી મનાલી જવા નીકળ્યા ત્યારે ઉઘડતી સવારની ઠંડીમાં વૃક્ષાચ્છાદિત પર્વતોના ખોળે ઉછરતી એક લાહૌલી સ્કુલના દર્શન થયા જે લીલીછમ ભૂમિ પર પોતાના જીવંત ફળીયે હિમાચલી બાળકોનું હેત લઈને ઊભી હતી અને મને ઉનાળાના વેકેશનમાં at a stretch પાત્રીસ દિવસ બંધ રહેતી મારી ભાવનગરની નિશાળ, બી.એમ કોમર્સ હાઈસ્કુલ, તેનું વિશાળ પટાંગણ અને એક હજાર જેટલા બહોળા વિધાર્થી ગણનું સ્મરણ કરાવતી હતી.




    સ્મરણની આવી પોટલી બાંધી અમે છ સહપ્રવાસીઓ ઉદેપુરના સ્થાનિક બસ સ્ટેન્ડ પહોંચ્યા જ્યાંથી અમારે હિમાચલ પથ પરિવહનની [HRTC] બસ દ્વારા ઉદેપુરથી છેક મનાલી સુધીનું ૧૧૦ કિલોમીટરનું ખડકાળ અંતર કાપવાનું હતું. 




    ચંબા જીલ્લાના પાંગી તાલુકાના કિલરથી મનાલી જતી બસ ઉદેપુરના બસ સ્ટેન્ડ પર આવી અને અમે classic pre-Atal tunnel route એટલે કે ૧૯૯૯ના મે મહિનામાં અટલ ટનલ બન્યા પહેલાના લાહૌલથી કુલ્લુવેલી તરફ જવાના રૂટ પર ચાલતી સરકારી બસમાં બેઠા. ટાંડી-કિશ્તવર રોડ પર ચાલતી બસ ઉદેપુરથી કેલોન્ગના પચાસેક કિલોમીટરમાં ચંદ્રભાગાની સમાંતરે ચાલતી હતી અને શીલાઓ-પથ્થરો સાથે અફળાતી-ફિણાતી અને વૃક્ષોવાળા પથરાળ કિનારાને પ્રેમથી સ્પર્શતી ચંદ્રભાગા પણ અમારી માફક ઉદેપુરથી કેલોન્ગ તરફ  જઈ રહિ હતી.




    દર્શનીય trans-Himalayan route એટલે ૧,૧૦૦ કિલોમીટરની mid અને high altitude mountain passesની આખી સળંગ યાત્રામાંથી અમે તો અત્યારે લાહૌલથી કુલ્લુવેલીની હિમાચલી યાત્રા કરી રહ્યા હતા જે epic high-altitude route પર પસાર થતાં વચ્ચે આવતા ખડકાળ રણ જેવા ભુપ્રદેશમાં વળી હિમાચ્છાદિત શિખરો, પર્વતો અને પર્વતમાળાઓ પણ આવે અને ઊંડી ખીણો પણ આવે અને એટલે જ એ cold desert તરીકે ઓળખાય તે સમજાતું હતું.




    પીર પંજાલ અને ઝંસ્કર જેવી trans-Himlayan પર્વતમાળાના દર્શન કરતાં કરતાં અમે ઉદેપુરથી કેલોન્ગ અને કેલોન્ગથી ટાંડિ પહોંચ્યા ત્યારે ભૂસ્ખલનની ભીંતીવાળો સંવેદનશીલ ગણાતો મનાલી-લેહ હાઈ-વે અમને ભયંકર જોખમી જર્નીના પણ દર્શન કરાવી રહ્યો હતો અને આવી જોખમી બસ મુસાફરીના સહારે અમે ચંદ્રા અને ભાગાના સંગમને cross કરીને સુખરૂપ સિસ્સુ પહોંચ્યા ત્યારે મન-હ્રદયમાં થોડો હાશકારો થયો કારણ કે ૧૯૯૯માં આજથી, ઓલમોસ્ટ, સત્યાવીસ વર્ષ પહેલા તો આ રોડ unpaved અને rough હતો. 




      ઉનાળામાં ગ્લેશિયર ઓગળવાથી અને ચોમાસામાં વરસાદને લીધે અચાનક આવતા પુરને લીધે રસ્તો રોકિ લેતા ટાંડિ-ઉદેપુર વચ્ચેના રંગે નાળાને [Range Nallah] પણ ઓળંગીને છેક સિસ્સુ તો પહોંચી ગયા હતા પરંતુ રંગે નાળાના રોડ પર મલબો ઉપરથી ઘસી પડીને રસ્તો રોકે તેમાંથી બચ્યા પછી આટલી મોટી બાવન જણાની, સાંકડે મારગે હાલકડોલક થતી, HRTCની બસ જ્યારે સિસ્સુ પાસેના unpredictable ગણાતા પાગલ નાળા પહોંચી ત્યારે ભૂસ્ખલન prone આ પર્વતીય ઝરણું શું ખેલ દેખાડશે તે ખબર નોહતી કારણ કે બપોર વચાળ ગ્લેશિયર ઓગળવાથી રસ્તો રોકિને બે કાંઠે વહેતું આ નાળુ temporary blockage કરી પ્રવાસીઓને ઊંચા જીવે રોકિ રાખે છે એવી ખબર હતી પરંતુ ઈશ્વર કૃપા એવી થઈ કે અમે તો આ પાગલ નાળાને પણ ઓળંગી ગ્રામ્ફુથી રોહતાંગ પહોંચી ગયા અને રોહતાંગમાં ક્યાંક બરફની ચાદર પર ઉડતા પંખી, ક્યાંક એકાદ મહાકાય શીલા પર બેઠેલું પંખી, બરફનું દિલ બનાવી રંગીન પીતર પાનાથી I Love You લખીને એકબીજા સાથે મસ્તી કરતાં હનીમુનર્સને અવલોકિને અમે ઈગ્લુ જેવા આકારના મહર્ષિ વેદ વ્યાસના ગુફા મંદિરે ગયા જે મહર્ષિ વેદ વ્યાસની તપોભૂમિ હોવા ઉપરાંત વ્યાસ નદી એટલે બિયાસ નદીનું ઉદગમ સ્થાન પણ છે. 




         આ સ્થળેથી ચારેય બાજુ બરફથી આચ્છાદિત પહાડો અને ખીણોનો એવો નજારો હતો કે એ વખતે એકબીજાના ફોટા પાડવામાં મારા સહપ્રવાસી દિપક ચૌહાણે  અમારા શાંત સહપ્રવાસી એવા કાર્તિકેય રાવળનો ફોટો પાડ્યો જેમાં તેઓ બરફ જ બરફ વચ્ચે રહેલી એક શીલા પર બેઠા બેઠા ૧૩,૦૫૦  ફુટની ઉંચાઈ પર રહેલા રોહતાંગ પાસને નિરાંતે અવલોકી રહ્યા હતાં.




    રોહતાંગ પાસના વ્યસ્ત પડાવે જ્યાં કાયમ માટે માહોલ જ મસ્તીભર્યો હોય છે ત્યાં અમે ચા-નાસ્તો, ભોજન આટોપી જેને પ્રવાસમાં હંમેશા એસ એલ આર કેમેરા સાથે જોતી હતી તે મારા મોટાભાઈ, સુભાષે મારો પણ એક portrait લીધો અને પછી બસના ડ્રાઈવર ભાઈએ હોર્ન મારી મારીને અમને સૌને બોલાવ્યા ત્યારે ફરી અમે બસમાં બેઠા અને રોહતાંગથી મનાલીની ત્રેપન કિલોમીટરની મુસાફરી આરંભી ત્યારે રોહતાંગની ભીડ જોઈને જ એવો અંદાજ આવી ગયો હતો કે અમે આગળની મુસાફરીમાં traffc jamમાં ફસાવાના છીએ કારણકે ગુલાબાથી રોહતાંગ વચ્ચેનો એક સાંકડો, unpaved single-lane રુટ one eighty degree sharp blind switchback ગણાતો હતો અને તે એક જોખમી hairpin turn પણ હતો જે વારંવાર કિચડ અને ભૂસ્ખલનને લીધે ટ્રાફિક જામમાં ફસાયેલો રહેતો હતો.




    એક તો રોહતાંગથી મઢી સુધીમાં જોવા મળતો આસ્ફાલ્ટ સાથે ભળી જતો પારદર્શક કાળો બરફ જે રસ્તાની સપાટી પર એવી રીતે freeze થયેલો હોય કે દેખાવમાં black ice વાળો ભાગ બરફ વાળો લાગવાની બદલે ભીનો લાગે અને એટલે જો ડ્રાઈવર અનુભવી ન હોય તો ગાડિ skid થઈ જાય. અમે ભ્રમમાં નાખતી black iceની એવી ફિસનલથી તો બચ્યા પરંતુ ગુલાબા આવતાં આવતાં ગમે ત્યારે પર્વત ઉપરથી પથ્થરો પડે તેવી ભૂમિના વળાંકે અમે કલાકોના ટ્રાફિક જામમાં એવા ફસાણા કે વાત ન પૂછો.




    જેવી બસ traffic jamને લીધે ઉભી રહી કે અમે છ એ છ ઉત્સાહી સહપ્રવાસીઓ બસમાંથી ઉતરી અને ટ્રાફિકમાં ફસાયેલી વાહનોની બરફ જેવી સફેદ લાઈનને જોવા નીચે ઉતર્યા. મારો એસ.એલ.આર કેમેરા ગળામાં ભરાવી નીચે ઉતરેલી મેં fifty-fiftyના ખડકાળ landscape વચ્ચે રમકડા જેવી લાગતી સફેદ ટેક્ષીઓની લાંબી લાઈનનો Long shot અંકે કર્યો ત્યારે આકાશને સ્પર્શતા પર્વતના એક લેયરને અડતું બીજા પર્વતનું એકદમ ખડકાળ બીજુ લેયર અને તેના ગળે necklace બાંધ્યો હોય તેવી ટેક્ષીની સફેદ લાઈન હતી.




    વિશાળ દ્રશ્યફલકમાં તસુભાર આગળ કે પાછળ ન જવાય તેવો  bottleneck traffic jam મારા જીવનની પહેલી રોમાંચક ઘટના હતી એટલે એક long shot લીધા પછી trafficને focus કરીને મેં બે ફોટા લીધા ત્યારે High altitude હિમાલયની road tripનો આ રોમાંચ તેની ચરમસીમાએ હતો કારણ કે ગુલાબા આસપાસની ૯, ૪૦૦ ફૂટની ઊંચાઈ, ઉપર પર્વત પર નજર કરો ત્યારે પડી કે પડશે તેવી શીલાઓ અને પથ્થરો અને ખૂબ સાંકડા રોડ પર દસેક ઇંચના અંતરે એકબીજાની એકદમ આગળ-પાછળ ઉભેલા વાહનોની લાંબી કતાર મારી માટે હિમાલયનો એવો રોમાંચ હતો જેને હું પ્રથમ વખત અનુભવતી હતી. 




      ઉદેપુરથી છેક મનાલી સુધીની સફરના આવા exciting spellમાં આ ટ્રાફિક જામ અમારી યાત્રાને યાદગાર બનાવી રહ્યો હતો અને સમાંતરે એવા ભયનું hangover પણ હથોડાની જેમ ટીપાય રહ્યું હતું કે ઉપરથી કોઈ શીલા કે પથ્થર પડવાની દુર્ઘટના બનશે તો પરેશાની વધશે અને સવારથી લાહૌલ વેલીથી નીકળેલા અમે સંધ્યાકાળ પહેલા સલામત રીતે મનાલી નહિ પહોંચી શકિએ તો.




    આવા વિચારે અમારી છની ટીમના ભરત-ભાવેશ તો ટ્રાફિક જામમાં ફસાયેલી અમારી બસથી ખાસ્સા દૂર સુધી ટ્રાફિક જામને explore કરી રહ્યા હતાં; અવનવી ખબર અમારી સુધી લાવી રહ્યા હતાં અને બાકિના અમે ચાર High-altitude હિમાલયનો આ ચહેરો પણ નિરાંતે જોઈ રહ્યા હતાં જ્યાં ભૂસ્ખલન, હિમપ્રપાત, વાદળ ફાંટવું કે અચાનક flash floodથી નદી-નાળા ભરાય જવા બધુ જ unpredictable હોય છે અને છતાં હિમાલય પ્રેમી પ્રવાસીઓ દર વર્ષે ઋષિતુલ્ય હિમાલયના સાનિધ્યે થોડા દિવસ રહે છે અને પડશે એવા દેવાશેની ભાવનાથી અમે કરી એવી બસ મુસાફરી પણ કરે છે.




    અમે પણ આવી જ હિમાલયન spiritથી ટ્રાફિક હળવો થયા પછી ગુલાબા ચેક પોસ્ટ અને પછી કોઠી થઈને મનાલી પહોંચ્યા અને સાત-આઠ કલાકની બસ મુસાફરી પછી થાકેલા સૌએ ડિનર લીધું અને સુઈ ગયા ત્યારે ઓલા ઉપરવાળાનો આભાર માન્યો કે લાહૌલના cold desert ગણાતા ખડકાળ-બરફાળ ભૂપ્રદેશથી સલામત રીતે અમને કુલ્લુ વેલીના પ્રખ્યાત હિલ સ્ટેશને પહોંચાડવા માટે તારો આભાર કારણ કે આવી પ્રાર્થના સાથે એ વાત નાનપણથી realized હતી કે God never allows pain without a purpose.

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.