હિમાચલની લાહૌલ વેલીમાં ૯,૦૫૦ ફૂટની ઊંચાઈએ આવેલા ત્રિલોકીનાથ મંદિરની આ સ્મરણયાત્રા છે, જ્યાં શિવ-બુદ્ધનો સમન્વય છે. લેખકે પ્રાકૃતિક સૌંદર્ય, લાહૌલી જનજીવન અને ફોટોગ્રાફીના માધ્યમથી અનુભવાયેલી આધ્યાત્મિક અનુભૂતિને અત્યંત સંવેદનશીલતાથી આલેખી છે.
હિમાચલપ્રદેશની લીલી-સુકી લાહૌલ વેલીના ૮,૯૯૬ ફૂટ ઊંચા અને ચંદ્રભાગાના કિનારે રહેલા ઉદેપુરમાં સવાર પડી અને અમે છ પ્રવાસીઓ હિમાચલ પથ પરિવહનની બસમાં બેસીને ઉદેપુરથી કુકુમશેરી નામના ગામે પહોંચ્યા.કુકુમશેરીથી પ્રાચીન ત્રિલોકિનાથ મંદિર સુધીનો ટ્રેક કરવા માટે અમે પ્રથમ કુકુમશેરીથી હિન્સા ગામ પહોંચ્યા અને પછી હિન્સા ગામના હિન્સા નાળા (Nallah) પહોંચ્યા જે નાળુ એક જમાનામાં એક સરોવર હતું અને હિન્સા ગામના એક ભરવાડના છોકરાએ એ સરોવરમાંથી દિવ્ય વ્યક્તિઓને નીકળતી જોઈ અને જયારે, out of curiosity, તેમાંથી એકને પકડવા પ્રયત્ન કર્યો ત્યારે તે દિવ્ય અલૌકિક અસ્તિત્વ સંગેમરમરની [અવલોકિતેશ્વરની] મૂર્તિમાં રૂપાંતરિત થઈ ગયું જે બૌદ્ધ મૂર્તિ તે પછીથી ત્રિલોકિનાથ મંદિરમાં સ્થાપવામાં આવી.

સદીઓ પ્રાચીન આ કથા દોહરાવતા કુકુમશેરી ગામથી ત્રિલોકિનાથ મંદિર સુધીના ટ્રેકમાં હિન્સા નાળા આસપાસ મળી જતાં સ્થાનિક લોકોને મળીને પછી અમે હિન્સા નાળાથી ચાલીને અગિયાર વાગ્યા આસપાસ ત્રિલોકિનાથ જેવા એક ટેકરી પર રહેલા ૯,૦૫૫ ફૂટ ઊંચા ગામમાં પહોંચ્યા અને જીવનમાં પ્રથમ વખત જ ઊંચી ટેકરી પર રહેલું High-altitude ગામ જોયું જે ટેકરી પર એક ઝૂમખાં સ્વરૂપે રહેલું હતું અને નીચેથી જ એક કેડી દેખાતી હતી જે અમને ગામમાં અને ગામને છેડે રહેલા ત્રિલોકીનાથ મંદિરે લઈ જવાની હતી.
આટલા સ્વર્ગીય માહોલમાં અમે ત્રિલોકિનાથ ગામની કેડી ચડીને ટેકરી પરથી નીચે વહેતી ચંદ્રભાગા નદી પર નજર કરી અને ગામની એક કેડિના અંત સુધી ચાલ્યા જ્યાં અમને હિન્દુ અને [તિબેટન] બૌધ્ધ પ્રજા એક સરખી શ્રધ્ધાથી પૂજે છે તેવું ત્રિલોકિનાથ મંદિર દેખાયું.સ્થાનિક આસ્થા-પરંપરા અને કથાઓ જેને એક બૌધ્ધ વિહારમાંથી ત્રિલોકિનાથ મંદિર થયું તેવું કહે છે અને Hutchinson and Vogel જેવા ઈતિહાસકારો અને પુરાતત્વવિદ જે મંદિર માટે એવી ધારણા બાંધે છે કે તે મૂળ એક શિવમંદિર હતું પરંતુ આઠમી સદીમાં એક ભારતીય રહસ્યવાદી અને તિબેટમાં તાંત્રિક બૌધ્ધ ધર્મ ફેલાવવામાં જેનો મુખ્ય ફાળો છે તેવા ગુરુ પદ્મસંભવે આઠમી સદીમાં જ આ શિવમંદિરને બૌધ્ધ મઠ-મંદિર કે તીર્થસ્થાનમાં ફેરવ્યું હતું.

અમે તો બૌધ્ધ અને હિન્દુ પ્રજાની સુમેળ ભરી આસ્થા-શ્રધ્ધાના આ ૯,૦૫૦ ફૂટ ઊંચા થાનકે પગપાળા યાત્રા કરીને જ પહોંચ્યા હતા અને ચંદ્રભાગા કે ચિનાબના ડાબા કિનારે રહેલા આ ગામ સુધી છ કિલોમીટરમાં આવતા High altitude ઘરો-ખેતરો અને પર્વતો-વૃક્ષોને એકદમ નિરાંતે આત્મીય કરીને પહોંચ્યા હતા.
અમે મંદિરની ઊંચાઈ પરથી દૂર નજર કરીને જોયું તો ત્રિલોકિનાથ મંદિરની પથ્થરની સંરચના પાછળ રહેલા વૃક્ષાછાદિત પર્વત પર ચીડનું લીલુછમ જંગલ હતું અને ઝંસ્કર અને પીર પંજાલ પર્વતમાળાના બરફાચ્છાદિત શિખરો મંદિરના backgroundને શ્વેત-ધવલ સ્વાંગમાં શણગારી રહ્યા હતા. આટલા scenic માહોલમાં મંદિરની બહાર રહેલા રંગીન તિબેટન prayer flags કરુણાના બોધિસત્વ અવલોકિતેશ્વરને સમર્પિત એવા ‘ૐ મણિ પદ્મે હુમ’ મંત્રના resonanceમાં ફરફરી રહ્યાં હતાં અને અમે અમારી અંદર વસતા આદિદેવ શિવનું સ્મરણ કરતાં હતા.

સ્મરણની શ્રધ્ધેય ક્ષણે મંદિરના આંગણામાં પગ મુકતા જ બરાબર વચ્ચે ચારે બાજુથી ખુલ્લી એક દેરીની સફેદ ઊંચી પીઠિકા પર શિવલિંગ અને શિવલિંગ સમક્ષ નંદિના દર્શન થયા અને એ દેરીની થાંભલી પર આકાશી રંગની દાનપેટી અને પિત્તળનો ઘંટ લટકતો દેખાયો.લાલ-કેસરી રંગની રેશમી ધજાઓ અને દીવાલો પર લખેલી ફોટા ન પાડવાની સૂચના વાંચી હું મંદિરમાં રહેલી એક અન્ય દેરી કે ઓરડીમાં ગઈ જ્યાં છ ભૂજાઓ વાળી અવલોકિતેશ્વરની શ્વેત સંગેમરમર મૂર્તિ બૌદ્ધ માહોલ વચ્ચે પૂજાતી હતી અને કરુણા અને દયાના દેવતા એવા આ બોધિસત્વની કલાત્મક બૌધ્ધ મૂર્તિ સમક્ષ ઘીના દીવાઓના bowlની હરોળ હતી અને હતાં ફળ-ફૂલના offerings પણ.

થોડીવાર અવલોકિતેશ્વરની સંગેમરમર મૂર્તિ સમક્ષ બેઠા પછી હું એક મિશ્રધાતુના બૌધ્ધ prayer wheel કે Mani wheel સુધી ગઈ જે એક ઓરડિમાં હતું અને તે ઓરડિના બારણે પીળા રંગની ઝાલર હિમાલયન હવામાં ફરફરતી હતી.કોઈના સ્પર્શે એક-બે ચક્ર ફરી જતું આ મણિ વ્હીલ જાણે એક ફરતી રહેતી માળા હતી જેને ફેરવ્યા પછી એકાગ્ર ચિત્તે જોઈ રહેવાથી જે ભાવ થતો હતો તે ધ્યાન જેટલો જ અંદર લઈ જતો અને અખંડ હતો.
ખરેખર તો મારો ઉતાવળો જીવ મંદિરના એક મોટા ગોખલામાં મુકેલા મિશ્રધાતુના ‘Mani wheels’માં હતો જે પથ્થરના મંદિરના માહોલમાં જાણે કોઈ Antique અસબાબ માફક શોભી રહ્યા હતા અને તિબેટન ભાષામાં ‘મણિ Khorlo’ તરીકે ઓળખાતા આ લંબવર્તુળાકાર મણિ વ્હીલ ક્યાંક install થવાની રાહમાં હતાં.

વર્ષ ૧૯૯૯માં તિબેટન બૌધ્ધ મઠ, બૌધ્ધ મણિચક્ર અને રંગીન કે શ્વેત રેશમી prayer flagsનું આ પ્રથમ દર્શન હોવાથી ભારતમાં વિસ્તરેલા તિબેટન બુદ્ધિઝમના આ દ્રશ્યે મને અંદરથી હલાવીને Literally ધ્રુજાવી દિધી હતી કારણ કે ત્રિલોકિનાથ જેવા 1000 વર્ષ પ્રાચીન શિવ અને બૌધ્ધ મંદિરમાં મળેલું આ magnet પીર પંજાલ અને ઝંસ્કર રેન્જના ખોળે ત્રિલોકિનાથ ગામની ગલીમાં મને મળેલો ખજાનો હતો અને તે ખજાનાએ મારા એ પછીના સત્યાવીસ વર્ષના મારા યાત્રા-પ્રવાસોમાં મને બે વખત ભુતાન, એક વખત અરુણાચલનો તવાંગ મઠ, ચાર વખત લેહ-લડાખ અને સ્પીતિ વેલીના Genuine બૌદ્ધ મઠો, તેના ગર્ભગૃહમાં રહેલા મ્યુરલ્સ, મઠોની પાઠશાળા, તેમાં ભણતા નાના નાના બૌદ્ધ ભિક્ષુકો, તેઓના મંત્રોચ્ચાર, તેઓના મરુન અને મેથ્યા પીળા રોબ, મંત્રો આલેખાયેલા Mani-stone, થાંકા ચિત્રો, મંડળો અને તે બૌદ્ધ મઠોના High altitude હોવામાં મને રખડાવી હતી અને મને explorationનો અખૂટ આનંદ આપીને કહ્યું પણ હતું કે ફતેહ કર, હમ તુમ્હારે સાથ હૈ.

આવી રખડપટ્ટીના આરંભે ત્રિલોકીનાથ મંદિરમાં હજી તો મને મળેલી લોટરી જેવા આ Mani wheelsને પથ્થરની દિવાલો અને ગોખલા વચ્ચે Frame કરીને મંદિરની બહાર નીકળી ત્યાં ગાર-માટી, પથ્થર અને લાકડાના લાહૌલી ઘરો અને મંદિર સાથે જોડાયેલી ઈંટ-પથ્થરની બાંધણી વાળી ઈમારતો, લાકડાની નિસરણી અને પોપડા ઉખડી ગયેલી જાહલ દિવાલો વચ્ચે મને એકસાથે ચાર-પાંચ સફેદ તિબેટન prayer flagsનું ફરફરતું ઝુમખુ જડ્યું.

ઓહો હો! જમીનમાં ખોડેલી વાંસ જેવી લાંબી ઊંચી થાંભલીઓના શિખરે ફરફરતી સફેદ પાતળા પટ્ટાની ઊભી ધજાઓ અને તેના પર ઝાંખા થઈ ગયેલા મંત્રોનું લખાણ તો Magnetic હતું જ પરંતુ એથી વધુ magnetic હતું આ ધજાઓ આસપાસનું ખરબચડુ, ખાખી, wooden અને bricky-stony અસ્તિત્વ જે આખા માહોલને તથાગત બુધ્ધ જેવુ જ ‘તથ-આગત’ અને ‘તથા-ગત’ એટલે ‘one who has thus come’ અને ‘one who has thus gone’નું ultimate સત્ય લઈને સર્વત્ર પથરાતું હતું.
આજુબાજુનું નકામું unclutter કરવા અને ઉભી ધજાઓને આખી લેવા જ્યારે આ સમગ્ર દ્રશ્યને મેં veritical compositionમાં જીલ્યું ત્યારે ‘Darchog’ તરીકે ઓળખાતા અને દુઃખ અને શોકના પ્રતિક રૂપે રહેલા આ mourning flags વચ્ચે માથા પર ચેક્સ વાળો સ્કાર્ફ બાંધેલી એક સ્ત્રી અને પુરુષે entry લઈ લીધેલી અને તેને લીધે મારુ આ સંયોજન જાણે જીવંત થઈ ધબકવા લાગ્યું.

કેટલાક હિમાલયન વિસ્તારોમાં મૃત સ્વજનોના સન્માનમાં ઊંચી-પાતળી થાંભલીઓના છેડે બંધાતી સફેદ ધજાઓની આરપાર ફૂંકાતો પવન મૃત્યુ પામેલા વ્યક્તિના સ્વજનોની પ્રાર્થના અને પ્રેમ લઈને વિદાય પામેલા સ્વજનની ગતિ કરે છે એવી શ્રધ્ધાના પ્રતીક સમા આ સફેદ prayer flagsને મેં ચીડના વૃક્ષોથી આચ્છાદિત પટ્ટનવેલીના બરફાચ્છાદિત પર્વતોના ખોળે એક ખૂબ ઊંચી ટેકરી પર અને step farmingના ખેતરો વચ્ચે રહેલા ત્રિલોકિનાથ મંદિરના સાનિધ્યે જીલ્યું તે પછી આજે પણ આ ક્ષણે મને મૃત્યુ પામેલા સ્વજનોનું જ નહિ પરંતુ એક હજાર વર્ષોમાં અહીં આવેલા હિમપ્રપાતો કે ભૂસ્ખલનમાં જમીન દોસ્ત થઈ ગયેલી ત્રિલોકિનાથ મંદિરની calssical નાગર શૈલીની સંરચનાનું પણ સ્મરણ કરાવીને કહે છે કે અતીતના આથમણે ખૂણે હજી કોઈ સમૃધ્ધ સ્મરણ જીવન-મરણ વચ્ચેની સ્થિતીમાં એક સ્પર્શ ઈચ્છે છે જે સ્પર્શ ક્યારેક માત્ર પ્રેમ અને આદરથી ઉભરાતી એક દ્રષ્ટિનો પણ હોઈ શકે અને મેં એવી એક દ્રષ્ટિ, એવા એક visionની visual વાર્તા કેમેરાની રખડું જોળીમાં ભરી ત્યારે એ જ પરિસરમાં એક બીજું સંયોજન પણ જાણે મારી રાહમાં હતું.

થયું એવું કે સફેદ બૌદ્ધ prayer flagsની સાથોસાથ તેની આસપાસના ગાર-માટી અને પથ્થરના ઘરોને પણ સંયોજતી વખતે જેવો કેમેરા આકાશ તરફ લીધો કે તરત જ મારુ ધ્યાન ગાર-માટીના પ્લાસ્ટરના પોપડા ઊખડી ગયેલી દિવાલ પરની છત પર ગઈ જ્યાં ફુલ-ફુલ વાળો સ્કાર્ફ બાંધેલા એક હિમાચલી દાદી દૂર બરફાચ્છાદિત પર્વતો તરફ નજર માંડિને એવી રીતે બેઠા હતા જાણે એ બાજુથી કોઈના આવવાની રાહ હોય.

એકદમ ખરબચડી પીઠિકા પર આકાશના કેનવાસે તેમને જીલું ત્યાં તો બે બાળકો રોતા રોતા તેમની પાસે આવ્યા અને દાદી તેમની ઉનની બંડિમાંથી કાંઈ આપે તે પહેલા ઓળ્યા વગરના વિખરાયેલા વાળ વાળી લાહૌલી દીકરી અને અનેક જગ્યાએથી ફાંટેલુ પોપટી લીલું સ્વેટર પહેરેલા દીકરાનું મારા પર ધ્યાન પડ્યું અને એ વખતે આ બંને સંયોજનોમાં મેં સફેદ ધજાઓ કેમ ન લીધી તેનું દુઃખ મને હજી છોડતું નથી કારણ કે અત્યારે મને એ realise છે કે સફેદ prayer flagsની હાજરી આ સંયોજનને બદલી નાખત, સંયોજનને ઔર જીવંત બનાવત, એક સંદર્ભ ઉભો કરત, સમગ્ર દ્રશ્યને emotional resonance બક્ષત, મારા વર્ણનને ઠોસ બાંધણી આપત, સંયોજનમાં રહેલા વિષયને કથાના તાંતણે ગૂંથત અને Ansel Adams નામના અમેરિકન છબીકારનું કથન સાચું પાડી શકાત કે ‘you don’t take a photograph, you make it.’

મજા એ હતી કે કોઈ એક છબીને ઘડવામાં વપરાતા props એટલે સાધનો આ તસવીરમાં મારે તો લેવા જ નહોતા જવાના કારણ કે ફરફરતી ચાર-પાંચ ધજાઓ અને તેની ઊંચી થાંભલીઓ તો આ બંને સંયોજનની જમણી બાજુ સમાંતરે તે જ ઊંચાઈ પર available હતી પરંતુ જાણકારો કહે છે તેવું કે આપણા visionને વિસ્તારતા તત્વો ક્યારેક તો આપણી આસપાસ જ હાજરા હજૂર હોય છે પરંતુ આપણે તે propsને manipulate ન કરવાની ભૂલ કરીએ છીએ અને મેં કરી, નહિતર પરંપરાગત લાહૌલી ઘરની છત પર બેઠેલા દાદી સાથે Tibetan બૌધ્ધ prayer falgsનું હોવું એક કેવો aesthetic mood create કરી મારા ભાવકને રોકિ રાખત ! કશો વાંધો નહિ, એ ક્ષણ અને એ સંયોજન તો હું ચુકી જ ગઈ અને તેને પણ આજે સત્યાવીસ વર્ષ થયા પરંતુ એ ભૂલથી એક સત્ય સમજાયું કે
Taking an image or freezing a moment reveals how rich the reality truly was.
આમ સમૃધ્ધ હકિકતોને આબેહૂબ રજુ કરતી છબીકલાના સથવારે ત્રિલોકિનાથના પ્રાચીન મંદિરેથી બહાર નીકળીને અમે ત્રિલોકિનાથ ગામમાંથી પસાર થઈ ગાર-માટીના ઘરોના ઝૂમખાં વાળી આખી ટેકરીનો ઢાળ ઉતર્યા પહેલા એક નજર નીચે વહેતી ચંદ્રભાગા, તેની આસપાસ છવાયેલા ખેતરો અને મંદિરની સમાંતરે રહેલા બરફાળ પર્વતોના Mesmerizing landscape પર કરીને આ પેનોરમિક વ્યૂને હૃદયના એક ખૂણે સંઘરી ત્રિલોકિનાથ ગામનો ઢાળ ઉતરી, ગામની સપાટ જમીન પર આવીને વિચાર્યું કે બપોરના સાડા ત્રણ થયા છે હવે અહીંથી ઉદેપુર જવા માટે હિમાચલ પથ પરિવહનની કોઈ બસ નથી તો ચાલો, ફરી ત્રિલોકિનાથ ગામથી હિન્સા, હિન્સાથી કુકુમશેરી તરફ જઈએ અને વચ્ચે કોઈ વાહન મળે તો તેમાં બેસી ઉદેપુર પહોંચીએ અને થયું એવું કે..
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.