વર્ષ ૨૦૦૫માં બિહારમાં ત્રિશંકુ વિધાનસભા રચાતા રાજ્યપાલ બૂટા સિંહના અહેવાલના આધારે રાષ્ટ્રપતિ કલામે મોસ્કોથી વિધાનસભા ભંગ કરવા સહી કરી હતી. જોકે, સુપ્રીમ કોર્ટે તેને ગેરબંધારણીય ઠેરવ્યો હતો. બાદમાં નવેસરથી ચૂંટણી થતાં નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા અને બૂટા સિંહે રાજીનામું આપ્યું.
મે, ૨૦૦૫. મોસ્કો, રશિયા.
રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામ રશિયા, આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લૅન્ડ અને યુક્રેન- એમ ચાર દેશોના પ્રવાસ ઉપર હતા. ૨૨ મે, ૨૦૦૫ના રોજ રાષ્ટ્રપતિ મોસ્કોની કેમ્પીન્સ્કી હોટલમાં રોકાયેલા હતા ત્યારે મધરાતે તેમની પર ભારતથી ફોન આવ્યો. તેમને મોકલવામાં આવેલ એક પ્રસ્તાવ પર સહી કરવા તેમને વિનંતી કરવામાં આવી. રાષ્ટ્રપતિએ તે પ્રસ્તાવ પર સહી કરી આપી. આ સહી થતાં જ તાજેતરમાં જ રચાયેલી બિહાર વિધાનસભાને ભંગ કરવામાં આવી અને નવેસરથી ચૂંટણી કરવાની ઘડી આવી. નવીસવી રચાયેલી આ વિધાનસભાને ભંગ કરવાનો વારો કેમ આવ્યો ?
૨૦૦૫ના વર્ષ સુધીમાં બિહાર લાલુ યાદવના સીધા અથવા પરોક્ષ રીતે નેતૃત્વ હેઠળ રહ્યું હતું. આ જ બાબતને મુદ્દો બનાવી મુખ્ય વિરોધી દળો- ભારતીય જનતા પાર્ટી (બી.જે.પી.) અને જનતા દળ (યુનાઇટેડ) (જે.ડી.(યુ)) કે જેઓ એન.ડી.એ ગઠબંધનમાં ભાગીદાર હતા તેમણે ચૂંટણી લડી. રાજનીતિના કુશળ “હવામાનશાસ્ત્રી’ ગણાતા રામવિલાસ પાસવાને નવો પક્ષ લોક જનશક્તિ પાર્ટી(એલ.જે.પી.) ઊભી કરી. બિહાર વિધાનસભામાં કુલ-૨૪૩ બેઠકો હતી. જેમાંથી બહુમતી માટે ૧૨૨ બેઠકો મેળવવી જરૂરી હતી. એન.ડી.એ. ઘટકદળોને ૯૨ બેઠકો મળી તો લાલુ યાદવની રાષ્ટ્રીય જનતા દળ (આર.જે.ડી.)ને ૭૫, એલ.જે.પી.ને ૨૯ તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(આઇ.એન.સી.)ને ૧૦ બેઠકો મળી. સતર અપક્ષ પણ આમાં ચૂંટાયા હતા. આમ, કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહીં. મસલતોના દોર શરૂ થયા. ગઠબંધનો માટેની કવાયતો તેજ થઈ, પરંતુ રામવિલાસ પાસવાનની કિંગમેકર પાર્ટીએ એન.ડી.એ. કે યુ.પી.એ. કોઈને સમર્થન આપ્યું નહીં. તેથી રાજ્યપાલે ૬ઠ્ઠી માર્ચ,૨૦૦૫ના રોજ રાજ્યમાં બંધારણના અનુચ્છેદ-૩૫૬ હેઠળ રાષ્ટ્રપતિ શાસન માટેનો અહેવાલ મોકલ્યો.જેનો કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો બિહારમાં રાષ્ટ્રપતિ શાસન આવ્યું અને વિધાનસભા અસ્થાયી સમય માટે સ્થગિત કરવામાં આવી.
તે સમયે બિહારના રાજ્યપાલ હતા- પીઢ કોંગ્રેસી રાજકારણી અને રાજીવ ગાંધીને વફાદાર એવા બૂટા સિંહ. તેમનું રાજકારણ અનેક તીવ્ર વળાંકોવાળું રહ્યું હતું. પંજાબના જલંધર નજીકના મુસ્તફાપુરના વતની બૂટા સિંહ કોલેજકાળમાં સામ્યવાદી હતા. ત્યારબાદ ૧૯૬૨માં રાજકારણમાં તેમણે અકાલી દળમાંથી પ્રવેશ મેળવ્યો. અકાલી દળના ભાગલા બાદ તેઓ ઇન્દિરા ગાંધીના સમયમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા. તેઓ રાજીવગાંધીના મંત્રીમંડળમાં વડાપ્રધાન બાદના સ્થાને હતા. રાજીવ ગાંધીના ગયા બાદ તેમના પાર્ટીમાં વળતા પાણી થયા અને નિરાશ એવા બૂટા સિંહ ૧૯૯૮માં ભા.જ.પ.માં જોડાયા. અટલ બિહારી વાજપાયી સરકારમાં તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહ્યા અને ૨૦૦૨માં ફરી પોતાના મૂળ ઘર- પક્ષ એવા કોંગ્રેસમાં પરત કર્યા.વર્ષ ૨૦૦૪માં પક્ષે તેમને અઘરા રાજકારણ માટે નામચીન એવા બિહાર રાજ્યના રાજ્યપાલ બનાવ્યા હતા.
કોઈ પણ પક્ષને બહુમતી ન મળતા પાર્ટીયો દ્વારા એકબીજાના ધારાસભ્યોને તોડવાની કોશીષો થવા લાગી. રાજ્યની રાજનીતિનો માહોલ ગરમ થવા લાગ્યો. રાજ્યપાલે આ સ્થિતિમાં રાજ્યમાં નવેસરથી ચૂંટણી યોજવાની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી એના પર રાષ્ટ્રપતિએ મોસ્કોમાં સહી કરી તે આપણે અગાઉ જોઈ ગયા. હવે કાયદાકીય લડાઇઓ શરૂ થઈ. ઉમેદવારોએ કોર્ટમાં રીટ પીટીશનો કરી કે હજુ તો વિધાનસભા મળી જ નથી તો તેને રાષ્ટ્રપતિ કઈ રીતે ભંગ કરી શકે? ‘હોર્સ ટ્રેડિંગ’ (રાજકીય સોદેબાજી)ને લગતા રાજ્યપાલના અહેવાલનો આધાર કોને ગણવો?
આ બાબતમાં પહેલા રાષ્ટ્રપતિના નિર્ણયને અદાલતમાં પડકારી ન શકાય તેવી દલીલ થઈ પરંતુ કોર્ટે જણાવ્યું કે રાષ્ટ્રપતિના પદને ‘ઇમ્યુનિટી’(રક્ષણ) મળે પરંતુ તેમના નિર્ણયો અને અહેવાલોને નહીં. આ કેસ ચાલતો હતો ત્યાં જ ભારતીય ચૂંટણી પંચે નવેસરથી બિહારમાં ચૂંટણી જાહેર કરી.૧૯ નવેમ્બર, ૨૦૦૫ સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી. સુપ્રિમ કોર્ટે આ અંગેના પોતાના ચુકાદામાં રાષ્ટ્રપતિ શાસન જાહેર કરી રાજ્યની વિધાનસભાનો ભંગ કરવો તેને ગેરબંધારણીય હોવાનું જાહેર કર્યું. રાજ્યમાં નવી જાહેર થયેલી ચૂંટણી પ્રક્રિયા ઘણી આગળ વધી ગયેલ હોઇ કોર્ટે ભંગ થયેલ વિધાનસભાને પુનઃસ્થાપિત ન કરી.૨૪ જાન્યુઆરી, ૨૦૦૬માં સુપ્રીમ કોર્ટે ‘રામેશ્વર પ્રસાદ વિરુધ્ધ યુનિયન ઓફ ઇન્ડીયા કેસ (૨૦૦૬)’ કેસમાં પોતાનો વિગતવાર ચુકાદો આપ્યો. જેમાં રાજ્યપાલ દ્વારા કેન્દ્ર સરકારને મોકલેલ અહેવાલના આધાર પર સવાલો થયા. બીજી તરફ નવેસરથી થયેલ ચૂંટણીમાં એન.ડી.એ.ને સ્પષ્ટ બહુમતી મળી.રાજ્યપાલએ નિતિશ કુમારને બિહાર રાજયના મુખ્યમંત્રીના પ્રથમવારના શપથ લેવડાવ્યા. મામલો ઠંડો પડતા ૨૬ જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ રાજ્યપાલ બૂટા સિંહએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યું.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે