Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

મે ૧૯૯૯માં લાહૌલ-સ્પીતિના લીલાછમ ઉદેપુરમાં ૧૧૦૦ વર્ષ પ્રાચીન મિરકુલા માતાના દર્શન, સ્થાનિક પહાડી ઘરો અને લટોરા પંખીને કેમેરાના સંયોજનમાં કંડારી, ચંદ્રભાગા નદીના કિનારે વિતાવેલી સાંજ જીવનને નદીની જેમ મુક્તપણે વહેવાનો એક અનોખો અને અલૌકિક અનુભવ આપી જાય છે.

      સવારે લાહૌલ વેલીના કેલોન્ગથી શરુ કરેલી હિમાચલપ્રદેશ પથ પરિવહનની બસ યાત્રામાં અમે ત્રેપન કિલોમીટરની મુસાફરી કરી દોઢ-બે કલાકે હિમાચલપ્રદેશમાં આવેલા અને હિંદુ અને બૌધ્ધ મંદિરો ધરાવતાં ઉદેપુર પહોંચ્યા. ચંદ્રભાગા નદીના કિનારે વસેલું લાહૌલ-સ્પીતિ જીલ્લાનું આ ચિત્રમયી ગામ પોતાના લીલાછમ સ્વાંગમાં આંખને ઠંડક આપતું લહેરાતું હતું અને ૧૯૯૯ના મે મહિનાના બીજા સપ્તાહે અમે છ પ્રવાસીઓ ત્રણસો-ચારસો લોકોની વસ્તી ધરાવતાં આ ગામના નાના એવા રેસ્ટ હાઉસમાં ઉતર્યા ત્યારે અમે ચંદિગઢ, મનાલી, રોહતાંગ, સિસ્સુ અને કેલોન્ગ એવી ટ્રાવેલ સર્કિટ પૂર્ણ કરી ઉદેપુર પહોંચ્યા હતાં.


      રુમમાં સામાન ગોઠવી, fresh થઈને જમ્યા પછી બપોરની નિંદર ખેંચી અને બપોર પછી, મારકુલ તરીકે પણ ઓળખાતા, હિમાચલપ્રદેશના આ ગામમાં સ્થિત દસમી સદીના મિરકુલા માતા મંદિરે ગયા.



 લાકડા પરના કાશ્મીરી શૈલીના wooden carvingsથી મનમોહિ લેતાં આ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન મા મહિષાસુર મર્દિનીના દર્શન કરી ઉદેપુરના ખડકાળ પર્વતો વચ્ચે લાલ ધજાઓ ફરકાવતા ૧,૧૦૦ વર્ષોથી ઉભેલા મા મિરકુલા દેવી મંદિરનો એક નાનો આંટો મારી ઉદેપુર જેવા ૮૯૯૬.૦૨ ફુટની High altitude ઊંચાઈ પર રહેલા ગામમાં અમે ખીસ્સામાં હાથ હુંફાવતા ચંદ્રભાગા નદી તરફ ચાલવાનું શરુ કર્યું.



 Ethereal એટલે અલૌકિક Aura શોધતા પ્રવાસીઓને આકર્ષી શકે તેવા મિયાર અને ચંદ્રભાગા નદીના સંગમે સ્થિત આ ગામમાં મોટાભાઈ સુભાષ અને અન્ય ચાર પ્રવાસીઓ સાથે ચંદ્રભાગા તરફ જતાં જમણા હાથે જાણે એક દ્રશ્યફલક મારી રાહમાં હતું.આકાશના છત્ર નીચે બરફના શ્યામ-શ્વેત પર્વતને overlap કરતો એક બરફાચ્છાદિત પર્વત હિમમાં ઢીમ થઈને ટટ્ટાર ઉભો હતો અને એક ત્રીજા પર્વતનો ઢાળ તેના પર સુકાઈ ગયેલા વૃક્ષોનો completely dry and arid મિજાજ લઈને એક eye catching વિરોધાભાસમાં આકાશના કેનવાસને સભર કરી લાહૌલ-સ્પિતીનું cold desert કોને કહેવાય તે કહેતો હતો.



 આટલું મજાનું સંયોજન મારી રખડું હિમાલયન જોળીમાં સાચવીને મુક્યા પછી પશ્ચિમ હિમાલયની અંતરીયાળ મિયારવેલીના પ્રવેશદ્વાર ગણાતા ઉદેપુર (ટાઉન)માં પથરાયેલી લાહૌલ પર્વતમાળાના દર્શન કરીને હું આગળ ચાલવા લાગી ત્યારે હિમાચલનું picture perfect કસબુ ગણાતા ઉદેપુરની સાંજની વૉક ધીમેધીમે આ ખોબા જેવા હાઈ-એલ્ટીપ્યુડ ગામની સુંદરતાને જાણે unfold કરી રહિ હતી અને એવામાં મેં rough અને barren landscapesના માલિક લાહૌલ-સ્પીતિના ઉદેપુરમાં તાજગીથી ભરી દેતા ખેતરમાં વચ્ચે વચ્ચે શીલાઓ પડેલી હોય તેવા એક લીલાછમ patchનો ફોટો પાડ્યો અને ફરી નદી તરફ ચરણ ઉપાડ્યા. 



 સફરજનના બગીચાઓ અને અન્ય અનોખા ફળોના બગીચા ધરાવતાં આ હિમાચલી ગામમાં કાળા વટાણા, બદામ અને અખરોટ પણ થાય એવી ફળદ્રુપ જમીન અને એવા છમ્મ લીલા ખેતરો અને ફળોના બગીચાઓ પસાર કરતાં કરતાં મને એક છોડ પર કાળા અને રાખોડી માથાવાળું પંખીડું દેખાણું અને મેં તે Long-tailed shrike એટલે કાઠિયાવાડી લટોરાને મારી કાઠિયાવાડી જોળીમાં કેદ કરી લીધો.



 આક્રમક શિકારી ગણાતું અને ભારતમાં અને ભારતમાં જ ભ્રમણ કરતું આ Intra-india migrant પંખી હિમાચલના કાતિલ શિયાળામાં ૭૨૧૭.૮૪૮ ફૂટ નીચેની ઊંચાઈએ જતું રહે પરંતુ પ્રજનન તો તે ૧૧૪૮૨.૯૪ ફૂટથી ઉપરની ઊંચાઈએ જ કરે એ જાણીને ઠંડી સહન કરવામાં માણસ તો કોમળ પંખીડા કરતાં પણ કેવો ગયેલો ગુજરેલો છે તેવું વિચારતી હું જીવડાઓ માટે ધ્યાન ધરીને એક કાંટાળા છોડના શિખર પર બેઠેલા તે ગેરુવા રંગની પીઠ અને લાંબી પૂછડી ધરાવતા પંખીને જોતી જોતી ઝડપી ચાલે મારા સહપ્રવાસીઓ સાથે થઈ ગઈ. 



      ચંદ્રભાગા નદી તરફ જતો માર્ગ કેટલાક ઘરો પાસેથી પણ પસાર થતો હોવાથી બળતણ માટે એકઠા કરેલા લાકડા વાળા એક ઘરને દૂરથી જોતા જ હું ફરી અટકી અને સ્કુલેથી છુટ્યા પછી ઘરે આવીને પણ નિશાળના ગણવેશમાં જ રમતા બે-ત્રણ બાળ ગોપાળોના ગુલાબી ગાલે મીઠ્ઠી ટપલી મારીને મેં સ્થાનિક પથ્થરોમાંથી બાંધેલા ઘરને પણ ઉતાવળે સંયોજ્યું ત્યારે તે comositionમાં જેને ફોટોગ્રાફીની પરિભાષામાં headspace કે headroom કહે છે તે ચૂકી ગઈ હતી.



 આ કોઈ portrait photography તો નોહતી પરંતુ તેમ છતાં headspace છોડ્યા વગરનું સંયોજન મને ખુદને જ uncomfortable, બંધિયાર અને claustrophobic લાગી રહ્યું હતું કારણ કે આકાશના વિશાળ કેનવાસ પર પ્રાચીન સ્મારકો-મંદિરોને મઢવા ટેવાયેલી મેં આ હિમાચલી ઘરને શ્વાસ લેવાની પણ space કેમ ન આપી તેનો વિચાર કરતાં થોડું લાગી આવ્યું.



 Anyways, આવી રીતે ચાલતાં ચાલતાં અમે ચંદ્રભાગા વેલીમાં સ્થિત લીલાછમ ઉદેપુરમાં વહેતી ચંદ્રભાગા નદીના કિનારે પહોંચ્યા. પર્વતો, વૃક્ષો અને ખેતરોથી ઘેરાયેલી ચંદ્રભાગાના કિનારા પરની એક-બે શીલાઓ પર બેસીને અમે બારાલાચા લા પાસથી આવતી ચંદ્રા અને સુરજ તાલ લેઈકથી આવતી ભાગાનો જે સંગમ ટાંડિમાં જોયો હતો તેનું સ્મરણ કરી ઉદેપુરથી કિલાર, ધારવાસ થઈને ઉત્તર-પશ્ચિમે જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ થઈને વહેતી અને પછી પાકિસ્તાનમાં પ્રવેશતી ચંદ્રભાગાનું આચમન લીધું.



 હિમાચલપ્રદેશની લાહૌલ-સ્પીતિથી જમ્મુ-કાશ્મીરની ખડકાળ High-altitude સરહદ નજીક રહેલા સંવેદનશીલ ડોડા-કિશ્તવાર નજીકના હિમાચલપ્રદેશના જ Northmost ગામ ધારવાસમાં થઈને વહેતી આ ચંદ્રભાગા નામ બદલીને ચિનાબ થઈ જાય અને જેને સરહદો રોકિ નથી શકતી તેવી ચિનાબ વળી જમ્મુ-કાશ્મીરથી પાકિસ્તાન જઈ સિંધુ નદીને મળે, તેમાં ભળે અને એ સિંધુ કરાચીના એકાદ port townના અરબી સમુદ્રમાં સમાય જાય એવા નદી-દરિયાના મિલન વિશે વિચારતા અને visulize કરતાં હિમાચલની લાહૌલ-સ્પીતિના ખોબલા જેવા ઉદેપુરમાં સાંજ તો પડી જ ગઈ પરંતુ એ સાથે એક અનુભૂતિ પણ નદીના જળ માફક વહેતી થઈ કે 

‘ Be like a river. Be open and just flow.’



 ઉદેપુરની એ સાંજે આવું વહેતા શીખવાડતી ચંદ્રભાગાના કિનારે મારો મોટોભાઈ સુભાષ એક વિશાળકાય શીલા પર બેઠો હતો અને અમારા સહપ્રવાસી ભરત-ભાવેશ અને દિપકને દૂર કશુંક દર્શાવીને હિમાચલની નદીઓ વિષે વાતો કરતો હતો તેવો એક ફોટો મેં ખેંચ્યો ત્યારે એ સંયોજનમાં મારા સહપ્રવાસી ચારેય ભાઈઓ જાણે ચંદ્રભાગાના કિનારે રહેલા પથ્થરોની frameમાં સરસ ગોઠવાય ગયા હતાં અને પૂરજોશમાં વહેતી ચંદ્રભાગા તે સૌને વહેતું, ફીણાતું સફેદ બેક્ગ્રાઉન્ડ આપી રહી હતી તેવું સંયોજન બન્યું.



      વર્ષ ૧૯૯૯માં સુભાષનો એ કાળી ભમ્મર દાઢી-મૂછ વાળો મિજાજ હતો અને મારા પરિવારમાં સુભાષ એક જ હતો જે પ્રવાસોમાં એસ એલ આર કેમેરાથી ફોટોગ્રાફી કરતો.સુભાષને દરેક પ્રવાસમાં એસ એલ આર કેમેરા સાથે જોવાથી જ મારી માટે કેમેરા જાણે વિશેષ આકર્ષક બનેલો અને પ્રવાસ દરમિયાન હું એવું પણ ઈચ્છતી કે સુભાષ મારા ફોટા પાડે.




       આવી ઈચ્છામાં ચંદ્રભાગાના કિનારે ભૂરી-સફેદ ઓઢણીના પહેરવેશમાં એક શીલા પર ગોઠવાયેલી મેં સુભાષ પાસે મારો એક ફોટો ખેંચાવ્યો જે મને આજે પણ એટલો જ પ્રિય છે કારણ કે એ ફોટો મારા જીવનના શ્રેષ્ઠ સમયની શાખ પૂરે છે અને કહે છે કે હિમાલયન પ્રવાસમાં પણ હું સાંજે કોઈ ટ્રેક પર ન જવાનું હોય તો cotton based ડ્રેસ અને કોલ્હાપુરી ચપ્પલ પહેરી ગુલઝારના કોઈ ફિલ્મનું પાત્ર બનવાનું સ્વપ્ન જોતી હોવ તેવા ફોટા પડાવવા પ્રયત્ન કરતી.



      પ્રવાસ સાથે જીવનના શ્વાસને આમ જીલતા અમે પાંગી વેલી જેવી ખડકાળ વેલીમાં કુલ ૧૨૨ કિલોમીટર સુધી જળનો બહુ મોટો જથ્થો લઈને વહેતી હિમાચલપ્રદેશની સૌથી વધુ voluminous એટલે સૌથી વધુ physical amount of water લઈને વહેતી ચંદ્રભાગાના ચરણ સ્પર્શ કરીને લાહૌલ વેલીના અન્ય ખડકાળ ભૂપ્રદેશની બદલે ખેતરો-વૃક્ષો અને વૃક્ષાચ્છાદિત પર્વતોથી લીલાછમ એવા ઉદેપુરના એકદમ શાંત-નીરવ માર્ગેથી અમારા નિવાસ તરફ ચાલવાનું શરુ કર્યું કારણ કે નિવાસે પહોંચીને ઘરેથી લાવેલી પૂજામાં રહેલા મારા હનુમાનજી સમક્ષ ઘીનો એક દિવો કરી, સાંધ્ય ભોજન લઈ અમે જાડિ રજાઈમાં લપેટાઈને લાહૌલ-સ્પીતિ જીલ્લાના ઉદેપુરની સાતેક ડિગ્રી ઠંડીમાં સૂઈ જવાના હતા અને બીજે દિવસે....

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.