Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

૧૯૯૦માં નાયબ વડાપ્રધાન દેવીલાલ સાથેના મતભેદો અને સત્તાકીય અસ્થિરતા વચ્ચે વડાપ્રધાન વી.પી. સિંહે OBC સાંસદોને સાધવા દસ વર્ષથી પડતર 'મંડલ પંચ'નો અહેવાલ લાગુ કર્યો. આ નિર્ણયે દેશમાં ૨૭% OBC અનામત સાથે રાજકારણને કાયમ માટે બદલી નાખ્યું.

૧ ઓગસ્ટ, ૧૯૯૦ના રોજ વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપસિંહ (વી.પી.સિંહ) એ તેમના નાયબ વડાપ્રધાન એવા હરિયાણાના દેવીલાલને મંત્રીમંડળમાંથી પડતા મૂક્યા. હરિયાણાના રાજકીય રીતે કદાવર ગણાતા ‘તાઉ’  દેવીલાલ સાથે વડાપ્રધાન વી.પી.સિંહને સરકાર રચાઇ તે સમયથી જ સંઘર્ષ શરૂ થઈ થઈ ગયો હતો. વી. પી. સિંહની સરકાર એ ગઠબંધનની અનેક પક્ષોના મેળાવડાની સરકાર હતી. વી.પી.સિંહના આ નિર્ણયથી સરકારમાં અસ્થિરતા પેદા થઇ.આ સંજોગોમાં ઓ.બી.સી. સાંસદ સભ્યોને પોતાના તરફ કરવા અને ‘તાઉ’ને એકલા પાડવા તેમણે પાછલા દસ વર્ષથી સરકારી કબાટમાં પડેલો ‘ મંડલ પંચ’નો અહેવાલ બહાર કાઢવાનું નક્કી કર્યું. એ સાથે જ દેશની રાજનીતિમાં ‘અનામત‘ નામે નવા દ્રષ્ટીકોણનો જન્મ થયો. 



 પહેલા વડાપ્રધાન વી.પી.સિંહ  ૧૫મી ઓગસ્ટ,૧૯૯૦ના સ્વાતંત્ર્ય દિવસના પોતાના  લાલ કિલ્લા પરના સંબોધનમાં ‘મંડલ પંચ’ ની ભલામણો દેશમાં લાગુ કરવાની જાહેરાત કરવાના હતા પરંતુ તેમના ટેક્સટાઇલ્સ અને ફૂડ પ્રોસેસિંગ મંત્રી શરદ યાદવ એ લોકદળના દેવીલાલ ૯ ઓગસ્ટ, ૧૯૯૦ના રોજ નવી દિલ્હીના બોટ ક્લબ ખાતે  રેલી યોજી  શક્તિપ્રદર્શન કરે તે પહેલા જ આ નિર્ણય લાગુ કરવાની જાહેરાત કરવાનું જણાવ્યું.ત્યારબાદની ઘટનાઓ ઝડપથી ઘટી. 



     આ પહેલા જરાક વી.પી.સિંહ કઈ રીતે વડાપ્રધાનની ખુરશી  ઉપર બિરાજમાન થયા તે જોઈએ. ઉત્તર પ્રદેશના રાજઘરાનાના વિશ્વનાથ  પ્રતાપસિંહ યુવાનીમાં જ પોતાના ભાઈના પગલે ચાલી રાજનીતિમાં પ્રવેશ્યા અને કોંગ્રેસ પક્ષમાં જોડાયા. તેઓ ઇન્દિરા ગાંધીના વફાદાર નેતાઓ પૈકીના એક હતા. ઉત્તર પ્રદેશમાં તેઓ ધારાસભ્ય ત્યારબાદ સંસદસભ્ય પણ બન્યા. ૧૯૮૦માં તેઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી જેવા સર્વોચ્ચ પદ પર પણ પસંદ થયા. ત્યારબાદ તેમને દિલ્હી દરબારનું તેડું આવ્યું અને તેઓ ઇન્દિરા ગાંધી સરકારમાં વાણિજ્ય મંત્રી બન્યા. ૧૯૮૪માં રચાયેલ  રાજીવ ગાંધી સરકારમાં તેમને નાણામંત્રી તરીકેનું વડાપ્રધાન બાદનું સર્વોચ્ચ પદ આપવામાં આવ્યું. તેમણે નાણામંત્રી તરીકેની સફળ પણ ચર્ચાસ્પદ ભૂમિકા ભજવી. ૧૯૮૭માં કોંગ્રેસ પક્ષ છોડતા પહેલા તેઓ સંરક્ષણ મંત્રીના પદ ઉપર હતા. ‘ભ્રષ્ટાચાર’ના મુદ્દા ઉપર કોંગ્રેસ- રાજીવ ગાંધી સરકાર સામે લડતા તેમણે લોકદળ, જનતા પાર્ટી, તેલુગુ દેશમ પાર્ટી (ટી.ડી.પી.), બી.જે.પી. સી.પી.આઇ.(એમ.),અસમ ગણ પરિષદ (એ.જી.પી.) સહિતના રાજકીય પક્ષોને એકઠા કરી ‘નેશનલ ફ્રન્ટ’  નામે ગઠબંધન કર્યું.૧૯૮૯ની લોકસભાની ચૂંટણીમાં તેમનુ ગઠબંધન સફળ રહ્યું અને ૨ ડિસેમ્બર, ૧૯૮૯ના રોજ વિશ્વનાથ પ્રતાપસિંહ ભારતના સાતમા વડાપ્રધાન બન્યા. 



 હવે વાત મંડલ પંચની કરીએ તો બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિંદેશ્વરી પ્રસાદ મંડલના વડપણ હેઠળ ૧ જાન્યુઆરી, ૧૯૭૯ના રોજ પછાત વર્ગો માટેનું બીજું રાષ્ટ્રીય પંચ નિમાયું. આ પંચ પોતાનો અહેવાલ સરકારને આપે તે પહેલા જ  જનતા સરકારનું ૧૯૮૦માં પતન થયું અને ઇન્દિરા ગાંધીની સત્તાવાપસી  થઈ. તે સમયે  પંચે પોતાનો અહેવાલ કેન્દ્રીય ગૃહમંત્રી જ્ઞાની ઝૈલસિંઘને સોંપ્યો ત્યારબાદ દસ વર્ષ જેટલો સમય વીતી ગયો. હવે સરકાર ઉપર સંકટ આવતા વડાપ્રધાન વી.પી.સિંહ પર ઓ.બી.સી. સાંસદસભ્યોએ દબાણ વધાર્યું અને મંડલ પંચનો અહેવાલ સરકારી કબાટમાંથી ફરી પાછો બહાર નીકાળવામાં આવ્યો.  



     અંતે ૬ ઓગસ્ટ, ૧૯૯૦ના રોજ વડાપ્રધાન વી.પી.સિંહના વડપણ હેઠળ  મળેલી કેબિનેટની બેઠકમાં મંડલ પંચના અહેવાલની ભલામણો લાગુ કરવા પર ચર્ચા કરવાનું જેવું વડાપ્રધાને જાહેર કર્યું કે બેઠકમાં ઉપસ્થિત  અધિકારીઓ- મંત્રીઓ ચોંકી ઉઠ્યા. કારણ કે, આ બાબત કેબિનેટ મીટીંગના ’એજન્ડા’   ન હતી. વડાપ્રધાન એ સામાજિક કલ્યાણ મંત્રીશ્રી રામવિલાસ પાસવાનને આ અંગેનું પ્રેઝન્ટેશન કરવા જણાવ્યું.  આ કામ માટે મંત્રીશ્રી રામવિલાસ પાસવાનને તેમના વિભાગના સચિવ પી. એસ. ક્રિષ્નનની આમાં સારી એવી મદદ મળી હતી. તેમની સલાહ  મુજબ જ  આ ભલામણો માટે અલગથી કોઈ કાયદાની જરૂર ન હતી અને  માત્ર એક્ઝિક્યુટિવ ઓર્ડર(કાર્યપાલક આદેશ) થી આ ભલામણો લાગુ થઈ શકે તેમ હતી.જે મુજબ કાર્યવાહી આગળ થઇ.  વડાપ્રધાન આ બાબતે મક્કમ જણાતા કેબિનેટમાં આ અંગેનો પ્રસ્તાવ બે- એક મંત્રીશ્રીઓના વિરોધના અંતે  પસાર થયો. ત્યારબાદ વડાપ્રધાન વી.પી.સિંહએ ગઠબંધનના તેમના ભાગીદાર એવા ભારતીય સામ્યવાદી પક્ષ(માર્કસિસ્ટ) અને ભારતીય જનતા પાર્ટીને પોતાના આ નિર્ણયની માત્ર ‘જાણ’ કરી.૭ ઓગસ્ટ,  ૧૯૯૦ના રોજ વડાપ્રધાન વી.પી.સિંહએ સંસદના બન્ને ગૃહોમાં આ ભલામણો લાગુ કરવાનો સરકારનો નિર્ણય જાહેર કર્યો.  ૧૩ ઓગસ્ટ,  ૧૯૯૦ના રોજ સરકારી જાહેરનામું બહાર પડ્યું અને અન્ય પછાત  વર્ગો (ઓ.બી.સી.) માટે  અનામત લાગુ કરવામાં આવી. ત્યારબાદ દેશમાં અનામત વિરોધી આંદોલનો શરૂ થયા.  ઘણા યુવાઓને  આ અનામતના વિરોધમાં આત્મવિલોપન કર્યા.  સુપ્રીમ કોર્ટે અનામતના તમામ કેસો ભેગા કરી ‘ઇન્દ્રા  સાહની’  કેસમાં અન્ય પછાત  વર્ગો  માટે સરકારએ ફાળવેલી ૨૭%  અનામતને જાળવી રાખવાનો ચુકાદો આપ્યો અને વધુમાં અનામત ૫૦%થી વધેલ નહીં તે માટે એક  મર્યાદા બાંધી આપી.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે