આ લેખ પાકિસ્તાની આતંકી મસૂદ અઝહરના કટ્ટરપંથી ઉદય, ભારતની જેલમાંથી તેના છુટકારા અને 'જૈશ-એ-મોહમ્મદ'ની સ્થાપનાની કથા છે. ISI ના સમર્થનથી આ સંગઠને ભારતીય સંસદ, ઊરી અને પુલવામા જેવા ઘાતક આત્મઘાતી હુમલાઓ દ્વારા બંને દેશો વચ્ચે ભારે તણાવ પેદા કર્યો છે.
૧૯૮૦ના દાયકામાં પાકિસ્તાનના કરાંચીના પ્રખ્યાત મદ્રેસા બિનોરીયામાંથી એક યુવાન સ્નાતક થાય છે. આ મદ્રેસા જેહાદીઓની ‘દેવબંધી’ વિચારધારાનું કેન્દ્ર હતું. અહીં એ યુવાનને બાંગ્લાદેશ, તુર્કી, સુદાન, અફઘાનિસ્તાન,ચેચન્યા જેવા દેશોમાંથી આવેલા જેહાદીઓ ઇસ્લામિક સ્કોલરો સાથે વાત- સંવાદ કરવાનો મોકો મળ્યો.જેનાથી તેની વિચારધારાને વધુ બળ મળ્યું.
આતંક ફેલાવવા માટે શારીરિક તાલીમ અત્યંત જરૂરી હોય છે. હિંસા –શસ્ત્રો થકી ઇસ્લામનો ફેલાવો કરવાનું આ જેહાદીઓનું મકસદ હોય છે. ૧૯૮૯માં આ યુવાન હરકત ઉલ મુજાહિદ્દીન નામના આતંકી જૂથમાં જોડાયો. આ આતંકી જુથે યુવાનને વધુ હિંસક બનાવવા ૪૦ દિવસની આકરી સશસ્ત્ર તાલીમ માટે અફઘાનિસ્તાન મોકલી આપ્યો. તે સમયે અફઘાનિસ્તાન આ પ્રકારના આતંકવાદીઓ માટેનું જાણે કે એક ટ્રેનિંગ સેન્ટર હતું પરંતુ આ ટ્રેનિંગ માટે આ યુવાન 'ઢીલો’ સાબિત થયો. તે ‘શસ્ત્ર’ માટે નહીં પણ ‘શાસ્ત્ર’ માટે બન્યો હતો. આથી હરકત ઉલ મુજાહિદ્દીનએ તેના ટેલેન્ટને અનુરૂપ તેને જેહાદી વિચારધારાના પ્રચાર- પ્રસાર માટેનું કામ સોંપ્યુ. આ માટે તેની પાસે કરીશ્માઇ વકતૃત્વ કૌશલ્ય હતું. તે ભીડને સંમોહીત કરી નાખે એવું ભાષણ આપી શકતો. પોતાની ધારદાર વકતૃત્વકળાથી તે વિદેશોમાં જઈ વક્તવ્ય આપતો જેનાથી સારું એવુ ભંડોળ એકઠું થતું અને કેટલાંક યુવાનો જેહાદ માટે પોતાનો જીવ આપવા તૈયાર થઇ જતા. આ યુવાન એટલે મસૂદ અઝહર. જે આગળ જઇ મૌલાના મસૂદ અઝહર બની ગયો.
તેના જીવનનું નિર્ણાયક વર્ષ એટલે ૧૯૯૪. તે સમયે જમ્મુ અને કાશ્મીરમાં ભારે સક્રિય એવા બે આતંકી જુથો હરકત ઉલ અન્સાર અને હરકત ઉલ મુજાહીદ્દીન વચ્ચે કેટલાક મતભેદો સર્જાયા. આ મતભેદોથી જમ્મુ અને કાશ્મીરને આઝાદ કરવાનું મિશન ‘હોલ્ડ’ ઉપર આવી ગયું જેથી મધ્યસ્થીના મિશનથી મૌલાના મસૂદ અઝહર ૨૯ જાન્યુઆરી, ૧૯૯૪ના રોજ નવી દિલ્હી પહોંચ્યો. અને ફેબ્રુઆરી ૧૯૯૪માં દક્ષિણ કશ્મીરમાંથી ભારતના સુરક્ષા દળોએ તેની ધરપકડ કરી. જમ્મુની ભલવાલ જેલમાંથી તેને છોડવાના ઘણા પ્રયત્નો નિષ્ફળ ગયા પરંતુ ઇન્ડીયન એરલાઇન્સની ફ્લાઇટ આઈ.સી. ૮૧૪નું ડીસેમ્બર ૧૯૯૯માં કાઠમાંડુથી ‘હાઇજેકિંગ’ કરવામાં આવ્યું અને મસૂદ અઝહર સહિતના આતંકવાદીઓને ભારત સરકારે છોડવા પડ્યા.
જેલમાંથી બહાર આવેલો મૌલાના મસૂદ અઝહર હવે વધુ ઝેરી બન્યો અને તેણે ૩૧ જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ કરાંચી ખાતે નવા આતંકી સંગઠન ‘જૈશ એ મોહમ્મદ’ ની રચનાની જાહેરાત કરી. આ સંગઠનને નાણાંરૂપી ઓક્સિજન હંમેશની જેમ જ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ.એ અને અલ કાયદાએ પૂરો પાડ્યો. આ આતંકી જુથ એટલું હિંસક અને રૂઢીચુસ્ત હતું કે પોતાના મકસદ માટે થઈને જનરલ પરવેઝ મુશર્રફ જેવા દેશના શાસકને મારવાના પણ પ્રયાસ કરી બેઠું જેથી વર્ષ ૨૦૦૨ની આસપાસ થોડાંક સમય માટે તેની પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો પરંતુ ૨૦૦૭-૦૮નું વર્ષ આવતા આવતા તેનું ફરી ‘કમબેક’ થયું.
‘જૈશ એ મોહમ્મદ’ આતંકી જૂથ ઝીણવટપૂર્વકના આયોજનથી જીવલેણ આત્મઘાતી હુમલા કરવામાં પાવરધુ છે. આ જૂથ હંમેશા પરંપરાગત રીતે,રૂઢીચુસ્તતાથી પોતાનું કામ છાનુંછપનું રહીને કરતું રહે છે. વધુમાં આ આતંકી જૂથ પોતાના આતંકી કૃત્યો માટે બને ત્યાં સુધી સ્થાનિકોની મદદ લેતું નથી પરંતુ પાછળના વર્ષોમાં આમાં કેટલીક બાંધછોડ નજરમાં આવી છે ખરી. ઘણા આતંકી જૂથો આઈ.એસ.આઈ. નું કીધેલું કરે છે પણ ‘જૈશ એ મોહમ્મદ’ને આવી મર્યાદા નડતી નથી. ઘણીવાર તે પોતાની રીતે આતંકી કૃત્યો કરી નાખે છે. આ આત્મઘાતી હુમલા કરવાની તેમની હિંમતનો પરચો ભારતને ઘણો જલ્દીથી મળી ગયો જ્યારે આ જુથે એપ્રિલ, ૨૦૦૧માં લોકશાહીના તીર્થસ્થાન એવા ભારતીય સંસદ ઉપર હુમલો કર્યો. આ હુમલાથી કળ વળે તેમાં જ ઓક્ટોબર, ૨૦૦૧માંઆ જુથે જમ્મુ અને કશ્મીર વિધાનસભા ઉપર હુમલો કર્યો. ત્યારબાદના વર્ષોમાં સુષુપ્ત રહેલા આ આતંકી જૂથનો દાનવ ફરી જાગ્યો અને ૨૦૧૬માં પઠાણકોટ એરબેઝ ઉપર અને ૨૦૧૬ માં ઊરીમાં કેન્ટોનમેન્ટ વિસ્તારમાં તેમણે આત્મઘાતી હુમલો કર્યો.આ જૂથની આતંકી પ્રવૃતિઓ એટલી ઘાતક હોય છે કે ૨૦૧૯ના વર્ષમાં આ જુથે કરેલ પુલવામા હુમલાથી તો ભારત- પાકિસ્તાન યુદ્ધ જેવી ગંભીર સ્થિતિમાં આવી ગયા હતા.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે