Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

સલીમ ખાનની જેમ જ પ્રખ્યાત લેખક અબરાર અલવીના જીવનમાં પણ પ્રેમપત્રોએ લેખનનો મજબૂત પાયો નાખ્યો હતો. એક છાત્રાને મનાવવા શરૂ થયેલો રોજના એક પ્રેમપત્રનો સિલસિલો ૩૦૦ પત્રો સુધી પહોંચ્યો, જેની શિસ્ત અને સર્જનાત્મકતાએ તેમને બોલિવૂડના મહાન લેખક બનાવ્યા.

હિન્દી ફિલ્મ જગતની પ્રખ્યાત લેખક જોડી એટલે ‘સલીમ જાવેદ’. સલીમ ખાન અને જાવેદ અખ્તર. આ પૈકીના એક લેખક સલીમ ખાનએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ કોલેજમાં મિત્રોને પ્રેમપત્રો લખી આપતા. આ લેખનથી ‘લખતા લહિયો  થવાય ‘ તે ન્યાયે  સલીમ ખાનને લેખનનો  મહાવરો થયો અને તેમના લેખનને ‘ધાર’ નીકળી.  



     એકવાર આ સલીમ ખાને ગુરુદત્તની ક્લાસિક ફિલ્મોમાં લેખન કરતા અબરાર અલવીને કહેલું કે તમે જોજો એક સમયે એવો આવશે કે ફિલ્મ લખતા લેખકોને હીરો કરતા વધુ રકમ મળશે.  આ વાત ઉપર હસતા અબરાર અલવીએ સલીમ ખાનને પાગલમાં ખપાવી દીધેલા. આગળ જતા સલીમ- જાવેદએ ફિલ્મના હીરો કરતાં વધુ રકમ મેળવી પણ ખરી. પરંતુ,  વાત અહીં અબરાર અલવીની કરીએ. સલીમ ખાનની જેમ તેઓનો પણ પ્રેમપત્ર સાથે સંબંધ હતો. આ પ્રેમપત્ર લેખનથી તેમને ફિલ્મ લેખનમાં ઘણી સહાય મળી હતી. ફિલ્મ લખતા પહેલા અબરાર અલવી ૩૦૦ જેટલા પ્રેમપત્રો લખી ચૂક્યા હતા.



     અબરાર અલવીના પિતા એક આઇ.પી.એસ. ઓફિસર હતા. અબરારને નાગપુરની હિસલોપ  કોલેજમાં બી.એ. માટે પ્રવેશ મળ્યો હતો પરંતુ બાદમાં તેમણે નાગપુરની જ બીજી એક કોલેજ મોરીસ કોલેજમાં ‘ટ્રાન્સફર’  લઇને  પ્રવેશ મેળવ્યો. ધીમે ધીમે અબરારએ પોતાનું ટેલેન્ટ બતાવવાનું શરૂ કર્યું. કોલેજમાં યોજાતી ચર્ચાઓ- વકતૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લઇને  ઇનામો  મેળવવા માંડ્યુ. ધીમે ધીમે તેઓ નાટકો લખવા તેમજ નિર્દેશિત કરવા લાગ્યા. એક સમય એવો આવ્યો કે કોલેજોના વાર્ષિકોત્સવ સમયે પાંચ- પાંચ કોલેજોના નાટકોની જવાબદારી અબરાર અલવી નિભાવતા થઇ ગયા. 



     તે સમય નાગપુરની મેડિકલ કોલેજએ  પોતાના વાર્ષિકોત્સવ  માટે એક નાટક લખવા- નિર્દેર્શિત કરવા અબરાર અલવીનો  સંપર્ક કર્યો.અબરારએ શરત મૂકી કે નાટકમાં આવતા સ્ત્રી પાત્ર માટે  કોઈ છોકરી જ તેની ભૂમિકા ભજવશે. ૧૯૫૦ના એ રૂઢીચુસ્ત  સમયમાં સ્ત્રીઓને સિનેમા- નાટકમાં કામ કરવાની પરવાનગી- આઝાદી ન હતી. અબરાર એ  તે કોલેજની લખનૌની એક ખ્રિસ્તી મેડિકલ છાત્રાને ‘શોર્ટલિસ્ટ’ કરી પરંતુ તે છોકરીના પિતાએ તેને નાટક કરવાની અનુમતિ ન આપી અને ભણવા પર ધ્યાન આપવા સલાહ આપી. હવે અબરાર તે છોકરીને નાટકમાં ભાગ લેવા મનાવવા ઘણી વખત મળતા રહ્યા. તેવામાં એક દિવસ તેમની ધીરજ ખૂટી.  તેમણે  તે છોકરી ગુસ્સામાં આવી જઇ ‘ખખડાવી’  નાખી. પછી તે છોકરીના વહેતા આંસુથી અબરાર  પીગળી  ગયા. 



     તે રાત્રે ૩૦૦ પૈકીના પ્રથમ પ્રેમપત્રનો જન્મ થયો. તે પત્ર મળતા જ તે છોકરી રાજી થઈ ગઈ. રાજીપો પ્રગટ કરતા અબરારને તેણે કહ્યું કે તમે મને રોજ આવો એક પત્ર લખી આપી શકો?  અને અબરાર રોજના એક પત્ર તેને લખવા કબૂલ થઇ ગયા. 



 રોજનો એક પત્ર પાઠવવાનો હોવાથી લેખનની શિસ્ત - ટાઈમલાઈનમાં લખવાની આદત અબરાર અલવીને પડી ગઈ. જે ફિલ્મ ઉદ્યોગમાં તેમને ઘણી ઉપયોગી નીવડી. તેઓ તે છોકરીને દરેક પત્રમાં રોજ એક નવું સંબોધન કરતા.દરેક પત્ર જુના પત્રથી અલગ અને વધુ સર્જનાત્મક રાખવાનો તેઓ પ્રયાસ કરતા. તેઓ છોકરીને ‘ફેર’  કોપી મોકલતા અને  ખરી નકલ પોતાની પાસે રાખતા. રોજ સાંજે મિત્રો આગળ પ્રેમપત્રનું જાહેર વાંચન થતું.પત્રની વિષયવસ્તુ અને ગુણવત્તા અંગે તેઓ મિત્રોનો અભિપ્રાય માંગતા.પ્રેમપત્રો લખવાની તેમની ખ્યાતિ ચારેકોર ફેલાઈ ગઈ.ઘણા મિત્રો અબરાર પાસે તેમના પ્રેમપત્રો લખાવતા થઈ ગયા. આ રીતે તેઓ લેખન કરી શકે છે તેમ તેમને પોતાને આત્મવિશ્વાસ આવ્યો. 



આ લેખનનો પાયો પાકો થતા તેમના જીવનમાં એવા પણ દિવસો આવ્યા કે તેઓ હિન્દી ફિલ્મ જગતની આર-પાર, પ્યાસા, કાગજ કે ફૂલ, ચૌદવી કા ચાંદ, સાહીબ, બીબી  ઔર ગુલામ, સૂરજ,  પ્રોફેસર,  સાથી, બૈરાગ જેવી ઘણી ફિલ્મોની કથા-પટકથા-સંવાદ લખી શક્યા અને ભારતના હિન્દી ફિલ્મ લેખનના ઇતિહાસમાં પોતાનું નામ કરી ગયા.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે