વર્ષ ૧૯૯૯માં લેખિકાએ મોટાભાઈ અને મિત્રો સાથે મનાલી, રોહતાંગ પાસ થઈને લાહૌલ-સ્પિતીના કેલોન્ગ સુધીની રોમાંચક સફર ખેડી. બદલાતા ભૂપ્રદેશો, બિયાસ નદી, ઠંડોબોળ પવન, પીર પંજાલ પર્વતમાળાના પ્રથમ દર્શન અને બરફના હિમલંબના સ્પર્શ સાથે પ્રકૃતિના સાહિત્યિક અને દિવ્ય અહેસાસને અહીં કેમેરા અને હૃદયમાં કંડાર્યો છે.
વર્ષ ૧૯૯૯ના મે મહિનામાં મોટાભાઈ, સુભાષ(ભટ્ટ)ની રાહબારી હેઠળ ફરી એક long awaited travel circuitનો plan ઘડાયો જેમાં સુભાષ પોતે, હું, સુભાષનો એક B E Mechanical ભણેલો હોનહાર વિદ્યાર્થી, ભાવેશ વિસાણી, અમારો પરમ પાડોશી અને વિવિધ કાર્યો ઉકેલનારો ભરત કથીરીયા, ભરતનો ફોટોગ્રાફર ફ્રેન્ડ, દિપક ચૌહાણ, Dell Laptopના ભાવનગરના authorised dealer અને સુભાષના મિત્ર કાર્તિકેય રાવળ અને અમારી family friend પૌલોમી વ્યાસ આ હિમાલયન ટ્રાવેલ સર્કિટના ઉત્સાહિ પ્રવાસીઓ હતાં.

અમારા ઘર, ‘સરાય’ના બેઠક ખંડમાં માર્ચ મહિનાના પહેલા-બીજા સપ્તાહમાં હિમાચલપ્રદેશનો પ્રવાસન નકશો ખોલીને સુભાષે મને કહ્યું કે રક્ષા, કેમેરા સજ્જ કર, ખૂબ બધા film rollsથી થેલો ભરી લે કારણ કે આપણે મનાલીથી રોહતાંગ થઈને લાહૌલ-સ્પિતી જીલ્લાના કેલોન્ગ જવું છે અને કેલોન્ગથી લાહૌલ અને સ્પિતી જીલ્લાના જ ચિત્રમયી ગામ ઉદેપુર ટાઉન જઈ, ચંદ્રભાગા નદીના કિનારે થોડા દિવસ રહિને ફરી એ જ માર્ગે પાછા ફરવું છે.

મે મહિનાના પ્રથમ સપ્તાહમાં જ ઉપડવા તૈયાર પંદરેક દિવસના પ્રવાસનું booking માર્ચમાં જ થઈ ગયું અને હું અને સુભાષ બંને શિક્ષક એટલે નિશાળનું પાત્રીસ દિવસનું ઉનાળુ વેકેશન શરૂ થયું એ પહેલા જ પ્રવાસની તૈયારીઓ પણ થઈ ગઈ અને ઉપડવાના થોડા દિવસો પહેલા અમારી એક સહપ્રવાસી, પૌલોમી માંદિ પડી અને સુભાષે મને પૂછ્યું કે હવે અમે પાંચ ભાઈઓ જ છીએ તારે પ્રવાસમાં આવવું છે કે પૌલોમી વગર નહીં ?

આજથી, ઓલમોસ્ટ, સત્યાવીસ વર્ષ પહેલા લાહૌલ-સ્પિતીનો પ્રથમ સ્પર્શ ઈચ્છતી હું તો કોઈપણ હિસાબે મારા dream destinations કવર કરતાં આ પ્રવાસને miss કરવા નોહતી માંગતી એટલે સુભાષની આંગળી પકડિ પરિવારના પરમ મિત્રો જેવા ચાર ભાઈઓ અને મોટા ભાઈ, સુભાષ સાથે જરૂરી સામાન, કેમેરા કિટ અને ફિલ્મ રોલનો થેલો ભરીને બૃહદ હિમાલય દર્શને ઉપડી.

મે મહિનાના બીજા સપ્તાહની એક સાંજે બરાબર સવ્વા છના ટકોરે મુંબઈ બાંદ્રા ટર્મિનસથી આવેલી પશ્ચિમ સુપર ફાસ્ટ એક્સ્પ્રેસ વડોદરાના રેલ્વે સ્ટેશને આવીને ઊભી રહિ અને અમે છ સહપ્રવાસીઓ વડોદરાથી ચંદિગઢ જવા ટ્રેઈન નંબર ૧૨૯૨૫માં બેઠા અને બીજે દિવસે સાંજે ચાર વાગે શીખ સંસ્કૃતિના હૃદય સમા પંજાબના ચંદિગઢ રેલ્વે સ્ટેશને ઉતરી, Fresh થઈ ચંદિગઢથી મનાલીની હિમાચલ પથ પરિવહનની નોન-એસી બસમાં બેઠા જે બસ અમને સાત-આઠ કલાકે મનાલી ઉતારવાની હતી.

ચંદિગઢ, રુપનગર, કિરાતપુર સાહિબ જેવા prominent town cross કરીને અમે બિલાસપુર પહોંચ્યા પછી પંજાબની સરહદ પૂરી થઈ અને હિમાચલપ્રદેશનો લીલોછમ પર્વતીય જાદુ શરૂ થયો.
બિલાસપુર પછી ૩૦૦૦ ફૂટની ઊંચાઈ પર સ્થિત સુંદરનગરના ઘાસના મેદાનો ફરતે રહેલી ટેકરીઓ પસાર કરી ત્યાં પહાડોનું વારાણસી ગણાતું મંડિ આવ્યું અને અમને બસની બારીએથી કુલ્લુ અને કાંગરા વેલીમાં વહેતી બિયાસ નદીના દર્શન થયા.
મંડિથી કુલ્લુ પહોંચતા સુધીમાં કુલ્લુ વેલીના સફરજનના બગીચાઓએ અને ઘાસના ખુલ્લા મેદાનોએ અમને મનાલી સુધી સાથ આપ્યો અને ચંદિગઢથી મનાલીના ત્રણસો કિલોમીટરનું અંતર HRTCની સાદિ બસમાં કવર કર્યું ત્યારે ખરેખર તો અમે ભાવનગરથી વડોદરાનું બસ્સો પંદર કિલોમીટરનું અંતર બસમાં પસાર કર્યું હતું; વડોદરાથી ચંદિગઢનું એક હજાર બસ્સો સાઈઠ કિલોમીટરનું અંતર ટ્રેઈનમાં પસાર કર્યું હતું અને ફરી ચંદિગઢથી મનાલીનું ત્રણસો કિલોમીટરનું પર્વતીય વિસ્તારનું અંતર સાદિ સરકારી બસમાં કવર કરી ગુજરાતથી પંજાબ પહોંચી હિમાચલપ્રદેશની કુલ્લુ વેલીમાં પહોંચ્યા હતાં અને આ મુસાફરીના બદલાતાં ભૂપ્રદેશોને બસ અને ટ્રેઈનની બારીમાંથી ક્યારેક ચા તો ક્યારેક ગરમ-ગરમ ઉપમા, ક્યારેક ઘરની સુખડી તો ક્યારેક ભાભીના હાથના ઘરે બનાવેલા ચેવડા સાથે માણી હતી અને સુભાષે તો તેના ગમતા પુસ્તકો સાથે માણી હતી.
બિલાસપુરની લીલીછમ ટેકરીઓ વચ્ચેનો ગોવિંદ સાગર લેઈક સતલજ નદીના જળના દર્શન કરાવતો મંડિમાં વહેતી બિયાસ સુધી લઈ જાય અને બિયાસની સમાંતરે વહેતું સર્પાકાર ભ્રમણ આપણને સફરજનના બગીચાઓ અને કુલ્લુ મનાલીના હિમાચ્છાદિત પર્વતો સુધી પહોંચાડે ત્યારે ભલે બીંબાઢાળ બની ચુક્યું હોય છતાં વારંવાર વાંચવું અને વાપરવું ગમે તેવું એક વાક્ય મન-હૃદયમાં ઝબકે કે Journey is more important than the destination.
આમ ગંતવ્ય તરફની ગતિને માણતાં અમે છ સહપ્રવાસીઓ આવી રીતે નેશનલ હાઈ-વે નંબર ત્રણ પરની સાત-આઠ કલાકની મુસાફરી કરી મોડી રાત્રે મનાલી પહોંચ્યા અને મનાલીમાં એક રાત્રિ રોકાણ કર્યા પછી બીજી સવારે મનાલીથી રોહતાંગ અને રોહતાંગથી કેલોન્ગ જવા નીકળ્યા કારણ કે મનાલીની ઉત્તરે આવેલું કેલોન્ગ અમારું પ્રથમ ગંતવ્ય હતું.
કુલ્લુના ઉત્તર છેડે આવેલા મનાલીની ચોખ્ખી સૂર્યાળ સવારે અમારી ટેક્ષી મનાલી મૉલ રોડથી પ્રથમ રોહતાંગ પાસ જવા ઉપડી ત્યારે સૂર્ય નારાયણે મનાલીથી દેખાતી ધૌલાધાર રેન્જ પર પોતાના સૂર્ય કિરણો પાથર્યા હતા અને ટટ્ટાર ઉભેલા પાઈનના વૃક્ષોના લીલાછમ વૃંદ સુધી હજી તે પ્રકાશ પહોંચ્યો નહોતો.
આવી ચોખ્ખી, તાજ્જી સવારે અમે મનાલીની ૬,૭૨૬ ફુટની ઊંચાઈએથી પ્રથમ કોઠી અને પછી ગુલાબા ચેકપોસ્ટ પહોંચી રોહતાંગ પાસ જવાની પરમીટ બતાવી ગુલાબાથી મઢી [Marhi] સુધીમાં હિમાચલ અને પંજાબમાં વહેતી ઉત્તર-પશ્ચિમી નદી બિયાસના કાંઠે થોડીવાર બેઠા ત્યારે રોહતાંગ પાસમાં જ પોતાનું ઉદગમ સ્થાન ધરાવતી આ નદીની અંદરની એક શીલા પર બેઠેલા Blue Rock Thrush પક્ષીની નાજુક-નમણી Femaleને મેં જોઈ.
પોતાના underpartsમાં પરતદાર ફિક્કો કથ્થાઈ રંગ લઈને બિયાસ નદીમાં રહેલા ખડક સાથે એકરૂપ થઈને બેઠેલું આ માદા પંખીડું અને High Altitude summer breeder ગણાતાં આ પંખીડાનો male જોડીદાર તેની આસપાસ જ પોતાના ભૂરા રંગનો જુદો જ જાદુ લઈને ક્યાંક બેઠો હશે એવું માની ખડક સાથે camouflage થયેલી આ blue Rock thrush femaleનો એક ફોટો પાડિ અમે મઢીના ગમતાં stop overમાં નાસ્તો કર્યો અને એ પછીના રોહતાંગ સુધીના સત્તર કિલોમીટરની રોડ ટ્રીપ આરંભી ત્યારે મનાલી-લેહ હાઈ-વે વચ્ચેના road side રેસ્ટોરન્ટથી સભર ‘Shanty town’ ગણાતા મઢીમાં વાતાવરણ ધુમ્મસિયું હતું.
એ ધુમ્મસિયા વાતાવરણમાં દૂર દેખાતાં બરફાચ્છાદિત પર્વતો, તેની આગળ પાઈનના વૃક્ષોનો પથારો અને તેની પણ આગળ ખડકાળ પર્વતોના ખરબચડા અસ્તિત્વને મેં રોલ કેમેરામાં અંકે કર્યું ત્યારે મેં પાડેલા આ સંયોજન સિવાયની Marhi [મઢી] valley તો ઘાસના મેદાનો વચ્ચેથી પસાર થતા માર્ગની સ્વર્ગીય સુંદરતાથી સભર હતી અને John Muir માફક કહેતી હતી કે ‘In every walk with nature one receives far more than he seeks.’

‘John of the mountains’ તરીકે ઓળખાતા John Muir જેવા ખેડૂત, પ્રકૃતિપ્રેમી, પ્રાણીશાસ્ત્રી, પર્યાવરણવાદી અને પર્વતપ્રેમી scottish લેખકને scotland જેવા હિમાલયન લેન્ડસ્કેપ જોઈને યાદ કર્યા પછી હવે તો અમારે મઢીથી રોહતાંગના સોળ-સત્તર કિલોમીટર જ પસાર કરવાના હતાં અને મઢીથી રોહતાંગના આ રૂટનો ભૂપ્રદેશ બરફના શ્વેત-ધવલ દ્રશ્યફલકમાં વચ્ચે વચ્ચે મોટી મોટી ધારદાર શીલાઓ પર હિમાલયન પંખીડાની પાંખો લઈને અમને કહિ રહ્યો હતો કે હું રોહતાંગ પાસ આસપાસની બરફાચ્છાદિત terrain છું અને ભલે મે મહિનો હોય તો પણ હું ક્યારેક ક્યારેક માઈનસ ત્રણ-ચાર ડિગ્રીએ પહોંચીને પ્રવાસીઓને મારો પરચો બતાવું છું.
ઠંડીના આવા પરચા બતાવતા હિમાલયન ભૂપ્રદેશમાં હવે અમે રોહતાંગ પાસ પહોંચવા સાથે ૧૩,૦૫૦ ફુટની ઊંચાઈએ પહોંચ્યા.મનાલીથી એકાવન કિલોમીટરના અંતરે રહેલા આ High monuntain passને હું પહેલીવાર જ જોઈ રહિ હતી અને બરફ જ બરફની શ્વેત ચાદરને અડીને ફીલ કરવાની ઉતાવળ પણ એટલી જ હતી એટલે મનાલીના સૌથી ઊંચા શિખર ગણાતાં રોહતાંગ પાસમાં અમે ટેક્ષીમાંથી નીચે ઉતર્યા ત્યારે ઊંહકારો થઈ ગયો કારણ કે ખાસ્સી ઠંડી હતી અને High altitude તો શું ચીઝ છે અમે very High altitudeની શરૂઆતના પોઈન્ટ પર હતાં એટલે કે ૧૧, ૫૦૦ ફૂટથી ઉપર હતાં અને તેનો અમને ભારે અહેસાસ થઈ રહ્યો હતો અને હા, મારી માટે એ એહસાસ એકદમ Virgin હતો.
સ્વેટર-મફલર-સ્કાર્ફ, Woolen jackets અને windcheaterથી ઠંડીબોળ હવાને છેતરવાના વેમમાં અમે દિવસના ભાગમાં ત્રણથી ચૌદ ડિગ્રી ઠંડીમાં રહેતાં રોહતાંગ પાસના તાપમાનને શ્વાસમાં ભરી ભરીને ઉચ્છવાસમાં ફૂકતાં હતાં અને આવી બેફિકર હરકત અમને મજા કરાવતી હતી.

એ મજાને ટૂંકાવી અમે છ સહપ્રવાસીઓ ટેક્ષીમાં બેઠા કારણ કે અમારે તો હજી રોહતાંગ પાસથી એકસો એક કિલોમીટરનું અંતર કાપી સંધ્યા કાળ પહેલા કેલોન્ગ પહોંચવાનું હતું એટલે રોહતાંગ પાસ પર બહુ રોકાણ ન કર્યું પરંતુ પીર પંજાલ જેવી પશ્ચિમી હિમાલયની પર્વતમાળાનું પ્રથમ દર્શન કર્યું અને બિયાસ નદી અને કાશ્મીરમાં વહેતી કિશનગંગા નદી વચ્ચે ફેલાયેલી આ Lesser Himalyasની સૌથી મોટી ગણાતી પીર પંજાલ પર્વતમાળાનો એક ઠંડોબોળ ઓરસ-ચોરસ ફોટો પાડ્યો અને, મનોમન, મોટા ભાઈ સુભાષને કહ્યું કે ભાઈ, હિમાલય દર્શનથી વિશેષ વ્હાલી વીર પસલી કઈ હોય !
૧૯,૬૮૮ ફુટની ઊંચાઈએ સ્થિત દેવ ટિબ્બા અને વીસેક હજારે આકાશને અડતા ઈન્દ્રસન શિખરોને સાચવીને બેઠેલી આ પીર પંજાલ પર્વતમાળાને રોહતાંગ પાસમાં ફેલાયેલી જોઈ અમે રોહતાંગ પાસની snow madnessથી ગાંડી થયેલી ભીડમાંથી નીકળીને કેલોન્ગને માર્ગે ચડ્યા ત્યારે રોહતાંગ પાસથી કેલોન્ગ જતાં માર્ગે રસ્તાની બંને બાજુ બરફની સોલીડ દિવાલ તો હતી જ પરંતુ મુસાફરીના માર્ગ પર જાણે બંને તરફ બરફની compound wall ચણી લીધી હોય તેવા અચંબિત કરતાં વ્યૂમાં વળી અમે બરફના ચપ્પુ જેવા ધારદાર લટકતાં પર્વતો કે હિમલંબ એટલે Icicles (આઈસીકલ્સ) જોયા અને ટેક્ષીની બારી ખોલીને બારી બહાર હાથ ફેલાવી ફેલાવીને એ હિમલંબને અડી પણ લીધું અને થયું કે ઈશ્વરની આ કેવી સંગેમરમર જેવી શ્વેત-ધવલ માયા છે જેને જોતા જ એક ટાઢક આપતો તેજ-લીસોટો આત્માને અડીને કહે છે કે ‘you are not in the mountains, the mountains are in you.’
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.