Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

સફળ વકીલ, સાહિત્યકાર અને મંત્રી કનૈયાલાલ મુનશીએ વર્ષ ૧૯૫૦માં દેશમાં ‘વન મહોત્સવ’ની ભવ્ય શરૂઆત કરી હતી. અંગ્રેજોના વ્યાપારી અભિગમ સામે ભારતીય સંસ્કૃતિના આધારે શરૂ કરાયેલી વૃક્ષારોપણની આ અનોખી વિરાસત આજે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગળ ધપી રહી છે.

કનૈયાલાલ માણેકલાલ મુનશીને કયો ગુજરાતી ઓળખતો ન હોય?  તેમની ઓળખ આપવી હોય તો તેઓ  એક સફળ વકીલ,  સર્વોત્તમ સાહિત્યકાર અને સફળ રાજકારણી હતા તેમ કહી શકાય. પરંતુ આજે આપણે વાત કરવાની છે તેમની એક પર્યાવરણ સંરક્ષણની પહેલની. તેમના દ્વારા શરૂ કરાયેલી એક પર્યાવરણ સંરક્ષણની પહેલ આજે પણ ચલણમાં છે. આજે પણ જુલાઈના પ્રથમ સપ્તાહમાં વન મહોત્સવ હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવે છે. 



     કનૈયાલાલ મુનશી  વકીલાતમાં ઘણા સફળ રહેલા અને રાજકારણમાં પણ તેઓ ઉચ્ચ પદે પહોંચેલા. ૧૯૩૭માં દેશમાં  ભારત સરકાર અધિનિયમ-૧૯૩૫ હેઠળ ચૂંટણીઓ યોજાઇ અને  પ્રાંતિય સરકારો રચાઇ. તે સમયે કનૈયાલાલ મુનશી  ‘બોમ્બે’  સ્ટેટના  ગૃહમંત્રી બન્યા. તે સમયે થયેલા  કોમી તોફાનોને  ડામવા માટે  તેમણે કડક હાથે કામ લીધાનું નોંધાયેલ  છે. ‘ચલ મન મુંબઈ નગરી’  પુસ્તકમાં લેખક દીપક મહેતાએ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદના વર્ષોમાં  પણ કનૈયાલાલ મુનશી જાહેર જીવનમાં અલગ અલગ જવાબદારીઓ નિભાવતા રહ્યા હતા. 



     ભારત દેશ આઝાદ થયો. ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ બંધારણ સભાએ કે જેમાં કનૈયાલાલ મુનશી પોતે પણ સભ્ય હતા તેણે ઘડેલું બંધારણ દેશમાં લાગુ પાડવામાં આવ્યું. હવે કનૈયાલાલ મુનશી માટે રાજકારણમાં રાષ્ટ્રીય સ્તરે કામ કરવાનો અવસર ઉઘડવાનો હતો. એવું કહેવાય છે કે એક જ પ્રાંત- ગુજરાતના હોવાથી  અને નાયબ વડાપ્રધાન વલ્લભભાઈ પટેલ સાથેની  નિકટતાને કારણે વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કનૈયાલાલ મુનશીને ખાદ્ય અને કૃષિ વિભાગના મંત્રી તરીકે પોતાની  કેબિનેટમાં સમાવ્યા હતા. 



વાત હવે પર્યાવરણ અને જંગલની કરીએ તો  ભારતના જંગલોનું બ્રિટિશ સરકારે અત્યંત દોહન કર્યું હતું. બ્રિટિશરો માટે  આ જંગલો ‘પર્યાવરણીય’  કરતા ‘વાણિજ્યક’   વધુ હતા. વનોમાંથી અંગ્રેજ સરકારને સારી એવી આવક પણ થતી હતી.જંગલસંપદા અંગ્રેજો માટે કમાણીનું સાધન હતી.  જ્યારે બીજી તરફ આ જંગલો સ્થાનિક રહેવાસી- આદિવાસીઓને માટે આજીવિકા પૂરી પાડતા હતા. તેમના અસ્તિત્વ માટે જરૂરી હતા.  આઝાદી બાદ ‘વનો’ માટે અલગથી  વિભાગ હજુ અસ્તિત્વમાં ન  હતો પરંતુ ખાદ્ય અને કૃષિ મંત્રાલયમાં ‘વનો’ નો વિષય સામેલ હતો.જેના મંત્રી હતા- કનૈયાલાલ મુનશી.  



     આ મંત્રાલયની ધૂરા સંભાળતા જ કંઈક નવું કરવાની ધગશ સાથે કનૈયાલાલ મુનશીને વૃક્ષારોપણને મોટા પાયા ઉપર ચલણમાં લાવવાનો વિચાર આવ્યો. તેઓ પોતે હિંદુ શાસ્ત્રો- પુરાણોના જાણકાર હતા.તુલસી અને પીપળાનું  હિંદુ  ધર્મમાં  અલગ જ મહત્વ છે તેવું  તેઓ જાણતા અને પોતાના વકતવ્યોમાં જણાવતા પણ હતા.તેથી તેમણે મે, ૧૯૫૦માં બોમ્બેમાં વ્યાપારીઓની સભાને સંબોધતા પોતે વૃક્ષોની રોપણીને ઉજવવા માટે એક સપ્તાહ ચાલે તેવા એક કાર્યક્રમ –‘ વન મહોત્સવ’ની શરૂઆત કરવા જઇ રહ્યા છે તેમ જણાવ્યું. તે સાથે જ જુલાઈ ૧૯૫૦ના પ્રથમ સપ્તાહમાં કે જ્યારે ચોમાસાની પશ્ચિમ ભારતમાં શરૂઆત થઇ જતી ત્યારે પહેલો વન મહોત્સવ ઉજવાઇ ગયો.જેમાં એક કરોડ જેટલા વૃક્ષો વવાયા હતા.કનૈયાલાલ મુનશીની આ નવતર પહેલની ‘ધ કરન્ટ’ના તંત્રી ડી.એફ.કરાકા જેવા પત્રકારોએ ટીકા કરી તો કેટલાક પત્રકારોએ આ પહેલને આવકારી હતી.



     ૧૯૫૦ અને ૧૯૫૧ના વન મહોત્સવના આયોજન પૂર્ણ થયા બાદ દેશની લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીની જાહેરાત થઈ. કોંગ્રેસ પાર્ટીએ કનૈયાલાલ મુનશીની લાંબી રાજકીય સેવાની નોંધ લેતા તેમને મંત્રીપદેથી દૂર કરવાની સાથે ઉત્તરપ્રદેશ જેવા મોટા રાજ્યના રાજ્યપાલ પદે માર્ચ,  ૧૯૫૨માં નિયુક્ત કર્યા. રાજ્યપાલ પદે રહીને પણ તેમણે પોતાની પહેલ વન મહોત્સવને જારી  રાખી. તેમણે ૧૯૫૩ના વર્ષનો વન મહોત્સવ શ્રીકૃષ્ણની ભૂમિ એવા મથુરામાં યોજ્યો અને પોતે જ્યાં સુધી આ પદ  પર રહ્યા ત્યાં સુધી તેમણે રાજ્યના અલગ વિસ્તારોમાં પર્યાવરણને બચાવતા વન મહોત્સવ કાર્યક્રમનું આયોજન  કર્યું. ‘ગ્રેટ’  ગુજરાતી એવા કનૈયાલાલ મુનશીની વૃક્ષારોપણની આ  પહેલને-વિરાસતને બીજા એવા ‘ગ્રેટ’ ગુજરાતી  હાલના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ‘એક પેડ માં કે નામ’ અભિયાન દ્વારા આગળ  ધપાવવામાં આવી રહી છે.   

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે