અંગ્રેજ શાસન દરમિયાન સ્થપાયેલા 'ડાક બંગલા' માત્ર ટપાલ કેન્દ્રો કે વિશ્રામગૃહો નહોતા, પણ એક અનોખી સ્થાપત્ય શૈલી, ખાનસામાની વિશિષ્ટ રસોઈ અને મેમસાહેબોની સ્મૃતિઓના સાક્ષી હતા. રાજીકા ભંડારીનું પુસ્તક 'ધ રાજ ઓન ધ મૂવ' આ ભુલાતી જતી ઐતિહાસિક વિરાસતનો ખૂબ જ રસપ્રદ ચિતાર આપે છે.
અંગ્રેજો ભારતમાં ‘વ્યાપારી’ તરીકે આવ્યા હતા કાળક્રમે તેઓ દેશના ઘણા બધા ભાગોના ‘એડમિનિસ્ટ્રેટર’ થઈ ગયા. તેમણે વહીવટી તંત્ર સ્થાપ્યું. મહેસુલી અને ન્યાયિક વ્યવસ્થાઓના માળખા રચ્યા. દેશમાં ટેલિગ્રામ, ટપાલ, રેલવે, રસ્તા-પુલો જેવી વ્યવસ્થા ઉભી કરી. બ્રિટિશરોના સમયમાં બનેલ પુલો- જાહેર ઇમારતો બેનમૂના રહેલા. આ ઇમારતો પૈકીની એક અલગ પ્રકારનું સ્થાપત્ય એટલે - ડાક બંગલો.
૧૮૪૦ની આસપાસ સ્થપાવાના શરૂ થયેલ આ સ્થાપત્ય એવા ‘ડાક બંગલો’ તેના બાંધકામ, તેના ‘ખાનસામા’ એટલે કે રસોઈયા, તેની મોકાની અને અંતરીયાળ જગ્યાઓ (લોકેશન)ને કારણે પ્રચલિત રહ્યા હતા. આ વિરાસત આજે પણ ભારતના ઘણા રાજ્યોમાં વત્તે ઓછે અંશે સચવાયેલી છે. રાજીકા ભંડારી નામના સંશોધક- લેખક એ ભારતમાં આવેલા ડાક બંગલાઓની મુલાકાત લઈ તે અનુભવ તથા ડાક બંગલાઓ વિશેના બ્રિટિશરોનો અનુભવને ટાંકીને-‘ ધ રાજ ઓન ધ મુવ - સ્ટોરી ઓફ ધ ડાક બંગલો’ નામે ‘કુછ નયા’ પ્રકારનું પુસ્તક લખ્યું છે.
આ પુસ્તકનો વિષય પસંદ કરવા અંગે લેખિકા જણાવે છે કે બ્રિટિશ સમયની જાહેર ઇમારતો, સરકારી આવાસો, કિલ્લાઓ, ચર્ચીઝ અને હિલ સ્ટેશન્સ વિશે ઘણું લખાયું છે અને ઘણા દસ્તાવેજો પ્રાપ્ય છે પરંતુ દૂરના અંતરીયાળ વિસ્તારમાં સ્થપાયેલા ડાક બંગલાઓ કે તેના જેવું વિશ્વમાં બીજું કોઈ બાંધકામ થયું નથી તેના માટે થઇ આ વિષય પસંદ કરવામાં આવ્યો. આ બંગલાને સંબંધિત બ્રિટિશરો તેમાં પણ ખાસ કરીને બ્રિટિશ ઓફિસર્સની પત્નીઓના અનુભવોના લખાણ પરથી ઘણી માહિતી લેખિકાને મળી. આ બંગલાઓની સ્થળ મુલાકાત કરવા લેખિકાએ મધ્યપ્રદેશના અંતરીયાળ વિસ્તારો તથા તમિલનાડુ અને કર્ણાટકના રાજ્યોની મુલાકાત લીધી હતી.
ભારતમાં રોબર્ટ લાઈવ દ્વારા ૧૭૭૪માં ભારતીય ટપાલ તંત્રની શરૂઆત કરવામાં આવી ત્યારે અમુક અંતરે સ્થપાયેલ આ બંગલા- ડાક એટલે ટપાલના સોર્ટીંગ, ટપાલીઓના વિરામ સ્થળ તરીકે વપરાતા. ત્યારબાદ ૧૮૫૮માં ભારતીય સનદી સેવા શરૂ થઈ અને તેના અધિકારીઓને સ્થળ નિરીક્ષણ, દસ્તાવેજ ચકાસણી વગેરે જેવા કચેરી કામો માટે જિલ્લાઓના અંદરના વિસ્તારોમાં જવાનું થતું ત્યારે આ ડાક બંગલા એ વિશ્રામગૃહ - સર્કિટ હાઉસમાં રૂપાંતર થવા લાગ્યા.
અહીં કોઈ વિશાળ સંખ્યામાં સ્ટાફ તો હતો નહીં કોઈ એક ચોકીદાર, ખાનસામા જેવા એક- બે વ્યક્તિ સમગ્ર ઈમારતને સાચવતી. આ ડાક બંગલા ઊંચી તથા ઢળતી ટાઇલ્સવાળી છતના, મોટા વરંડાઓ, લાંબી બારીઓ અને લાકડાના નકશીકામવાળા રહેતા.તેની આવી આગવી બાંધણી અને હવાની આસાનીથી થઇ શકતી અવરજવરથી તે બ્રિટીશ અધિકારીઓ-કર્મચારીઓને ભારતની અસહ્ય ગરમીથી બચાવી શકતા.
અંતરિયાળ વિસ્તારના ડાક બંગલાઓમાં રહેતા ખાનસામા પાસે રસોઈ માટે શાકભાજી વગેરે પ્રાપ્ય રહેતું નહીં તેથી મોટેભાગે આ ડાક બંગલાઓમાં માંસાહારી વાનગીઓ તેમાં પણ ખાસ કરીને ‘ચીકન’ ને લગતી વાનગીઓ પીરસતા.જેની સાથેસાથે ખીચડી, ચપાટી, દાળ, આઈરીશ સ્ટુ અને ‘કેરેમલ કસ્ટર્ડ’ ડેઝર્ટ વગેરે પીરસવામાં આવતું. નાસ્તામાં મોટેભાગે ઈંડા, બ્રેડ- બટર વગેરે પીરસાતુ. વિશાળ એવા ડાક બંગલાઓમાં ભૂતપ્રેતની પણ ઘણી જ દંતકથાઓ પ્રચલિત હતી. કોઈ કોઇને આ ભૂતપ્રેતનો અનુભવ પણ થતો. મોટાભાગના સમયે ગોરા સાહેબો જિલ્લાઓમાં સ્થળો પર ફરી ફરી નિરીક્ષણમાં વ્યસ્ત રહેતા.તેમની પત્નીઓ ‘મેમ સાહેબ’ આ ડાક બંગલાઓમાં રોકાતી જેથી ઘણી મેમ સાહિબાઓ એ ડાક બંગલાઓના પોતાના અનુભવ લખ્યા છે, જે તે સમયના ભારતની સ્થિતિ જાણવા ઉપયોગી થાય તેમ છે.
આ ડાક બંગલાઓની વિરાસત હજુ મધ્યપ્રદેશમાં સચવાયેલી છે. અહીંના સાગર, દમોહ, જબલપુર, નરસિંગપુર અને કરેલીમાં હજુ આ ઇમારતો ઉપયોગમાં છે. જેને આ પ્રકારના બાંધકામમાં રસ હોય અથવા એ વિસ્તારોમાં તમે ફરવા જાવ ત્યારે આ ઇમારતોની અચૂકથી મુલાકાત લેવી જોઈએ. આ ઉપરાંત જૂના મદ્રાસ એટલે કે ચેન્નઈ તથા બેંગ્લોરમાં પણ આ પ્રકારની ઇમારતો તમને જોવા મળી શકે તેમ છે.
આ પુસ્તકનો વિષય નવીન છે. લેખિકાએ વર્તમાન અને ઇતિહાસને સાથે રાખીને ૧૩૫ પાનાનું ટચકડું પરંતુ રસપ્રદ એવું પુસ્તક લખ્યું છે, તો તમે ચોક્કસથી તેને વાંચજો.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે