વર્ષ ૨૦૦૦ના મે મહિનામાં ચંબા વેલીના ભરમૌરની મુલાકાત દરમિયાન, લેખકે ૧૪૦૦ વર્ષ પ્રાચીન ચૌરાસી મંદિર, રહસ્યમય ગડ્ડી જનજાતિનો બાદશાહી મિજાજ અને મણિમહેશના રોમાંચક ટ્રેકના અનુભવોને પોતાની સંવેદનશીલ શૈલીમાં અને શબ્દોના ગ્રાફ દ્વારા સ્મરણ પટ પર કાયમ માટે અંકિત કર્યા છે.
વર્ષ ૨૦૦0ના મે મહિનામાં મોટાભાઈ, સુભાષે ડિઝાઈન કરેલી કુલ્લુ અને ચંબા વેલીની ટ્રાવેલ સર્કિટમાં બપોરે ત્રણ-સાડા ત્રણથી શરુ કરીને ચંબા વેલીના ભરમૌરના ૧૪૦૦ વર્ષ પ્રાચીન ચૌરાસી મંદિરને સાંજ સુધી explore કરીને ફોટોગ્રાફી કરી ત્યારે હિમાચલપ્રદેશના આ સૌથી વિશાળ મંદિર પરિસરમાંથી ધીમેધીમે ઊચકાયેલો સોનેરી સૂર્ય પ્રકાશ હવે તો મંદિરના સલેટીયા પથ્થરના roofingને સ્પર્શતો અને સૂકાયેલા વૃક્ષની ડાળીઓને આલિંગતો દૂર પથરાયેલા પર્વતો સુધી પહોંચી રહ્યો હતો.અમારે સૌએ ચાલીને અમારા નિવાસ સ્થાન સુધી પહોંચવાનું હોવાથી મારી બા અને મોટાભાઈ, સુભાષ સહીતના અમે સૌએ ચૌરાસી મંદિર પરિસરથી પંદરેક મિનિટની વૉક પછી આવતી અમારી road side property તરફ ચાલવાનું શરુ કર્યુ.

ચૌરાસી મંદિરના વિસ્તાર પછી ભરમૌર ગામની ગલીઓ અને દુકાનોનો વિસ્તાર પસાર કરતાં હતાં ત્યાં દેવદારના લાકડામાંથી બનાવેલી એક દુકાન આવી જેમાં દુકાનના બારણા આગળ જ હાથમાં કાંડા ઘડિયાળ પહેરેલો એક હિમાચલી પુરુષ ઉભડક બેસીને પૂરી લિજ્જતથી ચિલમ ફૂકતો હતો તેની પર મારું ધ્યાન ગયું.

ચિલમ-ચુંગી જેવા પરંપરાગત ફૂકણિયાઓથી તો હું પરિચિત હતી જ પરંતુ અહીં તો લાકડાના ઊભા conical pipe સાથે રહેલી એક આડી ભુંગળી મોઢામાં નાખીને બેઠેલા માણસની માથે બાંધેલા પાતળા લાલ-સફેદ ટુવાલ સહિત તેના પર પડતો પ્રકાશ જ એટલો ધ્યાનાકર્ષક હતો કે છેલ્લા બે-અઢી કલાકથી ચૌરાસી મંદિરે ફોટોગ્રાફી કરી કરીને થાકેલી મેં, કિટમાં મૂકિ દિધેલો, કેમેરા બહાર કાઢ્યો અને તરત જ એક side portrait અંકે કર્યો.

ચંબાવેલીની Semi-nomadic એટલે અર્ધ ભ્રમણશીલ ગણાતી પશુપાલક એવી ગડ્ડી tribeનો જ આ પુરુષ હશે તેમ માનીને એક profile portrait માટે આ પુરુષને કેમેરાના લેન્સમાં ફોકસ કરીને જોયો ત્યારે દેવદારના લાકડામાંથી બનાવેલી દુકાન વચ્ચે તેનો ચહેરો એવો ચમકતો હતો કે તેની વધેલી દાઢીમાં રહેલા white-grey hair, અત્યંત રસપૂર્વક લેવાતો ચિલમનો કસ અને તેની નિજાનંદિ એકાગ્રતા જાણે ચિલમનો કસ લેવામાં જ હતી એવું લાગતું હતું કારણ કે મેં તેનો portrait લીધો ત્યાં સુધી તેમને ખબર નોહતી.
ચિલમ ફૂકીને જાણે કોઈ deal કરવા જવાના હોય તેવો તેનો બાદશાહિ મિજાજ મારી જોળીમાં ભરીને ધર્મશાલાથી ભરમૌર આવ્યા ત્યારે બસમાં બેઠા બેઠા જ ધોરીમાર્ગ પર ઘેટા-બકરાં લઈને જતી ચંબા વેલીની ગડ્ડી પ્રજાને જોઈ હતી તે યાદ આવ્યું.

હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના અંતરિયાળ વિસ્તારોમાં રહેતી અને ગડ્ડી ભાષા બોલતી આ ઈન્ડો-આર્યન પ્રજાનું કોઈ આખુ એથનિક ગ્રુપ હાથ લાગી જાય તો મજા પડે તેવું વિચારતા મારા સ્વપ્નિલ મનને ચંબા વેલીના ધોરીમાર્ગ પર ગડ્ડી પ્રજાના ઘેટા-બકરાનાં ટોળા તો મળ્યા જ પરંતુ તે ટોળા પાછળ ચાલતો તેનો ગડ્ડી પશુપાલક રખેવાળ ખાસ ફોકસ નહોતો થયો.
એ જ રુટ પર મારી સહપ્રવાસી અને પ્રિય વિધાર્થીની એવી પૂજા(ગાંધી-મેઘાણી)એ બસની બારીમાંથી, હિમાલયના ઉત્તુંગ શિખરો પર રહેતી આ ગડ્ડી tribeની, એક સ્ત્રીને તેના એક-બે ઘેટા સાથે જીલી ત્યારે ઉબડ-ખાબડ પથરાળ રસ્તે થોડું અંધારું તો હતું જ અને speedમાં જતી બસમાંથી જેવો આવે તેવો ફોટો પાડતી વખતે ફ્લેશ મારીને, કેમેરાની જોળીમાં, જીલેલી તે સ્ત્રીના હાથમાં વૃક્ષની ડાળીમાંથી બનાવેલી લાકડી હતી અને હિમાચલી ટોપીમાં શોભતી તે ગડ્ડી tribeની સ્ત્રીના ખભ્ભે નાખેલો Rucksack જેવો થેલો વસ્તુઓથી ભરેલો હતો. તે ઉપરાંત થેલાના પટ્ટામાં સ્ટીલની એક બરણી બાંધી હતી, ચેક્સ વાળી ગરમ ધાબળી પણ હતી અને તેની પાછળ પાછળ એક રાભા જેવો રુછડા વાળો કુતરો પણ આવતો દેખાતો હતો.

અભ્યાસુ antheropologist એટલે માનવનૃવંશશાસ્ત્રીઓના મતે ભેદી અને રહસ્યમયી ગણાતી આ પ્રજાના, ધર્મશાલાથી ભરમૌર આવતી વખતે બસની બારીમાંથી થયેલા, આવા અલપઝલપ દર્શનને વાગોળતા હું અને પૂજા અમારી ટીમ સાથે ભરમૌરની બજાર અને થોડા ઘણા ઘરો પસાર કરતાં કરતાં અમારે નિવાસે પહોંચ્યા ત્યારે ધૌલાધારની બરફાચ્છાદિત પર્વતમાળાથી ઘેરાયેલા ચંબા વેલીના નાના એવા આ ગામમાં સાંજ ઢળી રહિ હતી અને મે મહિનો હોવા છતાં ધીમે ધીમે ઠંડી વધીને નવ-દસ ડિગ્રીએ પહોંચવામાં હતી એટલે ભરમૌરના પહેલા દિવસના ડિનર પછી સહપ્રવાસી પરિવાર ધાબળા-ધાબળી અને રજાઈની હુંફમાં લપેટાઈને સુઈ ગયો.
બીજી સવારે ભરમૌરથી મણિમહેશ લેઈક તરફની યાત્રા કે ટ્રેકના રૂટમાં બાર-એક વાગ્યા સુધી ચાલી શકાય એટલું ચાલીને ટ્રેકિંગનો નાનકૂડો આનંદ લઈ ભરમૌર પાછા ફરવાનું આયોજન સુભાષે કર્યુ હતું કારણ કે ભરમૌરથી મણિમહેશ લેઈક અને જ્યાંથી મણિમહેશ કૈલાસ શિખરના દર્શન થાય છે એ આદિદેવ શિવની ભૂમિ તો ૧૩,૦૦૦ ફુટની ઊંચાઈએ હતી અને તે પવિત્ર યાત્રાનો ૧૪ કિલોમીટરનો ટ્રેક હડસરથી શરુ થતો હતો.

હડસરના base campથી મણિમહેશ લેઈક તરફના ટ્રેક રૂટ પર મોજ પડે તેટલું ચાલીને Lunch Hoursમાં પાછા ફરવામાં પણ અમારી તેરની ટીમના બે ભાગ પડ્યા જેમાં મારી અને બા સહિતના અમે છ અમારા ભરમૌરના નિવાસે જ રહ્યા અને બાકિની ટીમ સવારના ચા-નાસ્તા પછી એક જીપ કે ખુલ્લો ટેમ્પો કરીને પ્રથમ તો ભરમૌરથી બાર-તેર કિલોમીટર દૂર રહેલા હડસરના base કેમ્પે પહોંચ્યા અને પછી base campથી મણિમહેશ લેઈકનો ટ્રેક શરુ કર્યો.
સામાન્ય રીતે તો કૃષ્ણ જન્માષ્ટમી અને રાધા અષ્ટમી વચ્ચે ઓગષ્ટ મહિનામાં થતી આ યાત્રામાં પઠાણકોટથી ભરમૌર, ભરમૌરથી હડસર અને હડસરના base campથી ધાન્ચો cross કરીને મણિમહેશ કૈલાશના base ગણાતાં મણિમહેશ લેઈક સુધી પહોંચતા યાત્રાળુઓ અને ટ્રેકર્સ ૧૩,૩૮૫ ફુટ ઉપર રહેલા એક શિવલિંગ આકારના ખડકના દર્શન કરે છે; મણિમહેશ લેઈકના હાડ ગાળી નાખે તેવા ઠંડાબોળ જળમાં સ્નાન કરે છે અને ખુલ્લા પગે યાત્રા કરતા શિવભક્તો તો સીધા ચઢાણ વાળી આ બે-ત્રણ દિવસની યાત્રા પછી પીર પંજાલ રેન્જમાં સ્થિત મણિમહેશ કૈલાશના [૧૮,૫૪૭] virgin peakના દર્શન કરીને ચોધાર આંસુએ રડે પણ છે.

અમારી ટીમ હડસરના base campથી મણિમહેશ લેઈક સુધીના ટ્રેક માટે નીકળી તે પહેલા જ વરસાદ પડી ગયો હોવાથી રુટ ખાસ્સો લપસણો થઈ ગયો હતો.એવા લપસણા ટ્રેક પર તે સૌએ દેવદારથી આચ્છાદિત વૃક્ષો વચ્ચેના પથરાળ રફ માર્ગે ચાલવાનું શરુ કર્યું ત્યારે આસપાસ ભરભર ભૂકો થઈને ખરી પડશે તેવી ભૂસ્ખલનની ભૂમિ પણ હતી અને વચ્ચે વચ્ચે બેંચ-બાંકડિઓ પણ આવતી હતી.
હડસરથી મણિમહેશ લેઈકના ટ્રેકનો પ્રથમ પડાવ એવા ધાન્ચોના છ કિલોમીટર પહેલા જ ત્રણેક કિલોમીટરમાં પરસેવે રેબઝેબ થઈ હાંફિ ગયેલી ટીમે ક્યાંય પહોંચી જવાની હોંશમાં પડ્યા વગર હડસરથી ધાન્ચો વચ્ચેના નદી-પર્વતોનો ભરપૂર આનંદ લીધો અને બસ, હવે આગળ ચાલવું નથી એમ કરીને ઊભા રહ્યા ત્યારે સુભાષે દેવદારના એક વૃક્ષની એક ડાળી આમ જ પકડિ ત્યાં એ ડાળી તૂટી અને દેવદાર નીચે નિરાંતે ઊભેલી કે બેઠેલી અમારી સહપ્રવાસી હેતલ(વીસાણી) પર એવી પડિ કે સૌની રાડ ફાંટી ગઈ અને હેતલના કપાળે મોટું ઢિમણું થઈ ગયું.

આ ઘટના પછી તો એક ડગલુંય ચાલ્યા વગર હડસરથી ધાન્ચો સુધીના પ્રથમ પડાવના છ કિલોમીટરમાં જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી સૌ પાછા ફર્યા અને હડસર પહોંચી હડસરથી ભરમૌરના બાર કિલોમીટરનું વાહન કરી નિવાસે પહોંચ્યા. ટ્રેકમાં ન ગયેલા અમે સૌ લંચ પછીનો આરામ ફરમાવતા હતા ત્યાં અચાનક અને ધાર્યા કરતાં વહેલી પાછી ફરેલી ટીમ હો હા કરતી આવી.કેમ આટલા વહેલા આવ્યાની બધી પડપૂછ કરવા અમે ટ્રેકમાંથી આવેલા તે સૌ ફરતે ટોળુ વળી ગયા અને હેતલ વધુ injuryથી બાલ બાલ બચ ગયી તે માટે ઈશ્વરનો આભાર માની પેટપૂજા કરી સૌએ બપોરની નિંદર ખેંચી અને બપોર પછી ચા-પાણી પી અને ભરમૌરની હિમાલયન વૉક લેવા ઉપડ્યા.
સ્વેટર-શાલ ઠઠાડીને ક્યાંય પહોંચવાના ધ્યેય વગર મારેલી આ લટારમાં ધીમે ધીમે પાંચસો-છસ્સોની વસ્તી વાળા આ પર્વતીય વિસ્તારની સાંજ કેસરી રંગ પકડતી જતી હતી અને એવી કેસરીયા સાંજે ભરમૌરના ખડકાળ પર્વતો પરથી ગડ્ડી પશુપાલકની અર્ધભ્રમણશીલ પ્રજાનો રખેવાળ ઘેટા-બકરાનું મોટું ટોળું લઈને અમે ચાલતાં હતા તે રસ્તે ઉતરી રહ્યો હતો.

કાંગરા, ચંબા અને કુલ્લુમાં પથરાયેલી આ ગડ્ડી પ્રજા આપણા સૌરાષ્ટ્ર-કચ્છના ભ્રમણશીલ પશુપાલકો માફક તેના માલ-ઢોર કે ઘેટા-બકરાં સાથે લીલાછમ ચરાણની શોધમાં ફરતી રહે એટલે ક્યારેક હજારો ફુટ ઊંચા પર્વતે જડી જતાં આ ગડ્ડી પુરુષોને તમે ચંબા વેલીના ભરમૌર કે હડસરના માર્ગે પૂછો કે તમે ક્યાં જાવ છો અને તમારી પાસે કુલ કેટલા ઘેટા-બકરાં છે તો આપણે અચંબિત થઈ જઈએ એવો જવાબ મળે કે અમે ત્રણ જણા, ત્રણસો ઘેટા-બકરાં લઈને હડસરથી બાર કિલોમીટર ચાલીને ભરમૌર જઈશું. એ પછી ભરમૌરથી સાઈઠ કિલોમીટર દૂર ચંબા જઈશું અને ત્યાંથી પંજાબની ભૂમિ પર પહોંચીશું.
આ સાંભળીને આપણે અચંબિત થઈ જઈએ તેવી આ ગડ્ડી પ્રજાના ભ્રમણશીલ જીવનની ઝલક જીલતાં જીલતાં અમે સૌ સુભાષની હિમાલયન વાતોની સંગાથે પીર પંજાલ અને ધૌલધાર રેન્જની વચ્ચે વસેલા ભરમૌરની છેલ્લી સાંજ માણી રહ્યા હતા અને કુલ બે-ત્રણ દિવસના રોકાણમાં ૭૦૦૦ હજાર ફુટની ઊંચાઈએ વસેલા આ ગામને તેની નદી, ખડકો, બરફાચ્છાદિત પર્વતો, દેવદારના જંગલો, રાવી ઘાટીના જોખમી પર્વતિય માર્ગો, ફળોના બગીચા, terrace farmingના લીલાછમ લેન્ડસ્કેપ સહિત યાદ કરતાં કરતાં ઢળતી સાંજે ચંબા કૈલાસ તરીકે ઓળખાતી મણિમહેશ યાત્રાના must stay ગામ પર છેલ્લી નજર ફેરવી રહ્યા હતા.

મારી બા અને સુભાષ સહિતના અમે સૌ સહપ્રવાસીઓએ એક પરિવાર જેવી સાંધ્ય હુંફમાં, જ્યાંથી મણિમહેશ સરોવર ઉપરાંત બડા ભંગાલ, કૈલોંગ વાયા કાલિ ચો પાસ અને થમસર પાસ ટ્રેક જેવા પ્રખ્યાત ટ્રેકનો આરંભ થાય છે તેવી, શિવભૂમિ ગણાતા ભરમૌરની વધતી જતી ઠંડીની સાંજને શ્વાસમાં ભરી, ડિનર લીધું અને સૂઈ ગયા ત્યારે થયું કે દરેક પ્રદેશનું પોતાનું texture હોય છે; પોતાના લોકો અને તે લોકો કે વનવાસીઓનું જીવન અને જીવન શૈલી પણ હોય છે જેનું exploration આપણો પ્રવાસ ગમ્મે તેટલો જુનો થાય તો પણ આપણા માનસપટ પર એવુંને એવું અંકિત થયેલું હોય છે અને પ્રવાસના ફોટોગ્રાફની hard કે soft copyની બદલે શબ્દોના ગ્રાફમાં આપણા સ્મરણોને ઢાળી-ઢંઢોળીને કહે છે કે Let us take a walk down the memory lane.
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.