Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

વર્ષ ૧૬૬૨માં બ્રિટનના રાજા ચાર્લ્સ દ્વિતીય અને પોર્ટુગલની રાજકુંવરી કેથરીનના લગ્નમાં દહેજ તરીકે મળેલી 'ચાની પેટી' અને 'બોમ્બેના સાત ટાપુઓ'એ બ્રિટિશ સામ્રાજ્યને આર્થિક સધ્ધરતા આપી વૈશ્વિક ઇતિહાસ, સંસ્કૃતિ અને ભૂગોળનો આખો ચહેરો કાયમ માટે બદલી નાખ્યો.

આપણા દેશમાં દહેજ પ્રથા પર પ્રતિબંધ છે તેમ છતાં ક્યાંકને ક્યાંક દેશમાં હજુ પણ દહેજ માંગવા- આપવાનું ચાલુ છે. આપણે આ પ્રથામાં નથી પડવું પરંતુ એક એવો દહેજનો કિસ્સો  આપની સમક્ષ મુકીશ કે જેમાં તે સ્ત્રી દ્વારા લાવવામાં આવેલા દહેજની વસ્તુઓએ જે તે દેશ-વિશ્વનો આર્થિક, ભૌગોલિક અને  સાંસ્કૃતિક ઇતિહાસ બદલી નાખ્યો. 



     વર્ષ ૧૬૬૨માં બ્રિટનના રાજા ચાર્લ્સ  દ્વિતીયના લગ્ન લેવાયા. રાજ પરિવાર માટે આ શુભ પ્રસંગ હતો. તેમના થનાર પત્ની ‘કેથરીન ઓફ બ્રેગેન્જા’ પોર્ટુગલ દેશના હતા. ચાર્લ્સ  દ્વિતીયનો સાસરી પક્ષ એવો પોર્ટુગલ દેશ હિન્દ મહાસાગરમાં પ્રવેશ કરવાવાળો સૌ પ્રથમ યુરોપિયન દેશ હતો. તેથી સ્વાભાવિક છે કે  એશિયા બાજુના  દેશોમાં તેના ઘણી જગ્યાએ પોતાના ઠેકાણા હતા. હવે પોર્ટુગલ એ પોતાના કબજામાં રહેલી બે અમૂલ્ય ધરોહરો પોતાની લાડકી એવી રાજકુંવરીને લગ્ન પ્રસંગે દહેજમાં આપી. જેના થકી બ્રિટિશ સામ્રાજ્ય- દેશમાં પરિવર્તન આવવાનું હતું. આ વસ્તુઓ હતી ચાની એક પેટી તથા ભારત દેશના પશ્ચિમ દરિયાકિનારે આવેલા સાત નાના- નાના ટાપુઓનું એક સમૂહ. 



 સૌ પહેલા વાત કરીએ ‘ચા’ની. આપણે સૌ જાણીએ છીએ ‘ચા’ નું માદર- એ -વતન એટલે ચીન. હિંદ મહાસાગરમાં પ્રવેશેલા પોર્ટુગલ દેશને ચીનના ‘મીંગ’ રાજવંશે ૧૫૫૭માં દક્ષિણ ચીનના ‘મકાઉ’નો  કેટલોક વિસ્તાર ભાડાપટ્ટે આપેલો. આમ, ચીનના સંપર્કમાં આવતા પોર્ટુગલ દેશમાં ‘ચા’નું ચલણ અન્ય યુરોપિયન દેશ કરતા પહેલા દાખલ થયું. હવે દહેજના રસ્તે ‘ચા’એ  બ્રિટનમાં ‘એન્ટ્રી’ મારી. ત્યારબાદ ‘ચા’નું  ચલણ એવું તો ત્યાંના સમાજમાં ફેલાયું  કે થોડા વર્ષોમાં ‘ચા’  બ્રિટિશ અર્થતંત્રનો પાયો બની ગઈ. ‘ચા’ ઉપર લગાડતા કર (ટેક્સ) થી બ્રિટિશ સામ્રાજ્ય સંચાલિત થવા લાગ્યું. ‘ચા’ના ઈંધણથી બ્રિટિશ સામ્રાજ્યની પ્રગતિની ટ્રેન ઝડપભેર ભાગવા લાગી. ચામાંથી મળતા કરથી જ બ્રિટિશ અધિકારીઓના પગાર-ભથ્થા નીકળવા લાગ્યા. આ રીતે ચાથી લોકોના ઘર ચાલતા થયા. ૧૬૩૭ના વર્ષમાં પર્લ નદી પર પીટર મંડી નામના બ્રિટિશ વ્યક્તિએ સૌપ્રથમવાર બ્રિટનમાં ચા નામે પીણું ચાખ્યાનું  નોંધાયું છે. તો આ રીતે ‘ચા’  એ દહેજના રસ્તે થઈને બ્રિટનમાં સાંસ્કૃતિક- આર્થિક પરિવર્તન આણી દીધું. 



 હવે વાત સાત ટાપુઓના પ્રદેશની એટલે કે ‘બોમ્બે’( મુંબઈ)ની કરીએ.તે પહેલા ફરી પાછા ફ્લેશબેકમાં જઇએ.૨૦ મે, ૧૪૯૮ના રોજ પોર્ટુગીઝ એવા વાસ્કો- દ- ગામા ભારતના દક્ષિણ પશ્ચિમ કિનારે કાલિકટ ખાતે ઉતર્યા. જેઓ ભારતમાં સમુદ્રી રસ્તે પ્રવેશેલ સૌ પ્રથમ યુરોપિયન હતા. તેની પાછળ પાછળ બાકીના  યુરોપિયનો એ પણ તેના રસ્તે ભારત તરફ દોટ મૂકી. પોર્ટુગીઝોએ ભારતમાં પગપેસારો કર્યો તેના પ્રથમ વાઇસરોય ફ્રાન્સિસકો દ અલ્મેડા કે જેમણે પોતાની ‘બ્લુ વોટર પોલીસી’થી ભારતમાં પોર્ટુગીઝ સત્તા મજબૂત કરી. તેમણે વર્ષ ૧૫૦૯માં ‘બોમ્બે’ ના વિસ્તારોમાં રેડ પાડી સ્થાનિકોને લૂંટવા- રંજાડવાનું શરૂ કર્યું. ૧૫૩૨ સુધીમાં તેઓ બોમ્બેમાં આ રીતે પગપેસારો કરતા રહ્યા. આગળ જતાં શક્તિશાળી એવા મોગલો પણ પોર્ટુગીઝોની શક્તિને માની ગયા અને તેમણે શાણપણ વાપરતા  પોર્ટુગીઝો સાથે સંધિ કરી લીધી.  પોર્ટુગીઝ લોકો આ સાત ટાપુઓને  પોતાની ભાષામાં ‘ આ ઇલ્યા દા બોઆ વિદા’  એટલે કે ‘સારા જીવનના ટાપુ’  કહેતા હતા. હવે કહાનીમાં ટવીસ્ટ એ આવ્યો કે બ્રિટિશ રાજપરિવારને  દહેજમાં આપેલ ટાપુઓનો ખરેખરમાં જમીન પર  કબજો લેવા બ્રિટીશરો ગયા ત્યારે પોર્ટુગીઝોએ વાંધા વચકા  કર્યા અને  છેક ૧૮ ફેબ્રુઆરી,૧૬૬૫ના રોજ બ્રિટીશરોને બોમ્બેનો કબજો મળ્યો. એક સમયે નેપોલિયન બોનાપાર્ટ એ  બ્રિટનને ‘દુકાનદારોનો દેશ’ કહ્યો હતો તેને જ સાર્થક કરતા બ્રિટિશ તાજે એ લગ્નમાં દહેજમાં મળેલા ટાપુઓ- ‘બોમ્બે’ને ‘ વર્ષ ૧૬૬૭માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીને ભાડાપટ્ટે આપ્યો. ત્યાર પછી ‘બોમ્બે પ્રેસિડેન્સી’માં   બ્રિટિશરોનો ૧૯૪૭ સુધી દબદબો રહ્યો.આઝાદી બાદ પણ ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે ‘બોમ્બે’ શહેર માટે દાવાઓ-પ્રતિદાવાઓ થયા.લડતો-ચર્ચાઓ-મસલતો બાદ ‘બોમ્બે’  મહારાષ્ટ્રને ફાળે ગયુ.આજે બોમ્બે (મુંબઇ) ભારતની આર્થિક  રાજધાની ગણાય છે. હવે તમે જ વિચારો કે પોર્ટુગીઝ રાજકુંવરી કેથરીન જો પોતાની સાથે દહેજમાં ‘ચા’ ની  પેટી અને ‘બોમ્બે’ ના લાવી હોત તો ? વિશ્વનો ઈતિહાસ- ભૂગોળ- સંસ્કૃતિ કંઇક અલગ જ હોત.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે