સનદી અધિકારી કુલીનચંદ્ર યાજ્ઞિક લિખિત 'વહીવટી વાતો' પુસ્તક ગુજરાતના વહીવટી માળખાનો જીવંત ચિતાર આપે છે. મુખ્યમંત્રી કાર્યાલય અને રાજભવનના અનુભવો, રસપ્રદ-રમૂજી કિસ્સાઓ અને ભાષાશુદ્ધિનું મહત્વ દર્શાવતું આ પુસ્તક નવી પેઢીના વહીવટકર્તાઓ માટે દીવાદાંડી સમાન માર્ગદર્શક છે
ગુજરાતના જૂજ સનદી અધિકારીઓએ પોતાના વહીવટી સંસ્મરણો લખ્યા છે. આ અનુભવ વાંચવાથી વહીવટી ગૂંચવણોમાંથી તેમણે શોધેલા ઉપાયો તથા તેમને થયેલા રાજકીય અનુભવોથી નવી પેઢીને ઘણું શીખવા મળે તેમ છે. આ સંદર્ભે કુલીનચંદ્ર યાજ્ઞિક કે જેઓ રાજ્ય વહીવટી સેવામાંથી ભારતીય સનદી સેવા(આઇ.એ.એસ.)માં ‘નોમિનેટ’ થયેલા તેમના અનુભવોનું પુસ્તક ‘વહીવટી વાતો’ દીવાદાંડી સમાન છે. તેમણે સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરથી લઈને અમરસિંહ ચૌધરી સુધીના ગુજરાતના મુખ્યમંત્રીઓની આગેવાની હેઠળના વહીવટી તંત્રમાં કામ કર્યું છે.

કુલીનચંદ્ર યાજ્ઞિક જુના સૌરાષ્ટ્ર રાજ્યમાંથી વહીવટી તંત્રમાં દાખલ થયેલા.તેઓએ રાજભવન, મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય જેવી અતિ મહત્વની જગ્યાઓ ઉપર ફરજ બજાવી હતી.અંતે તેઓ નવીસવી રચાયેલ પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદેથી સેવાનિવૃત્ત થયા હતા. તેમણે વહીવટી તંત્રમાં રહીને રાજકોટ, અમદાવાદ, ભરૂચ, વડોદરા વગેરે જેવા રાજ્યના મહત્વના જિલ્લાઓમાં કામ કર્યું હતું.તેમને આ દરેક જિલ્લાઓમાં થયેલા અનુભવોનો સરવાળો એટલે વહીવટની વાતો.
તેમણે પોતાની ફરજ બજાવતા દરમિયાન કરેલા વહીવટી નિરીક્ષણો ઘણા જ રસપ્રદ છે જેમ કે ઘણા કર્મચારીઓને વેતન કરતાં ભથ્થા વધારે વહાલા લાગે છે. એ કદાચ આજે પણ વહીવટી તંત્રમાં જોવા મળી શકે. વધુમાં ગામડામાં અમલદાર માટે ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવતી ત્યારે તેનો ખર્ચ કુતરા માટે રાખેલ ‘રોટલા ફંડ’ માંથી કરવામાં આવતો ! આ માહિતી આપણને નવાઈ પમાડે તેવી છે. આ પુસ્તકમાં આવા ઘણા રમૂજી કિસ્સાઓનો પણ તેમણે સમાવેશ કર્યો છે.
તમે જો વહીવટી તંત્રમાં હોવ તો તમને અહીં વહીવટી સેવામાં કઈ રીતે સેવા બજાવી તેના ગુરુમંત્ર પણ યાજ્ઞિક સાહેબે આપ્યા છે જેમ કે તમારા ઉચ્ચ અને બહોળા જ્ઞાનથી જ તમે હાથ નીચેના કર્મચારીઓ પર નિયંત્રણ રાખી શકો છો તો અધિકારી તરીકે પોતાની સત્તા અને સૂઝ બરાબર વાપરવી એ પાયાનો સિદ્ધાંત છે.
ઘણીવાર નીચેના અધિકારીઓએ ‘કોર્સ બહાર’ની વ્યવસ્થા પણ કરવાની થાય છે. તેનો એક કિસ્સો એવો છે કે સૌરાષ્ટ્રના એક રાજ્યમાં એક કમિશનર તપાસ માટે જે તે જગ્યાએ ગયા અને ત્યાં રાત્રિરોકાણ કરવાનો અવસર આવ્યો. તે સમયે સાહેબ પોતાનો પાયજામો પેક કરવાનું ભૂલી ગયેલા. વળી તેમને પાયજામા વગર રાત્રે ઊંઘ આવતી નહતી તો હવે શું કરવું ? હુકમ છુટયો અને સ્થાનિક મામલતદારને કહીને રાતોરાત દરજીની દુકાન ખોલાવી અને એક પાયજામો સીવડાવવામાં આવ્યો અને સાહેબને ‘સાદર’ (આપવામાં) કરવામાં આવ્યો. તો જ્યારે આજની જેમ ‘ટેલીકમ્યુનિકેશન’ વિકસએલુ ન હતું ત્યારે બદલી(ટ્રાન્સફર)ના હુકમમાં કચેરીના એકસરખા નામના ઈનીશીયલવાળા અધિકારીઓની બદલીના ઓર્ડર થતા ત્યારે જેની બદલી થઇ હોય તેના બદલે બીજો અધિકારી બદલી થઇ બીજી જગ્યાએ હાજર થઇ જતો. આવા ઘણા કિસ્સાઓ આ પુસ્તકમાં તમને વાંચવા મળે છે.
સામાન્ય રીતે રાજ્યપાલ અને રાજ ભવન (હવે લોક ભવન) ની કાર્યરીતિ- કાર્ય પદ્ધતિથી લોકો વાકેફ નથી પરંતુ કે. કે. વિશ્વનાથ કે જેઓ ૧૯૭૨-૧૯૭૮ દરમિયાન ગુજરાત રાજ્યના રાજ્યપાલ રહેલા તેમના સચિવ પદે રહેલા કુલીનચંદ્ર યાજ્ઞિકના અનુભવો તમને ઘણી માહિતી પૂરી પાડે છે તેમાં પણ રાષ્ટ્રપતિ શાસન સમયે જે રીતે રાજ્યપાલશ્રીની જવાબદારી વિશેષ થઈ જતી હોય છે તે ભાગ રસપ્રદ છે.
આ લેખકની સનદી સેવાનો એક ઉચ્ચતમ તબક્કો એટલે કે મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં ફરજ બજાવવી તે છે. કુલીનચંદ્ર યાજ્ઞિક મુખ્યમંત્રીશ્રી માધવસિંહ સોલંકીના કાર્યાલયમાં તેમના સચિવ તરીકે જવાબદારી સંભાળતા હતા ત્યાં તેમણે ત્રણ વર્ષમાં જે અનુભવ થયા તેના અમુક કિસ્સાઓનું આલેખન કર્યું છે જે તે સમયની રાજનીતિ વિશે આપણને માહિતી આપે છે. તેમાં પણ ભાષાને કારણે વહીવટી પ્રશ્ન કેવો ગૂંચવાય છે તે ‘ઓડનું ચોડ’વાળા કિસ્સાઓ ખાસ વાંચવા પડે તેમ છે અને વહીવટમાં ભાષાશુદ્ધિ કેમ જરૂરી છે તે આનાથી તમને ખ્યાલ આવે છે.આ પુસ્તકમાંથી તે સમયના કાર્યદક્ષ સનદી અધિકારીઓ લલિત દલાલ, હરેકૃષ્ણલાલ કપૂર, એચ.એસ. સરીન, કે. શિવરાજ, એસ.જી. કોએલ્હો વગેરે વિશે પણ લેખક સતત લખતા રહ્યા છે.અંતે એટલું જ કહેવાનું કે આ પુસ્તક માત્ર વહીવટની ‘વાતો’ જ નથી કરતું પણ ગુજરાતના વહીવટી માળખાનો તમને ચિતાર આપી જાય છે.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે