Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

વર્ષ ૧૯૯૬માં લલિત મોદીના મનની ઉપજ એવી IPL, દાલમિયાના નકાર અને વિવાદો વચ્ચે પણ ૨૦૦૮માં શરૂ થઈ. આજે લલિત મોદી ભલે પ્રતિબંધિત છે, પણ તેમનો આ વિચાર BCCIને વિશ્વનું સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ બનાવી ગયો.

ગઈકાલે અમદાવાદમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફાઇનલ રમાઈ ગઈ. વિજેતા ભલે RCB ટીમ થઈ હોય પરંતુ અસલી વિજેતા તો છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને આ લીગનો વિચાર કરનાર લલિત મોદી. આજે આ લીગ  વિશ્વની સૌથી વધુ કમાણી કરતી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ પૈકીની એક  બની ગઈ છે. આ વિચાર લલિત મોદીને ક્યારે અને કેવી રીતે આવ્યો?



વર્ષ  ૧૯૯૬નો  ક્રિકેટ વિશ્વ કપ ભારત,  પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાયો. તે સમયે મેટ્રોસિટીઝના મેદાનોમાં સૌપ્રથમવાર ખર્ચાળ એવી ફલડલાઈટ સાથે ડે- નાઈટ મેચનું આયોજન થયું. વિશ્વ કપના સફળ આયોજનથી આ પ્રકારે ડે-નાઇટ મેચના આયોજન માટેની એક યોજના લલિત મોદીના ધંધાદારી ‘દિમાગ’માં આવી હતી. જો કે તેઓ ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે સંકળાયેલા ન હતા.તેથી તેના અમલ માટે તેમની પાસે સત્તા ન હતી. તેમણે ૫૦-૫૦ ઓવર્સની એક ઇન્ટરસિટી લીગની ટુર્નામેન્ટ યોજવાની દરખાસ્ત બોર્ડને કરી.ત્યારે હજુ ટી-૨૦ના દૂર દૂર  સુધી એંધાણ ન હતા. આર્થિક તંગીમાં રહેતા રાજ્યોના ક્રિકેટ બોર્ડઝને આમાં કમાણીની ગંધ આવી ગયેલી એટલે તેઓ આ માટે તૈયાર જ થઇ ગયા. પરંતુ તે સમયે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ જગમોહન દાલમીયાં એ આ દરખાસ્તમાં રસ ન દાખવ્યો. આ દરખાસ્તનું બાળમરણ થઈ ગયું પરંતું આ ‘ક્રિકેટ ક્રાંતિ’ નો હજું સમય પાક્યો ન હતો.  



 હવે લલિત મોદીના જીવનમાં અને દેશના ક્રિકેટ જગતના ઇતિહાસમાં વળાંક ત્યારે આવ્યો કે જ્યારે ૨૦૦૫માં લલિત મોદી રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન (RCA) ના અધ્યક્ષ બન્યા. તે પણ માત્ર એક જ વોટથી જીતીને( તેના  પડદા પાછળની કહાની રસપ્રદ છે.!) પછી તેઓ સેન્ટ્રલ ઝોન તરફથી વાઇસ પ્રેસિડેન્ટ બન્યા અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની માર્કેટિંગ કમિટીના હેડ થયા હવે લલિત મોદીના નવા- નવા નિર્ણયોથી બી.સી.સી.આઈ. ઉપર ધનની વર્ષા  થવાની હતી.



   ઓગસ્ટ-૨૦૦૭
   સ્થળ- સિંગાપોર.



     સિંગાપોરમાં યોજાયેલી બે દિવસની વર્કશોપમાં ઇન્ટરસિટી લીગના બીજ વવાયા. આઈ.એમ.જી. નામની કંપનીએ આખી આ લીગનો નકશો બી.સી.સી.આઈ.ને આકારી આપ્યો. વિદેશી ખેલાડીઓ પણ આ કમાણીમાં ભાગીદાર થાય તે માટે સાથ મળ્યો ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડનો. દેશના આઠ મેટ્રો શહેરોની ટીમ બનાવવામાં આવી. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૦૭ના રોજ તત્કાલીન બી.સી.સી.આઈ. વડા શરદ પવાર તથા ઇન્ટરનેશનલ  ક્રિકેટ કાઉન્સીલ(ICC)ના અધ્યક્ષ રે માલીએ  ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નું લોન્ચિંગ કર્યુ. દરેક ટીમનો તળીયાનો( બેઝ)  ભાવ ૫૦  મિલિયન ડોલર નક્કી થયો. નવ લોકોએ આ  ટીમ ખરીદવા માટે રસ દાખવ્યો જેમાંથી આઠ લોકોને ટીમ ફાળવવામાં આવી. સૌથી ઊંચી બોલી ૧૧૨ મિલિયન ડોલર મુંબઈ ટીમ માટે તો સૌથી ઓછી બોલી ૬૭ મિલિયન ડોલર રાજસ્થાનની ટીમ માટે લગાવવામાં આવેલી. આ લીગના લાઇવ પ્રસારણ હકો સોની નેટવર્કને આપવામાં આવ્યા. ૨૪ ફેબ્રુઆરી, ૨૦૦૮ના રોજ સૌ પ્રથમવાર લીગ માટે ખેલાડીઓની હરાજીની શરૂઆત થઈ. દેશમાં સૌ પ્રથમવાર આ પ્રકારે કોઈ આયોજન થઈ રહ્યું હતું. તેમાં વળી ભારતની ટીમે સાઉથ આફ્રિકામાં યોજાયેલ સૌ પ્રથમ ટી-૨૦ વર્લ્ડ કપમાં વિજય મેળવતા જાણે આ લીગને ઇંધણ મળ્યું. 



     ૧૮ એપ્રિલ, ૨૦૦૮ના રોજ બેંગ્લોરના એમ. ચીન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રંગારંગ ઓપનિંગ સેરેમની સાથે બી.સી.સી.આઈ. માટે સોનાના ઈંડા આપતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ધમાકેદાર શરૂઆત થઈ. પ્રથમ મેચ ઉદ્યોગપતિ વિજય માલ્યાની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તથા અભિનેતા શાહરુખ ખાનની કોલકત્તા નાઈટરાઇડર્સ વચ્ચે યોજાઇ ત્યારથી આ લીગ  એ ‘દિન દુગની અને રાત ચૌગુની’ની ગતિએ વિકાસ કર્યો છે પરંતુ  એક રાજકીય કહેવત  છે કે ‘ક્રાંતિ પોતાના બાળકોને ખાઇ જાય છે’  તેમ  આ લીગ પોતાની રીતે મનસ્વી  નિર્ણય લેતા તે સમયના આઇ.પી.એલ.ના ચેરમેન લલિત મોદીને ભરખી ગઇ. વર્ષ ૨૦૧૦માં સૌ પ્રથમવાર લલિત મોદીને લીગને લગતી કેટલીક અનિયમિતતાઓને લઇને તેમના સ્થાનેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. બાદમાં બી.સી.સી.આઈ.ની ‘શિસ્ત સમિતિ’ ની ભલામણોને આધારે તેમની પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)  દ્વારા આજીવન પ્રતિબંધ મુકાઇ ગયો.તેના પછીના વર્ષોમાં પણ થયેલા અનેક વિવાદોમાંથી પણ બેઠી થઈને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આજે પણ સફળતાપૂર્વક ચાલી રહી છે.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે