આ લેખમાં આઇકોનિક ફિલ્મ 'ડોન'ના નિર્માણની સંઘર્ષપૂર્ણ કથા છે. સિનેમેટોગ્રાફર નરીમાન ઈરાનીને આર્થિક તંગીમાંથી ઉગારવા, રિજેક્ટ થયેલી સ્ક્રિપ્ટ, ઉધારના સેટ અને કલાકારોના આર્થિક સહયોગથી બનેલી આ ફિલ્મ મિત્રતા અને મદદની ભાવનાનું એક ઉત્તમ ઉદાહરણ છે.
મનોજકુમારની ફિલ્મ ‘રોટી, કપડા ઓર મકાન’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. ફિલ્મના સિનેમાટોગ્રાફર નરીમાન ઈરાની આ ફિલ્મના નિર્દેશકના નવ સહાયકો પૈકી એક એવા ચંદ્રા બારોટ પાસે વારંવાર પૈસા ઉછીના લેતા હતા. એક દિવસ કંટાળીને ચંદ્રાએ તેમને પૂછ્યું કે-“ શું વાત છે? , કેમ તમને વારંવાર આટલી રકમ જોઈતી હોય છે? ત્યારે નરીમાને પોતે અગાઉ પ્રોડ્યુસ કરેલી ફિલ્મથી તેમને પડતી આર્થિક તંગીની વાત કરી. હવે નરીમાનને આર્થિક તંગીમાંથી કાઢવાનો એક જ રસ્તો હતો કે નાના બજેટમાં ફિલ્મ નિર્માણ કરી અને તેમાંથી કમાણી કરી નરીમાનની આર્થિક તંગી દૂર કરવી.
હવે ફિલ્મ માટે જોઈએ એક મજબૂત સ્ક્રિપ્ટ. ફિલ્મ નિર્માણમાં તેમના બંનેના નામ એટલા જાણીતા ન હોવાથી કોઈ તેમને સાંભળે તેમ ન હતું પરંતુ એક ગોઠવણથી તેઓ સલીમ ખાનના ઘરે મળવા પહોંચી શક્યા. લેખક જોડી સલીમ- જાવેદએ ધીમે રહીને તેમને જણાવ્યું કે તેમની પાસે એક સ્ક્રીપ્ટ પડી તો છે પરંતુ ઘણી જગ્યાએથી તે રિજેક્ટ થયેલી છે.બોલો ચાલશે? હવે ‘મરતા ક્યાં ન કરતા’ બંનેએ તે સ્ક્રીપ્ટ ઉપાડી અને જુલાઈ, ૧૯૭૪ થી ‘ડોન’નું નિર્માણ શરૂ થયું.
આ ફિલ્મના બજેટની ગણતરી કરતા રકમ આવી- ૮૫ લાખ. ફિલમ નિર્માણને ધ્યાને લેતા આ રકમ ઘણી ઓછી હતી તેમાં પણ તેમની પાસે તો કુલ બજેટના ૬૦ ટકા જ હતું. બાકીનાનું આગળ જોઈ લેવાશે તેમ કરી ફિલ્મનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું. આટલા ઓછા બજેટમાં ચંદ્રા-નરીમાનએ કઈ રીતે ડોન બનાવી તે જાણવું રસપ્રદ છે.
કોઈપણ ફિલ્મનું આઉટડોર (સ્ટુડિયો બહારનું ) શૂટિંગ વધુ ખર્ચાળ હોય છે. જેટલા દિવસનું શૂટિંગ ચાલે તેટલું ખર્ચનું મીટર ચાલતું રહે. ડોન ફિલ્મના જે કોઈપણ લોકેશન્સ પસંદ કરવામાં આવ્યા તે મુંબઈ શહેરની આજુબાજુના જ લેવામાં આવ્યા છે જેમ કે નવી મુંબઈ. વધુમાં તે સમયમાં મુંબઈમાં નવી નવી ખુલેલી સી-રોક હોટલ તથા હોટલ હોરીઝન ખાતે ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. “ યે હૈ બંબઇ નગરીયા...”ગીતનું શૂટીંગ તાજમહેલ હોટલ તથા હોટલ ઓબેરોય બેકગ્રાઉન્ડમાં આવે તે રીતે કરવામાં આવ્યુ હતું. તો ફિલ્મમાં ડોન જે સૂટકેસ ફેંકીને ભાગે છે તે ભાગ મઢ આઇલેન્ડ ખાતે ફિલ્માવામાં આવેલો. ધોબીઘાટ અને મુંબઈ- અમદાવાદ હાઈવે જેવા સ્થળો ઉપર પણ ઘણું શૂટિંગ કરી અને ફિલ્મને ‘ઓથેન્ટીક’ પરંતુ વધારે ખર્ચાળ ન બને તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.
તો બીજી એક રીત કે જેમણે ચંદ્રા- નરીમાનનો ખર્ચ ઘટાડી આપ્યો તે હતું- ઉધારના સેટ. નવા સેટ ઉભા કરવા એ અતિ ખર્ચાળ હોય છે (પૂછો સંજય લીલા ભણસાલીને!) ડોનના નિર્માતા- નિર્દેશક પાસે આવો કોઈ ‘વૈભવી’ નિર્ણય લેવાની આર્થિક સ્થિતિ ન હતી તેથી તેમણે કોઈપણ ફિલ્મના સેટ ઉપર કે જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું હોય તે સેટ એક- બે દિવસ બાદ તોડવા માટે નિર્માતાને મનાવી અને પોતે એ સેટનો ઉપયોગ કર્યો હતો. આ રીતે ઘણી ખરી ફિલ્મ માટે નવા સેટની જરૂર ન પડી. ‘ડોન’ ના હોસ્પિટલમાં ફિલ્માવામાં આવેલા દ્રશ્યો એ ખરેખર અન્ય એક ફિલ્મ ‘ મજબૂર’ ના સેટ ઉપર ફિલ્મ આવેલા હતા.
આમ છતાં ફિલ્મના નિર્માણને આર્થિક તંગી નડતી જ રહી. એક સમયે એવો પણ આવ્યો કે ફિલ્મના એક્ટર્સ એ પોતાની ફીમાં કાપ કે સંપૂર્ણ ફી જતી કરવી પડી. ફિલ્મના હીરો અમિતાભ બચ્ચને તેમને અઢી લાખનો જે એક હપ્તો મળવાનો હતો તેમાંથી માત્ર એક લાખ જ સ્વીકાર્યા તો ઝિન્નત અમાનએ પોતાની દોઢ લાખની રકમ ન લીધી તો સામે પ્રાણ સાહેબે પોતાની ફીની ૫૦ ટકા જેટલી રકમ લઈ અને ફિલ્મના હિતમાં બાકીની રકમ જતી કરી.
આ બધુ જે નરીમાન ઇરાની માટે થઈ રહ્યુ હતું તેમના લેખ વિધાતા એ અલગ જ લખ્યા હતા. તેઓ જ્યારે મનોજકુમારની ફિલ્મ ‘ક્રાંતિનું’ શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે સેટ પર થયેલ અકસ્માત થી તેમનું મૃત્યુ થયું. તેઓ ફિલ્મની સફળતા જોવા હયાત ન રહ્યા પરંતુ અંતે ૧૯૭૮માં રિલીઝ થયેલી ‘ડોન’ ફિલ્મ તેમને સમર્પિત કરવામાં આવી. આ ફિલ્મ એ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો પણ મૂળ આ ફિલ્મનો વિચાર એક સેવા- મદદરૂના ભાવથી આવેલો અને આર્થિક તંગીઓના “બમ્પ’ કુદાવીને અંતે વન લાઈનર- ડાયલોગ્સથી ભરપૂર લીજેન્ડ એવી કૃતિ ‘ડોન’ આપણને મળી
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે