Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

જેલવાસ અને આર્થિક તંગી વચ્ચે જેમ્સ હીકીએ ૧૭૮૦માં ભારતનું પ્રથમ અખબાર ‘બેંગાલ ગેઝેટ’ શરૂ કરી ક્રાંતિ સર્જી. ભ્રષ્ટ સત્તા સામે ન ઝૂકનાર હીકીએ સામાન્ય જનતાના પ્રશ્નોને વાચા આપી, જેણે ભારતમાં નિર્ભીક પત્રકારત્વનો મજબૂત પાયો નાખ્યો અને વિશ્વભરમાં ખ્યાતિ મેળવી.

             એક  આયરીશ  વ્યક્તિ બંગાળ પ્રાંતના ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્સના બંગલામાં પ્રવેશે છે. તે સમયે ચલણ એવું હતું કે બંગાળમાં તમારે વ્યાપાર કરવો હોય કે કોઈ મોટો કોન્ટ્રાક્ટ મેળવો હોય તો આ બંગલે સલામ- દુઆ કરવા જવું પડતું. વોરન હેસ્ટિંગ્સ સાથે રૂબરૂ મુલાકાત થાય તે પહેલા તેના મનમાંથી  એક અવાજ આવ્યો અને આ આયરીશ વ્યક્તિ તેમને મળ્યા વિના જ બંગલેથી નીકળી ગયો. આ વ્યક્તિની ભવિષ્યમાં વોરન હેસ્ટિંગ સાથે કાનૂની લડાઈ થવાની હતી જેના લીધે એક સમયે વોરન હેસ્ટિંગ્સ પર મહાભિયોગની કાર્યવાહી બ્રિટિશ સંસદમાં થઈ હતી.આ  આયરીશ  વ્યક્તિ એટલે જેમ્સ ઓગસ્ટસ હીકી  ભારતનું- એશિયાનું સૌપ્રથમ વર્તમાન પત્ર ‘બેંગાલ ગેઝેટ’ શરૂ કરનાર વ્યક્તિ.



 ૧૭૩૯-૪૦માં આયર્લેન્ડમાં જન્મનાર જેમ્સ ઓગસ્ટસ હીકીએ   બાળપણમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી હતી અને પછી શરૂ થયો જીવનમાં રઝળપાટ. અનેક નાની- મોટી નોકરીઓ કરી અને હીકી પૈસા તો નહીં પણ અનુભવ કમાયો. વધુ સારા ભવિષ્ય અને પૈસા માટે એક દિવસ જહાજમાં બેસીને તે ભારત જવા નીકળી પડ્યો અને  અંતે બંગાળ પહોંચ્યો.૧ ફેબ્રુઆરી, ૧૭૭૩ના રોજ તે જહાજમાંથી ‘સર્જન’  તરીકેની  નોકરી છોડી કલકત્તાની ગલીઓ તરફ નીકળી પડ્યો. આ કલકત્તા જ હવે તેની ‘કર્મભૂમિ ‘ બની રહેવાની હતી. શરૂઆતમાં તેણે શહેરમાં સર્જન તરીકે થોડાંક દર્દીઓની સારવાર કરી  પણ એને જીવનમાં ‘ કુછ બડા કરું’  તેની ધૂન હતી  તેથી તેણે ઉછીના પૈસા લઈ નાના વહાણો  ખરીદીને કલકત્તાથી મદ્રાસ રુટ પર માલ- સામાનની હેરફેર કરવાના વેપારમાં પ્રવેશ કર્યો. આ ધંધામાં તેને અંતે ખોટ થઈ અને તે દેવામાં ડૂબ્યો. દેવું ચૂકવી ન શકતા ૨૦ ઓક્ટોબર,  ૧૭૭૬ના રોજ હીકીને જેલ થઈ. આ દરમિયાન તેણે છુપી રીતે ૨૦૦૦ રૂપિયા એક વિશ્વાસુ વ્યક્તિને સાચવવા આપી રાખ્યા હતા. જેલમાં દરેક કેદીએ પોતાના દવા, ખાધા- ખોરાકીના પૈસા જાતે ભરપાઈ કરવા પડતા તેથી ઘણા કેદીઓ જેલમાં નાની- મોટી પ્રવૃત્તિઓ,  ધંધો કરી આર્થિક ઉપાર્જન કરતા. હીકીએ તેના ₹૨,૦૦૦ માંથી છાપકામ માટેના બીબા ખરીદ્યા. પ્રિન્ટિંગ પ્રેસ માટેના કારીગરો મેળવ્યા અને છાપકામ શરૂ કર્યું. સવારના છથી રાતના એક- બે વાગ્યા સુધીમાં હીકી વિવિધ ચોપાનિયા, જાહેરખબરો, સુપ્રીમકોર્ટના દસ્તાવેજો,  જુદા- જુદા વીમાના ફોર્મ વગેરે છાપવા લાગ્યા. આ સમયે બ્રિટિશ સૈન્ય તરફથી છાપકામનો એક મોટો કોન્ટ્રાક્ટ હીકીને મળ્યો. તે માટે હિકીએ સારું એવું રોકાણ કરી કામ શરૂ કર્યું પણ સૈન્યતંત્ર તરફથી યોગ્ય પ્રતિસાદ ન મળતા છાપવાનું કામ અધૂરું રાખી અને હીકીએ આ કામ આગળ ધપાવ્યું નહીં. હીકીના આ પગલાં પર  બ્રિટિશ અધિકારીઓએ કરાર- ભંગનો તેની ઉપર આરોપ લગાવ્યો. અંતે હીકી એ પરચૂરણ છાપકામમાં ન પડતા એક વર્તમાનપત્ર  શરૂ કરવા માટે મન બનાવ્યું. આ નિર્ણય હીકીના જીવનમાં અને ભારતના  ઈતિહાસમાં વળાંક આપનારો હતો.



     આ વર્તમાનપત્રને લઈ હીકી ઘણા જ મહત્વકાંક્ષી હતા. વધુમાં,  પોતાના વર્તમાનપત્રને લઈ હીકીએ  વિવિધ દાવાઓ પણ કર્યા હતા. પરંપરાગત ભારતીય વ્યક્તિ –સમાજ માટે વર્તમાનપત્ર એક મોટી ક્રાંતિ હતી. હીકીએ  દાવો કર્યો કે તેનું વર્તમાનપત્ર સમગ્ર દેશ- વિદેશના સમાચાર તેના વર્તમાનપત્રમાં છાપશે. વધુમાં, ધંધા- રોજગારીની જાહેરાતોના હોડિંગ કરતા હવે તેની જાહેરાતો વર્તમાનપત્રમાં છપાશે જેના પગલે ધંધા- રોજગારને ઉત્તેજન મળશે. જાહેરખબરો દ્વારા આવક મેળવવી એ આજે પણ કોઈપણ વર્તમાનપત્ર ચલાવવાની ‘રેસીપી’  છે. અંતે ૨૯ જાન્યુઆરી,  ૧૭૮૦ના રોજ હીકીનું ‘બેંગાલ ગેઝેટ’  છપાવવાનું શરૂ થયું. જે એશિયાનું અને ભારતનું સૌ પ્રથમ વર્તમાનપત્ર હતું. 



 હવે જોઈએ એશિયા- ભારતનું પ્રથમ વર્તમાનપત્ર કેવું હતું. હાલમાં નીકળતા દૈનિક વર્તમાનપત્ર કરતા તે અલગ હતું. આ વર્તમાનપત્ર દર અઠવાડિયે શનિવારે નીકળતું. દરેક વર્તમાનપત્રમાં ચાર પાનાં રહેતા જેની કિંમત એક રૂપિયો રાખવામાં આવી હતી. પ્રથમ બે થી ત્રણ પાનાંમાં સમાચાર અને અભિપ્રાયો દર્શાવતા પત્રોને સ્થાન અપાતું. છેલ્લા પાને વિવિધ જાહેરખબર જ આપવામાં આવતી. પોતાના વર્તમાનપત્રને પત્રો તથા કવિતાઓ લખી મોકલવા હીકી સતત લોકોને પ્રેરણા આપતા રહેતા. શરૂઆતમાં વર્તમાનપત્રમાં કંઈ પણ વિવાદાસ્પદ બાબત ન  છપાય તેનું હીકી એ ખાસ ધ્યાન રાખ્યું હતું. શરૂઆતમાં તેમના વર્તમાનપત્રએ સારી એવી તટસ્થતા પણ જાળવી રાખી હતી. આજે વર્તમાનપત્રો- ટી.વી.માં નગરો- ગામડાના રસ્તા, ગટર, વીજળીના પાયાના પ્રશ્નોને વાચા મળે છે તેની શરૂઆત હીકીના વર્તમાનપત્રથી થઈ હતી. શહેરના માળખાગત પ્રાથમિક સુવિધાના પ્રશ્નોને આ વર્તમાનપત્રમાં ખાસ સ્થાન આપવામાં આવતું. સ્ત્રીઓના પ્રશ્નો- દ્રષ્ટિકોણને  ન્યાય આપતા હીકીએ  ‘ઓલ્ડ મેઇલ’  નામની એંગ્લો ઇન્ડિયન સ્ત્રીનો પત્ર પણ પોતાના વર્તમાનપત્રમાં છાપ્યો હતો. હીકીએ  ખાસ કરીને ગરીબો- નિમ્ન વર્ગના પ્રશ્નો અને સમસ્યાઓનું રિપોર્ટિંગ કરતા. ધીમે ધીમે વર્તમાનપત્ર લોકપ્રિય થઈ પડ્યું જેને આંતરરાષ્ટ્રીય વાચકો પણ સાંપડવા લાગ્યા. ઇંગ્લેન્ડના પ્રચલિત અખબારો હિકીના ‘બેંગાલ ગેઝેટ’ ના સમાચાર રી- પ્રિન્ટ કરતા. આ રીતે અમેરિકા,  જર્મન અખબારો પણ હિકીના વર્તમાનપત્રોના સમાચારો રી- પ્રિન્ટ કરવા લાગ્યા હતા. આ ઘટના ભારત- એશિયામાં વર્તમાનપત્રની સંસ્કૃતિની શરૂઆત હતી. પત્રકારત્વની શરૂઆત હતી.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે