Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેને મર્યાદિત સાધનો અને નિરક્ષરતાના પડકારો વચ્ચે 1951માં દેશની પ્રથમ સામાન્ય ચૂંટણી સફળતાપૂર્વક યોજી હતી. તેમની આ અસાધારણ ક્ષમતાને કારણે જ નવઆઝાદ સુદાનમાં ચૂંટણી યોજવા માટે ભારતને મોડેલ ગણી સેન પર વૈશ્વિક ભરોસો મૂકવામાં આવ્યો હતો.

આફ્રિકા ખંડમાં આવેલો દેશ સુદાન.


 નવેમ્બર- ડિસેમ્બર ૧૯૫૩માં આ દેશમાં જ્યાં માંડ બે ટકા સાક્ષરતાનો દર હતો ત્યાં સફળતાપૂર્વક ચૂંટણી યોજાઇ ગઇ. આ દેશે પોતાને ત્યાં ચૂંટણી કરવા નવા નવા આઝાદ થયેલા  ભારત દેશને ‘મોડલ’ માન્યુ  હતું . ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુદાનમાં ચૂંટણી યોજતી  ઇન્ટરનેશનલ ઇલેક્ટોરલ કમિશનના ચેરમેન નિયુક્ત થયા હતા.જે ભારતની ચૂંટણી યોજવા અંગેની વિશ્વસ્તરે વિશ્વસનીયતાનું પ્રતિક ગણી શકાય. આ ચેરમેન અને ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર એટલે સુકુમાર સેન.



 તેઓ અવિભાજિત બંગાળની પ્રેસિડેન્સી કોલેજ, કલકત્તાના વિદ્યાર્થી હતા કે જેમને પાછલા વર્ષોમાં લંડન યુનિવર્સિટીએ ગણિતના વિષય માટે ‘ગોલ્ડ મેડલ‘ એનાયત કર્યો હતો. માત્ર ૨૨ વર્ષની યુવા વયે  તેઓ ભારતીય સનદી  સેવા (આઇ.સી.એસ.)માં જોડાયા. આ સેવામાં જોડાઈને તેમણે  જિલ્લા અને સેશન્સ જજ  તરીકે ૧૯ વર્ષ જેટલા લાંબા સમય સુધી કામ કર્યું. ત્યારબાદ કટોકટીના સમયે,  ભારતના ભાગલા દરમિયાન ઓગસ્ટ, ૧૯૪૭માં તેઓ બંગાળના મુખ્ય સચિવ બન્યા. તેમની હોનહાર પ્રતિભાને ધ્યાને લઈ તેમને કેન્દ્ર સરકારમાં એક ખાસ ‘સેવા’  માટે યાદ કરવામાં આવ્યા. માર્ચ, ૧૯૫૦માં તેમના ભાગ્યમાં લખાયું- ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનરનું પદ.



     આગળની રાહ આસાન ન હતી. નવું બંધારણ રચાયું અને તે અંતર્ગત તમામ રાજકીય વ્યક્તિત્વો લોકસભા તથા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ જલ્દીથી યોજાય તેવું ઇચ્છતા હતા પરંતુ ચૂંટણીને લગતા કાયદા- નિયમ હજુ ઘડાયા ન  હતા. વધુમાં આ ચૂંટણી યોજવા માટે  ઘણાં રાજ્યોએ અસમર્થતા દર્શાવી હતી.



 ભારતની લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણી તથા ૧૮ રાજયોની વિધાનસભાઓની ચૂંટણી યોજવાની પ્રક્રિયા ૨૫ ઓક્ટોબર, ૧૯૫૧થી શરૂ થઈ જે આઠ મહિના જેટલા લાંબા સમયગાળા દરમિયાન ચાલી. સૌ પ્રથમ વર્ગ ‘એ’ ના રાજ્યોની પ્રાથમિક મતદાર યાદી (પંજાબ અને પશ્ચિમ બંગાળના રાજ્યો સિવાયની)  નવેમ્બર,  ૧૯૫૦માં પ્રસિદ્ધ કરવામાં આવેલી. ચૂંટણી યોજવા માટે ૯ લાખ જેટલા સ્ટાફને રોકવાનો થયો હતો. વધુમાં ૩,૩૮,૮૫૪ જેટલા પોલીસ જવાનોએ  રાજ્યોમાં ચૂંટણી  દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળી જેથી શાંતિપૂર્વક માહોલમાં ચૂંટણી યોજાઈ શકે. કેટલાક નવા ધોરણોથી જે તે સ્તરના અધિકારીઓને ચોક્કસ જવાબદારી  સોંપવામાં આવી. જેમકે,  સરકારી,  સરકાર અનુદાનિત  સંસ્થાના કર્મચારી કે જેનો પ્રતિમાસ પગાર રૂપિયા ૬૦  હોય તેને ‘પ્રિસાઇડિંગ ઓફિસર’  તરીકેની અતિ મહત્વની જગ્યા પર  નિયુક્ત  કરવામાં આવ્યા. 



     આ અગાઉ દેશમાં આ પ્રકારે ચૂંટણીઓ યોજવાનો કર્મચારીઓને  તથા સામે પક્ષે ચૂંટણીઓમાં ભાગ લેવાનો સામાન્યજનને મહાવરો ન હોવાથી  ‘મોક’ મતદાનનું આયોજન કરવામાં આવ્યું. ૫ ઓગસ્ટ, ૧૯૫૧ના રોજ દેશમાં સૌપ્રથમ ઉદયપુર,  રાજસ્થાન ખાતે આ ‘મોક’ મતદાન થયું. જેનાથી જનજાગૃતિ વધી  તથા કર્મચારીઓને તાલીમ મળી રહી.  દેશની  મોટાભાગની નિરીક્ષર  જનતાને ધ્યાને રાખીને  દરેક પક્ષને લોકો સરળતાથી સમજી શકે  તેવા ચરખો,  ગાય, મંદિર, રાષ્ટ્રધ્વજ વગેરે ચૂંટણી પ્રતિકો ફાળવવામાં આવ્યા.ચૂંટણી માટે અતિ મહત્વની વસ્તુ એટલે બેલેટ પેપર. આ બેલેટ પેપરનું ‘ડુપ્લિકેશન’  ન થાય તે માટે નાસિક ખાતેની સિક્યુરિટી પ્રેસમાં તેનુ  છાપકામ કરવામાં આવ્યું,  તો મત આપી ચૂકેલ વ્યક્તિના નખ ઉપર લગાવવાની ‘અવિલોપ્ય શાહી’  તૈયાર કરવા ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ  ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ’ નમની સંસ્થાને જણાવવામાં આવ્યું. ૧,૩૨,૫૬૦ મતદાન  કેંદ્રો  કે જેમાં ૧,૯૬,૦૮૪ મતદાન  મથકો(બુથ)નો સમાવેશ થતો હતો તેમાં મતદાન કરવામાં આવ્યું.તે સમયે દરેક પક્ષ – ઉમેદવારને એક અલગ જ મતદાન પેટી ફાળવવામાં આવી હતી. મતદારે જે ઉમેદવારને મત આપવાનો હોય તેના ચૂંટણી ચિહ્ન દોરેલી મતપેટીમાં મતપત્ર નાંખવાનું રહેતું.   આ માટે સરકારી સાથે ૨૩,૨૨૨ ખાનગી ઇમારતોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો. મહિલાઓ માટે ૨૭,૫૨૭  ‘પોલિંગ બૂથ’ અનામત રાખવામાં આવ્યા હતા. ચૂંટણીના પરિણામો જોતા લોકસભામાં કુલ- ૧૮૭૪ ઉમેદવારોમાંથી ૭૪૮ ઉમેદવારોની ડીપોઝિટ જપ્ત  થઈ હતી. ભારતીય  ચૂંટણી પંચને રૂ. ૬૭,૫૯,૭૩૫ જેટલી રકમ ડિપોઝિટ પેટે મળી હતી. ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેને આ ચૂંટણીને “ માનવ ઇતિહાસમાં લોકશાહીનો સૌથી મોટો પ્રયોગ”  એમ જણાવ્યુ  હતું. ભારત જેવા ભૌગોલિક-સાંસ્કૃતિક –ધાર્મિક  વિવિધતા ધરાવતા દેશમાં મર્યાદિત સાધનો અને માનવબળ  થકી દેશની પહેલી ચૂંટણી યોજવાના ભગીરથકાર્ય માટે સુકુમાર સેનને યાદ કરવા જ રહ્યા.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે