૧૯૫૬ની ભીષણ રેલવે દુર્ઘટનાઓની નૈતિક જવાબદારી સ્વીકારી લાલ બહાદુર શાસ્ત્રીજીએ રેલવે મંત્રી પદેથી રાજીનામું આપીને ભારતીય રાજનીતિમાં નૈતિકતાનો આદર્શ સ્થાપિત કર્યો હતો. આ લેખ સત્તા કરતાં લોકશાહી મૂલ્યો અને વ્યક્તિગત શુદ્ધતાને વધુ મહત્વ આપતા એક સાચા જનપ્રતિનિધિની વાત કરે છે.
કિસાન મજદૂર પ્રજા પાર્ટી(KMPP) ના પુડુકોટ્ટાઈ(તમિલનાડુ) થી સાંસદ મુથુસ્વામી વાલાથરાસુએ એક રેલવે દુર્ઘટનાના સંબંધમાં ગૃહ મુલતવી રાખવાનો પ્રસ્તાવ લોકસભામાં રજૂ કરેલો. દેશના પ્રથમ વડાપ્રધાન જવાલાલ નહેરુ તે સંબંધમાં પોતાની સરકારનો પક્ષ રજૂ કરવા ઉભા થયા હતા. તેમણે એક રાજીનામાનો પત્ર વાંચવાનો શરૂ કર્યો. જેના શબ્દો એવા હતા કે”..... આ વખતના અકસ્માતનો આંકડો ગયા વખત કરતાં પણ વધુ છે, આ પહેલા તમારા ઉદારદિલે મારુ રાજીનામું મંજૂર કર્યું ન હતું પરંતુ હવે હું આપને ફરી ક્ષોભજનક સ્થિતિમાં મૂકવા માંગતો નથી, માટે મારું રાજીનામું સ્વીકારશો.”
આ કયા મંત્રીનું રાજીનામ હતું કે જેમાં બે રેલવે દુર્ઘટનાનો ઉલ્લેખ હતો ? આ રાજીનામુ હતુ કેન્દ્રીય રેલવે અને વાહનવ્યવહાર મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનું. જેઓ હજુ ચાર વર્ષ પહેલા રાજ્યસભાના રસ્તે સાંસદ બનીને ૧૩મે, ૧૯૫૨ના રોજ નહેરુ મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી બન્યા હતા. આ અગાઉ લાલ બહાદુર શાસ્ત્રી ભારતના સૌથી મોટા એવા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ૧૯૪૬માં પહેલા તો મુખ્યમંત્રી ગોવિંદ બલ્લભ પંતના સંસદીય સચિવ તરીકે અને ત્યારબાદ ગૃહ અને વાહનવ્યવહાર મંત્રી તરીકે સફળતાપૂર્વક કાર્ય કરી ચૂક્યા હતા.વહીવટી તંત્રનો તેમને સારો એવો અનુભવ હતો. બીજી બાજુ જ્યારે ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજાઇ તે સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના જનરલ સેક્રેટરી તરીકે તેમણે પક્ષનું સંગઠનાત્મક કાર્ય પણ સુપેરે પાર પાડ્યુ હતું. તેમની આ પ્રતિભાને કારણે જવાહરલાલ નેહરુએ તેમને પોતાની કેબિનેટમાં સમાવવાનો નિર્ણય કર્યો હતો.
લાલ બહાદુર શાસ્ત્રી પાસે રેલ્વે ઉપરાંત વાહનવ્યવહારનો પણ હવાલો હતો પરંતુ તેમાં સૌથી મોટી જવાબદારી તો રેલવે વિભાગની હતી. તે સમયે તેનું એક અલગ બજેટ રહેતું, જે બજેટ રેલવે મંત્રી પોતે સંસદમાં રજૂ કરતા. તમામ સાંસદોની રેલવે મંત્રીને ત્યાં જાત જાતની ભલામણો માટે લાઇનો લાગતી. જેથી રેલ્વે મંત્રીનુ કદ મંત્રીમંડળમાં ઉંચુ રહેતું. હવે વાત એ અકસ્માતોની કે જેને કારણે રેલવે મંત્રી લાલ બહાદુર શાસ્ત્રી રાજીનામુ આપવા સુધી પહોંચી ગયા.
૨ સપ્ટેમ્બર, ૧૯૫૬ના રોજ હૈદરાબાદ રાજ્યમાં પૂરના કારણે એક રેલવે બ્રિજનો ૩૭ મીટર લાંબો ભાગ ક્ષતિગ્રસ્ત થયો જેના કારણે મહેબૂબનગરથી પાંચ કિલોમીટર દૂર આવેલ સિકંદરાબાદ- દ્રોણાચલમ લાઈનને અસર થઈ. જેથી ટ્રેનનું એન્જિન અને બે પેસેન્જર બોગીઓ નદીમાં ખાબકી. રેલવે મંત્રી અને ત્યારે હૈદરાબાદના રાજ્યના મુખ્યમંત્રી બુરગુલા રામક્રિશ્ન રાવ એ તે સ્થળની મુલાકાત લીધી. મૃતકોનો આંકડો ૧૧૭ સુધી પહોંચ્યો હતો. વિપક્ષોએ રેલવે મંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને સંસદમાં ઘેર્યા. આ પ્રસંગે રેલવે મંત્રીએ રાજીનામું આપવાની તૈયારી બતાવી પણ વડાપ્રધાને તે સ્વીકારવાનો ઇનકાર કર્યો.
આ ઘટનાને માંડ ત્રણ મહિના થયા હશે ત્યાં બીજી કરુણાંતિકા સર્જાઇ. આ વખતે પણ અક્સ્માતનું સ્થળ દક્ષિણ ભારત જ હતું. ‘તુતીકોરીન એક્સ્પ્રેસ’ મરુદય્યોર નદીમાં ખાબકી હતી. મૃતકોનો આંકડો આ વખતે ૧૫૦ જઇ પહોંચ્યો અને ૧૦૦ ઘાયલ પણ નોંધાયા. એક પછી એક સર્જાયેલ આ રેલવે અકસ્માતોને કારણે વડાપ્રધાન નહેરુ ઉપર દબાણ સર્જાયુ. હવે તેઓ આ અક્સ્માતો માટે કોઈપણ ખુલાસો-બચાવ કરવાની સ્થિતિમાં ન રહ્યા. આ દુર્ઘટના માટે તેમણે દુઃખ પ્રગટ કર્યું અને લેખની શરૂઆતમાં જણાવ્યું તેમ રેલવે મંત્રીનુ રાજીનામું સ્વીકારી લોકસભામાં તેની જાહેરાત કરી. ૭ ડિસેમ્બર, ૧૯૫૬ની અસરથી લાલ બહાદુર શાસ્ત્રી રેલ્વે મંત્રી માંથી રૂખસદ થયા તેમની જગ્યાએ બાબુ જગજીવન રામ નવા રેલવે મંત્રી બન્યા.
નૈતિકતાને આધારે તથા પોતાના હેઠળના વિભાગમાં થયેલ કોઈ નિષ્ફળતા/ દુર્ઘટના/ ગરબડ/ નિષ્કાળજી માટે કોઈ મંત્રીશ્રીએ રાજીનામું આપ્યાનો સ્વતંત્ર ભારતનો આ પહેલો પ્રસંગ હતો. આજે પણ કોઈ મંત્રીશ્રીના વિભાગમાં દુર્ઘટના સર્જાય ત્યારે મંત્રીશ્રીનુ રાજીનામુ માંગવા માટે લાલ બહાદુર શાસ્ત્રી એ રેલવે મંત્રી તરીકે નૈતિકતાના ધોરણે આપેલ રાજીનામાને દાખલા તરીકે યાદ કરવામાં આવે છે.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે