Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

પત્રકારત્વના ‘લિજેન્ડ’ માર્ક ટલીનું ૯૦ વર્ષની વયે અવસાન થયું છે. ૩૦ વર્ષ બીબીસી સાથે રહી તેમણે ઓપરેશન બ્લુ સ્ટાર અને કટોકટી જેવી ઐતિહાસિક ઘટનાઓનું જીવંત રિપોર્ટિંગ કર્યું હતું. જમીની સ્તરે રહીને ‘નિષ્પક્ષ’ પત્રકારત્વ કરનાર ટલી આજના પત્રકારો માટે સદાય આદર્શ રહેશે.

૨૫ જાન્યુઆરી,૨૦૨૬ના રોજ ૯૦ વર્ષની વયે નવી દિલ્હી ખાતે પત્રકાર “લિજેન્ડ’ માર્ક ટલીનું અવસાન થયું. પત્રકારત્વનો જાણે એક યુગ પૂરો થયો. ભારતીય પત્રકારત્વનો ઇતિહાસ લખાય ત્યારે માર્ક ટલી ઉચ્ચ સ્થાને બિરાજે તેમ છે. જ્યારે ટીવી- રેડિયો જેવા સંચાર માધ્યમોની  લોકો સુધીની પહોંચ સીમિત હતી. પત્રકારો જીવના જોખમે જે તે ઘટના સ્થળે જઈ તેનું રિપોર્ટિંગ કરતા હતા તે સમયમાં માર્ક ટલીએ ૧૯૬૪ થી ૧૯૯૪ દરમિયાન ઘટેલી ઘટનાઓ કવર કરી હતી જેમાં મુખ્યત્વે બાંગ્લાદેશનું સર્જન, ભારતમાં લદાયેલ  કટોકટી, પાકિસ્તાનમાં વડાપ્રધાન ઝુલ્ફીકાર ભુટ્ટોને થયેલ ફાંસી અને રશિયાએ અફઘાનિસ્તાન પર મેળવેલ કબજો જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે. ૩૦ વર્ષ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બી.બી.સી.) ને આપ્યા બાદ ૧૯૯૪થી તેઓ સ્વતંત્ર પત્રકારત્વ તરફ વળ્યા  હતા. 



     તેમનું પત્રકારત્વ ‘ઘુમન્તુ’  પ્રકારનું પત્રકારત્વ હતું. તેઓ ‘ડેસ્ક’ કરતાં ‘ડસ્ટ’ એટલે કે સ્ટુડીઓમાં ‘ટેબલ’ પર બેસી પત્રકારત્વ કરવા કરતાં ઘટના સ્થળે ‘ધૂળ ખાવાનું પસંદ કરતા.તેમના અહેવાલો જમીન સાથે જોડાયેલા રહેતા.  તેઓ સ્વીકારતા કે મને ઘરે કે ગ્રંથાલયોમાં બેસીને સંશોધન કરી લખવું નથી ગમતું. તેઓને ‘ફિલ્ડ’માં રહીને ઘટના સ્થળે લોકોને મળીને તથા ઘટનાના સાક્ષી બનીને લખવુ  ગમતું એટલે જ જ્યારે જુન, ૧૯૮૪માં વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તમામ વાતચીત નિષ્ફળ જવાથી  ‘ખાલિસ્તાન’ તરફી લોકો  અને જરનેલસિંહ ભિંદરનવાલે સહિતના તેમના સમર્થકોને  અમૃતસરના સુવર્ણ મંદિરમાંથી હટાવવા માટે ‘ઓપરેશન બ્લુ સ્ટાર’ કરવાનો નિર્ણય કર્યો ત્યારે માર્ક ટલી તથા તેમના સાથી પત્રકાર સતીશ જેકબએ  બી.બી.સી. વતી  સુવર્ણ મંદિરમાં ચાલતી તમામ ગતિવિધિ એ ભયજનક અને તણાવના માહોલમાં રહીને પણ રેકોર્ડ કરી હતી. તેમાં વધુ આગળ વધતા  તેમણે ભિંદરનવાલે તથા તેમના સૈન્ય સલાહકાર મેજર જનરલ શાહબેગ સિંહ  સહિત અન્યો  સાથે વાતચીત કરી આ ઘટનાના તમામ પાસા ઉજાગર કર્યા હતા. 



પોતાની પત્રકાર તરીકેની કારકિર્દીમાં તેમને દેશ- વિદેશની ઘણી ખ્યાતનામ હસ્તીઓને મળવાનું થયું હતું. આજે કદાચ તમે પોડકાસ્ટમાં ઘણા ઇન્ટરવ્યુઝ જોતા હશો જેમાં નીલેશ મિસરા,સૌરભ દ્વિવેદી વગેરેને   ઇન્ટરવ્યુઝ લેતા જોતા હશો ત્યારે ખ્યાલ આવશે કે સારો ઇન્ટરવ્યુ લેવો એ  એક કળા છે,  જેમાં તમારે સામેવાળાને ‘ખૂલવા’  અને ‘ખીલવા’  દેવાના રહે છે.માર્ક ટલીએ પણ ઘણી ખ્યાતનામ હસ્તીઓના ઇન્ટરવ્યુઝ લીધા હતા. તેઓ પાછલી ઉંમરે ઘણા ભારતીય રાજનેતાઓને યાદ કરતા. તેમનો અનુભવ હતો કે વડાપ્રધાન ઇન્દિરા ગાંધી ઇન્ટરવ્યૂઝ આપવામાં બીજા પ્રધાનમંત્રીઓના મુકાબલે વધુ ઉદાર હતા તો વડાપ્રધાન બન્યા ત્યારે મોરારજી દેસાઈ સાથેના એક ઇન્ટરવ્યૂમાં તેમની ચર્ચાસ્પદ  ‘શિવામ્બુ’  પદ્ધતિના પ્રયોગો વિશે તેમણે વડાપ્રધાને સવાલો કર્યા હતા જેનો સાહાજિક રીતે મોરારજી દેસાઈએ જવાબ આપ્યા હતા. પોતાના અવસાન પહેલાના છેલ્લા ઇન્ટરવ્યૂમાં રાજીવ ગાંધીએ માર્ક ટલીને જણાવ્યું હતું કે પોતે તેમને ઘણી ભૂલો કરી છે પણ વિશ્વાસ કરો કે હવે આવી ભૂલ હું કદી કરીશ નહીં.જો કે પોતે આ ભૂલોમાંથી મેળવેલ શીખનો વ્યવહારમાં ઉપયોગ થાય તે પહેલા તેમની હત્યા થઇ ગઇ. પોતે લીધેલ ઇન્ટરવ્યૂઝમાં વિદેશી નેતાઓ સાથે પણ તેમને અવનવા અનુભવ થયેલા જેમ કે બાંગ્લાદેશ બન્યું તેમાં બી.બી.સી.એ  પણ મહત્વનો ભાગ ભજવ્યો  છે તેવો ‘અણછાજતો’  શ્રેય આપતા રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનને તેઓ કાયમ યાદ રાખવાના હતા તો ‘આર્યન લેડી’ બ્રિટિશ વડાપ્રધાન માર્ગારેટ થેચર પાસેથી તેઓ ઇન્દિરા ગાંધીના પ્રસંશક  છે અને તેમને પોતાના મિત્ર માને છે તે સાંભળીને ટલી ચોંકી ઉઠ્યા હતા પરંતુ આ રાજનેતાઓ કરતા તેમની યાદગાર મુલાકાતો માટે તેઓ દલાઇ લામા અને ડેસમંડ ટુટુ જેવા સંતોને યાદ કરે છે.  



 પત્રકારત્વમાં તેમના પ્રદાન માટે થઇને  ભારતે તેમને ૧૯૯૨ ‘પદ્મશ્રી’ તથા ૨૦૦૫માં ‘પદ્મભૂષણ’ આપીને તો ઇંગ્લેન્ડએ તેમને ૨૦૦૨માં કે.બી.ઈ. (નાઈટ કમાન્ડર ઓફ ધ બ્રિટિશ અમ્પાયર)ના  સન્માનથી નવાજ્યા હતા. એક પત્રકાર તરીકે માર્ક ટલી ચોક્કસ પોતાની એક અલગ જ છાપ છોડીને ગયા છે અને આજના પત્રકારો માટે તેઓ એક આદર્શ રહેશે.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે