Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

વર્ષ ૨૦૦૧માં વડોદરાના ત્રણ દિગ્ગજ છબીકારો સાથે પુષ્કર મેળા માટે ખેડેલી આ રોડ-ટ્રીપ માત્ર એક પ્રવાસ નહિ, પણ કેમેરાની આંખે રાજસ્થાનને પીવાનો લ્હાવો હતો. મંઝિલ કરતાં સફરને માણતા, ગ્રામ્યજીવન, પ્રકૃતિ અને લોકસંસ્કૃતિને કલાત્મક રીતે તસવીરોમાં કંડારવાનો આ એક જીવંત અનુભવ હતો.

      વર્ષ ૨૦૦૧ના નવેમ્બરના પ્રથમ સપ્તાહે મને વડોદરાના છબીકાર, પ્રકાશ ગજ્જરનો લેન્ડલાઈન પર ફોન આવ્યો કે રક્ષાબેન, વડોદરાના અમે ત્રણ ફોટોગ્રાફર્સ પુષ્કરના આંતરરાષ્ટ્રીય પશુમેળામાં જવાના છીએ તમારે આવવું છે?



    આ offer તો એકદમ લલચાવનારી અને lucrative હતી કારણ કે પુષ્કરનો મેળો મારું dream destinaion હતું પરંતુ મારી સાથે મારી દોસ્ત નલિની ભટ્ટ આવી શકે તેમ નોહતી અને તેમ છતાં બંદાએ હા જ પાડિ કે હું આવીશ કારણ કે હું વડોદરાના જે ત્રણ ફોટોગ્રાફર્સ સાથે વડોદરાથી પુષ્કર સુધીની road trip કરીને પુષ્કરના મેળાના જે ગંતવ્યે પહોંચવાની હતી તે ફોટોગ્રાફર્સને હું એકવાર કચ્છના રવેચી માતાના મેળે અલપઝલપ મળી હતી અને અમે ફોનની આપ-લે પણ કરી હતી.




    વર્ષ ૨૦૦૧ની કારતક સુદ અગિયારસ કે દેવઉઠી અગિયારસથી કારતકિ પૂર્ણિમા સુધી ચાલનારો પુષ્કરનો પ્રખ્યાત International cattle fair છવ્વીસ નવેમ્બર-૨૦૦૧થી શરૂ થવાનો હોવાથી અમે એક દિવસ અગાઉ નીકળવાનું આયોજન કર્યું અને હું ભાવનગરથી વડોદરા પહોંચી અને વડોદરાથી ડ્રાઈવર, રાજુની taxiમાં અમે ચાર છબીકારો ગોઠવાયા અને ગાડી તો ઉપડી ગુજરાતથી રાજસ્થાન તરફ. 




     મારી સાથેના ત્રણ છબીકારોમાં ભાઈ પ્રકાશ ગજ્જર તો અત્યારે અમેરીકાના Maryland રાજ્યના મુખ્ય શહેર Annapolisમાં રહે છે અને એકદમ યુનિક wedding photography કરે છે.બાકિના બંને ફોટોગ્રાફર્સમાંથી ઘનશ્યામ કહારની વાત કરું તો wedding photographyના નિષ્ણાંત આ છબીકાર arrange photographyના master mind તો ગણાય જ પરંતુ wedding photography ઉપરાંત photographyની અન્ય genereમાં પણ દિલથી કામ કરતા આ છબીકાર પાસે બહુ ઊંચા ગજાના આંતરરાષ્ટ્રીય એવોર્ડનો એવો થપ્પો છે કે આપણે કલ્પના પણ ન કરી શકિએ.




      અત્યંત સફળ, પ્રખ્યાત અને ગુજરાતના પ્રથમ હરોળના છબીકારમાંના એક ઘનશ્યામ કહારની તસવીરોમાં ગતિમાં સ્થિતિનો અર્થમય ઝબકારો હાજરા હજૂર હોય છે અને through my visionની આરપાર દ્રષ્ટિની ચપળતા ધરાવતો ભાઈ ઘનશ્યામ માત્ર છબીકાર નથી પરંતુ મૂર્તિકાર પણ છે અને એ જાણ તો ઘનશ્યામના ઘરે જાવ ત્યારે ખબર પડે કારણ કે તે પોતે તો એક શબ્દથી વાત સમજાય તો બીજો શબ્દ ન ઉચ્ચારે તેવું ઓછા બોલું વ્યક્તિત્વ લઈને સતત સર્જનાત્મક કામમાં ગળાબૂડ હોય છે.




    પુષ્કરના પ્રવાસમાં મારા ત્રીજા સહપ્રવાસી બીપીન પટેલ પણ એક પ્રખ્યાત ફોટોગ્રાફર, wedding photography માટેનું ગમતું સરનામુ અને collage art workની અનન્ય ઓળખાણ લઈને eye-catching અને અનેરું કામ કરનાર આ છબીકારમાં સંગીતની પણ સમજ આથી તેમની wedding photographyના એક એક ફોટા એવીરીતે નજર સમક્ષ આવે કે જાણે તે કોઈ ફિલ્મ હોય.




    આજથી પચ્ચીસ વર્ષ પહેલા વડોદરાના આવા એક એકથી ચઢિયાતા છબીકારો સાથે મારી વડોદરાથી રાજસ્થાનના પુષ્કર સુધીની road trip શરૂ થઈ ત્યારે અમારે કુલ છસ્સો પચાસ કિલોમીટરનું અંતર કાપવાનું હતું અને દસ-અગિયાર કલાક તો નક્કિ હતા પરંતુ અમે તો આણંદ-નડિયાદ, હિંમતનગર, શામળાજી, ઉદેપુર, નાથદ્વારા, બ્યાવર અને ખ્વાજા મોઈનુદ્દિન ચિશ્તીની અજમેર શરીફ દરગાહથી વિખ્યાત અજમેર અને અજમેરથી પંદર કિલોમીટર દૂર રહેલા પુષ્કર પહોંચીએ તે પહેલા મારગમાં જે worth photographing આવે તેને કેમેરાની જોળીમાં ભરવાના આયોજન સાથે જ નીકળેલા અને ભાઈ, યાત્રા તો ભારતની ઉત્તર તરફ અને રંગીલા રાજસ્થાનની રંગરંગ સંસ્કૃતિ તરફ ઉપડિ.




    ચા-પાણી નાસ્તો અને હાઈ-વે પરના ધાબા પર રાજસ્થાની દાલ-બાટીના સ્વાદ લેતાં-લેતાં ધીમે ધીમે અમે રાજસ્થાની માહોલમાં પહોંચ્યા ત્યારે અમે રસ્તાની ધારે પાણીની ઠીબ ટાંગેલા એક ઝાડ આગળ એક ઘર જોયું અને જોયો એક ખૂંટો જ્યાં ઘેરવાળો લીલો ઘાઘરો અને લાલ ગોઠવાળી લીલી કંજરી પહેરેલી એક રાજસ્થાની સ્ત્રી તેની બકરી બાંધતી હતી.




    અમે તો લોટરી લાગી હોય તેમ સટ્ટાક કરતી ગાડી ઊભી રાખી અને ચારેય જણા કેમેરા સહિત જેવા ગાડીમાંથી ઉતર્યા કે તે સ્ત્રીની નજર સાથે મારી નજર મળી અને અમે તો તેના ઘર આંગણે એક ફોટો શેસન ઉજવી અને ચા પણ પીધા.




       સિમેન્ટ ક્રોંકિટના પાક્કા બાંધેલા ઘરમાં લોખંડ-પતરાનો દરવાજો હતો અને આ નાનકડા ઘરની બાજુમાં બકરી બાંધવાનો શેડ હતો.આંગણામાં રહેલા ઝાડના થડ આસપાસ થોડું ઘાસપુસ પડ્યું હતું.અમને થોડીવારમાં ખબર પડી ગઈ કે તે બેન ઘરે એકલા હતાં છતાં અમારી ખાસ્સી આગતા-સ્વાગતા કરી અને અમને બેસવા ખુરશીઓ પણ આપી. 




      ખુરશીઓ પર બેઠા બેઠા અને જરૂર પડે તો ઉભા થઈને અમે છોકરું કાંખમાં રાખી ઘુમટો તાણીને ફરતી તે સ્ત્રીને ઝાડના થડને ટેકે તેના બાળકને લઈને બેઠી હોય કે તેની છટાપૂર્વકની ચાલ સાથે ચાલતી હોય તેવા ફોટા પાડ્યા અને આ બધું તેના ક્રમે ચાલુ હતું ત્યાં મારા વન્યજીવન જીવને ઝાડની ડાળીએ બાંધેલી પાણીની ઠીબમાં પાણી પીવા આવેલી Red Vented બુલબુલ દેખાણી અને ઝાડની નીચે ઝાડના થડથી પાંચ-છ ઇંચની દૂરી પર બેસીને ખોળામાં બેઠેલા છોકરાને રમાડતી તે નમણી સ્ત્રી પરથી મારો કેમેરા સીધો હડિયા બુલબુલ તરફ વળ્યો. 




       એક કાંટા વાળા ઝાડની ડાળીએ લોખંડનો હુક વાળો સરીયો બાંધીને તેના પર ઘાસપુસની ઈંઢોણી પર રાખેલી માટીની ઠીબમાં પાણી પીવા આવેલું કાળી ડોક, કાળું માથું અને કલગી જેવી અણીદાર કાળી ટોપી વાળું બુલબુલ પહેલા ઠીબના કાંઠે આવીને બેઠું, આમતેમ જોયું અને પાણી પીધું ત્યાં સુધીમાં તેના કાળાશ પડતા ભૂખરા રંગના ભીંગડા જેવા ચડાઉતરી પીંછા, ધોળું પેટ, લાંબી પૂંછડી અને પૂંછડીના મૂળમાં રહેલા ફૂમતાંના મેં ઘણા ફોટા પાડી લીધા હતા અને આ ‘લાલદૂમ’ બુલબુલ આસપાસનું બધું ઝાંખું કરી જાણે બુલબુલનો portrait લેવાનો હોય તેમ background blurr કરી ફોટો પાડ્યો ત્યારે તે ફોટામાં આવેલી shallow depth of fieldથી ઝાડની ડાળીએ ટીંગાડેલો સુઘરીનો deserted માળો, બુલબુલ અને પાણીની ઠીબ એવા ઊડીને આંખે વળગે તેવા stand out થયા કે મને થયું મને ફોટોગ્રાફિ કરતાં થોડુંક તો આવડ્યું લાગે છે.




    ફોટા પાડિને થાકીએ તો પણ વિષયો ખૂટે નહિ એવા આ સ્થળના મનગમતા haltમાં જે ઘરે અમે ખાસ્સું લાંબુ રોકાણ કર્યું ત્યાં અમારી ચા બનતી હતી અને ચૂલામાં બનતી ચાની સુવાસે હું મા-દીકરાનો ફોટો પાડવાના લોભે અંદર ગઈ ત્યારે ડાબી બાજુએ ચા અને ચૂલો, વચ્ચે મા-દિકરો અને જમણી બાજુ હાથમાં કેમેરા પકડિને ચા તરફ મીઠી નજર નાખતી પણ ધુમાડાથી હેરાન મને છબીકાર, ઘનશ્યામ કહારે ક્યારે પોતાના એકદમ balanced compositionમાં compose કરી લીધી તે પણ ખબર ન પડિ અને મને મારો સૌથી સારો candid photo મળ્યો જેમાં સૂર્યપ્રકાશનો ખેલ તો નિરાળો હતો જ પરંતુ ભાઈ ઘનશ્યામની કલાત્મક દ્રષ્ટી અને sense of comosition પણ એટલી જ કાબીલે તારીફ હતી.




    એક જ haltમાં આટલા મોતી વીણીને અમે ફરી ટેક્ષીમાં ગોઠવાણા અને ચાના બળવાન ટેકે taxiની બારીએથી રાજસ્થાનની ભૂમિને, તેના હાઈ-વે પરના ઘર-ખોરડાને જોતા આગળ વધ્યાં ત્યાં તો હાથમાં લાકડિયું વાળી બે દાદીઓના દર્શન થયા અને હાથની છાજલી કરીને અમને અહોભાવથી જોતી બંને દાદીઓને અમે કેમરાની જોળીમાં ભરી ત્યારે જાણે રાજસ્થાનની સંસ્કૃતિને કાળજીપૂર્વક જીલતા હોઈએ તેવો ઘાટ હતો.




    આવા ઘાટ ઘડિયા પછી નરસિંહ મહેતાના નામરૂપ જૂજવાં જેવી કૂવેથી પાણી ભરીને આવતી સ્ત્રીઓની લોટરી લાગી અને અમે ચારેય છબીકારો ગાડીમાંથી ઉતરી વિવિધ એંગલથી માથા પર માટીના માટલા, તેના પર સ્ટીલ-પિત્તળના ઘડા મુકિને દૂરથી પાણી ભરીને આવતી બહેનોના ફોટા પાડ્યા ત્યારે મારી અણઆવડતને કારણે હું ઘણું ચૂકી ગઈ હઈશ પરંતુ મારા સહપ્રવાસીઓ તો ફોટોગ્રાફીની aesthetic sense સાથે તેની ટેકનિકના પણ નિષ્ણાંત હતાં એટલે તેઓએ તો કમાલ કરી હશે તેની ખાતરી છે.




    ગતિમાં રહેલા વિષયને ઝૂમ લેન્સથી જીલવામાં બે ખાલી માટલા, કુવેથી પાણી ભરવાનું જાડું-સફેદ રાંઢવું અને લીલી ઓઢણી જેવું લીલું, કુવેથી પાણી ખેંચવાનું, કેન માથે લઈને જતી સ્ત્રીને જયારે ઉતાવળે click કરી ત્યારે તેના blushingને કે તેના લજ્જાથી લાલ થયેલા શ્યામળા મુખને જીલવાનો મારો આનંદ જાણે આખા રાજસ્થાનને, તેની graceful સંસ્કૃતિને જીલ્યા જેટલો લયબધ્ધ હતો એવું અનુભવાતું હતું. 



      આવા ખણખણતા સિક્કા જેવા ટકોરાબંધ અનુભવોને અંકે કરતી અમારી રોડ ટ્રીપે કદાચ, વડોદરા-પુષ્કરની રોડટ્રીપ વચ્ચે ઉદેપુર-નાથદ્વારા  આસપાસ મોલેલા ગામનું detouring કર્યું હશે કે રામ જાણે પણ અમને ખડકાળ ભૂમિના  backgroundમાં અને અંતરીયાળ રોડ મધ્યે ગધેડા પર માટલા બાંધીને જતો એક જણ મળ્યો અને અમે સૌએ તેને જાણે સદીઓ પ્રાચીન પરંપરાગત relief clay craft ગણાતા ટેરાકોટાને કેમેરાની જોળીમાં જતનથી જાળવીને મુકતા હોઈએ તેમ મુકિને રાજસ્થાનના રોડ પર ગાડિ આગળ હંકારી.



    વડોદરાથી drive કરીને અમારી સાથે આવેલા ડ્રાઈવર, રાજુને પણ થતું હશે કે આ ચારે-ચાર પાગલ છે પણ અમે તો એક વળાંકે પાણી પીવાની ડંકિ આગળ વીસ-ત્રીસ બકરીઓ લઈને જતી એક રાજસ્થાનીને જોઈ ગયાને વળી ગાડી તેની આગળ જઈને ઉભી રખાવીને તેના ફોટા પાડ્યા ત્યારે foregroundમાં બકરી, તેની પાછળ ઝાડના પાંદડા પાડવા લાકડીમાં દાંતરડું ભરાવેલી લાકડિ ખભે નાખી સહર્ષ અને સસ્મિત ફોટા પડાવતી બકરવાળ સ્ત્રી અને એની પાછળો પાછળ બીજી બકરવાળ અને લાલ પાઘડીવાળા સાયકલ સવાર દાદાને પણ click કર્યા અને ફરી એક ચા ચડાવી પુષ્કર તરફ ઉપડ્યા ત્યારે થયું કે Bill King નામના અમેરીકન sports announcer કહે છે તે સત્ય છે કે the journey is more important than the destination because there is so much more in between. 

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.