Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

જાહેર જીવનમાં નેતાઓનું કશું અંગત હોતું નથી. દક્ષિણ ભારતના 2 મહાન નેતાઓ પેરિયાર અને એન.ટી.આર. દ્વારા મોટી ઉંમરે કરાયેલા લગ્ન અને પત્નીને રાજકીય વારસો સોંપવાના 1 નિર્ણયે તેમના પક્ષમાં મોટો બળવો સર્જ્યો, જેનાથી તેમનું રાજકીય વર્ચસ્વ અંત પામ્યું.

આપણા દેશમાં એક ‘મહાન’ નેતાથી રાજકીય પક્ષ ઉજળો દેખાય છે. ‘પક્ષ’ અને ‘પર્સનાલિટી’  એ સમાનાર્થી શબ્દ બની જાય ત્યાં સુધી તે પ્રખ્યાત થઈ જાય છે. પરંતુ એ મહાન નેતા જ્યારે એક એવું પગલું ભરે. નિર્ણય લે. ત્યારે તેમના પક્ષને અને તે નેતાની ‘ઇમેજ’ને દાગ લાગી જાય છે. લગ્ન આમ તો અંગત બાબત છે પરંતું જાહેર જીવનમાં પડેલા નેતાઓનું કશું અંગત રહેતું નથી. તેઓ જ્યારે મોટી ઉંમરે લગ્ન કરે છે ત્યારે તેમના શિષ્યો –પક્ષ –કાર્યકરો-બીજી હરોળનું નેતૃત્વ-નેતાનું કુટુંબ અને મૂળ તો સમાજ-લોકો  આ નિર્ણય પચાવી શકતા નથી. આ નિર્ણય બાદ પક્ષના અને તે નેતાના વળતા પાણી થવાના શરૂ થાય છે.  



     દક્ષિણ ભારતના રાજકીય ઇતિહાસનું અમર નામ એટલે ‘પેરિયાર’. ઈરોડ વેંકટ રામાસ્વામી નાયકર તરીકે જન્મેલા એક વ્યાપારી પુત્ર એ પોતાનું જાહેર જીવન કોંગ્રેસ અને ગાંધીના પ્રભાવથી શરૂ કર્યું હતું પરંતુ જાતિભેદના કડવા અનુભવ પછી તેમણે ‘વાયકોમ સત્યાગ્રહ’,  આત્મસન્માન આંદોલન,  જસ્ટિસ પાર્ટીમાં સક્રિયતા, બ્લેક શર્ટનું આંદોલન વગેરે કાર્યક્રમો-પ્રવૃતિઓ  થકી દક્ષિણ ભારતના રાજકારણમાં અલગ જ રાજકીય પ્રવાહ વહેતો કર્યો હતો. પેરિયાર આજીવન જાતિવ્યવસ્થા અને બ્રાહ્મણવાદને સમાજમાંથી ઉખાડી  ફેકવા માટે સતત પ્રવૃત્તિશીલ  રહ્યા. ૨૭ ઓગસ્ટ, ૧૯૪૪ના રોજ પેરિયાર દ્વારા જસ્ટિસ પાર્ટી અને આત્મસન્માન ચળવળને એક કરી ‘દ્રવિડર કઝગમ’  (Dravidar Kazhagam – DK) નામની પાર્ટીની સ્થાપના કરવામાં આવી. જે જાતિ વ્યવસ્થાની સમાપ્તિ, દ્રવિડનાડુની મુક્તિ અને ભારતમાં દ્રવિડ લોકોનું સપ્રમાણ પ્રતિનિધિત્વ મળે તે માટે કામ કરનાર હતી.



     પેરિયારની ઉંમર વધતી જતી હતી તેમતેમ  તેમને પોતાની પાર્ટીમાં નવી પેઢીના  નવયુવાન નેતાઓની સાથે સંઘર્ષો  વધવા લાગ્યા. મનીઅમ્માઈ નામના મહિલા જે ઘણા સમયથી તેમની પાર્ટીમાં જોડાયેલા હતા તે પેરિયારના અંગત સચિવ બન્યા. પેરિયાર દિવસેને દિવસે પોતાના અંગત સચિવ પર વધુ નિર્ભર રહેવા લાગ્યા. ૯ જુલાઈ, ૧૯૪૯ના રોજ ૭૦ વર્ષના   પેરીયારે ૩૦ વર્ષના મનીઅમ્માઈ સાથે લગ્ન કરી લીધા. ૨૪ જૂન, ૧૯૪૯ના રોજ એક સ્પષ્ટીકરણમાં પેરિયારએ  મનીઅમ્માઈને પોતાના રાજનીતિક વારસદાર ઘોષિત કર્યા.આ બાબતનો પાર્ટીનો ઘણો વિરોધ થયો. ઘણા નેતાઓએ પેરિયારને આ નિર્ણય બદલવા મનાવ્યા પણ પેરિયાર પોતાના નિર્ણય ઉપર અફર રહ્યા. આમ તો તેમની પાર્ટીના યુવા નેતા અને તેમના શિષ્ય સી.એન.અન્ન્નાદુરાઇ સાથે તેમને ૧૯૪૫ થી જ સંઘર્ષ ચાલુ હતો પરંતુ રાજકીય વારસદારની આ ઘટનાથી ‘દ્રવિડર કઝગમ’  પાર્ટીમાં ભાગલા પડી ગયા આગળ જતા અન્નાએ DMK (દ્રવિડ મુનેત્ર કઝગમ) નામની પાર્ટીની સ્થાપના કરી જે પછીના વર્ષોમાં તમિલનાડુમાં  સત્તા પર આવતી- જતી રહી.



     પ્રખ્યાત તેલુગુ અભિનેતા એન.ટી.રામારાવ(એન.ટી.આર.) એ  ૧૯૮૨માં આંધ્ર પ્રદેશમાં ‘તેલુગુ દેશમ પાર્ટી’ (T.D.P.)  સ્થાપી અને રાજકારણમાં ઝંપલાવ્યું. તેના બીજા વર્ષે વિધાનસભાની ચૂંટણી લડી તેમાં  શાનદાર વિજય મેળવીને તેઓ રાજ્યના મુખ્યમંત્રી બન્યા. થોડા વર્ષો ‘ક્રાંતિ’ માં રહ્યા બાદ તેના પછીની ચૂંટણીમાં-૧૯૮૯માં તેમના પક્ષની હાર થઈ અને તેઓને  વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવ્યો. ૧૯૮૯માં તેમના પત્નીનું અવસાન થયું. આ દરમિયાન ૧૯૮૫માં ગુંટુર  જિલ્લાના નિમ્ન મધ્યમ વર્ગની એક મહિલા લક્ષ્મી પાર્વતી સાથે એન.ટી.આરને દિલ્હીમાં પ્રથમ વાર મળવાનું થયું હતું. આ મહિલા પર એન.ટી.આર.ની નિર્ભરતા દિવસેને દિવસે વધતી ગઈ અને પોતે જ્યારે બીમાર હતા ત્યારે સતત તેમની સેવા કરતી આ લક્ષ્મી પાર્વતી નામની મહિલા સાથે ૧૯૯૩માં તેમણે લગ્ન કરી લીધા. આ નિર્ણયથી તેમના કુટુંબમાં હાહાકાર મચી ગયો.  લક્ષ્મી પાર્વતી જાહેરમાં એન.ટી.આર.ના આજ્ઞાંકિત પરંપરાગત ભારતીય પત્ની તરીકે વર્તતા પરંતુ પડદા પાછળ પાર્ટીમાં ઘણા નિર્ણય એન.ટી.આર. વતી તેઓ લેતા રહ્યા. જેના કારણે  પાર્ટીમાં એન.ટી.આર.ના બંને જમાઇઓ –દુગ્ગુબાટી અને ચંદ્રાબાબુ નાયડુના  જૂથોમાં સોંપો પડી ગયો. પક્ષમાં બળવાના એંધાણ સર્જાયા. હૃદયની બીમારીની સારવાર માટે જ્યારે મુખ્યમંત્રી એન.ટી.આર લંડન ગયા ત્યારે તેમના પક્ષમાં  બળવો થયો. ૧૫૭ જેટલા ધારાસભ્યોએ ૧૯૯૩માં રાજ્યમાં સત્તા પર આવેલી તેલુગુ દેશમ પાર્ટી’ (T.D.P.)ની   સરકારના નાણામંત્રી ચંદ્રબાબુ નાયડુને પોતાના નેતા પસંદ કર્યા. બીજી તરફ એનટીઆરએ કહ્યું કે “ મેં ચંદ્રબાબુને માત્ર દીકરી આપી છે, પાર્ટી નહીં”  પરંતુ પાર્ટીમાં હવે તેમનું  પ્રભુત્વ ઓસરી રહ્યું હતું અને તેને માપી લેતા મુખ્યમંત્રી એન.ટી.આ.ર.એ  અંતે  ૩૧ ઓગસ્ટ, ૧૯૯૫ના રોજ રાજીનામું આપ્યું. ૧ સપ્ટેમ્બર, ૧૯૯૫ના રોજ ચંદ્રબાબુ નાયડુએ  આંધ્રપ્રદેશના પ્રથમવારના મુખ્યમંત્રી બન્યા અને રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. 

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે