હિમાચલના ભાંગ ગામ અને બિયાસના કાંઠે રખડતાં અચાનક મળેલ બંજારા સ્ત્રીઓ અને વસાહતના નિર્દોષ બાળકોએ લેખિકાના હૃદયમાં અનોખાં સ્મરણો અંકિત કર્યા. આ લેખ પ્રકૃતિના સૌંદર્ય અને ભૌતિક વસ્તુઓની જગાએ સ્મરણોનો ખજાનો એકઠો કરવાની એક યાત્રીની રખડુ તરસનો કાવ્યાત્મક અહેસાસ છે.
સવારે મનાલીથી ચાર-પાંચ કિલોમીટર દૂર રહેલા બહંગ કે ભાંગ ગામ જવા નીકળેલા અમે ભાંગ પહોંચ્યા પછી અગિયારેક વાગ્યા સુધી ભાંગ ગામની village walk લીધી. ભાંગના ઘર-ખોરડાની ભીંતો પરના પરંપરાગત ચિત્રો અને બિયાસ નદીના કિનારેથી પાઈનના વૃક્ષો અને બરફાચ્છાદિત પર્વત શિખરોને મન ભરીને જોયા અને પછી અમે છ સહપ્રવાસીઓ નહેરુ કુંડ, વશિષ્ઠ ગામ, જોગીની જળધોધ અને સોલાંગ વેલીની નજીક રહેલા ભાંગ ગામના મુખ્ય માર્ગે પહોંચવા બિયાસ નદીની સમાંતરે ચાલવા લાગ્યા ત્યારે મારું ધ્યાન બંજારા જેવી બે બહેનો પર પડ્યું ને મને થયું લે, બંજારા જેવી પ્રજા અને તે પણ મનાલી આસપાસ આથી મેં તરત કેમેરા હાથમાં લીધો.
Terrace farming કરતાં સ્થાનિક પહાડિ રાજપૂતો અને બ્રાહ્મણો, વર્ષો પહેલા તિબેટથી સ્થળાંતરીત થઈને હિમાચલમાં વસેલી ખમ્પા બૌધ્ધ પ્રજા, કુલ્લુ શાલ, wood carving, કલા-કારીગરી અને હેન્ડલુમ પર કામ કરતા artisans અને unexplored રહસ્ય જેવા પાર્વતી વેલીના મલાના ગામમાં રહેતી અને Isolated પ્રાચીન પ્રજા માફક જીવતી મલાની tribe વિશે તો મને ખબર હતી પરંતુ અચાનક, out of blue હિમાચલની કુલ્લુ વેલીમાં બંજારા જેવી સ્ત્રીઓનો ભેટો થઈ જશે તે નોહતી ખબર.
સેંથો પૂરીએ ત્યાંથી કપાળ સુધી આવે તેવો માંગ ટીકો પહેરેલી બેમાંની એક હસમુખી બોલકિ બંજારણે મારી સાથે વાતો કરવાનું જ્યારે શરૂ કર્યું ત્યારે તે લીબું પીળી ઓઢણી, ચાંદીના ઘરેણા, ગૂંથેલી હાંસડિ અને લીલા રંગની કંજરી પહેરેલી નમણી સ્ત્રીનો મેં ફોટો પાડ્યો અને કમર પર પીળી બંગડી વાળો હાથ ટેકવીને મને કેમેરા સાથે આશ્ચર્યથી જોતી તેને સંયોજવાનું શરૂ કર્યું. એ સંયોજનને click કરવા સાથે જ તેની ડાબી બાજુ રહેલા ઈલેક્ટ્રીકના થાંભલા પર લીલા અક્ષરે I Love You લખેલું હતું તે પણ મારી કેમેરાની જોળીમાં આવીને પડ્યું.

હજી તેની સાથે વાતો કરું ત્યાં બાંધણીની ઓઢણી માથે ઓઢેલી અને લાલ બંગડીઓ પહેરેલી એક બીજી બંજારણ low cut કંજરી અને કાળા રંગની દોરીઓ ગૂંથેલી હાંસડિમાં મને કંઇક કહેવા મારી સામે આવી અને તેને પણ સંયોજીને હિમાચલ મધ્યે બંજારણની જે લોટરી મળી તેને ન્યાય કર્યો.
મારા એ શરુઆતી અને શીખાવ વર્ષોમાં અચાનક કોઈ આવા ગમતા વિષયો મળી જાય તો હું ઉતાવળી થઈ જતી અને સારો portrait લેવા માટે કેમેરાનું manual મીટર બરાબર ગોઠવીને ફોટા લેવાની બદલે aperture અને speedમાં કોઈ જાતના ફેરફાર વગર ફોટા પાડી લેતી અને એવી સ્થિતિમાં મેં બંને બહેનોને મારી સામે ઊભી રાખીને તે બંનેનો કમર સુધીનો જ ફોટો લીધો જેમાં બંનેના બોલકા-હસમુખા ચહેરાએ મને Smile please કિધા વગર જ સસ્મિત ફોટા આપ્યા અને પછી હું મારી રાહ જોતા મારા સહપ્રવાસીઓ સાથે થઈ જઈ ભાંગ ગામમાં વહેતી બિયાસની સમાંતરે રહેલા રસ્તે ચાલવા લાગી કારણ કે અમારે ભાંગ-મનાલી હાઈ-વે પર પહોંચવું હતું.
મારા આશ્ચર્ય વચ્ચે હાઈ-વે આવે તે પહેલા જ Border roads organisation નામનું હિમાચલના દુર્ગમ માર્ગો અને તે માર્ગો પરના બ્રિજ પર કામ કરતું ભારત સરકારનું એક leading group, BROનું roadનું કામકાજ ચાલુ હતું એટલે મને એક આખી વસાહત મળી ગઈ જેમાં હંગામી ધોરણે ઉભા કરેલા પતરાના ઘરો હતા અને બાપાના ગમ બૂટ પહેરીને છાપરે ચડેલો એક ચીબા નાક વાળો Monogolide પ્રજા જેવો છોકરો મને દૂરથી આવતી જોતો હતો.

હિમાચલની આખી સર્કિટ હોય કે કોઈ પણ રખડું પ્રવાસ હોય ત્યારે પ્રવાસ આદર્યા પછી તો જે આવે તેને જોળીમાં ભરતી મેં છેક છાપરે ચડીને એકલા એકલા પત્તા રમતા છોકરાનો એક ફોટો કશું જ out of focus કર્યા વગર પાડ્યો કારણ કે મને એ છોકરાના ફોટા સાથે છાપરું, પત્તા અને હમણાં જ ગબડી પડશે એવો પથ્થર પણ જોઈતો હતો જે છાપરું ઉડી ન જાય એટલા માટે છાપરા પર મુકેલો હતો.

મને આવી રીતે ફોટો પાડતા જોઈને બિયાસના કાંઠે રહેલી તે વસાહતના અન્ય બે છોકરાવ પણ છાપરા પર ચડેલા છોકરા સુધી પહોંચવા પહેલા ઘરના દરવાજે રહેલા પથ્થર પર ચડિને ઓછી ઉંચાઈવાળા ભાઈબંધને નીચેથી ધક્કો માર્યો ને ઉપર હતો તેણે તેને ખેંચીને ઉપર ચડાવ્યો ત્યારની એ તોફાની ક્ષણોને મેં કચકડે મઢી ત્યારે પણ મેં તે ત્રણ આસપાસનું કશું out of focus કે ઝાંખું ન કર્યું કારણ કે મારે આ ત્રણ બાળકોના ઉત્સાહ સાથે ડામરનો રોડ બનાવતા લોકોની પતરાની વસાહતના ઘરો પણ લેવાતા.

કેસરી રંગના Gum boot પહેરેલા આ ત્રણેયને એક vertical સંયોજને અંકે કરીને તે જ વસાહતના એક આંગણે નજર કરી તો વાંકડિયા વાળ વાળી અને માથું ઓળ્યા વગરની આકાશી ભૂરા વસ્ત્રો પહેરેલી દીકરીઓને ટીન અને સ્ટીલની ડિશમાં ભાત ખાતી જોઈ.ધીમે ધીમે strong થઈ ગયેલા સૂર્યપ્રકાશે ત્રણમાંથી બે દીકરીઓએ મારી સામે જોયું ત્યારે બેમાંની એકે તો મને મીઠું smile આપ્યું અને જેના વાળમાં સૂર્ય કિરણોની glare આવતી હતી તે છોકરી તો મારી નજર ચૂકવતી નીચું જ જોઈ ગઈ હતી.અચાનક લાગેલી લોટરી જેવા એક એક સંયોજનને જોળીમાં વ્યવસ્થિત ગોઠવતા-કારવતા હજી તો એકાદ ઊંડો શ્વાસ લઉં ત્યાં પતરાના ઘરનો એક દરવાજો ખુલ્યો અને તેમાંથી ઢળતી આંખોના features ધરાવતાં એક મા-દીકરી નીકળ્યા.

માએ નાનકુડિ દીકરીને ખભા જોળીમાં બાંધી હતી અને એ દીકરી મને જોઈ રહી હતી.આ ફોટોમાં માની આંખ બંધ આવી એ તો roll ધોવાઇને આવ્યો ત્યારે જ ખબર પડી પરંતુ પછી તો દુઃખી થવાનું કોઈ કારણ નોહતું કારણ કે roll cameraના એ કાળમાં પાડેલા ફોટા કેવા આવ્યા એ તો નેગેટીવ ધોવાઇને prints હાથમાં આવે ત્યારે જ ખબર પડે અને એટલે જ એક-બે ફોટા વધુ પાડિ લેવાનું ડહાપણ કરી લેવાનું હતું પણ એ નોહતુ કર્યું.

બિયાસના કાંઠે રહેલી આ વસાહતમાં બપોરના સમયે નિશાળેથી ઘરે આવીને તરત જ ઘરકામ કરવા બેસી ગયેલી બે મીંઢલી વાળેલી છોકરી પર મારુ ધ્યાન ગયું ત્યારે ખબર નહિ કેમ પણ એકદમ perfect લાગતાં આ સંયોજનમાં extreme Leftમાં બિયાસ નદીના સફેદ પથ્થરો તેની પછી હંગામી ધોરણે ઊભા કરેલા પતરાના ઘરના પ્રવેશદ્વારનો પડદો, તે પડદાને અડીને એકદમ gracefully ભણી રહેલી આકાશી ભૂરા રંગનો ગણવેશ પહેરેલી દીકરી અને આ સમગ્ર સંયોજનને બરાબર balance કરતાં બે વિષયોમાં ડાબી બાજુ પથ્થર પર પડેલો સ્ટીલનો ડબ્બો અને જમણી બાજુ છોકરીની બાજુમાં પડેલો વજન વાળો પથ્થર.

કન્યા કેળવણી અને દીકરી ભણે તો બે પરિવારને ઉજાળેની theme લઈને સ્થિર થયેલા આ સંયોજનને જીલીને અમે સૌ લાકડાના એક ટી સ્ટોલ તરફ વળ્યા ત્યારે ટી સ્ટોલની બહાર ઉભી રહિને એકદમ લિજ્જતથી ચા પીતી એક છોકરી પર સૂર્ય પ્રકાશની એવી જાહોજલાલી જોઈ કે તરત જ્યાં હતી ત્યાંથી એક ફોટુ ખેંચ્યો.

સફેદ અને પીળા રંગનું ફ્રોક પહેરેલી તે દીકરીને હું ફોટા પાડું છું તે ખબર પડ્યા પછી પણ તેણે ચા-બિસ્કિટનો જલસો અકબંધ રાખ્યો અને મેં તેને છાયા-પ્રકાશમાં જીલતા રહેવાનો આનંદ અકબંધ રાખીને તેની વળેલી નાની એવી મુઠ્ઠી, વડીલો પીવે તે રીતે ચાનો કપ પકડવાની રીત, ચાના કપનો તેના ફ્રોક પર પડતો sketchable પડછાયો જીલ્યો ત્યાં ચા પૂરી કરી અને બિસ્કિટ આરોગતા તેણે મારી સામે જોયું અને ત્રીજા અને છેલ્લા ફોટામાં મેં તેને પૂર્ણ સુર્યપ્રકાશે જીલી ત્યાં ઘરના છાપરે ચડી શણના કોથળા પર બેઠેલો એક છોકરો મને જડી ગયો.

થયું એવું કે વૃક્ષાચ્છાદિત પર્વતોનું ગમતું background લઈને હિમાચલનો પેનોરમિક વ્યૂ લેતાં આ નમણા છોકરાનો ફોટો પાડવા તેની સામે લેન્સ ધરું ત્યાંજ તે એટલો શરમાણો કે મેં તેના blushingને જોળીમાં ભર્યું ત્યારે તે હિમાલયની ઉંચાઈને પોતાના હોવામાં સાથે લઈને ઉભો થયો અને મેં ફરી તેને તેની કશુંક વિચારતી મુખમુદ્રા સાથે જીલ્યો ત્યારે એવો અહેસાસ થતો હતો કે જાણે આ બધા બાળકો મારા સ્મરણોનું સોનું છે.

હવે મનાલીથી માત્ર ચાર-પાંચ કિલોમીટરના અંતરે રહેલ ભાંગ આસપાસના વિસ્તારમાં અને બરફાચ્છાદિત પર્વતો અને ચીડના વૃક્ષો આસપાસ ધુમ્મસ વધ્યું હતું અને અમારી પણ હિમાચલમાં આ છેલ્લી સાંજ હતી એટલે અમે પણ રોહતાંગ, કેલોન્ગ, ઉદેપુર અને ઉદેપુરથી વળતી યાત્રામાં મનાલીના આવા ભાંગ અને જગતસુખ જેવા નાના ગામોના excursions, ત્રિલોકીનાથનો trek અને પંદર દિવસની આખી હિમાલયન સર્કિટ દરમિયાનના સ્મરણો વાગોળતા વાગોળતા જો કોઈ વાહન મળે તો બેસી જશું એમ વિચારતા ચાલવા માંડ્યા.

એવું ચાલવામાં વાહન પહેલા પાઈનનું એક દળદાર વૃક્ષ મળી આવ્યું અને portraitના શોખીન મોટાભાઈ, સુભાષે મારા એક-બે portraits લીધા ત્યારે મારી બહેનપણી સોનલ મણિયારે જાતે ભરેલા ભરતકામ વાળી તેણે મને ગિફ્ટ કરેલી આકાશી ભૂરી કુર્તી મેં પહેરેલી હતી જેની યાદને પણ સાથે લઈને અમે સૌ એકબીજાના ફોટા પાડતા મનાલી પહોંચ્યા.
મનાલી પહોંચ્યા એ જ રાત્રે અમારે મનાલીથી ચંદિગઢની over night જર્ની કરીને બીજે દિવસે પશ્ચિમ એક્સ્પ્રેસમાં ચંદિગઢથી વડોદરા પહોંચવાનું થતું હતું એટલે સૌથી પહેલા સામાન પેક કર્યો પછી જમ્યા અને રાત્રે દસ-અગિયાર આસપાસ હિમાચલથી પંજાબની મુસાફરી શરૂ કરી ત્યારે મનોમન ઋષિતુલ્ય હીમાલય, તેમાં વહેતી બિયાસ, ચંદ્રા અને ચંદ્રભાગા-ચિનાબ જેવી નદીઓ, ચીડ-દેવદારના જંગલો, ત્રિલોકિનાથ અને સંધ્યા ગાયત્રી જેવા સદીઓ પ્રાચીન મંદિરો, વૃક્ષાચ્છાદિત-બરફાચ્છાદિત પર્વતો અને પર્વત શિખરોને સહસ્ત્ર વંદન કરી સુભાષને પણ વંદન કર્યા કારણ કે સુભાષે જો હિમાલય explore કરવાની ચાહ ન જગાડિ હોત તો આ બધું શક્ય નોહતું.
ચીડના જંગલોમાં સુભાષ સાથે ગમતી વૉક અને સહપ્રવાસીઓ સાથે ચા-કોફી, પકોડાની નાની અમથી જલસી સાથે હિમાલયન વરસાદને માણવા જેવું સુખ ઈચ્છતા આપણી સૌ જેવા પ્રવાસીઓને એટલે જ અંગ્રેજી લેખક, નિબંધકાર કવિ અને ખબરપત્રી Geralad Gouldનું કાવ્ય Wander-Thirst પ્રિય છે જેની શરુઆતની પંકતિઓ માંજ તે લખે છે,
Beyond the east the sunrise, beyond the west the sea, and
East and west the wander-thirst that will not let me be;
આમ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે પથરાયેલી આપણી રખડવાની તરસ આપણને એક ઠેકાણે ક્યાં સ્થિર થવા દે છે અને એ અસ્થિરતા જ રખડું પ્રવાસીઓનું પોત છે જેને બરકરાર રાખીને જીવવાની મજા છે; જીવવાનો આનંદ છે અને છે જીવનનમાં વસ્તુઓની બદલે સ્મરણો એકઠા કરવાની ચાહ........
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.