પેરિયાર ઈરોડ વેંકટ રામાસ્વામી નાયકર: વ્યાપારીથી લઈને દક્ષિણ ભારતના રાજકારણના દિગ્ગજ સુધીની સફર
૧૯૧૫માં બ્રિટિશ ભારતના ‘મદ્રાસ પ્રેસિડેન્સી’ના ‘ઇરોડ’ નામના નગરમાં ‘પ્લેગ’ નામે રોગ ફેલાયો. એ સમયે તે મહામારીએ એ વિસ્તારમાં તબાહી સર્જી મૂકી. ત્યારે તે નગરના એક યુવા વ્યાપારીએ પોતાની તિજોરી આ રોગના પીડિતોની સેવા માટે ખુલ્લી મૂકી દીધી. પિતાના અવસાન બાદ ધંધામાંથી જે કઇ સંચિત કરેલું તે તમામ તે યુવા વ્યાપારીએ સેવામાં લગાવી દીધું. નિ:સ્વાર્થભાવે થયેલી આ સેવાનું વળતર લોકોએ- સમાજે તે યુવાનને આપવામાં વાર ન લગાવી. એ યુવાનને ઈરોડ નગરપાલિકા સહિત તાલુકા- જિલ્લાના બોર્ડમાં પોતાના પ્રતિનિધિ તરીકે મોકલી આપ્યો. આ યુવાને જાહેર જીવનમાં આ રીતે ડગલા માંડ્યા. આગળ જતા આ પગદંડી એક રાજમાર્ગ બની અને તેની ઉપર આજે તમિલનાડુ રાજ્યમાં મોટાભાગના રાજનૈતિક પક્ષોની વિચારધારાઓની ગાડીઓ પૂરપાટ ઝડપે દોડી રહી છે.
આ યુવાન એટલે રાઘવ ઇરોડ વેંકટ રામાસ્વામી નાયકર- જેને સૌ સન્માનથી ‘પેરિયાર’ તરીકે ઓળખે છે. મૂળ તેમનો પરિવાર કન્નડભાષી હતો. તેઓનું કુટુંબ ગાયો- ભેંસો ચરાવવા વાળી –પશુપાલન સાથે સંકળાયેલ ‘ગડરીયા’ જાતિમાંથી આવતું. જેને આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરલ જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાં ‘બાલિજ’ જાતિ તરીકે ઓળખવામાં આવે છે.
માત્ર ૧૧ વર્ષ સુધી ભણતર મેળવી અને ‘પેરિયાર’ અંતે પિતાના વ્યાપારમાં જોડાઈ ગયા. પિતાની દુકાનમાં તેઓ પાર્સલ માટે જે થેલા તૈયાર કરાતા તેની ઉપર નામ- સરનામા લખવાનું કામ કરતાં હતા પરંતુ તેમની કિસ્મતમાં કંઈક ‘મોટું’ કરવાનું લખાયેલું હતું. તેમણે ‘દુકાન’ નહીં ‘જાહેરજીવન’ સંભાળવાનું હતું. આગળ જતાં તેઓ ઇરોડ નગરપાલિકાના કાઉન્સિલર તરીકે ચૂંટાયા. તેની સાથે-સાથે તેઓ ઘણા વ્યાપારી સંઘો-મંડળોના સભ્ય અને હોદ્દેદાર પણ રહ્યા હતા.
‘પેરિયાર’ જ્યારે ઈરોડ નગરપાલિકાના અધ્યક્ષ બન્યા ત્યારે તેમણે નગરમાં ઘણા સુધારા હાથ ધર્યા.નગરની બાજુમાંથી નીકળતી કાવેરી નદીમાંથી શહેરને પીવાનું શુધ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી. નગરની સાફ- સફાઈ હોય હોય કે ધાર્મિકસ્થાનોના હિસાબો રાખવા હોય તેવા કાર્યો તેમણે કરાવ્યા. તેમણે પોતાને વારસામાં મળેલા અસ્તવ્યસ્ત અને ગંદા ઈરોડ શહેરને ચમકાવી દીધું. આ ‘ચળકાટ’ પર ધ્યાન ગયું પડોશી સેલમ નગરપાલિકાના ચેરમેનનું. આ ચેરમેન એટલે કોંગ્રેસના દિગ્ગજ એવા નેતા સી. રાજગોપાલાચારી.
‘પેરિયાર’ પોતાની સભામાં લોકોને મંત્રમુગ્ધ કરી શકતા. તમિલ, કન્નડ, મલયાલી જેવી ભાષામાં ભાષણ કરી શ્રોતાઓને બાંધી રાખતા. સી. રાજગોપાલાચારી ‘પેરિયાર’ની વહીવટી કુનેહ અને સંગઠન શક્તિથી વાકેફ હતાં.આથી તેમણે પક્ષના ભવિષ્ય તરીકે ‘પેરિયાર’ને નિહાળ્યા. સી. રાજગોપાલાચારીએ ‘પેરિયાર’ને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સામેલ થવા મનાવ્યા. કોંગ્રેસમાં રહી માત્ર સ્વતંત્રતા માટે જ નહીં, સામાજિક ન્યાય માટેની લડાઈ પણ તેઓ લડી શકશે તેમ જણાવી તેમણે ૧૯૧૯ના આખરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષમાં જોડાવા માટે ‘પેરિયાર’ને મનાવી લીધા.
ત્યારબાદ ‘પેરિયાર’ કોંગ્રેસ પક્ષ તથા ગાંધીજી એ બતાવેલા માર્ગે સક્રિય થયા. તેમણે ૧૯૨૧માં ઇરોડ નગરમાં શરાબંધી આંદોલન કર્યું અને જેમાં તેઓ એક મહિનો જેટલો સમય જેલમાં રહ્યા તેમણે ખાદીનો પ્રચાર કર્યો. તેઓ જ્યારે તમિલનાડુ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષપદ પર હતા ત્યારે નીચી જાતિના લોકોને ‘ત્રાવણકોર’ સ્ટેટના વૈકોમ ગામના મંદિરની આજુબાજુના રસ્તાઓ પર ચાલવા ન દેવા અંગેના અન્યાયી નિર્ણય સામે તેઓ ‘વૈકોમ સત્યાગ્રહ’માં જોડાયા અને સફળતાપૂર્વક સત્યાગ્રહની લડત ચાલતાં તેમનું નામ ઘરે ઘરે જાણીતું થઇ ગયું.
બીજી તરફ એક બનાવ એવો બન્યો કે ‘પેરિયાર’નો કોંગ્રેસમાંથી મોહભંગ થઈ ગયો. તમિલનાડુના તિરુનેલવેલી જિલ્લાના શેરમાદેવી નામના સ્થળે તમિલનાડુ કોંગ્રેસની મદદથી ચાલતા નિવાસી ગુરુકુળ (છાત્રાલય)માં ઘણી બાબતોમાં બ્રાહ્મણ- બિન બ્રાહ્મણ વિદ્યાર્થીઓ વચ્ચે મતભેદ રાખવામાં આવતો હતો. ‘પેરિયાર’ આ શાળાના સચિવ બનતા જ તેમણે આ બાબતે વાંધો ઊઠાવ્યો. આ વિવાદમાં ગાંધીજીએ એક સમાધાન સૂચવ્યું હતું પણ તેનો અમલ થયો નહીં. ‘પેરિયાર’ને એ પછી પણ પક્ષમાં અને આજુબાજુમાં સતત જાતિભેદના કડવા અનુભવ થતા રહ્યા. અંતે ૧૯૨૫માં તેમણે કોંગ્રેસ પાર્ટી છોડી દીધી. ત્યારબાદ તેમને અને તેમના વિચારોને કોઇ રોકી શકે તેમ ન હતું. આગળ જતાં ‘પેરિયાર’એ સામાજિક સુધારાઓ માટે ઘણા આંદોલનો કર્યા અને રાજનીતિ પક્ષ –તેમની વિચારધારાઓને આકાર આપ્યો.જેની અસર આજે પણ દક્ષિણ ભારતમાં વર્તાય છે.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે