Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

ધનબાદના કોલસા અંડરવર્લ્ડમાં 'વ્હાઇટ હાઉસ'ના બી.પી. સિંહાના પતન બાદ સૂર્યદેવ સિંહે બાહુબળ, મજૂર સંગઠન અને રાજકીય વગથી 'સિંહ મેન્શન'નું સામ્રાજ્ય ઊભું કર્યું. હત્યાઓ, ખાનદાની વેરઝેર અને સત્તા સંઘર્ષથી ભરેલી આ સત્યઘટના જ આગળ જતાં ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર' બની.

૯ માર્ચ, ૧૯૭૮.
 સ્થળ: તે સમયનું બિહાર આજનું ઝારખંડ.
 જગ્યા: ધનબાદ.


 તે ઇમારતનું નામ હતું વ્હાઇટ હાઉસ. ઘણા વર્ષોથી આ ઈમારત ધનબાદ- ઝરીયા કોલસા ખાણો પર રાજ કરતું ‘પાવર હાઉસ’ બની ગઇ હતી. આજે આ નિવાસમાં તેના શક્તિશાળી નેતા- માલિક બી.પી. સિન્હાની હત્યા થઈ.એક યુગ જાણે આથમતો હતો.તપાસમાં આ હત્યા પાછળ નામ આવ્યું- સૂર્યદેવ સિંહ. 



     દેશ આઝાદ થયો. કોલસો દેશના  પરિવહન,  ઉર્જા તથા ઉદ્યોગો માટે પાયાની જરૂરિયાત બની ગયો હતો. તેને ધ્યાને લઈને વર્ષ ૧૯૫૬માં કેન્દ્ર સરકારે દેશની અલગ અલગ જગ્યાએ આવેલી ૧૧ કોલસાની ખાણોને ભેગી કરીને નેશનલ કોલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એન.સી.ડી.સી.) નામે એક સંસ્થાની સ્થાપના કરી. જેની મુખ્ય કચેરી રાંચી(આજના ઝારખંડ રાજ્યનું પાટનગર)  ખાતે રાખવામાં આવી. આઝાદી બાદ કોલસાની ખાણોવાળા આ  ક્ષેત્રોમાં ધીમેધીમે શ્રમિક સંગઠનો મજબૂત થવા લાગ્યા.સાથોસાથ  ‘કોલ માફિયાઓ’ એ પણ માથુ ઉચકવાનું શરૂ કર્યું.જેમાના એક હતા બી.પી.સિંહા.  બિંદેશ્વરી પ્રસાદ સિંહા ૧૯૫૦ની આસપાસ બરૌની(બિહાર) કામની તલાશમાં ધનબાદ- ઝરીયા કોલસા ક્ષેત્રમાં આવેલા. તેઓ કોંગ્રેસના મજૂર સંઘ ’ઇન્ટુક’ (ઇન્ડીયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસ) માં જોડાયા. ધીમે ધીમે કોલસાની ખાણોના માલિકો વચ્ચે બી.પી. સિંહાનું નામ ચર્ચાવા લાગ્યું. થોડા વર્ષોમાં તેઓ ત્યાંના ટ્રેડ યુનિયનના શક્તિશાળી નેતા બની ગયા. તેમણે ડર અને ત્રાસ ફેલાવવા પહેલવાન યુવાનોની ટુકડી બનાવી.તેના જોરે તેઓએ કોલસાના મજૂરોને ધમકાવવા- ડરાવવાનુ શરૂ કર્યુ.  આગળ જતા ગેરકાયદે ભંગારનો ધંધો અને હપ્તા વસૂલી કરવાની શરૂઆત કરવામાં આવી. તેમનો બંગલો ‘વ્હાઇટ હાઉસ’ એ તે વિસ્તારની સત્તાનું કેન્દ્ર હતું. 



 ૧૯૬૦માં બલિયા,ઉત્તરપ્રદેશથી એક યુવાન સૂર્યદેવ સિંહ  ઝરિયા –ધનબાદના ક્ષેત્રમાં આવ્યો. શરૂઆતમાં તેણે ખાણમાં ‘લોડર’ તરીકે કામ કર્યુ પણ તેની મહત્વકાંક્ષાને લીધે તે બી.પી.સિંહાની પહેલવાનોની ટૂકડીમાં જોડાયો. એ પછી તેણે પોતાના ભાઈઓને પણ વતનમાંથી ધનબાદ બોલાવી લીધા. તે ઘણી જ  રાજકીય મહત્વકાંક્ષા ધરાવતો હતો. સૂર્યદેવ સિંહ એ બી.પી. સિંહાના જેવુ જ એક મજૂર સંગઠન ‘જનતા મજદૂર સંઘ’ ઊભું કરી તેમને સ્પર્ધા પર શરૂ કર્યું. સૂર્યદેવ સિંહનું જમાપાસુ એ હતું કે તેઓ બલિયાના હતા. બલિયાના જ એક બીજા નેતા ચંદ્રશેખરનો ત્યારે રાજનીતિમાં સૂર્ય મધ્યાને તપતો હતો. તે સમયે ઇન્દીરા ગાંધી સરકારને હરાવીને સત્તા પર આવેલી  ‘જનતા પાર્ટી’ના તેઓ ‘માનનીય અધ્યક્ષજી’  હતા. તેમના લીધે  સૂર્યદેવ સિંહની રાજકીય મહત્વકાંક્ષા ફળી. સૂર્યદેવ સિંહને ઝરિયા મતવિસ્તારની ટિકિટ આપવામાં આવી અને તેઓ ચૂંટણી જીતીને પ્રથમવાર ધારાસભ્ય બન્યા. હવે ‘વ્હાઇટ હાઉસ’ની સામે ‘સિંહ મેન્શન’ પણ પાવર સેન્ટર બની રહ્યું હતું.મીડીયાના અહેવાલો મુજબ ૧૯૭૫માં સૂર્યદેવ સિંહ પાસે પચાસ કરોડ જેટલી સંપત્તિ હતી.



 હવે સૂર્યદેવ સિંહ બી.પી.સિંહાએ કરી તેવી કોઇ ભૂલ કરે તેમ ન હતા. તેમણે કોઇ પ્રતિસ્પર્ધીને ટકવા ન દીધા. સકલદેવસિંહ નામના વ્યક્તિએ જ્યારે ‘બિહાર જનતા ખાણ મજદૂર સંઘ’ નામે એક નવું સંગઠન  શરૂ કર્યું. જેને વધતી ધાકને જોઈને સૂર્યદેવ સિંહએ  ૧૯૮૩માં તે નેતાની  હત્યા કરાવી તેવા આરોપ તેમની પર થયા.  જનતા દળના એક  નેતા રાજુ યાદવની મુગલસરાય સ્ટેશન ઉપર હત્યા કરાવવાના મામલામાં તે સમયે બિહારના મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવએ  ‘સિંહ મેન્શન’  ઉપર રેડ પડાવી હતી. સૂર્યદેવ સિંહ ૧૯૭૭થી ૧૯૯૧ સુધી ઝરિયાના ધારાસભ્ય રહ્યા હતા.



     જ્યારે તેમના હમવતની- મિત્ર એવા ચંદ્રશેખર ૧૯૯૦માં દેશના વડાપ્રધાન બન્યાત્યારે તેઓ ખાસ સૂર્યદેવ સિંહને મળવા તેમના નિવાસસ્થાન  ‘સિંહ મેન્શન’  આવ્યા હતાં.તેમણે  સૂર્યદેવ સિંહને ‘ઉત્તમ ટ્રેડ યુનિયન લીડર’ ગણાવ્યા હતા.ચંદ્રશેખરની સૂર્યદેવ સિંહ સાથેની આ દોસ્તી રાજકીય વર્તુળોમાં ખાસ્સી એવી ટીકાને પાત્ર  થતી હતી. લોકસભાની ચૂંટણી દરમિયાન ૧૫ જૂન, ૧૯૯૧ના રોજ હાર્ટએટેકથી સૂર્યદેવ સિંહનું અવસાન થયું.સૂર્યદેવ સિંહના ગયા બાદ પણ આ પરિવારનો રાજકીય દબદબો કાયમ રહ્યો. સૂર્યદેવ સિંહના ભાઇ બચ્ચા સિંહ ઝારખંડની બાબુલાલ મરાંડી સરકારમાં શહેરી વિકાસ મંત્રી બન્યા હતા. સૂર્યદેવ સિંહનો પુત્ર સંજીવ સિંહ  ૨૦૧૪માં ભા.જ.પ.ની ટિકિટ ઉપરથી ધારાસભ્ય  બન્યો.



     આ કથાનકનું  આકર્ષણ થયું ફિલ્મ નિર્દેશક,અભિનેતા, લેખક અનુરાગ કશ્યપને. જેમણે વર્ષ ૨૦૧૨માં આ તમામ પાત્રો અને આ ‘ ખાણીયા અંડરવર્લ્ડ’ ના બેકગ્રાઉન્ડવાળી ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ બે ભાગમાં બનાવી. જેમાં આવતું રામાધીર સિંહનું પાત્ર સૂર્યદેવ સિંહના ભાઇ રામાધીર સિંહ પરથી જ પ્રેરિત હતું તેમ કહેવાય છે. સૂર્યદેવ સિંહના પુત્ર-પત્નિ અને તેમના ભાઈઓ- તેમના પુત્રો વચ્ચે ખાનદાની વેરઝેર  ચાલતું રહ્યું છે. હત્યાઓના આરોપસર તેમાંથી કોઈને કોઈ જેલમાં જતું રહ્યું છે. આ તમામ પરિવારજનો એક અથવા બીજી રાજકીય પાર્ટીઓની સભ્યતા લઈ પોતાનું રાજકારણ જીવંત  રાખતા આવ્યા છે.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે