લોકશાહીમાં એક મત કેટલો કિંમતી છે, તે રાજસ્થાનની ૨૦૦૮ની વિધાનસભા ચૂંટણીના કિસ્સા પરથી સમજાય છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મુખ્યમંત્રી પદના પ્રબળ દાવેદાર સી.પી. જોશી તેમની પરંપરાગત નાથદ્વારા બેઠક પરથી માત્ર એક જ મતથી હાર્યા અને સીએમ બનવાની તક કાયમ માટે ચૂકી ગયા.
લોકશાહીમાં એક- એક મતની કિંમત હોય છે. એક મતથી વિજય-પરાજય નક્કી થતા હોય છે. ૧૯૯૯માં કેન્દ્રમાં અટલ બિહારી વાજપાઈના નેતૃત્વવાળી સરકાર માત્ર એક મતથી હારી હતી. આવો જ એક મતનો કિસ્સો રસપ્રદ છે. ચાલો જઈએ રાજસ્થાન.
રાજસ્થાનમાં ૨૦૦૮માં રાજ્યની વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી હતી. ભારતીય જનતા પાર્ટીની વસુંધરા રાજે સરકાર એન્ટી-ઇન્કબન્સી સામે લડી રહી હતી. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસ અને સાથીદળૉનું ગઠબંધન- યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુ.પી.એ.) સત્તામાં હતું. મુખ્યમંત્રી વસુંધરા રાજેની સામે મુખ્ય પ્રતિદ્વંદી હતા- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અશોક ગેહલોત. જેઓની મુખ્યમંત્રી તરીકેની ૧૯૯૮ થી ૨૦૦૩ની પ્રથમ મુદ્દત ઘણી સારી હતી અને ૨૦૦૩માં તેમની સરકારની હારથી અપસેટ સર્જાયો હતો.
રાજનીતિમાં કહેવાય છે કે પાર્ટીના બહારના રાજકારણ કરતા પાર્ટીનું અંદરનું રાજકારણ ઘાતક હોય છે. આ રાજકારણ નેતાનું અસ્તિત્વ મીટાવી નાખતું હોય છે. ૨૦૦૮ના આ દૌરમાં કોંગ્રેસ પાર્ટીમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પ્રતિસ્પર્ધી હતા-સી.પી.જોશી.આમ તો સી.પી. જોશી પાર્ટીમાં ૧૯૮૦થી જ સક્રીય હતા પરંતુ તેમને પાર્ટીમાં મોટી તક મળતી ન હતી. અંતે રાહુલ ગાંધીની નજર તેમના પર પડી અને તેમના નસીબના દરવાજા ઉઘડ્યા. સી. પી. જોશીને હાઇકમાન્ડએ રાજસ્થાન કોંગ્રેસના પ્રમુખ બનાવ્યા. તેઓ આ પદ પર ૨૦૦૩ થી ૨૦૦૫ સુધી રહ્યા હતા. તેમની શૈક્ષણિક કારકીર્દી ઉજ્જવળ રહી હતી. તેઓ એમ.એસ.સી.( ફિઝિક્સ), એમ.એ. (સાયકોલોજી) અને ૧૯૯૪માં પી.એચ.ડી. (મનોવિજ્ઞાન) અને એલ.એલ.બી.ની ઉપાધિ મેળવી હતી. તેઓ એક સમયે ઉદયપુરની મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે કાર્યરત હતા. અશોક ગેહલોતની સરખામણી કરીએ તો સી.પી.જોશી તેમના કરતાં સારા વક્તા ગણાતા. સીપી જોશીનું અંગ્રેજી પણ સારું એવું પ્રભુત્વ હતું. વિવિધ પ્રકારના ‘ડેટા’નો વૈજ્ઞાનિક ઢબે ચૂંટણી પ્રચારમાં ઉપયોગ કરવાની શૈલી રાહુલ ગાંધીને વધુ અપીલ કરી ગઇ હતી.
૨૦૦૮માં રાજ્યમાં ઉદ્યોગપતિ એવા લલિત મોદીનો રાજસ્થાન સરકારમાં વધારે દબદબો હતો. સરકારના વહીવટમાં તેમના હસ્તક્ષેપને કારણે લલિત મોદી નામચીન થઈ ગયા હતા. તે સમયે ઘણા લોકો તેમને ‘સુપર ચીફ મિનિસ્ટર’ ગણતા. તે સમય રાજસ્થાનનો આર્થિક વિકાસ ૯% જેટલો હતો અને આર્થિક મજબૂતી હોવા છતાં વસુંધરા રાજે સરકારને ‘ભ્રષ્ટાચાર’ના આરોપ હેઠળ સત્તા ગુમાવવી પડી.૨૦૦ બેઠકોવાળી રાજસ્થાન વિધાનસભામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભાગે ૯૬ બેઠકો આવી. ‘ગઢ આલા પણ સિંહ ગેલા’ કહેવત મુજબ ભૂતપૂર્વ પાર્ટી પ્રમુખ સી. પી. જોશી કે જેઓ મુખ્યમંત્રી પદના દાવેદાર હતા તેઓની પોતાની જ મજબૂત ગણાતી બેઠક પર હાર થઇ.
તેઓ સૌ પ્રથમવાર ૧૯૮૦માં નાથદ્વારા બેઠક જીતી અને ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ ૧૯૮૫, ૧૯૯૮ અને ૨૦૦૩માં આ બેઠક જીતી ચૂક્યા હતા. હવે ૨૦૦૮માં તેઓ પોતાની પરંપરાગત બેઠક ઉપરથી હાર્યા. કેટલા મતથી? માત્ર એક !. ભારતીય જનતા પાર્ટીના કલ્યાણસિંહ ચૌહાણ એક મતથી વિજેતા બન્યા જેમને ૬૨,૨૧૬ મતો મળ્યા.સી.પી.જોશી કરતા એક મત વધુ.અહેવાલો મુજબ સી. પી. જોશીના પરિવારમાંથી તે દિવસે તેમના પત્ની- પુત્રી મતદાન કરી શક્યા ન હતા. જે પણ હોય પરંતુ આ બધો નસીબનો ખેલ હતો.બીજી તરફ અશોક ગેહલોત બીજીવાર રાજસ્થાનના મુખ્યમંત્રી બની ગયા. હજુ નસીબનો ખેલ બાકી હતો.
સી.પી.જોશીએ પોતાની એક વોટની હારને હાઇકોર્ટમાં પડકારી. તેમના દ્વારા ૧૬ જાન્યુઆરી,૨૦૦૯ના દાખલ થયેલી ઇલેક્શન પીટીશન ઉપર રજસ્થાન હાઇકોર્ટએ ૨૦૧૨માં ચુકાદો આપ્યો અને તે સમયે ચૂંટણીમાં મતદાન વખતે બે ટેન્ડર વોટને અપાયેલ મંજૂરી તથા વિજેતા ઉમેદવારના પત્નીએ બે જગ્યાએ પોતાનું નામ ચાલતું હોઇ બે વાર મતદાન કરેલું છે તેમ સાબિત થતાં કોર્ટે આ ચૂંટણી રદ કરી પણ સી.પી.જોશીને વિજેતા ન હતા જાહેર કર્યા.ન્યાય થવા છતાં સી.પી. જોશી જે તે સમયે મુખ્યમંત્રી થવાની તક તો ચૂકી જ ગયા.
વિધાનસભાની ચૂંટણીમાં હારવાથી રાજ્યમાં તેમના રાજકીય અસ્તિત્વને હાનિ પહોંચી. પાર્ટીએ તેમના રાજકીય કદ અને મહત્વને નજરમાં રાખીને વર્ષ ૨૦૦૯ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં તેમને ભીલવાડા બેઠક પરથી ટિકિટ આપી. ત્યાંથી તેઓ ચૂંટણી લડી અને સાંસદ બન્યા. ત્યારબાદ મનમોહનસિંહ સરકારમાં તેઓ ગ્રામવિકાસ, પંચાયતીરાજ, માર્ગો, વાહનવ્યવહાર, હાઇવેઝ અને રેલવે જેવા મહત્વના ખાતાના કેન્દ્રીય મંત્રી તરીકે રહ્યા. ૨૦૧૯માં તેઓને રાજસ્થાન વિધાનસભાના અધ્યક્ષપદે પણ પસંદ કરવામાં આવ્યા હતા પરંતુ ૨૦૦૮માં તેઓ એક મતથી માત્ર ધારાસભ્ય પદ જ નહી પણ મુખ્યમંત્રીના પદથી પણ વંચિત રહ્યા.જે તક તેમને ફરી કયારેય મળી નહી.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે