Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

૧૯૯૯ની સાલમાં લેખકે મિત્રો અને પરિવાર સાથે કેલોન્ગથી ઉદેપુર ટાઉનની હિમાલયી બસ યાત્રા કરી હતી. પ્રકૃતિ, ચંદ્રભાગા નદી, સ્થાનિક લાહૌલી સંસ્કૃતિ અને ભયાનક ભૂસ્ખલન વચ્ચે કેમેરામાં કંડારેલી આ ક્ષણોએ તેમના જીવનને સદાકાળ માટે એક મુસાફર બનાવી દીધું.

૧૯૯૯ના મે મહિનાના બીજા સપ્તાહે જયારે, કદાચ,  અટલ ટનલના  સ્વપ્નનું પણ અસ્તિત્વ નોહતું ત્યારે લીલીછમ કુલ્લુવેલી, બરફાચ્છાદિત પીર પંજાલ પર્વતમાળા અને કુલ્લુ અને કાંગરા વેલીમાં કુલ ૪૭૦ કિલોમિટરની પર્વતીય યાત્રા કરતી બિયાસને છોડીને લાહૌલ વેલીના કેલોન્ગ સુધી પહોંચેલા પ્રવાસીઓમાં સુભાષ તેના B. E Mechanical Engineeringમાં અભ્યાસ કરતા વિધાર્થી ભાવેશ (વીસાણી) સાથે ક્યારેક રોહતાંગના બરફાચ્છાદિત પર્વતો વચ્ચેની  કોઈ શીલા પર ગુરુ–શિષ્ય પરંપરાની પરમ મૈત્રીના મૈત્રીપૂર્ણ સંવાદોમાં ઓતપ્રોત થતો બેસી રહેતો તો ભાવનગરના Dell Laptopના Aothorised dealer અને અમારા family friend પ્રકૃતિપ્રેમી કાર્તિકેય રાવળ ક્યારેક બિયાસ તો ક્યારેક ચંદ્રભાગાના વહેતા જળનું આચમન લેતાં તેમને ગમતી શીલા પર બેસીને કુલ્લુ કે લાહૌલ વેલીની સુંદરતામાં ઓતપ્રોત થઈને businessની ભીડને નિરાંતની હળવી ક્ષણોમાં અદ્રશ્ય કરી દેતા.



    આમ નિરવ શાંતિની ક્ષણોને જ ગુંજે ભરવા આવેલી આવી ગમતી કંપનીમાં મેં મારા મોટાભાઈ, સુભાષ અને અન્ય ચાર ભાઈઓ સાથે આદરેલી કુલ્લુ અને લાહૌલ વેલીની ટ્રાવેલ સર્કિટના આ પ્રવાસમાં અમે બે દિવસથી પશ્વિમ હિમાલયના મનાલી–લેહ હાઈ-વે પરના key stop ગણાતા કેલોન્ગમાં હતા.



    એક સવારે કેલોન્ગમાં સ્થિત તાયુલ બૌદ્ધ મઠની મુલાકાત લેવા બે કિલોમિટરની uphill hike કરીને સતરમી સદીમાં બંધાયેલા તાયુલ મઠને નિરાંતે explore કર્યાની સાંજે કેલોન્ગમાં વહેતી ભાગા નદીના ઘૂઘવતા કીનારે બેઠા અને હજી ભાગાના કિનારાનો એટલો મોહ હતો કે ફરી બીજી સવારે પણ નદી તરફ ચાલવાનું શરૂ કર્યું. 



     આજથી સત્યાવીસ વર્ષો પહેલા માંડ માંડ પાંચસો-હજારની વસ્તી ધરાવતા અને ભોટિયા અને પટ્ટની જેવા terrace farming કરતાં ખેડૂતો અને પશુપાલકોની  Tribal વસ્તી ધરાવતાં લાહૌલ વેલીના, જગતથી જુદા ભાસતાં, Isolated ગામની હિમાલયન morning વૉક મારા ત્રગડો ઘૂટતા ઓછા અનુભવી અને amature કેમેરાને લાહૌલના ખડકાળ દ્રશ્યોફલકોના દરિયામાં ડૂબાડતી હતી અને તેવી ક્ષણે મેં ઉઘડતી સવારના આકાશી કેનવાસ પર પર્વતો પર પથરાતી ધૂપછાવ કે છાયા-પ્રકાશનું એક દ્રશ્ય જોયું અને મારા Roll Cameraનું મીટર ગોઠવ્યું .



    પૂર્વ દિશાએથી પ્રકાશ પાથરતી સવાર હજી મારી સામે રહેલા બે પર્વતોના slope સુધી પહોંચી નહોતી પરંતુ એ સિવાયના તેની પાછળ રહેલા અને overlappingની હુંફમાં એકબીજાના ટેકે રહેલા બાકિના પર્વતો ધુમ્મસિયા સવારના દુધિયા અજવાળામાં સ્નાન કરતાં એવા ઉભા હતા કે કોઈપણ વ્યક્તિ તે પર્વતોની હાજરી પૂરી તેને ઈશ્વરના વર્ગખંડમાં ભણાવી શકે.



    મારા શિક્ષક જીવે સવારે સવારે આવું soothing સંયોજન અંકે કર્યું અને અમે આસપાસના terraced fields વચ્ચે વહેતી અને glacierના ઓગળવાથી વહેતી રહેતી ભાગા નદીના કિનારે પહોંચ્યા. ૧૬,૦૦૦ ફુટની ઊંચાઈએ રહેલા બરાલાચા લા પાસ નજીકના સુરજતાલ નામના High-altitude સરોવરથી નીકળી સાઈઠ કિલોમીટરની  યાત્રા કરતી ભાગા અમારી સમક્ષ તે જે જે સાંકડા-ખડકાળ માર્ગે કે સુક્કિભઠ્ઠ ભેખડોને મળીને આવી હતી તેની વાતો કહેતી વહેતી હતી અને અમે તેને કાંઠે રહેલી શીલાઓ પર બેઠા બેઠા તેની વહેતી વાર્તાના ખળખળ વહેતા લયને સાંભળતાં હતાં.



      આવી લયબધ્ધ સવારના લયમાં ઉમેરો કરવા મારી સામેની શીલા પર એક બ્લેક એન્ડ વ્હાઈટ પંખીડું પ્રગટ થયું અને સ્ફટિક જેવા ઉજળા જળે વહેતી ભાગાનાં ભીના અવાજમાં વારેવારે પૂછડી ઊંચી-નીચી કરતાં આ white wagtail નામના તે પંખીડાને મેં કેમેરાની રખડું જોળીમાં જીલ્યું ત્યારે ભાવનગરની મારી નિશાળ, શ્રી બી. એમ. કોમર્સ હાઈસ્કુલમાં દિવાળીના વેકેશન પછી જોવા મળતાં આ યાયાવર પંખી એવા દિવાળી ઘોડાને હું વતનના સંદેશ માફક જોઈ રહી.



    ચિનાબની ઉપનદી એવી ભાગાના કિનારે રહેલી શીલાઓ પર થોડા થોડા અંતરે આવતાં પંખીઓ સિવાય તો અમે ભાગાના જળમાં પગ પખાળતા કેલોન્ગના પર્વતોને જોતા બેઠા રહ્યા અને આવી નિરાંત પછી આવ્યાં હતાં એ જ માર્ગે હોટલ ચંદ્રભાગા તરફ ચાલ્યા ત્યારે મારી નજર કેલોન્ગના એક ઘરની બારી પર પડી જ્યાં એક લાહૌલી દીકરો ઉભો હતો.



    લાહૌલ-સ્પિતીની સ્થાનિક ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારની જાહેરાતના pamphlet લગાડેલી લાકડાની પેનલ ઉપર એક અધખુલ્લી બારીમાંથી બહાર જોતા crew cut hair style વાળા ભટુડિયાને સ્મરણ જોળીમાં જીલીને ફરી કેલોન્ગ ગામની ગલીઓ વિંધતા હું ચાલવા લાગી ત્યારે ચાલતાં ચાલતાં એક એવી દુકાન cum ઘરને આંગણે અટકિ જ્યાં ચશ્માં ચડાવેલા એક લાહૌલી લેડી સ્વેટર ગૂંથી રહ્યા હતા.



    લીલા રંગના બારી-બારણા વાળી સિમેન્ટની પાકી બાંધેલી દુકાનના આંગણે સ્વેટર ગૂંથતા એ બેનની ઉપર વિવિધ રંગની ઉનની દોરીઓ [Woolen yarn] લટકતી હતી અને તેની પાછળ રહેલા ખાનામાં વાંસનું બાસ્કીટ, ઇંડા મુકવાની tray અને એક કર્ટુન પણ હતું. 



      આવું બધું જોતી મારી આંખે આસપાસનું unclutter અને eliminate કરવા માટે એક vertical સંયોજન અંકે કર્યું જેથી મારા ભાવકના peripheral visionને કાપીને હું ઘરની બાંધણી, ઊંધું પડેલું બાસ્કીટ, ઉનની લટકતી દોરીઓ અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ એવા સ્વેટર ગૂંથતા ચશ્મા પહેરેલા બેન પર ફોકસ કરી શકું અને focus કરી શકું કેલોન્ગના સ્થાનિક પથ્થરોમાંથી બનાવેલી જમણી બાજુ રહેલી  દિવાલ પર પણ.



       મારી એમેચ્યોર આવડતે આટલું મજાનું ઊભું સંયોજન તો ઉત્સાહથી જીલ્યું પરંતુ ભાવનગર પહોંચીને રોલ ધોવડાવ્યા પછી હાથમાં print આવી ત્યારે ખબર પડી કે જે સ્ત્રીને જોઈને મેં ફોટો પાડ્યો હતો તેની આંખ તો બંધ આવી છે But Alas! Roll cameraની દુનિયામાં આ સમસ્યાનો કોઈ યુ ટર્ન હાથ વગો નોહતો સિવાય કે મેં ડહાપણ વાપરી ફોટો પાડતી વખતે જ બે-ચાર ફોટા એક સાથે પાડી લીધા હોત.



    Anyways, આટલા tight vertical સંયોજનને focus થયેલા વિષયની બંધ આંખ ધૂળમાં મેળવી દેવાની હિંમત કરી શકે છે એવો પદાર્થ પાઠ મેળવવાનો મોકો મેળવેલી હું, ઝડપી ચાલે ચાલીને, મારા સહયાત્રીઓ સાથે થઈ ગઈ અને પહોંચી હોટલ પર જ્યાં અમે સૌએ દસેક મિનીટમાં સામાન પેક કર્યો, નાસ્તો કર્યો અને કેલોન્ગથી ત્રેપન-ચોપ્પન કિલોમીટર દૂર રહેલા ઉદેપુર ટાઉન જવા નીકળ્યા જે અમારુ એક ગમતું ગંતવ્ય હતું.



    HRTC એટલે હિમાચલ પથ પરિવહનની બસ અમને ટાંડિ-કિશ્તવાર રોડ પરથી દોઢ-બે કલાકે હિમાચલના પર્વતીય ગામ ઉદેપુર ટાઉન પહોંચાડવાની હતી અને મેં બારી પાસે એક સીટ પણ સિક્યોર કરીને કેમેરાને પણ ખોળામાં જ રાખેલો કે હું કોઈ પણ ક્ષણને capture કરી શકું. 



      આવા ઉત્સાહમાં સ્થાનિક લાહૌલી લોકોથી ભરેલી બસ નદી-નાળા, નાના-નાના ગામો-ખેતરો અને ખડકાળ માર્ગો વટાવતી કેલોન્ગથી ઉદેપુર ટાઉન તરફ જતી હતી ત્યારે ખૂબ સાંકડા માર્ગે સાવ સામે આવી જતાં મોટા વાહનને પસાર થવાની જગ્યા કરી દેવા જયારે ડ્રાઈવર ભાઈ બસ reverseમાં લેતા હતાં ત્યારે જીવ ઉંચક થઈને રામ નામ જપતો હતો અને એવી deadly road trip વચ્ચે ચંદ્રભાગા નદીનું સમાંતરે વહેવું એવું ટાઢક લઈને આવતું હતું કે આ સફર કદિ પૂરી જ ન થાય અને અમે ચંદ્રભાગાની સમાંતરે પ્રવાસતા રહીએ.



      આવી વહેતી ક્ષણોની આ સફરમાં અમે કેલોન્ગથી ઉદેપુર વચ્ચે એવા સંવેદનશીલ સાંકડા માર્ગે પસાર થઈ રહ્યા હતા જ્યાં ગમે ત્યારે પર્વતો પરથી shooting stones કે મોટા મોટા પથ્થરો રોડ ઉપર પડે અને ક્યારેક તો બસ કે ટેક્ષીના છાપરા પર એટલા full forceમાં પડે કે અંદર બેઠેલા મુસાફરો મરણને શરણ થઈ જીવનયાત્રા જ પૂર્ણ કરે.



    વારંવાર ભૂસ્ખલન, rock falls અને flash floodથી block થઈ જતાં Jahlma bridge, નાલ્દા, શાનશા અને થિરોટ જેવા ગામો અને ચંદ્રભાગા નદી પરના અતિ સંવેદનશીલ પુલ પસાર કરતાં કરતાં અમારી બસ એવા એવા choke points ઓળંગી રહિ હતી જ્યાં મહાકાય શીલાઓ અને પર્વતો પરનો ગારાવાળો કે ભરભર ભૂકો મલબો કેલોન્ગથી ઉદેપુર વચ્ચેનો માર્ગ રોકિ રાખે, ક્યારેક ચિનાબના પ્રવાહને રુંધે અને પટ્ટન અને પાંગી વેલી જેવી અંતરીયાળ ખીણો, તેના લોકો અને તેઓનું જનજીવન અસ્તવ્યસ્ત કરી દે.




    આવા key landslide અને hazard zone ગણાતાં માર્ગની બસ યાત્રામાં કોઈ એક વળાંકે મેં અમારી સામે દૂરથી આવતી એક બસને જોઈ અને તરત જ ખચાક દેખાનો એક landscape બસની બારીમાંથી જ અંકે કર્યો જેમાં નાના-નાના પથ્થરો વાળા landslide prone પર્વતો હતા, લીલાછમ ગુચ્છા જેવા છોડવાઓ પર્વતને વળગીને છૂટાછવાયા પડ્યા હતાં અને સર્પાકાર ધૂળિયા મારગ પર જતી બસ કહેતી હતી કે Life is a journey.



    આવા યાત્રા સમાન જીવનની યાત્રાને કેટલાક અવિસ્મરણીય સંયોજનો અને સ્મરણોથી ગુંજે ભરતી હું મારા પાંચ સહયાત્રીઓ સાથે ઉદેપુર ટાઉન પહોંચી ત્યારે ખબર નોહતી કે લાહૌલ અને સ્પિતી વેલીનો અને લેહ-લડાખના અંતરિયાળ પ્રદેશોનો આવો ખડકાળ પ્રવાસન નાતો મને બાકીના છવ્વીસ વર્ષોના ઉનાળે ત્રણેક વખત લેહ-લડાખની નુબ્રા, દાહાનુ કે સુરુ-ઝંસ્કર જેવી વેલી, સ્પિતી વેલી જેવી High-altitude cold desert valley અને અન્ય અનેક બુધ્ધિસ્ટ બેલ્ટના આવા barren અને rough દ્ર્શ્યફલકોમાં ફરતી કરશે.શ્યોક, સિંધુ, સુરુ, ઝંસ્કર અને કેમેંગ જેવી અનન્ય નદીઓના કાંઠે બેસાડશે.તવાંગ, અલ્ચી, હેમીશ, કાર્શા, નાકો-તાબો, કી-કિબ્બર જેવા બૌદ્ધ મઠોના પ્રાચીન સ્તૂપો સમક્ષ ગમતી વૉક લેવડાવશે કે સેન્ટ્રલ ભુતાન અને કંબોડિયાના અંગકોરવાટની વાટે ચડાવી ફરી કહેશે કે,
 

Life is an unfolding journey, not a final destination.

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.