Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

૧૨,૭૯૫ ફૂટ ઊંચા તાયુલ મઠની મુલાકાત બાદ, કેલોન્ગમાં ભાગા નદીના ખડકાળ કિનારે વિતાવેલી સાંજનું આ સુમેળભર્યું વર્ણન છે. સ્થાનિક ભોટીયા સંસ્કૃતિ, બરફાચ્છાદિત પર્વતો, અને ગ્લેશિયરના શીતળ જળ સાથે વિતાવેલી આ શાંત પળો હિમાલયન પ્રવાસની ખરી મજા છતી કરે છે.

    ઓકટોબરથી મીડ-મે સુધીના છ-સાત મહિનાઓ સુધી બરફ જ બરફને કારણે બાકિના જગતથી cut-off રહેતા કેલોન્ગમાં અમે છ પ્રવાસીઓ સવારે કેલોન્ગથી સાત કિલોમીટર દૂર એક ટેકરી પર રહેલા અને ૧૨, ૭૯૫ ફૂટની ઊંચાઈ પર સ્થિત તાયુલ બૌદ્ધ મઠનું Half-day excursion કરીને આવ્યા ત્યારે લંચ ટાઈમ થઈ ગયો હતો આથી HPTDCની હોટલ ચંદ્રભાગામાં જ લંચ લઈ, લંચ પછી એક-દોઢ કલાકનો આરામ કરી, ચા-કોફી ચડાવી, કેલોન્ગ જેવા લાહૌલ વેલીના ૧૦, ૧૦૦ ફૂટ ઊંચા ગામમાં વહેતી ભાગા નદીના કિનારે આખી સાંજ પસાર કરવાના ઈરાદે હોટલ ચંદ્રભાગાથી નીકળ્યા.




      ખૂબ ઊંચા બરફાચ્છાદિત પર્વતો અને High-altitude desertના ઉડીને આંખે વળગે તેવા striking દ્ર્શ્યફલકોના માલિક કેલોન્ગમાં અમે થોડું ચાલ્યાં હશું ત્યાં અમારા સૌનું ધ્યાન બરફાચ્છાદિત અને વૃક્ષાચ્છાદિત ટેકરીઓથી ઘેરાયેલા એક ખેતર પર પડ્યું.Subalpine એટલે ગાઢ પર્વતીય જંગલ ધરાવતા પ્રદેશોથી ઉપર જ્યાં કાતિલ ઠંડા પવનો ફૂકાયને શિયાળામાં ભારે હિમ વર્ષા થાય છે તેવું હવામાન ધરાવતા કેલોન્ગમાં આ ખેતર આસપાસ વામન કદના છુટા છવાયા વૃક્ષો હતા અને ઓકટોબરથી મીડ-મે સુધી સાત-આઠ મહિના રોહતાંગ પાસની અને પોતાની ખુદની બરફ વર્ષાથી cut off રહેતા આ પ્રદેશની પાતળી ભૂમિ પરનું સમગ્ર દ્રશ્યફલક આકાશ, પર્વત, વૃક્ષો અને ખેતરના લીલા અને ખાખી રંગોના રંગ સંયોજનથી સમૃધ્ધ હતું.




    મુખ્ય હિમાલયન પર્વતમાળાની દક્ષિણે સ્થિત આ કેલોન્ગ સ્પિતી અને લડાખ કરતાં પણ વધુ હિમવર્ષાથી ઠરતું હોવાથી અમને મે મહિનાના બીજા સપ્તાહે પણ બરફાળ પર્વતોનું સાનિધ્ય મળતું હતું અને બપોર પછીની દસ-પંદર  ડિગ્રીની ઠંડીમાં અમે વાદળ છાયા વાતાવરણમાં ધુમ્મસના દરિયામાં ડૂબ્યા જેવો અહેસાસ કરતાં કરતાં હિમ શિખરો વચ્ચે ચાલતાં હતાં કારણ કે મોટા ભાઈ સુભાષે ગોઠવેલા હિમાલયન પ્રવાસોમાં પ્રવાસની મજા નદી-પર્વતોની સમાંતરે ચાલીને કોઈ નદી કિનારે બેસવાની હોય અને કેલોન્ગ તો ભાગા નદીના કિનારે વસેલું આખા જગતથી જુદુ એક Isolated high altitude ગામ હતું જેની નદીનો કિનારો પણ એટલો જ શાંત-નિરવ અને ખડકાળ પર્વતોથી ઘેરાયેલો હતો.




    મારા સહપ્રવાસી એવા ભરત અને દિપક બંને પાસે મારી જેવો જ એસ એલ આર કેમેરા હતો અને ભાગા વેલીની અનેક રસપ્રદ travel trailsના માલિક આ કેલોન્ગના દરેક વળાંકે એક કથા ગૂંથાયેલી હતી જેમાં છુપા જળધોધ, જંગલી ફુલોના લીલાછમ મેદાનો તો હતા જ પરંતુ ગામ વિંધીને નદીને કિનારે જતાં જતાં મને તિબેટન બૌધ્ધ ધર્મ અનુસરતી અને ભોટી ભાષા બોલતી ભોટીયા પ્રજાની ચાર એક સરખી ઊંચાઈ ધરાવતી બહેનો પણ દેખાણી અને ચાલતાં ચાલતાં આગળ નીકળી ગયેલી મારી ટીમને રોક્યા વગર તે બહેનોના ફોટા પાડવા મેં કેમેરા સજ્જ કર્યો.




    મરુન રંગના લાંબા ગાઉન એટલે ‘Dugpo’ પહેરેલી આ ચાર સ્ત્રીઓમાંથી ત્રણના ખભે વાંસનું બાસ્કિટ બાંધેલું હતું અને ચારમાની ત્રણ સ્ત્રીઓ ચાલતાં-ચાલતાં મોજા-સ્વેટર ગૂંથી રહિ હતી. ગળામાં સફેદ મોતીની માળા અને માથા પર સ્કાર્ફ બાંધીને એક સરખા લયમાં મારી તરફ આવતી એ ચારેય ખેડૂત સ્ત્રીઓનો મેં ફોટો પાડ્યો ત્યારે મીઠ્ઠુ હસતી તે સ્ત્રીઓથી વીસેક મીટરના અંતરે મારી આગળ નીકળી ગયેલા મારા સહપ્રવાસીઓમાં (ડાબી બાજુથી) સુભાષ, ભરત-ભાવેશ અને કાર્તિકેયભાઈ જતાં હતાં અને ભોટીયા જાતિની બહેનો અને તેના ખભે બાંધેલા બાળકમાં પરોવાયેલી હું કેલોન્ગ ગામની તિબેટન બૌધ્ધ અસર વાળી પ્રજાને કચકડે મઢવામાં ઓતપ્રોત હતી.




    લીલા વટાણા, બટેટા, ઘઉં અને જવની ખેતી કરતી અને સમય મળે woollen handicraftમાં શિયાળાને ગૂંથીને હુંફ મેળવતી પ્રજાના આવા candid encountersને મારી જોળીમાં ભરતી ભરતી હું કેલોન્ગના Miyar valley road પર ચાલતી હતી. જે મિયાર વેલી પીર પંજાલ અને ઝંસ્કર રેન્જની વચ્ચે હતી એટલું જ નહિ પંચોતેર કિલોમીટર લાંબી આ glacial-carved valley ‘valley of flowers of Himachal Pradesh’ ગણાતી હતી.




    કેલોન્ગમાં મિયાર વેલીનું sign board વાંચીને હિમાચલપ્રદેશના ઉદેપુર ટાઉનથી શરૂ થતી આ ૮,૬૯૦ ફુટથી ૧૩,૧૦૦ ફૂટની ઊંચાઈએ પહોંચતી વેલીનું ઉદેપુર ટાઉન તો અમારી આઈટીનરીમાં છે તેવા ઉત્સાહિ વિચાર સાથે વધુ ઝડપી ચાલે ચાલીને મારા સહપ્રવાસીઓ સાથે થઈ ગઈ અને એવું ચાલતાં સોએક મીટર પછી કેલોન્ગ જે નદીને કિનારે વસેલું છે તે ભાગા નદીના કિનારે બેસવા અમે સૌ બે-ચાર boulders એટલે શીલાઓ શોધી લીધી એટલે ભાગા જેવી ખડકાળ અને સુક્કા પ્રદેશો ઓળંગીને બારાલાચાલા પાસ પાસે રહેલા ૧૬,૦૪૩ ફુટ ઊંચા સુરજ તાલ લેઈકથી આવતી આ નદીનું અમે આચમન લઈ શકિએ અને ભાગાના હિમ જેવા ઠંડા પાણીમાં પગ પણ પખાળી શકિએ.




    ભરત કથીરીયા જેવા પ્રવાસ પ્રેમીએ અને મેં પણ કેલોન્ગના ખડકો વચ્ચે પહોળા પટ્ટે વહેતી ભાગા નદીના ફોટા પાડ્યા અને આખી સાંજ અમે કેલોન્ગથી ટાંડિ જઈને ચંદ્રા નદીને મળવા ઉતાવળી થતી આ નદીના કિનારે બેઠા. ચિનાબ કે ચંદ્રભાગાની આ ઉપનદીનો કિનારો ખાસ્સો ખડકાળ અને સીધા ચઢાણના પર્વતો વાળો હતો. Gangstang glacier અને ચિત્રમયી લાહૌલ વેલીમાં વહેતી આ ભાગ્યશાળી ભાગા નદી અદભુત Alpine Landscape બક્ષતી હતી પરંતુ પોતે તો દિવસ-રાત ખૂબ કઠણ આબોહવાને સહન કરતી ખળખળ વહેતી હતી.




    હિમનદીના ઓગળવાથી વહેતી ભાગા climate changeના ચમકારા દેખાડતી ઉનાળામાં ઉપર બરફ ઓગળવાથી પુર જોસમાં વહેતી હતી અને તેના વહેતા જળનું તાપમાન ઉનાળામાં પણ દસ ડિગ્રીએ રહેતું હતું કારણ કે તેનું મૂળ તો હિમનદીનું ઢિમ થઈ ગયેલું હિમ જ ને. 




      આવી હિમ જેવી ઠંડી નદીના કિનારે સાંજ પસાર કરીને અમે ફરી એ જ રસ્તે અમારી ચંદ્રભાગા કેલોન્ગ હોટલ તરફ ચાલવા લાગ્યા.લાહૌલ વેલીની ઢળતી સાંજ ધીમે ધીમે ઠંડી થતી જતી હતી અને બરફાચ્છાદિત પર્વતોના શ્વેત-ધવલ slope પરથી આવતી ઠંડક અમને દિવસના અજવાળે રૂપેરી દોરીની ગૂંથણી જેવી ભાગા નદીને કીનારે નિરાંતે બેસીને આવવાનું ગૌરવ કરાવતી હતી.




      એવા ગૌરવને ગાંઠે બાંધીને અમે નદી કિનારે લીલાછમ ખેતરો વચ્ચે વસેલા કેલોન્ગની સાંજને ઘૂટડે ઘૂટડે પીતાં અમારે નિવાસે પહોંચ્યા કારણ કે બીજે દિવસે સવારે Heavy breakfast કરીને અમારે કેલોન્ગથી ત્રેપન કિલોમીટર દૂર રહેલા હિમાચલપ્રદેશના ઉદેપુર ટાઉન જવાનું હતું અને .......

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.