Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

વર્ષ ૨૦૦૦ના મનાલી-રોહતાંગ પ્રવાસની યાદો વાગોળતા લેખક જણાવે છે કે મોટા ભાઈ સુભાષના પ્રેરણાદાયી સાનિધ્યે તેમને બરફાચ્છાદિત હિમાલયની સુંદરતા માણવાની સાથે જીવનભર માટે ટ્રાવેલ ફોટોગ્રાફીનો નવો હેતુ, નવી ઓળખ અને "To travel is to live" નો મંત્ર આપ્યો.

વર્ષ 2000ના મે મહિનાની પંદર-સોળ દિવસની લાંબી ટ્રાવેલ સર્કિટનું અમારું છેલ્લું ડેસ્ટીનેશન હતું મનાલી.મારી બા અને મોટા ભાઈ, સુભાષ [ભટ્ટ] સહિતના અમે કુલ તેર સહપ્રવાસીઓ માતા રાની વૈષ્ણોદેવી, ડેલહાઉસી, ખજીયાર, ધર્મશાલા, મેક્લોડ્ગંજ અને ચંબાવેલીનું ભરમૌર explore કરીને છેલ્લે કુલ્લુ વેલીના, ઓવર ક્રાઉડેડ નગર એવા, મનાલી પહોંચ્યા.




    હિમાચલપ્રદેશ અને પંજાબમાં વહેતી ઉત્તર-પશ્ચિમી નદી એવી બિયાસના કાંઠે વસેલા અને ૬,૭૨૬ ફૂટની ઊંચાઈ પર રહેલા આ મનભાવન મનાલી આસપાસના બહુ બધા આકર્ષણોને excurse કરવાનું સુભાષના મનમાં નહોતું આથી એક સવારે ચા-પાણી, નાસ્તો કરી અમે સૌ મનાલીના મૉલ રોડની તિબેટન માર્કિટ પાસે આવેલા ડૂંગરી કે ધુંગરી વન વિહાર પાર્ક સુધી ચાલીને ગયા અને તે વિશાળ પાર્કની અંદર રહેલા સોળમી સદીમાં બંધાયેલા પ્રાચીન હિડિંબા દેવી મંદિરે જઈ પેગોડા શૈલીમાં બંધાયેલા આ wooden templeને નિરાંતે જોવા સાથે ડૂંગરી વન વિહાર પાર્કમાં પણ quality time પસાર કર્યો.




    દેવદારના વૃક્ષોથી સભર ડૂંગરી વન વિહાર પાર્ક, તેની અંદર રહેલી નાની-મોટી શીલાઓ, પાર્કની અંદર બનાવેલી પેવમેન્ટેડ કેડિઓ, તેના પર ચાલવું, દેવદારના સાનિધ્યે ગોઠવેલી એકાદ-બે બાંકડીઓ પર દેવદારના છાયામાં નિરાંતે બેસવું, વાતો કરવી અને એક-બીજાના ફોટા પાડવા જેવી હળવા મિજાજની મસ્તી ભરી હૂંફાળી સવાર પછી બપોરે લંચ લઈ, આરામ કરી અને આખી સાંજ બિયાસના કાંઠે પસાર કરી અને સંધ્યા કાળે મનાલીના મૉલ રોડ પર પહોંચ્યા.




    દુકાનો, કાફેટેરિયા, સ્ટ્રીટ ફૂડ અને કુલ્લુ શૉલ-સ્વેટરના શોપિંગથી સભર મૉલ રોડ પર સૌએ પોતપોતાનું શોપિંગ કર્યું.અવનવી વાનગીઓ અને વ્યંજનો જમ્યા. સવારે વન વિહારમાં જોયા હતાં એથી વિશેષ હનીમુનર્સને અને આવતાં જતાં સૌને મૉલ રોડની ફૂટપાઠ પર બેસીને જોયા અને લાંબા સમૂહ પ્રવાસની છેલ્લી બે સાંજોમાંની એકને જેટલી મજાથી ભરી શકાય એટલી ભરી.


    કુલ્લુ અને ચંબા વેલીની ટ્રાવેલ સર્કિટ પૂરી કરીને છેલ્લે મનાલી આવવાનું મુખ્ય કારણ જ સુભાષના ફેવરીટ વિદ્યાર્થીઓ અને મારી એક વિદ્યાર્થીની, પૂજા [ગાંધી]ની બનેલી યંગ ટીમને બરફાચ્છાદિત પર્વતો અને ૧૩,૦૫૦ ફૂટની ઊંચાઈ પર રહેલા હાઈ માઉન્ટેઈન પાસનો અનુભવ કરાવવાનું હતું અને આથી જ એક સવારે અમે સૌ મનાલીથી એકાવન કિલોમીટર દૂર રહેલા રોહતાંગ પાસ જવા નીકળ્યા.




    ખજીયાર હોય કે મનાલી ખભે કેમેરા નાખીને કોઈ ટૂરીસ્ટ સ્પોટ પર રહેલા પ્રોફેશનલ ફોટોગ્રાફર પાસે ફોટો પડાવીને તરત જ urgent ફોટો કોપી કઢાવતી ટીમની છોકરીઓ કે અમારી ટીમના પ્રોફેશનલ ફોટોગ્રાફર દિપક [ચૌહાણ] પાસે મનગમતી ફોટોગ્રાફી કરાવી લેતી છોકરીઓ ટેક્ષીમાં બેઠી બેઠી પીર પંજાલ રેન્જના પૂર્વીય છેડે રહેલા રોહતાંગ પાસને જોવા ઉતાવળી થઈ રહિ હતી પરંતુ સવારે છ-સાત વાગ્યાથી મનાલીના લશ ગ્રીન પર્વતીય વિસ્તારના સર્પાકાર માર્ગો પસાર કરતી અમારી ટેક્ષી મે મહિનાના મનાલી-રોહતાંગ પાસના હેવી ટ્રાફિકમાં કીડી વેગે ચાલી રહી હતી.


      મનાલીથી સોલાંગ વેલી જતાં માર્ગને છોડીને અમે જ્યારે રોહતાંગ પાસ તરફ જતાં મનાલી-લેહ હાઈ-વે તરફ વળ્યા ત્યારે એ ડાયવર્ઝન પછીના ત્રણ  કિલોમીટરમાં એકાદ જળધોધ જોયાની ખુશી વચ્ચે કોઠી નામનું ગામ આવ્યું જે કુલ્લુ વેલીનું છેલ્લું ગામ હતું કારણ કે કોઠી પછી ગુલાબા અને મઢી [Marhi] જેવા ગામો તો આવે પરતું એ ગામોમાં માનવ વસ્તી ન જોવા મળે અને રોહતાંગ પાસ પછી ઉત્તરે આગળ જતાં તો લાહૌલ વેલી શરુ થઈ જાય.




       હવે અમે કોઠીથી ગુલાબા વચ્ચેનું આઠ કિલોમીટરનું અંતર પસાર કરીને ગુલાબા ચેક પોસ્ટ પહોંચ્યા અને રોહતાંગ પાસ જવાની પરમીટ બતાવાની લાંબી લાઈનમાં ઉભા રહી, પરમીટ બતાવી અને ગુલાબા વ્યૂ પોઈન્ટનો શ્વેત-ધવલ બરફાળ જલસો અંકે કર્યો ત્યારે મનાલીથી સત્યાવીસ કિલોમીટરનું અંતર હેવી ટ્રાફિકને કારણે જાણે મંથર ગતિએ પસાર થતું હતું.


    ગુલાબા પછી આવતાં પેનોરમિક વ્યૂ, એક સાથે દેખાતાં અનેક માર્ગો અને વહેતી બિયાસના રૂપને ટેક્ષીની નાની બારીમાંથી નિહાળતા અમે ગુલાબાથી મઢી પહોંચ્યા ત્યારે અમે મનાલીથી રોહતાંગ પાસના એકાવન-બાવન કિલોમીટરમાંથી અંદાજે ચોત્રીસ-પાત્રીસ કિલોમીટરનું અંતર પસાર કર્યું અને મનાલી-લેહ હાઈ-વેનો રોમાંચ શું હોય છે, શું હોય છે બરફાચ્છાદિત પર્વતો વચ્ચેની સફર તેનો પણ અનુભવ કર્યો.




      સવારે છ-સાત વાગે મનાલીથી રોહતાંગ પાસ આવવા નીકળ્યા હતા એટલે મનાલીથી મઢી[Marhi] પહોંચતા સુધીમાં તો કકડીને ભૂખ પણ લાગી હોવાથી અમે સૌએ મઢીના સ્વાદિષ્ટ સ્ટોપ ઓવરમાં દહિં સાથે આલુ-પ્યાઝ પરાઠાનો ભરપેટ નાસ્તો કર્યો અને બા સહિત સૌએ બહુ નિરાંતે ચા-કોફી પણ પીધા.


    મનાલીથી રોહતાંગ પાસ વચ્ચેનું આ ટૂરીસ્ટ સ્પોટ મઢી વેલીમાં હતું અને રેસ્ટોરન્ટ-ધાબાથી ભરપુર હતું. ટેક્ષી, ટ્રક, બસ અને રોહતાંગ પાસ જતાં ઉત્સાહિ પ્રવાસીઓની ભીડથી ગરમાવો આપતું આ મઢી [Marhi] ૧૧,૦૨૦ ફુટની ઊંચાઈ પર હતું અને અહેસાસ પણ કરાવતું હતુ કે જેમ જેમ રોહતાંગ પાસ તરફ જઈએ છીએ તેમ તેમ ઠંડી વધતી જાય છે. 




      Roadside રેસ્ટોરન્ટના આ ‘Shanty town’ ગણાતા મઢીમાં મે મહિનાથી નવેમ્બરમાં જયારે મનાલી-લેહ હાઈ-વે અને રોહતાંગ પાસનો રસ્તો ખુલ્લે ત્યારનું સીઝનલ સેટલમેન્ટ આકાશી રંગના પ્લાસ્ટિકના ઝૂપડા જેવા સ્ટોલથી સભર હતું આથી ઢાળ વાળા લીલાછમ ઘાસના ખુલ્લા મેદાનો અને બરફાચ્છાદીત દ્રશ્યફલક ધરાવતા વ્યસ્ત મઢીને મારી સહપ્રવાસી, નેહલ વાઘેલાએ એવું આબાદ રીતે કેમેરામાં મઢ્યું કે એ સંયોજનમાં મનાલી-લેહ હાઈ-વેના ખાણી-પીણીથી સુગંધિત સ્ટોલ હતાં; મોટી મોટી શીલાઓ બરફ વચ્ચે માથું ઊંચકીને જમીનમાં રોપાયેલી પડી હતી હતી; વાહનોના સફેદ રંગની આડી અવળી ભીડ હતી અને દૂર ક્ષિતિજે નજર કરો તો પીર પંજાલ જેવી Lesser Himalayasની સૌથી મોટી પર્વતમાળા પથરાઈને પડી હતી અને અમારી જેવા અનેક હિમાલયપ્રેમી પ્રવાસીઓને ગૌરવપૂર્વક કહેતી હતી કે 


‘ Climb the mountains so you can see the world, not so the world can see you.’ 


     જીવન જીવવાનો આવો ઉજળો માર્ગ દેખાડતા અને મોકો મળે ત્યારે ફરતાં રહેવાનો આવો નિજાનંદિ પાનો ચડાવતા હિમાલયના બરફાચ્છાદિત દ્રશ્યફલકથી સભર એવા મઢીના મજાના પડાવેથી અમે ફરી ટેક્ષીમાં બેઠા અને મઢીથી રોહતાંગ પાસ તરફ ગાડી હંકારી ગયા.




    લીલીછમ કુલ્લુ વેલીને લાહૌલ-સ્પિતીના High altitude શુષ્ક પ્રદેશ સાથે જોડતા રોહતાંગ પાસ સુધીનો માર્ગ મે મહિનાના ટ્રાફિક જામથી ધીમી ગતિએ સરકતો હતો અને મઢીથી રોહતાંગ પાસ સુધીના સત્તર કિલોમીટરની અમારી મુસાફરી રોડની બંને બાજુ રહેલા બરફ જ બરફના શ્વેત-ધવલ સ્વાંગમાં રહેલા સ્વર્ગીય દ્રશ્યફલકોની એક આખી ગેલેરી ખોલી રહી હતી.




    ટેક્ષી અને બસના લાઈનબંધ થપ્પા થઈ જાય તેવા હેવી ટ્રાફિકને ક્રોસ કરીને અમે, તડકિ વાળા સ્વચ્છ  હિમાલયન વાતાવરણમાં, દસેક વાગે રોહતાંગ પાસ પહોંચ્યા ત્યારે અમે મનાલીના સૌથી ઊંચા પોઈન્ટ પર હતાં જ્યાં પ્રવાસીઓ એકબીજા પર બરફ ઉડાડી રહ્યા હતા; હનીમૂનર્સ એકબીજામાં ઓતપ્રોત હતા; કેટલાક Ice skiing કરતાં હતાં અને બરફ જ બરફની Madnessમાં સૌ પોતપોતાના ગ્રુપમાં તોફાન-મસ્તીના નશામાં દારૂ પીધા વગર ઝૂમી રહ્યા હતાં જાણે અહીં કોઈ Ice club હોય અને સૌ પાર્ટી કરી રહ્યા હોય.




      બા-સુભાષને બાદ કરતાં અમે પણ આ બરફના દેશને માણવામાં કોઈ કસર નોહતી છોડી અને નિશાળની બહાર ઉભેલો ગોળાવાળો બરફનો જે છોલ બનાવીને ગોળો બનાવી દેતો હતો તેવા જ બરફના ઠંડા ball બનાવી બનાવીને અમે એકબીજાને એટલા ફેંક્યા કે અમારી સહપ્રવાસી દોસ્ત, નેહલ (ગઢવી)ને અતિશય ઠંડી લાગી જવાથી સોલીટ ટાઢ ચડી. 

   
    હું અને પૌલોમી (વ્યાસ) નેહલને નજીકમાં રહેલા એવા ટેન્ટ સુધી લઈ ગયા જ્યાં ગેસ કે પ્રાયમસ પર કુકર ચઢાવેલું હતું અને એક પછી એક whistles વાગી રહી હતી.અમારા સ્કાર્ફનો ગોટો બનાવી, ગરમ કુકર પર મૂકિ મૂકિને અમે ઠંડીથી ધ્રુજતી નેહલને ગરમાવો આપ્યો અને દસ-પંદર મિનીટમાં ગરમ કપડાના ગોટાથી અપાયેલી એ ગરમીથી નેહલ સ્વસ્થ થઈ ગઈ અને અમે ફરી ફળફળતુ લંચ લઈ રોહતાંગ પાસથી મનાલી જવા ઉપડ્યા.




    ઓક્સિજનની કમીથી મુંજાતા કેટલાક અશક્ત પ્રવાસીઓ, ઘોડા-ખચ્ચરની અવર-જવર, ક્યાંક યાકની સવારી અને ક્યાંક હિમાચલની ગડ્ડી પ્રજાના ઘેટા-બકરાનાં pictorial landscapesને અવલોકતા અમે રોહતાંગ પાસથી મનાલી તરફ ઉપડ્યા ત્યારે અમારી જેમ જ પાછા ફરતા પ્રવાસીઓના ટ્રાફિક જામમાં ફસાતાં-ફસાતાં મઢી સુધીનું સત્તર કિલોમીટરનું અંતર અમે બરફના શ્વેત-ધવલ દેશ વચ્ચેથી પસાર કરી, મઢીથી ગુલાબા, ગુલાબાથી કોઠી અને કોઠીથી મનાલી પહોંચતા સુધીમાં ક્યાંક જળધોધ, ક્યાંક ઘાસના ખુલ્લા મેદાનો અને કુલ્લુ વેલીના સર્પાકાર માર્ગો જોયા જેને મન-હૃદયમાં સંગ્રહીને મનાલી પહોંચ્યા અને એ જ રાત્રે ભોજન કર્યા પછી મનાલીથી દિલ્હીની વોલ્વોમાં ઓવર નાઈટ જર્ની કરીને બીજે દિવસે આખી ટીમ દિલ્હી પહોંચી.




      બે દિવસ દિલ્હીમાં જ રોકાઈને સુભાષે તેની યાદીના દળદાર પુસ્તકો ખરીદ્યા અને અમે દિલ્હી દર્શન કર્યું એ પછી ટ્રેઈન દ્વારા વડોદરા પહોંચ્યાં ત્યારે સુભાષે તેના વિદ્યાર્થીઓને તો હિમાલયદર્શન કરાવ્યું જ પરંતુ, personally, મને હિમાલયન પ્રવાસોમાં અપરોક્ષ રીતે એવી દીક્ષિત કરી કે છેલ્લા છવ્વીસ વર્ષોમાં મેં દર વર્ષે હિમાલય યાત્રા તો કરી જ પરંતુ તે ઉપરાંત ચાર વખત લેહ-લડાખ, સ્પિતીવેલી અને અન્ય અનેક હિમાલયન ગંતવ્યોને explore કર્યા. 


      મોટા ભાઈ, સુભાષના આ Intiationને યાદ કરતાં હંમેશા એવું થાય છે કે સુભાષ મારો મોટો ભાઈ તો ખરો જ પરંતુ પ્રવાસ ગુરુ પણ છે અને હાથમાં કેમેરા પકડાવી તસવીર કલા તરફ દોરી જનાર પણ સુભાષ જ છે કારણ કે વર્ષ ૨૦૦૦ પહેલાના અને પછીના પ્રવાસોમાં પણ સુભાષ જ એસ.એલ.આર કેમેરા વાપરતો જેને જોઈને મને ફોટોગ્રાફીમાં રસ પડ્યો અને મેં તો travel photographyમાં ઊંધા માથે જંપલાવ્યું અને પછી તો photography કરવા માટે જે travelling શરુ થયું તેણે મને મારી અંગ્રેજી શિક્ષક સિવાયની Identity આપી અને જીવન જીવવાનો એક હેતુ આપ્યો, એક ધ્યેય આપ્યો જેને મારી સમક્ષ રાખી મેં ઘણું ભારત ભ્રમણ કર્યું અને કહેતી થઈ કે To tavel is to live...

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.