Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

સારાંશ: લેખિકા મે ૨૦૦૦માં પોતાની વિદ્યાર્થિની પૂજા સાથે હિમાચલના કાંગરાથી દૂર, આઠમી સદીના મસરુર રૉક કટ મંદિરોની સ્થાપત્યકલા અને ફોટોગ્રાફી એક્સપ્લોર કરવા નીકળે છે. નિર્જન પહાડી કેડી પર અદભુત નાગર શૈલીના દર્શન બાદ, એક રહસ્યમય બાવાના ભય અને રોમાંચક અનુભવ સાથે તેઓ હેમખેમ ધર્મશાલા પરત ફરે છે.

વર્ષ ૨૦૦૦ના મે મહિનામાં હિમાચલની કાંગરાવેલીમાં સ્થિત ધર્મશાલા-મેક્લોડ્ગંજ આવ્યાની બીજી સવારે મેં મોટાભાઈ સુભાષને ધર્મશાલાથી ૪૫ કિલોમીટર દૂર રહેલા મસરુરના મોનોલિથિક રૉક કટ ટેમ્પલ જવાની ઈચ્છા વ્યક્ત કરી.




પંદર-સત્તર દિવસની લાંબી ટ્રાવેલ સર્કિટમાં બા અને સુભાષ સહિતના અમે તેર સહપ્રવાસીઓનો આખો સમૂહ માતા વૈષ્ણોદેવી, ડેલહાઉઝી અને ખજીયાર explore કરીને ધર્મશાલા પહોંચ્યા હતાં અને આગલે દિવસે તિબેટન બુધ્ધિઝમના સેન્ટર ગણાતા મેક્લોડ્ગંજની નામગ્યાલ મોનેસ્ટરી પણ જોઈ આવ્યા હતા આથી સુભાષે મને અને મારી વિદ્યાર્થીની કમ દોસ્ત અને એમ એસ યુનિવર્સિટી, બરોડામાં અંગ્રેજી સાહિત્યમાં કોલીજના પહેલા-બીજા વર્ષમાં અભ્યાસ કરતી, પૂજા [ગાંધી]ને મસરુરના રૉક કટ ટેમ્પલ જઈને સાંજ પહેલા ધર્મશાલા પાછા આવી જવાની રજા આપી.



    અમે ગુરુ-શિષ્ય પરંપરાની અખંડ જ્યોત જગાવતા સૌ પ્રથમ તો ધર્મશાલાના હિમાચલપ્રદેશ પથ પરિવહનના બસ સ્ટેન્ડ પર પહોંચ્યા જ્યાંથી દિવસની એક જ લોકલ બસ અમને ધર્મશાલાથી લંજ (Lunj) અને લંજગામથી પિર બિંદલી (Pir Bindli) લઈ જવાની હતી અને પિર બિંદલી જેવા હિમાચલી ગામે ઉતર્યા પછી અમારે બે-ત્રણ કિલોમીટર ચાલીને એકપાષાણમાંથી સંરચિત આઠમી સદીના મસરુરના રૉક કટ મંદિરે પહોંચવાનું હતું અને ફરી એ જ બસ બપોરે ત્રણ વાગે, કેટલાક ગામો કવર કરી, પાછી વળે એ પહેલા અમારે પિર બિંદલી જેવા ખોબા જેવા ગામની એકાદ વેફર-બિસ્કીટની દુકાન પાસે રોડના કાંઠે રહેલા બસ સ્ટોપ પર, without fail, પહોંચી જ જવાનું હતું કારણ કે જો આ ત્રણ વાગ્યાની બસ Miss થાય તો અમને ધર્મશાલા લઈ જાય એવી એક પણ બસ નોહતી. 




    થોડી રાહ જોયા પછી ધર્મશાલાના HRTC બસ સ્ટેન્ડ પર મસરુર ગામના ઐતિહાસિક મંદિરે પહોંચવાની બસ મુકાણી અને અમે અન્ય હિમાચલીઓ સાથે કાંગરા વેલીની લોકલ બસમાં બેઠા.



    ધર્મશાલા-મેક્લોડ્ગંજની દક્ષિણ-પશ્ચિમે ધૌલાધારની શ્વેત-ધવલ પર્વતમાળાના ખોળે રહેલા શિખરબધ્ધ મંદિર તરફ ગતિ કરતી અમારી બસ હિમાચલની બિયાસ રીવર વેલીના સર્પાકાર માર્ગો પસાર કરતી કરતી લંજ નામના ગામે પહોંચી અને એ પછીના સાત કિલોમીટરમાં અમે વૃક્ષોથી સભર જંગલ અને ગજઘટ નદીને અનિમેષ નજરે જોયા કરી.



    ધર્મશાલાથી ગગલ થઈને કાંગરા ઘાટીના માર્ગે ચડેલી અમારી મુસાફરીમાં લંજ ગામ આસપાસ ઊંચી ટેકરીઓ પર શંકુ આકારના ફળ આપતા ઊંચા પડછંદ અને evergreen ચીડના વૃક્ષોએ અમને હિમાચલમાં હોવાનો ભરપુર અહેસાસ કરાવ્યો અને એવા ખુશનુમા અહેસાસે અમે પિર બિંદલી (Pir Bindli) ગામે પહોંચ્યા.




    પહાડી વિસ્તારનું કુલ ૪૫ કિલોમીટરનું અંતર પસાર કરીને પિર બિંદલી ગામની એક પાણી-વેફર-પીપર-ચોકલેટ વેંચતી દુકાને અમે મસરુરના Monolithic એટલે એક પાષાણમાંથી નિર્મિત રૉક કટ મંદિરે જવાનો માર્ગ પૂછ્યો અને મેં અને પૂજાએ એ સર્પાકાર માર્ગે ચાલવાનું શરુ કર્યું. 



      સર્પાકાર માર્ગે એકાદ કિલોમીટર જેવું ચાલ્યા પછી અમે ઊંચી ટેકરી પર રહેલા ‘હિમાલયના ઈલોરા’ તરીકે જાણીતા મસરુરના પ્રાચીન મંદિરે જવાની કાચી કેડી ઉપર ચડ્યા જે કેડીની બંને બાજુ અવાવરુ ઘાસપુસ, પાણા-પથરા અને ઝાંખા-પાંખા વૃક્ષો હતાં.જેમ જેમ ઉપર ચઢતા ગયા તેમ તેમ નીચેનો માર્ગ દેખાવાનો બંધ થતો ગયો. આવા જંગલ જેવા રસ્તે બે કિલોમીટર જેવું ચાલ્યા પછી છઠ્ઠીથી આઠમી સદીના ગુપ્તકાળમાં બંધાયેલું મનાતું આ ‘Ellora of the hills’ના શિખરો દેખાયા. 



      પ્રાકૃતિક ખડકાળ ટેકરી પર રહેલા આ મંદિરે પહોંચતા જ તેનું location જોઇને અમે પ્રવાસાનંદમાં સેલારા લેવા લાગ્યા.ધૌલાધાર પર્વતમાળાની બરફાચ્છાદિત રેન્જને face કરતાં ઉત્તર પૂર્વ દિશા તરફના ખંડિત મંદિરો અષ્ટકોણ રચતા ઉભા હતા. જેણે ૧૯૦૫નો કાંગરા વેલીનો જીવલેણ ધરતીકંપ જીલ્યો હતો તે જળકૃત (sedimentary) રેતીયા ખડકમાંથી બનેલા મંદિરો અવશેષિત અને ખંડિત અવસ્થામાં હતા.




      પિર બિંદલીના બસ સ્ટોપે ઉતરી ત્યારથી મારો એસ.એલ.આર કેમેરા તો ગળામાં જ લટકતો હતો એટલે ત્રણ પ્રવેશદ્વારો ધરાવતા આ મંદિરને explore કરવાનું શરુ કરતાં કનૌજના કલા વારસાથી પ્રભાવિત આ નાગર સ્થાપત્ય શૈલીના મંદિરના સરોવર પર સૌથી પહેલું ધ્યાન ગયું પરંતુ આમારા દુર્ભાગ્યે વૃક્ષો અને મંદિર શિખરોના પડછાયા જીલતું આ પવિત્ર સરોવર ખાલી હતું. 



      મહાબલિપુરમના રૉક કટ મંદિરો, મુંબઈની એલિફન્ટાની ગુફાઓ અને કમ્બોડિયાના અંગકોરના વાટના મંદિરો સાથે અભ્યાસુ સરખામણીમાં ઉતારી શકાય તેવા આ પિરામિડ જેવા શિખરો ધરાવતા કુલ ૧૫ મંદિરો અને તેના ખંડિત શિખરો એક અનન્ય લેન્ડસ્કેપ રચી રહ્યા હતાં.



    જ્યાંથી ધૌલાધાર રેન્જનો નિરાંતવો વ્યૂ મળે તેવા વૃક્ષોથી સભર પરિસરની માત્ર એક ઇંચ ઊંચી પાળ પર, જાણે open Museum હોય તેમ, ૧૯૦૫ના કાંગરા વેલી ભૂંકપમાં ખરી પડેલા શિખરો અને શિલ્પોના ખંડિત ટુકડાઓ aesthetically ગોઠવેલા હતા. દૂર દેખાતી પર્વતમાળા પછી પરિસરની કમ્પાઉન્ડ વોલની બહારના વૃક્ષો અને તેના foregroundમાં રહેલી પાળ પર ગોઠવેલા અવશેષોને જીલીને અમે પૂર્વાભિમુખ પ્રવેશદ્વારથી મુખ્ય ગર્ભગૃહમાં અંદર ગયા.




      ખંડિત મંડપ અને દ્વારમંડપ પસાર કરીને ગર્ભગૃહમાં જતાં તરત સમજાય કે અહીં રહેલો ઓરસ-ચોરસ મંડપ અને જીણા કોતરકામથી સભર ચાર સ્તંભોને કાંગરાવેલીનો વિનાસક ભૂંકપ ગળી ગયો છે અને એટલે જ wall carvinagsથી સમૃધ્ધ મંડપ શ્રુખંલા પછી આવતા ગર્ભગૃહનો એ પેસેજ જાણે એક ઈતિહાસ થઈને હોંકારા દઈ રહ્યો હતો.



    આવા હોંકારાને કાને ધરીને ઓરસ-ચોરસ ગર્ભગૃહમાં પ્રવેશ્યા ત્યારે તેની છત પર કમળની પાંદડીઓનું [open lotus] કોતરકામ જોયું. મધ્યમાં શિવ અને તેની આસપાસ વિષ્ણુ, ઈન્દ્ર, ગણેશ, કાર્તિકેય અને દુર્ગાથી ઉર્જાવાન ગર્ભગૃહ ઉપરાંત મુખ્ય મંદિરની આસપાસની દેરીઓ પણ સૂર્ય, સરસ્વતી, વિષ્ણુ અને લક્ષ્મી પ્રતિમાઓથી પથ્થરમાં પ્રાણ પૂરી રહિ હતી. 



      ક્યાંક ફરફરતી લાલધજાના foregroundમાં Lintel Levelના કોતરકામને અડિને tilt થઈ ગયેલા ખડકો હતા તો ક્યાંક ખંડિત શિખરોને જીલવા સાથે જ લીલાછમ વૃક્ષો પણ જીલાય જતાં હતા. આ સાથે જ ઊંડો અભ્યાસ કરનારને ખબર પડે કે આ મંદિર પરિસરમાં રહેલ મંદિરોમાં મુખ્ય મંદિરનું શિખર અને તેની આસપાસની દેરીઓના ચાર નાના શિખરો કૈલાસ પ્રકારની સ્થાપત્ય શૈલી માફક એક સપ્રમાણ સમરુપતા રચી રહ્યા હતા.




    બૌધ્ધ, હિન્દુ અને જૈનોની મેરુ પર્વતની Mythologyથી પ્રેરીત થઈને ઘડેલા મંદિરોમાંના આ મંદિરોમાં પણ જાણે મુખ્ય મંદિરનું શિખર મેરુ પર્વત છે અને આસપાસના મંદિરોના શિખરો મેરુ પર્વત આસપાસની પર્વતમાળાઓ.પ્રતિકાત્મક રીતે ભારતીય cosmology રચતા મસરુરના આ મંદિરોના Mythical landscapeમાં હું તો તેના વક્રીય શિખરોને વૃક્ષોના backgroundમાં જીલવામાં એટલી વ્યસ્ત રહિ કે મંદિરનો એક સળંગ લેન્ડસ્કેપ કે મસરુર ગામનો sky view લેવો જ ભૂલી ગઈ.



      બાહ્ય દિવાલો, તેના ગવાક્ષો અને પ્રવેશદ્વારોના Lintel પર બારીક કોતરકામ અને વરાહ અને નરસિંહ અવતારના શિલ્પો લઈ ધબકતા આ ઈન્ડો-આર્યન શૈલીના મંદિરના ખંડિત અવશેષોમાં વરુણ, અગ્નિ અને અન્ય વૈદિક દેવી-દેવતાઓના શિલ્પો બારસો વર્ષના વાજડી-વરસાદ અને ઋતુઓની રમતના તડકા-છાયા જીલતા જ્યાં હતાં ત્યાં જ પોતાનું સત્વ-તત્વ લઈને ભારતીય સ્થાપત્ય કલાને ઉજાગર કરી રહ્યા હતા.



    Archaeological survey of Indiaના mounument of national importanceનું રક્ષણ પ્રાપ્ત કરીને બાર-બાર સદીઓથી હજારો અભ્યાસુઓના સ્પર્શથી જીવંત આ મંદિરમાં મેં અને મારી સહપ્રવાસી, પૂજાએ બે કલાક જેવો સમય પસાર કર્યો ત્યાં સુધી મે મહિનાની એ બપોરે પ્રવાસીઓની નહિવત અવર-જવર હતી કારણ કે આજથી છવ્વીસ વર્ષો પહેલા તો મસરુરનું આ રૉક કટ મંદિર પ્રખ્યાત તો નહોતું જ અને so-called પ્રવાસીઓ અહીં આવતા પણ નોહતા કારણ કે આ કોઈ picnic spot તો નહોતું જ અને તે ઉપરાંત પિર બિંદલી ઉતર્યા પછી HRTCની બસ હોય કે private taxi ગમે તેને અહીં પહોંચવા બે-ત્રણ કિલોમીટર ચાલીને ટેકરી ચડ્યા પછી જ મસરુરનો આ ખંડિત ખજાનો હાથ લાગતો.




    અમે આ પુરાતત્વિય ખજાનાને છેલ્લી બે કલાકથી એક્ષ્પ્લોર કરી રહ્યા હતાં અને એવામાં જમીનમાં ખોડેલા ત્રિશૂળ સાથેની પથ્થરની બે મૂર્તિઓ અને શિવલિંગના એક સંયોજનને તેની પાછળ રહેલા ખડક અને વૃક્ષ સાથે જીલ્યું ત્યારે એક જટાધારી બાવો મને અને પૂજાને ઘુરકી રહ્યો હતો તે અમે નોંધ્યું અને કદાચ તે એ જ બાવો હતો જેને અમે મંદિરના ગર્ભગૃહમાં પણ જોયો હતો.



    આ પ્રાચીન મંદિર મસરુર ગામથી તો ખાસ્સુ ઉપર હતું અને બપોરે એક વાગે ઝાડી-ઝાંખરા અને વૃક્ષો વાળી ટેકરી પર રેહલા આ મંદિરે મારી, પૂજા અને કિશોર વયના અહીંના એક લોકલ છોકરા સિવાય કોઈ નહોતું.બીજું કે કોલીજના પહેલા-બીજા વર્ષમાં અભ્યાસ કરતી પૂજા સંપૂર્ણ રીતે મારી જવાબદારી હતી એટલે આ બધું વિચારતા મારો ભય વધ્યો અને ભયના એ ઓથાર નીચે અમારી આગળ-પાછળ ફરતા એ બિહામણા જટાધારી બાવાની નજરથી છૂટવા અમે એ સન્નાટાથી ભારેખમ બપોરે જે કેડિએથી આવ્યા હતા તે કેડિ ઉતરવાની શરુ કરી. 



      કુલ એક-બે કિલોમીટરના, ટેકરીથી, નીચે ઉતરવાના ઢાળને બીકના માર્યા ઉતરતા ઉતરતા અમે પહેલી વાર પાછળ જોયું ત્યારે બાવો પાછળ આવતો દેખાયો હતો અને હાથમાં ક્યાંક તો હોવું જોઈએ એમ માની અમારી સુરક્ષા અર્થે અમે એ ખંડિત મંદિરનો ઈતિહાસ સાચવતા કેટલાક પથ્થરોમાંથી એકાદ-બે હાથમાં લીધા અને પાછળ જોયું તો કોઈ નોહતું. 




      થોડા હાશકારા સાથે ગતિ વધારીને અમે મોટા મોટા લાંઘા ભરતાં ભરતાં ઝાડી-ઝાંખરા વાળી કેડી ઉતરતા હતા ત્યાં એક જોરદાર ખળભળાટ થતાં જોયું તો મસરુરના મંદિરે બાવા સાથે જોયેલો કિશોર વયનો પેલો છોકરો અમારો પીછો કરતો સીધો short cutમાં અમારી સામે પ્રગટ થયો અને અમે બંને હેબતાઈને એકાદ-બે ધબકારા ચૂકિ  ગયા. 



      આસપાસ કોઈ ન દેખાય એવો હિમાલયની બપોરનો પથરાળ સન્નાટો અમને ઘેરીને એવો ઉભો હતો કે રાડ પાડો તો પણ કોઈ સાંભળે નહિ આથી મેં મારી વિવેકબુધ્ધિથી આગળનો  દૌર સંભાળવા એ છોકરા સાથે વાત કરવાની શરુ કરીને પરીસ્થિતિને એવી હળવી કરી કે દસમાં ધોરણની પરીક્ષા દઈને છુટો થયેલો તે છોકરો દોડતો દોડતો અમારી આગળ નીકળીને ગામ ભણી ભાગ્યો અને અમે પિર બિંદલીના બસ સ્ટોપે પહોંચી ઓલી ચોકલેટ-પીપરમેંટ અને પાણીની દુકાને પહેલો અને છેલ્લો પોરો લીધો, એકાદ cold drink પી અને પરસેવો લૂછ્યો, ધબક ધબક થતાં પારેવા જેવા હૃદયના ધબકારા ગોઠવ્યા અને થોડીવારમાં  ત્રણ વાગ્યા વાળી  ધર્મશાલા જતી બસ આવી અને અમે ફરી HRTCની બસમાં ચાલીસ-પિસ્તાલીસ કિલોમીટરનું પહાડિ અંતર કાપવા તૈયાર થયા..




     આ ઘટના પછી મને એવું થયું કે સ્ત્રી તરીકે એકલા ટ્રાવેલ કરીને આવી આઈસોલોટેડ archaeological site પર photography કરવી સહેલી નથી. સતત રહેતો શીલ-સત્વનો ભય ઓવરકમ કરી કામ કરવું પણ અઘરું છે અને આ તો બહાદૂર પૂજા મારી સાથે હતી પરંતુ solo travelling તો મારો એવો કોઈ cup નહોતો કે જેમાં હું પૂરી લિજ્જતથી ચા પી શકું. 




     આવા અનેક વિચારોમાં અમે ચીડના જંગલો, સર્પાકાર માર્ગો અને કાંગરા વેલીની સુંદરતાના સરવાળા જેવી ધૌલાધાર રેન્જને પણ મન-હૃદયમાં ધરી સંધ્યાકાળ પહેલા ધર્મશાલા પહોંચ્યા અને બા-સુભાષ સહિતના સહપ્રવાસીઓ સાથે ડિનર લઈને એક પરિવારની હુંફમાં સુઈ ગયા તે વહેલી પડે સવાર. 

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.