વર્ષ ૨૦૦૦ની ધર્મશાલા-મેક્લોડ્ગંજ સફર દરમિયાન લેખકે નામગ્યાલ મઠમાં તિબેટન બુદ્ધિઝમ, તાંત્રિક વિધિઓ અને મંત્રોચ્ચારનો પ્રથમ આધ્યાત્મિક સ્પર્શ અનુભવ્યો. ધૌલાધારની ગોદમાં માણેલો આ મેડિટેટિવ માહોલ અને મિનિ તિબેટની સંસ્કૃતિ તેમના ભવિષ્યના અગણિત હિમાલયન પ્રવાસો અને ફોટોગ્રાફીનું પ્રેરણાબિંદુ બન્યા.
વર્ષ ૨૦૦૦ના મે મહિનાના બીજા સપ્તાહ આસપાસની વહેલી સવારે સાડા ત્રણે ડેલહાઉઝીથી ધર્મશાલાનું ૧૩૦ કિલોમીટરનું અંતર હિમાચલપ્રદેશ પથ પરિવહનની બસમાં પસાર કરીને અમે તેર પ્રવાસીઓ સવારે સાડા આઠે હિમાચલપ્રદેશના winter capital ગણાતા ધર્મશાલા ગામમાં પહોંચ્યા.

આંખમાં ઊંઘ લઈને ઉતરેલા, સાઈઠ-બાસઠ વર્ષની મારી, બા સહિતના અમે સૌ પોત પોતાના સામાન સાથે એક સ્થળે ભેગા થઈ અગાઉથી જ મોટાભાઈ, સુભાષે બુક કરાવેલા નિવાસ સ્થાને પહોંચીને અગાસીએથી ધૌલાધાર રેન્જના દર્શન થાય તેવી હોટલમાં ચા-પાણી નાસ્તા પછી twin settlementમાં વિભાજીત ‘Dhasa’ નામે પણ ઓળખાતા ધર્મશાલાને explore કરવાનું શરુ કર્યું ત્યારે સમજાયું કે ધર્મશાલાના Upper અને Lower એવા બે settlementમાંથી અમે Lower ધર્મશાલામાં ઉતર્યા છીએ જે ૪,૫૨૭ ફુટની ઊંચાઈ પર છે અને ધર્મશાલાનો તે દુકાનો-બજારોથી ધમધમતો commercial વિસ્તાર છે.
ખેતી અને પ્રવાસન પર નભતા આ Hill stationમાં હ્યુ એન ત્સાંગ જેવા ચાઈનીઝ વિશ્વ પ્રવાસીની સુવાસ સાથે મહમદ ગઝની, ફિરોજ શાહ તઘલખ અને અકબરના આક્રમણના પ્રહારોનો ઈતિહાસ પણ હતો અને ધર્મશાલામાં પ્રવેશતાં જ ચીડના જંગલ વચ્ચે એક war memorial હતું જે કાંગરા વેલીના શહિદ થયેલા સૈનિકોના સ્મરણમાં એક ગમતી forest વૉકની મોકળાશ લઈને બેઠું હતું.

માતા વૈષ્ણોદેવી, ડેલહાઉઝી-ખજીયાર,ધર્મશાલા-મેક્લોડ્ગંજ, ભરમોર-મણિમહેશ, મનાલી-રોહતાંગ પાસ અને છેલ્લે દિલ્હી સુધીની આ લાંબી ટ્રાવેલ સર્કિટ મોટાભાઈ, સુભાષની આઈટીનરીની ઓથે ચાલતી હોવાથી તેમાં સવાર-સાંજ હિમાલયન વૉકનો ખૂબ ગમતો સમાવેશ તો હોય જ પરંતુ તિબેટન બુધ્ધિઝમ અને તેના તંત્ર-સૂત્ર સાથે જોડાયેલા સ્થળો પણ હોય જ કારણ કે બુધ્ધિઝમ અને તંત્ર-સૂત્ર સુભાષના અભ્યાસના વિષયો.
હિમાલયની કાંગરા વેલીના આ પ્રવાસ સાથે સાથે અભ્યાસુ જીવ લઈને પણ સ્થળ-કાળને અવલોકતા સુભાષની આંગળીએ આખી ટીમે પાણીનીએ ચોથી સદીમાં ઉલ્લેખેલા ધર્મશાલાના upper ધર્મશાલા વિસ્તારમાં પગ મુક્યો કે જે વિસ્તાર ૬,૦૦૩ ફુટની ઊંચાઈ પર હતો અને મેક્લોડ્ગંજ તરીકે ઓળખાતો હતો.

સવારે ચા-નાસ્તાનો ટેકો કરી ધર્મશાલાથી પાંચ કિલોમીટરના અંતરે રહેલા ધર્મશાલાના આ ‘Spiritual heart of Dharmshala’ ગણાતા ઉપનગરમાં પહોંચેલા અમે સૌ તિબેટન હેન્ડીક્રાફ્ટ, તિબેટન કાર્પેટ અને તિબેટન બુધ્ધિઝમ સાથે જોડાયેલી સોવેનિયર શોપથી સભર મેક્લોડ્ગંજને જોઈને MIni Tibetમાં હોવાની મીઠ્ઠી સંવેદનાઓને થપથપાવતા Upper Ravi river valley તરફની અને ચંબા જીલ્લા તરફની કેટલીક trekking trailsને પણ host કરતાં આ બૌધ્ધ ગામને ધારી ધારીને જોઈ રહ્યા હતા.
દુકાનો, ઘરો, પ્રવેશદ્વારો, પુલો અને પવિત્ર સ્થળો પર ફરફરતી રંગીન બૌધ્ધ ધજાઓ અને લીંબુપીળી અને મરુન શૉલ વીંટાળીને કોઈ કાફે કે કોઈ સોવેનિયર શોપ પર જોવા મળતા બૌધ્ધ સાધુઓથી સભર માહોલને cross કરતાં-કરતાં અમે ત્સુગલાખાંગ પરિસરમાં [Tsuglagkhng complex] પહોંચ્યા.

વર્ષ પર્યન્ત બરફાચ્છાદિત રહેતી ધૌલાધાર રેન્જના ખોળે તિબેટની બહારના સૌથી મોટા તિબેટન મંદિરને લઈને ઉભેલા આ વિશાળ complexને જોતા જ મેં એક-બે સંયોજનોને જીલ્યા અને ધોળાવેલી સફેદ દિવાલો, સફેદ ઝાલર સહિતની મેથ્યા પીળી બારીઓ, લાલ રંગના રંગ પટ્ટા પર કરેલા સફેદ ટપકા, ઢળતું સોનેરી roofing અને તિબેટન બુધ્ધિઝમના ધર્મ પ્રતિકોથી શોભતા ત્સુગલાખાંગ પરિસરમાં પ્રવેશ કર્યો ત્યારે એ મારો પ્રથમ બૌધ્ધ સ્પર્શ હતો અને તે સ્પર્શ મને તેના રંગોથી, તેના ધર્મ પ્રતીકોથી અને તેની Iconography એટલે મૂર્તિવિધાનથી આકર્ષિત કરી રહ્યો હતો.
આવા આકર્ષણની આંગળીએ અમે આ પરિસરમાં તિબેટન સંગ્રહાલય, Library of Tibetan works and Archives, કલાત્મક વસ્તુઓની તિબેટન સોવેનિયર શોપ અને ચૌદમાં દલાઈલામાના ઘર પર બહારથી નજર કરીને નામગ્યાલ બૌધ્ધ મઠના દ્વારે પહોંચ્યા.

૧૯૫૯માં તિબેટ અને લ્હાસા પર જે Communist Chinese આક્રમણ થયું એ વખતે ચૌદમાં દલાઈલામા, એક લાખ જેટલા તિબેટન્સ અને પંચાવન જેટલા નામગ્યાલ બૌધ્ધ સાધુઓ નેપાળ, ભુતાન અને ભારત જેવા પાડોશી દેશોમાં ભાગ્યા એ પછી His Highness ચૌદમાં દલાઈલામાએ ભારતના તત્કાલ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની પરવાનગીથી જે નામગ્યાલ બૌધ્ધ મઠ સ્થાપ્યો હતો તે બૌધ્ધ મઠ કે મંદિરના આંગણે બા-સુભાષ સહિત અમે સૌ ઉભા હતાં અને અહીં અનુસરાતા તિબેટન બુધ્ધિઝમના મરુન-મેથ્યા પીળા, સફેદ-લાલ અને ગળી ભૂરા જેવા ઘાટ્ટા રંગો અને તેમાં વણાયેલા નૃત્યો-મંડળો, મ્યુરલ્સ અને મુખોટાઓને અવલોકતા હતા.
Little Lhasa તરીકે પણ જાણીતા ધર્મશાલાના આ suburb ગણાતા મેક્લોડ્ગંજની નામગ્યાલ મોનેસ્ટરીના પરિસરમાં બૌધ્ધ ધર્મગ્રંથોનું scrolling ધરાવતાં અને પિત્તળ કે સોનાના વરખ પર ॐ मणिपद्मे हूँ આલેખેલા prayer wheelsને, અમારી સહિત અન્ય કેટલાક બૌધ્ધ સાધુઓ અને મુલાકાતીઓ પણ, ફેરવતાં હતા અને મે મહિનાની સવારને આ મંત્રના અનુરણનથી શુદ્ધ કરી રહ્યા હતાં.

નામગ્યાલ બૌધ્ધ મઠમાં રહેતા બસ્સો જેટલા નિવાસી સાધુઓની પીળી અને મરુન અવર-જવર અમારી આસપાસ વહેતી કોઈ હિમાલયન નદી માફક વહેતી હતી અને બૌધ્ધ તંત્ર-સૂત્રનો અભ્યાસ કરતાં જુવાન સાધુઓ અને ભારતમાં રહિ તિબેટન બુધ્ધિઝમના મુખ્ય ચાર પંથ કે lineageની practice કરતાં બૌધ્ધ monksના તગતગતા કપાળ અને તેજ મારતું તાલકું અમને સૌને તિબેટન બુધ્ધિઝમના રંગમાં રંગી રહ્યું હતું.
ફોટોગ્રાફીના કોઈ નિષેધ વગરના આ નામગ્યાલ બૌદ્ધ મઠમાં મેં એક-બે સાધુઓના વ્યક્તિચિત્રોને કચકડે મઢવાની હિમંત કરી અને મુખ્ય પ્રાર્થના ખંડમાં પ્રવેશ કર્યો. અમારી તેરની ટીમમાં મારા નાના ભાઈ જેવા ભરત-ભાવેશ અને મારી સહપ્રવાસી, આનલ વાઘેલા મેથ્યા પીળા અને મરુન રોબમાં મંડિત બૌધ્ધ સાધુઓના સમૂહને ઓળંગીને પ્રાર્થના ખંડમાં આવ્યા પછી પોત પોતાની રીતે બેસવા માટે સૌએ પ્રાર્થના ખંડનો એકાદ ખૂણો શોધી લીધો.

વજ્રયાયન બુધ્ધિઝમના વિધિ-વિધાનો અનુસરતા આ મઠના પ્રાર્થના ખંડની દિવાલો પર રેશમી કાપડમાંથી બનાવેલા થાંકા ચિત્રો લાઈનબંધ લટકતા હતા અને શાક્યમુનિ બુધ્ધની નવ મીટર ઊંચી સોનાના વરખ વાળી મૂર્તિ પ્રાર્થના ખંડની બરાબર મધ્યમાં રાજ કરતી હતી.આ બુધ્ધ મૂર્તિની આસપાસ નિર્વાણ પ્રાપ્ત કરનાર, મુક્તિ પ્રાપ્ત કરનાર અને પૂર્ણપુરુષોત્તમ ગણાતા અર્હતની દસથી વધારે નાની મૂર્તિઓ હતી જે ગર્ભગૃહના માહોલને meditative બનાવી રહી હતી.
નામગ્યાલ તાંત્રિક કોલીજ તરીકે પણ જાણીતા આ મઠમાં હું તો જાણે કેમેરા ખોળામાં લઈને બેસી ગઈ હતી પરંતુ મારી સહપ્રવાસી, નેહલ કે આનલ વાઘેલાએ અનેક હાથ અને મુગટ વાળા સૌમ્ય અને છટાદાર ચહેરાઓ ધરાવતી કલાત્મક મૂર્તિઓના ફોટા પાડ્યા.

કાલચક્ર, યમંતક, ચક્રસંવર, ગુહ્યસમાજ અને વજ્રકિલય જેવી તાંત્રિક practice કરતાં આ બૌધ્ધ મઠમાં ત્રિશુળ પર ખોપરીવાળુ આયુધ ધરાવતી પૂર્ણ આભૂષિત મૂર્તિ, તેનો મુગટ અને કોડી જેવી કલાત્મક આંખો વાળી પીત્તળની મૂર્તિઓનું મૂર્તિવિધાન એટલે કે Iconography તિબેટન બુધ્ધિઝમનો એક એવો meditative માહોલ રચી રહ્યું હતું જેમાં મઠના ગર્ભગૃહમાં મૌનમાં બેસવા સિવાયનો કોઈ બીજો વિચાર આવતો નોહતો.
થોડિવારમાં નામગ્યાલ મઠનો પ્રાર્થના ખંડ બૌધ્ધ સાધુઓની શિસ્તબધ્ધ હાજરીથી મઘમઘતો થયો અને એક સાથે ત્રીસ-ચાલીસ જેટલા બૌદ્ધ સાધુઓ મેથ્યા પીળી [Yellow ochre] શોલમાં હૂંફાતા મરુન રંગના લાંબા પટ્ટા પર દૈનિક પ્રાર્થના અને મંત્રોચ્ચાર અર્થે બેઠા.એ પછી ધૌલાધાર પર્વતમાળાના શ્વેત-ધવલ ખોળે ભગવાન બુધ્ધની આલીશાન imposing પ્રતિમા સમક્ષ વિધિ-વિધાનો અને મંત્રોચ્ચારનો પ્રારંભ થયો જેમાં કેટલાક કર્ણપ્રિય વાદ્યો અને તેના સૂર-તાલની અસરથી અમે સૌ બધુ ભૂલી પ્રાર્થના ખંડમાં જ ઘણુ બેઠા અને માઘણના દિવાઓના આછા અજવાળામાં પ્રકાશિત પ્રાર્થના ખંડના Meditative માહોલને અંદર ઉતાર્યો.

આવી રીતે મેક્લોડ્ગંજની આ નામગ્યાલ મોનેસ્ટરીમાં અમે જ્યારે તિબેટન બુધ્ધિઝમના વિધિ વિધાનો અવલોક્યા ત્યારે આનંદ એ હતો કે સુભાષના જીવનનો પણ એ સમયગાળો, કદાચ, એવો હતો કે તે ‘તંત્રવિદ્યા’ નામના પોતાના દળદાર પુસ્તક પર કામ કરી રહ્યો હતો એટલે મન-શરીરના રૂપાંતરણ અર્થે મંત્ર અને મુદ્રાનો સહારો લેતાં બૌધ્ધ સાધુઓ અને તાંત્રિક બુધ્ધિઝમ વિશે પૂછતા સુભાષે કહ્યું કે સૂત્ર એટલે ભગવાન બુધ્ધના [discourses] પ્રવચનોમાંથી ટૂંકા, સ્પષ્ટ અને અર્થપૂર્ણ સિધ્ધાંતને દર્શાવતા વાક્યો કે બુદ્ધના દાર્શનિક વિચારોનું સંક્ષિપ્ત સ્વરૂપ અને તંત્ર એટલે બુધ્ધના રહસ્યમય-ગૂઢ વિજ્ઞાન [esoteric science] સહિતના ઉપદેશો.

જ્યોતિષ વિદ્યા જેવી અન્ય અનેક બાબતોના મારા પોતાના જ્ઞાનકોષ જેવા સુભાષને આવું ક્યાંક ક્યાંક પૂછતાં કારવતા અમે સૌએ મેક્લોડ્ગંજના ત્સુગલાખાંગ પરિસરમાં સ્થિત નામગ્યાલ બૌધ્ધ મઠ નિરાંતે જોયો અને મોમોઝ, નુડલ્સ અને જીંજર લેમન ટી અને બેકરી શોપથી સભર મેક્લોડ્ગંજના સમગ્ર તિબેટન વાતાવરણ પર રાજ કરતી ધૌલાધાર રેન્જને અમે લીલા-પીળા, લાલ અને ગળી ભૂરા બૌધ્ધ prayer flagsના back dropમાં જોઈ અને જીલી.એટલું જ નહિ, ચીડના ઊંચા વૃક્ષો વચ્ચે રહેલા પીળા અને મરુન મકાનોની નગરી મેક્લોડ્ગંજ અને તેની તિબેટન બજારમાં પણ ખાસ્સો સમય પસાર કરી અમે ધર્મશાલા પાછા ફર્યા જે આ ઉપનગરથી માત્ર પાંચ કિલોમીટર જ દૂર હતું.

Indian Heritageની travel photographyમાં જંપલાવેલા મેં, એ સમયે મનોમન, હિમાલયમાં રહેલા અગણિત બૌધ્ધ મઠોની મુલાકાત માટે મન મક્કમ કરી લીધેલું અને આથી જ વર્ષ ૨૦૦૦ પછીના આ છેલ્લા છવ્વીસ વર્ષોમાં ચાર વખત લેહ-લડાખ, બે વખત ભુતાન, એક વખત અરુણાચલના તવાંગ જેવા વિશાળ બૌધ્ધ મઠ અને લાહૌલ-સ્પિતી વેલીના દસ-પંદર દિવસના પ્રવાસોમાં બૌધ્ધ સાધુઓ, બૌધ્ધ પ્રતિમાઓ, બૌદ્ધ સ્તુપો-ગોમ્પાઓ, બૌધ્ધ મઠોના ગર્ભગૃહોમાં રહેલા મ્યુરલ્સ અને થાંકાની photography તો કરી જ પરંતુ એ સાથે જ સિંધુ, શ્યોક, સતલજ અને પિનવેલીની પિન જેવી અન્ય અનેક નદીઓ, કારાકોરમ અને લડાખ જેવી પર્વતમાળાઓ અને અવલોકિતેશ્વરનું આવાહન કરતાં ॐ मणिपद्मे हूँ મંત્રના રંગીન prayer flagથી મન-હૃદયને શાતા આપતા લાહૌલ-સ્પીતિ અને સુરુ-ઝંસ્કર વેલીના ૧૩,૦૦૦ ફૂટ ઊંચા સ્થળો પણ explore કર્યા અને તે વખતે મને થયું કે The higher you climb, the greater you experience the world around you and within you too.
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.