Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

ગુજરાત રાજ્યની સ્થાપના બાદ પ્રથમ વિધાનસભા સત્રમાં ઉઠેલો ઐતિહાસિક પ્રશ્ન, પ્રોટેમ સ્પીકરનો નિર્ણય અને લોકશાહીની સંસદીય પરંપરાનો અનોખો પ્રારંભ.

       ૧૮ માર્ચ, ૧૯૬૦ના રોજ બોમ્બે વિધાનસભામાં મુંબઈ પુન:રચના ખરડો પસાર થયો. જે હેઠળ મહારાષ્ટ્ર- ગુજરાત અલગ રાજ્ય બન્યા. અલગ રાજ્યની તારીખ નક્કી થઈ ૧ મે,  ૧૯૬૦. તે દિવસ નજીક આવી ગયો. ૨૭મી એપ્રિલ, ૧૯૬૦ના દિવસે ગુજરાતના મંત્રીઓ ગુજરાત મેઇલથી બોમ્બેથી ગુજરાત આવવા  રવાના થયા.તે દિવસે રાજ્યના મુખ્યમંત્રી વાય.બી.ચવ્હાણ બોમ્બેમાં ન હતા પણ તેમના વતી અધિકારીગણ ત્યાં હાજર હતા. આ ઉપરાંત રાજ્યના (તે વખતે બંને રાજ્યના રાજ્યપાલ)  શ્રી પ્રકાસા ખુદ આ તમામ મંત્રીશ્રીઓને વિદાય આપવા રેલવે સ્ટેશને હાજર રહ્યા.ઘણા વર્ષો સાથે કામકરનારા નેતાઓ-અધિકારીઓએ એકબીજાને આગળના સમય માટે  શુભેચ્છાઓ પાઠવી. વિદાય લેતી વખતે વાતાવરણ થોડું ગમગીન થઇ ગયું. 

અલગ રાજ્ય બનતા હવે શૂન્યથી શરૂઆત કરવાની હતી. મહારાષ્ટ્રએ ગુજરાતને નવી રાજધાની માટે ૧૦ કરોડ રૂપિયા આપવાનું સ્વીકાર્યું હતું. તેથી નવા રાજ્યનું કામ હંગામી ધોરણે અમદાવાદથી શરૂ કરવામાં આવ્યું. અમદાવાદમાં આંબાવાડી વિસ્તાર ખાતે આવેલ પોલિટેકનિકના મકાનમાં ગુજરાતનું સચિવાલય શરૂ કરવામાં આવ્યું. અસારવા ખાતે નવી સિવિલ હોસ્પિટલમાં ગુજરાત વિધાનસભા બેસે તેમ નક્કી કરવામાં આવ્યું અને તે મુજબ તેમાં ફેરફાર કરવામાં આવ્યા.

ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રનો પ્રથમ દિવસ ૧૮ ઓગસ્ટ ૧૯૬૦ના રોજ નોંધાયો. પ્રથમ દિવસે ધારાસભ્યોની સોગંદવિધિ થવાની હતી.બીજા દિવસે એટલે કે ૧૯ ઓગસ્ટ,  ૧૯૬૦ના દિવસે રાજ્યપાલશ્રી દ્વારા ગૃહને સંબોધન કરવામાં આવનાર હતું. વિધાનસભાના સભ્યોની સોગંદવિધિ તથા અન્ય વૈધાનિક કાર્યો માટે સુરતના કલ્યાણજીભાઈ મહેતાને રાજ્યપાલશ્રીએ  કામચલાઉ અધ્યક્ષ (પ્રોટેમ  સ્પીકર) નિમ્યા હતા. શ્રી કલ્યાણજી મહેતાના નસીબમાં રાજ્યની વિધાનસભાના પ્રથમ પોઇન્ટ ઓફ ઓર્ડરનો નિર્ણય કરવાનું કદાચ લખાયેલું હશે. પ્રથમ તો આપણે પોઇન્ટ ઓફ ઓર્ડર શું છે તે સમજીએ.

વિધાનસભા ગૃહમાં કોઈપણ કામ કે પ્રવચન બંધારણના કોઈ અનુચ્છેદ, ગૃહના કોઈ નિયમ કે માન્ય પ્રણાલીથી વિસંગત જણાય તો ગૃહમાં હાજર રહેલ કોઈ પણ સભ્ય યોગ્ય સમયે ઊભા થઈને અધ્યક્ષશ્રીનું તે બાબતે ધ્યાન દોરે તેને પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો તેમ કહેવાય છે. તે સમયે  અધ્યક્ષશ્રીએ ગૃહમાં ચાલતું કામ - બાબત  થોભાવીને પોઇન્ટ ઓફ ઓર્ડર સંદર્ભે  તમામ પક્ષોને સાંભળીને પોતાનો નિર્ણય આપવાનો રહે છે. આ અંગે વિધાનસભાના નિયમોના નિયમ-૪૭માં જોગવાઈઓ કરવામાં આવી છે.

       ૧૮મી ઓગસ્ટ, ૧૯૬૦ના રોજ જ્યારે વિધાનસભાની પ્રથમ બેઠક મળી ત્યારે કાર્યકારી અધ્યક્ષશ્રી ગૃહમાં સભ્યોએ તેમને લેવાના શપથ- પ્રતિજ્ઞા બાબતે વાત કરી રહ્યા હતા. તે દરમિયાન ગૃહના સભ્ય બ્રહ્મ કુમાર  ભટ્ટે  પોઇન્ટ ઓફ ઓર્ડર  ઉઠાવ્યો. તેમણે ગૃહને જણાવ્યું કે  ભારતના સંવિધાન તથા સ્ટેટ રી- ઓર્ગેનાઈઝેશન એકટ તથા બ્રિટીશ પ્રણાલી મુજબ આ ગૃહના સભ્યશ્રીઓએ ફરીથી સોગંદ લેવાની જરૂર નથી. મહારાષ્ટ્રના સભ્યોએ નવેસરથી સોગંદ લીધેલ નથી. આ બાબતનો  બ્રહ્મકુમાર ભટ્ટે પોતાના સંસ્મરણોના પુસ્તક ત્યારે અને અત્યારેમાં પણ ઉલ્લેખ કર્યો છે (પાના નંબર-૧૬૩) મારી આ રજૂઆતથી સભાગૃહ ચમકી ગયું પરંતુ મેં પોતે ગુજરાતના ધારાસભ્ય તરીકે સોગંદ નહીં લીધેલા તેવું આપીને.અર્થાત તેમણે ગૃહના સભ્ય તરીકે હજું શપથ લીધેલ ન હોઇ તેઓ પોઇન્ટ ઓફ ઓર્ડર ન ઉઠાવી શકે. આ સંબંધે વિરોધ પક્ષના નેતા નગીનદાસ ગાંધી,  કાયદા મંત્રીશ્રી હિતેન્દ્ર દેસાઇ અને સભ્યશ્રી મહેન્દ્ર દેસાઇએ પોતાનો પક્ષ રજૂ કર્યો. અધ્યક્ષશ્રી એ તમામને સાંભળી અને પોતાનો નિર્ણય આપ્યો કે  ગુજરાતને તેના ભાગના સભ્યો ફાળવવામાં આવ્યા છે જ્યારે મહારાષ્ટ્ર રાજ્ય આગળ કાર્યરત હતું તે ચાલુ રહ્યું છે તેથી ત્યાંના સભ્યશ્રીઓએ  નવેસરથી સોગંદ ન લેવાના હોય પરંતુ આપણું આ રાજ્ય નવું રચાયું છે તેથી ગુજરાતના સભ્યશ્રીઓએ તો સોગંદ લેવાના જ રહેશે. આમ આપણા રાજ્યની વિધાનસભાના સભ્યશ્રી દ્વારા  ઉઠાવેલ પ્રથમ પોઈન્ટ ઓફ ઓર્ડરને અધ્યક્ષશ્રી દ્વારા નામંજૂર કરવામાં આવ્યો પણ એક સ્વસ્થ સંસદીય વ્યવસ્થાને ભાગરૂપે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવાનો આ પ્રારંભ હતો. જેનો ઉપયોગ રાજ્યની વિધાનસભામાં આજે પણ સભ્યશ્રીઓ દ્વારા થતો હોવાનું જોવા મળે છે. ​​​​​​​

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે