વર્ષ ૨૦૦૦ની ખજીયાર યાત્રાનું આ સંસ્મરણ દેવદારના વનો, મેઘધનુષી આકાશ અને ધૌલાધાર પર્વતમાળાના સાનિધ્યમાં પ્રકૃતિના ભવ્ય સ્વરૂપને આલેખે છે. લેખક અહીં કુદરતી સૌંદર્યની સાથે સમૂહજીવનની હૂંફ અને આધ્યાત્મિક ચિંતન દ્વારા ઈશ્વરના વિરાટ સ્વરૂપનો દ્રશ્ય-અહેસાસ ભાવુક શૈલીમાં વ્યક્ત કરે છે.
વર્ષ ૨૦૦૦ના મે મહિનામાં વડોદરાથી જમ્મુતાવીમાં બેસીને જમ્મુતાવીથી ચાલીસેક કિલોમીટર દૂર રહેલા કતરા કે કતરા હિલ્સ પહોંચેલા અમે તેર સહપ્રવાસીઓ કતરા પહોંચ્યાના બીજે દિવસે માતા રાની શ્રી વૈષ્ણોદેવીના દર્શન કરી ત્રીજી સવારે કતરાથી જમ્મુ-પઠાણકોટ થઈ ડેલહાઉઝી પહોંચ્યા.

મોટાભાઈ, સુભાષે ડિઝાઇન કરેલી આ વખતની ટ્રાવેલ સર્કિટમાં માતા વૈષ્ણોદેવી ઉપરાંત ડેલહાઉઝી, ધર્મશાલા, મેક્લોડ્ગંજ, ભરમોર અને મણીમહેશ જેવા ચંબા અને કાંગરા વેલીના સ્થળો હતાં અને એક પછી એક સ્થળોને સમૂહ જીવનની હૂંફમાં explore કરતાં કરતાં અમે એક સવારે ડેલહાઉઝીથી વીસેક કિલોમીટર દૂર રહેલા ખજીયાર જવા નીકળ્યા.

HRTC એટલે હિમાચલ પથ પરિવહન નિગમની બસમાં મારી બાસઠ વર્ષની બા, નીલાબા સહિતની અન્ય બારની ટીમ ગોઠવાયા પછી ડેલહાઉઝી-ચંબા રોડ પરથી ખજીયાર પહોંચેલા અમે સર્પાકાર માર્ગોની સફર તો માણી જ પરંતુ રાવી નદીના નીલમણી જળથી ભરેલા ચમેરા લેઈકના પણ દૂરથી દર્શન કર્યા અને ભારતના Mini Switzerland ગણાતા ખજીયાર પહોંચ્યા.

સ્વિત્ઝરલેન્ડ જેવી સ્થળાકૃતિ ધરાવતા અને દેવદારનાં ઊંચા-પડછંદ વૃક્ષોથી ઘેરાયેલા ઘાસના ખુલ્લા મેદાન વાળો grassy landscape જોતાં જ અમારી તેરની ટીમ ‘wow’ના interjectionમાં હિલોળા લેવા લાગી અને કોઈ જાતની પ્રવેશ ફી વગરના આ સ્થળના પોચા-પોચા spongy ઘાસ પર ખુલ્લા પગે ચાલવા લાગી.

અમારા સકળ સંઘે સૌ પ્રથમ તો એવરગ્રીન દેવદારથી ઘેરાયેલા ખજીયાર લેઈક તરફ પ્રયાણ કર્યું. એકદમ moderate ઊંચાઈ પર રહેલા આ ચિત્રમયી mid-altitude લેઈકમાં હિમાલયન ઘેંટા પાણી પીતા હતા તે જોઈને ખજીયારના grassland પર રહેલા ખજ્જીનાગ મંદિરે જઈ આ મંદિરના ગર્ભગૃહમાં રહેલી નાગ દેવતાની મૂર્તિઓના દર્શન સાથે મંદિરના લાકડાના કોતરકામ પર હાથ ફેરવી એક મૂળમાં, પાંચ પાંડવ અને એક દ્રોપદિ જેવા, છ થડ ધરાવતાં દેવદારના એવા દળદાર વૃક્ષ આસપાસની લીલા-પીળા રંગની બાંકડીઓ પર અમે બેઠા જે વૃક્ષ પાંચ પાંડવ વૃક્ષ તરીકે ઓળખાતું હતું.

કાલાટોપ વન્યજીવન અભયારણ્યનો ભાગ ગણાતો આ ખજીયાર લેઈક અને દેવદારના ઘટાટોપ વૃક્ષોથી ઘેરાયેલા grassland નજીકથી, કુલ ચૌદ કિલોમીટરનો, એક ડૈનકુંડ ટ્રેક હતો જેના શિખર ઉપરથી, જો દૂરબીન લઈને જોવો તો, ૨૧,૯૯૮ ફૂટ ઊંચા પવિત્ર કૈલાસ પર્વતના દર્શન થઈ શકે છે એવી અમને જાણ હતી પરંતુ અમે ડૈનકુંડનો આ ટ્રેક ન કર્યો પરંતુ ખજીયારની ત્રણ-ચાર કલાકની દેવદારથી ઘેરાયેલી આ લીલીછમ મુલાકાતમાં અમે પશ્વિમ હિમાલયની ધૌલાધાર પર્વતમાળાના ખોળે બહુ નિરાંતે રહ્યા, બાળકોને રમવાની નિસરણી પર લાઈનબંધ બેસીને ફોટા પડાવ્યા, ચા-નાસ્તો અને કોફી પીધી અને હિમાલયન પ્રદેશોમાં બુગ્યાલ એટલે લીલાછમ ઘાસના મેદાનો કેવા હોય છે તેના સ્વાનુભવ પછી ફરી એક સ્થળે ભેગા થયા ત્યારે સુભાષે એક જાહેરાત કરી કે બીજે દિવસે આપણે આ ખજીયાર આસપાસના પુખરી, રોટા, લક્કર અને નાના ખજીયાર નામના ગામોમાંથી એકાદ ગામમાં એક રાત બે દિવસ રહેવા આવીએ છીએ.
અચાનક થયેલી આવી જાહેરાતની આનંદની છોળ વચ્ચે અમે સુંદર તળાવ, લીલાછમ ગોચર અને જંગલની ત્રિવિધ ecosystemના માલિક ખજીયારની રજા લીધી અને આખી ટીમ એવા હરખમાં ખજીયારથી ડેલહાઉઝીની લોકલ બસમાં બેઠી કે કાલે સવારે આપણે ધૌલાધાર રેન્જની તળેટીમાં રહેલા સૌંદર્યથી સભર પઠાર [Plateau] આસપાસના જ એક હિમાચલી ગામડામાં રહિ હિમાચલના સ્થાનિક લોકોની જીવનશૈલી અને ઘર-ખોરડાને explore કરવા સાથે સાથે ૬,૫૦૦ ફૂટની મોડરેટ ઊંચાઈ પરથી હિમાલયની પશ્વિમી પર્વતમાળાના દર્શન કરવાના છીએ. સાંજ-સવાર સુભાષ સર સાથે હિમાલયન વૉક સાથે હિમાલયની અઢળક વાતો સાંભળવાના છીએ અને ઘરેથી લાવેલા નાસ્તા સાથે ચા-કોફીની મન પડે ત્યારે અને મન પડે એટલી આવૃતિમાં મોજ કરવાના છીએ.

સુભાષ જેવા હિમાલયપ્રેમી શિક્ષક સાથેનું તેના મિત્રો જેવા વિદ્યાર્થીઓનું સમૂહ જીવન પ્રવાસના આવા કેટલાક રસપ્રદ outdoor વર્ગો સાથે એવું ચાલ્યું કે અમે સૌ બીજી સવારે ડેલહાઉઝીથી ખજીયાર પાસેની એક નાના ગામની હોટલ કે ગેસ્ટ હાઉસમાં ઉતારો લીધો અને લંચ પછીની બપોરના હજી તો અઢી-ત્રણ વાગ્યા હશે ત્યાં ભર બપોરે વાદળા ઘેરાણા, અંધારું છવાયું અને વાદળાના ગેબી ગડગડાટ સાથે એવો વરસાદ વરસ્યો કે હિમાલયના આ વરસાદી મિજાજને જોવા અમે સૌ બારી-બાલ્કનીમાં ગોઠવાય ગયા અને વરસાદ થંભ્યા પછી નીકળેલી સોનેરી તડકીને જોવા માટે અમારામાંના એક-બે જે અગાસીએ પહોંચેલા તેણે સૌને સાદ પાડ્યો કે મેઘધનુષ જોવું હોય તો સૌ અગાસીમાં આવો.

બસ, આટલા સાદની જ રાહ હતી અને તરત જ બા સહિતના સૌ ઉત્સાહિઓ અગાસીએ પહોંચ્યા ત્યારે અમારી અગાસી સામે દેખાતા વૃક્ષાચ્છાદિત લીલાછમ પર્વતો પર મેઘધનુષનો સપ્તરંગી પટ્ટો અમારી રાહમાં હતો અને વરસાદ પછી ખીલેલી સાંજનો પ્રજ્ઞાવાન પીળો પ્રકાશ નજર સમક્ષ રહેલા પર્વતો પર છવાયેલો હતો.અમારી સમક્ષ છવાયેલા પર્વતો કોઈ પ્રાકૃતિક ઘટનાના સ્પર્શ પછી બુધ્ધત્વ પામ્યા હોય તેમ ઝળહળી રહ્યા હતાં અને એ બુધ્ધત્વના સાક્ષી સમા અમે સૌ એ ઝળહળતી પરમ જ્યોતને, એ પ્રકાશ પર્વને એક ધ્યાને નિરખી રહ્યા હતાં.

આવી બ્રહ્મરૂપ ક્ષણોને અગાસીએથી નિરખતા મને વૃક્ષોથી આચ્છાદિત પર્વતો પર પ્રકાશ પર્વના એવા અજવાળા દેખાતા હતા જાણે લીલી ઓઢણી ઓઢેલી કોઈ સ્ત્રી તાજ્જી સ્નાન કરીને મેઘધનુષના સપ્તરંગી સાનિધ્યે પ્રકાશમાં ટટ્ટાર ઊભી રહિ અમને કહેતી હોય કે હું હિમાલય પુત્રી છું, હું હિમાલયની પર્વતમાળા છું.

ખજીયાર નજીક ધૌલાધાર પર્વતમાળાના ખોળે રહેલા ગામડાની એ સ્વર્ગીય સાંજે દૂર સુધી પથરાયેલી પર્વતમાળાના ઉતાર-ચડાવ વાળા ઢોળાવ પર છાયા-પ્રકાશની જે સરગમ રચાઈ હતી તેમાં પર્વતો અને ટેકરીઓનું અને તેનું સૂર્ય સમક્ષ હોવા-ન હોવાનું જે overlapping રચાયું હતું તેને લીધે મને એ પર્વતોના અનેક layers મળ્યા. પ્રકાશની હાજરીમાં પર્વતમાળાના અનન્ય intersectingથી સમાન વિષયનું છેદન પણ કેવું રૂપ-સ્વરૂપ રચી શકે છે તે મેં નજરે જોયું અને કોને એક બાજુથી બીજી બાજુ સુધી વિસ્તરવું, ફેલાવું કહેવાય તેવી હિમાલયન spanningની દ્રશ્ય-દ્રશ્ય ઘટનાને અને તે ઘટનાના સ્તરો-લય સ્તરોની પાછળ સર્વોપરી રીતે રાજ કરતાં ક્ષણિક ખેલના માલિક એવા મેઘધનુષને મેં સત્વરે જીલ્યું.

આકાશ અને પૃથ્વીના કેનવાસ પર ઈશ્વરે રચેલી આ કૃતિને નિરખવા અગાસીની પ્લાસ્ટર વગરની રફ પેરાપેટને અડીને અવાચક ઉભેલા અમે સૌ, ધીમે ધીમે સાંજ સંધ્યાકાળમાં ગૂંથાણી અને દૂર ખજ્જી નાગના મંદિરે આરતી થઈ ત્યાં સુધી, હિમાલયન સાંજના એ વરસાદી માહોલને અસ્ત થતાં જોઈ રહ્યા અને ત્યાં જ એક એક ચા-કોફી ચડાવીને હિમાલય કેવો રહસ્યમયી છે અને કેવા કેવા સાધકો અને અઘોરીઓ પણ આ વિશાળ હિમાલયના ખોળે જીવે છે તેની વાતો કરતાં મોટા ભાઈ, સુભાષને સાંભળતા રહ્યા.

તે ક્ષણે આખી ટીમે સુભાષના સાનિધ્યે હિમાલય જેવા બૃહદ વિષયનો જાણે એક વર્ગ ભર્યો જેમાં હિન્દી સાહિત્યમાં પ્રવાસ વૃતાંતના મહારથી રાહુલ સાંકૃત્યાયને વર્ણવેલો હિમાલય હતો, પશ્ચિમી પ્રવાસી અને હિમાલય પ્રેમી, Bill Aitkenના દળદાર પુસ્તક, ‘The Nanda Devi Affairs’માં વર્ણવેલા આધ્યાત્મિક હિમાલયની હૂંફ હતી અને સુભાષની પોતાની વર્ષોની હિમાલય યાત્રાનો અર્ક તો સૌને સ્પર્શતો એવો ઉઘડતો રહ્યો કે જગતપિતા હિમાલયના એ સ્પર્શે ભીના થયેલા અમે સૌ થોડીવાર પછી ગરમ-ગરમ ખીચડી-શાકનો સાદ પડ્યો ત્યારે એક પરિવાર માફક અગાસીએથી નીચે ઉતરી diningના દરવાજે પહોંચ્યા અને થયું કે હિમાલયન ભૂપ્રદેશ અને તેની પરના આકાશના વિશાળ કેનવાસ પર સતત અવનવા અને અનન્ય ચિત્રો રચતો આ ચિત્રકાર કોણ છે અને તે ક્યાં રહે છે? શું છે તેનું સ્થાયી રૂપ-સ્વરૂપ અને શું છે તેનું સરનામું? આવા અનેક પ્રશ્નોનો એક જ જવાબ હતો કે એ તો દ્રશ્ય અને દ્રષ્ટાને સાક્ષી ભાવે જોતો એ જ આત્મા-પરમાત્મા અને ઈશ્વર જે આપણા સૌમાં હાજર અને છતાં સૌથી અલિપ્ત.....
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.