૧૯૭૩ના વિમાન અકસ્માતમાં શહીદ થયેલા કેન્દ્રીય મંત્રી મોહન કુમારમંગલમે પોતાની કાયદાકીય સૂઝબૂઝ અને મજૂરો પ્રત્યેની સહાનુભૂતિ દ્વારા કોલસા ઉદ્યોગના રાષ્ટ્રીયકરણમાં સીમાચિહ્નરૂપ ભૂમિકા ભજવી હતી. તેમની અનોખી કાર્યશૈલી અને રાષ્ટ્રપ્રેમની ગાથા આજે પણ તેમની પ્રિય 'પાર્કર' પેન સાથે જોડાયેલી છે.
૩૧ મે, ૧૯૭૩ના રોજ ઇન્ડિયન એરલાઇન્સની એક ફ્લાઇટ ચેન્નઈથી નવી દિલ્હી આવી રહી હતી.નવી દિલ્હીના પાલમ એરપોર્ટથી પાંચ કિલોમીટર દૂર જ આ પ્લેન ક્રેશ થઈ ગયું. તેમાં એક કેન્દ્રીય મંત્રી સહિત ૪૭ લોકોનું અવસાન થયું. મૃતકોની ઓળખ કરવી પણ અઘરી થઈ પડી પરંતુ આ કેન્દ્રિય મંત્રીની ઓળખ સમી ‘પાર્કર’ પેન તથા તેમના હિયરીંગ એઇડથી તેમની ઓળખ કરવામાં આવી. દુર્ભાગ્ય એ કે જે પેનથી તેમણે કોલસા ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કરવાનું કામ પાર પાડ્યું હતું પણ તેના પરિણામો જોવા માટે તેઓ હયાત ન રહ્યા. આ મંત્રી એટલે સુરેન્દ્ર મોહન કુમારમંગલમ કે જેઓ ૧૯૭૧થી ૧૯૭૩ દરમિયાન ઇન્દિરા ગાંધી સરકારમાં કેન્દ્રીય સ્ટીલ અને ખાણ મંત્રી હતા.
મૃત્યુ સમયે તેમની પાસે રહેલી અને તેમની ઓળખ બની ગયેલી પેનથી તેમણે કઈ રીતે કોલસા ક્ષેત્રનું રાષ્ટ્રીયકરણ કર્યું તે જાણવું રસપ્રદ છે.આ પેન એટલે કે તેમની દુરદ્રષ્ટી. આ રાષ્ટ્રીયકરણ પાછળ કેન્દ્રીય મંત્રી કુમારમંગલમ કેટલા કટિબદ્ધ હતા. સક્રિય હતા. તે અંગે તે સમયે તે મંત્રાલયમાં નાયબ સચિવ રહી ચૂકેલા આઈ.એ.એસ. અધિકારી પ્રતિપ લાહિરીએ પોતાના પુસ્તક પર ‘અ ટાઇડ ઇન ધ અફેર્સ ઓફ મેન’માં લખ્યું છે કે મંત્રીશ્રી એ પોતે કોલસા ક્ષેત્રના રાષ્ટ્રીયકરણની ફાઇલમાં પોતાના હસ્તાક્ષરથી વિગતવાર નોંધ લખી હતી.(ઘણા ઓછા મંત્રીશ્રીઓ ‘પોતાની’ રીતે સ્વતંત્ર નોંધ લખવામાં માનતા હોય છે.) અને તેમાં જે ખાણોનું રાષ્ટ્રીયકરણ કરવાનું હતું તેના માલિકોને જે રકમ આપવાની જોગવાઇ કરવાની હતી તેની ફોર્મ્યુલા તેમણે જાતે બનાવી હતી. આ રાષ્ટ્રીયકરણ અંગેનો કાયદો સસંદમાં લાવવાનો હતો ત્યારે મંત્રીશ્રીએ આ અંગેના ખરડા(બીલ)માં સમજપૂર્વક ‘વળતર’ શબ્દ ટાળીને ‘રકમ’ શબ્દ લખ્યો હતો કેમ કે કાયદાકીય રીતે જ્યારે આ બાબતો જોવાતી હોય છે ત્યારે ‘વળતર’ શબ્દને બજાર કિંમત સાથે સાંકળવામાં આવતી હોય છે અને તે રીતે સરકારે વળતર તરીકે વધુ રકમ ચૂકવવાની થતી હોય છે. મજૂર તરફની સહાનુભૂતિ રાખતા તથા પોતે ૧૯૬૬-૬૭માં તમિલનાડુ રાજ્યના એડવોકેટ જનરલ રહી ચૂકેલા કુમારમંગલમએ પોતાના અનુભવનો સંપૂર્ણ ઉપયોગ કરીને સિફતપૂર્વક તેમાંથી રસ્તો આ રીતે શોધી કાઢ્યો. વધુમાં આ કોલસાની ખાનગી ખાણોએ ચૂકવવાના થતાં બાકી લહેણામાં પણ તેમણે કાળજીપૂર્વક મજુરોના લહેણાને બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓના બાકી લહેણા કરતાં પ્રાથમિકતા આપી.મંત્રી તરીકે તેમણે ઘણી જ સજાગતાથી કામ કર્યુ તે જોઇ શકાય છે.
મજૂરો માટે હમદર્દી રાખતા કુમારમંગલમ વૈચારિક રીતે કમ્યુનિસ્ટ હતા. તેમણે પોતાના રાજકીય જીવનનો પ્રારંભ પણ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી(સી.પી.આઇ)થી કર્યો હતો. રાજનીતિ તેમને વારસામાં મળી હતી. તેમના પિતા પરમાસિવન સુબ્બારાયન કે જેવો મૂળે જમીનદાર હતા તેઓ આઝાદી પહેલા મદ્રાસ પ્રેસિડેન્સીમાં મુખ્યમંત્રી ,આઝાદી બાદ કેન્દ્રીય મંત્રી અને રાજ્યપાલ જેવા મહત્વના પદો સાંભાળી ચૂક્યા હતા. કુમારમંગલમ ૧૯૬૭માં કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.
૧૯૭૦ના દાયકામાં રાષ્ટ્રીયકરણનો પવન ફૂંકાયો હતો. ૧૯૬૯માં ખાનગી બેન્કો તથા ૧૯૭૨માં ૧૦૬ જેટલી વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ ઇન્દિરા ગાંધી સરકારે કર્યું હતું. હવે વારો હતો કોલસા ક્ષેત્રનો.
તે સમયે દેશમાં ‘ કોકિંગ કોલ’ (જેમાં કાર્બનનું પ્રમાણ વધુ હોય છે.) નો જથ્થો મર્યાદિત હતો તેથી તેનું કાળજીપૂર્વક ખનન કરવાની જરૂર હતી. પરંતુ ખાનગી કંપનીઓ તે મુજબની કાળજી લઈ રહી ન હતી. સરકાર દ્વારા નાના કોલ યુનિટને ભેગા કરી મોટા યુનિટમાં ભેળવવાની કામગીરી પણ નિષ્ફળ રહી હતી. વધુમાં, ખાનગી કંપનીઓ દ્વારા જે રીતે કોકિંગ કોલ કાઢવામાં આવતો હતો તેનાથી તેના જથ્થા અને ખાણને નુકસાન પહોંચતું હતું. ખાસ કરીને આવા કારણોસર કોલસા ક્ષેત્રનું રાષ્ટ્રીયકરણ કરવાનું તત્કાલિન સરકારે મન બનાવ્યું.
તેમાં બે તબક્કે રાષ્ટ્રીયકરણ થયું. ૧૯૭૧-૭૨ માં ‘કોકિંગ કોલ’ ની ખાણોનું જ્યારે ૧૯૭૩માં ‘નોન કોકિંગ’(જેમાં કાર્બનનું પ્રમાણ ઓછુ હોય છે.) ખાણોનું રાષ્ટ્રીયકરણ થયું. ‘કોકિંગ કોલ’ લોખંડ, સ્ટીલ બનાવવા વપરાય છે જ્યારે ‘નોન કોકિંગ કોલ’ થી વીજળી ઉત્પન્ન થાય છે. આપણા દેશમાં ‘કોકિંગ કોલ’ની માત્રા ઓછી હોઇ તેને બહારથી આયાત કરવામાં આવે છે.કોલસા ક્ષેત્રનું રાષ્ટ્રીયકરણ કરવાના મહત્વના નિર્ણયમાં તત્કાલિન કેન્દ્રીય સ્ટીલ અને ખાણ મંત્રીએ અંગત રસ લઇ જે કામગીરી કરી તે નમૂનેદાર હતી.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે