લેખિકાએ ૨૦૦૦ની સાલમાં તેર સભ્યોની ‘જોવિયલ’ ટીમ સાથે વૈષ્ણોદેવીથી ડેલહાઉઝી સુધીનો પ્રવાસ વર્ણવ્યો છે. જેમાં હિમાલયનું રોદ્ર હવામાન, ધૌલાધારની ગિરિમાળાઓ, ડેલહાઉઝીનું ઐતિહાસિક સ્થાપત્ય અને પ્રવાસના સાથીદારો વચ્ચેનો સ્નેહ પ્રકૃતિ અને માનવીય સંબંધોના સુંદર તાણાવાણે ગૂંથાયેલો જોવા મળે છે.
વર્ષ ૨૦૦૦ના મે મહિનામાં મોટાભાઈ, સુભાષે ગોઠવેલી Travel circuit ચંબા અને કાંગરા વેલીને કવર કરતી પ્રથમ માતા વૈષ્ણોદેવી થઈને પછી ડેલહાઉઝી, ખજીયાર, ધર્મશાળા-મેક્લોડ્ગંજ, ભરમોર અને મણિમહેશ જવાની હતી.મારા સહપ્રવાસીઓની ટીમમાં મારી સહિત અમે તેર જણા હતા. આ તેરની એકદમ Jovial companyમાં સૌથી મોટી મારી બા, નીલાબા જે બાસઠ વર્ષની હતી અને પછીની સળી-સંચા ગેંગમાં મારી favourite student પૂજા ગાંધી હતી અને બાકિના નવ સહપ્રવાસીઓમાં સુભાષના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ હતા જે સૌ પરિવારના સભ્યો જેવા જ હતા અને કોઈ Mechanical Engineering તો કોઈ B A with Home Scienceમાં, કોઈ અંગ્રેજી સાહિત્યમાં સ્નાતક તો કોઈ professional photographyમાં જંપલાવેલ બંદાઓ હતાં.

સુભાષની ટેવ મુજબ એક કાગળ પર દોરેલા ગ્રાફ સહિતની સુવ્યવસ્થિત ગોઠવેલી આઈટીનરીથી અનન્ય આ અઢારેક દિવસના સમૂહ પ્રવાસમાં મારી, સુભાષ અને બા સિવાયના સૌ કોલીજ કાળમાંથી પસાર થતી જુવાન પેઢી હતી અને એટલે જ આ પ્રવાસ અફાટ દરિયાના લય હિલ્લોળ જેવો આનંદમય રહ્યો જેમાં હસી-ખુશી, ગીત-ગમ્મત અને મુશ્કેલીઓને હસતાં-રમતા સ્વીકારી લેવાની એક પ્રવાસી spirit હાજરા હજૂર હતી.

બે કમ્પાર્ટમેન્ટ રોકિને વડોદરાથી ચારેક રાજ્યો cross કરીને કતરા પહોંચેલા અમારું સૌથી પહેલું ગંતવ્ય તો જમ્મુ-કાશ્મીરમાં સ્થિત માતા રાની વૈષ્ણોદેવી મંદિર હતું જે હિમાલયમાં પગપાળા યાત્રા કોને કહેવાય અથવા ઊંચાઈ પર રહેલા પ્રદેશોનું પ્રાકૃતિક સૌદર્ય શું હોય છે તેનો સ્વાનુભવ લેવાના પવિત્ર ભાવથી પ્લાન થયેલું હતું.

શ્રી માતા વૈષ્ણોદેવીની યાત્રા જ્યાંથી શરુ થાય છે તે કતરા ઉધમપુર જીલ્લાનું નાનકડું ગામ અને વૈષ્ણોદેવીથી બાર-તેર કિલોમીટર દૂર એટલે અમે તો અમારા બુકિંગ મુજબ વૈષ્ણોદેવી ભવનમાં જ ઉતરેલા અને બીજી સવારે મારી સિવાયના સૌએ તેર-ચૌદ કિલોમીટરની યાત્રા કરી જેમાં બા માટે પાલખીની સવારી હતી અને મેં તો ૧૯૮0-૮૧માં મારા શ્રીનગર સ્કાઉટ-ગાઈડ કેમ્પ દરમિયાન આ યાત્રા કરેલી એટલે બીજી વાર માતા રાનીના મહિમાવાન દર્શન કરવા નોહતી ગઈ.

સંધ્યાકાળ સુધીમાં ટ્રેક કરીને પાછી આવેલી આખી ટીમ ઠુંગાતા પગે અમારા નિવાસ સ્થાને આવી અને સાંજનું ભોજન સમયસર પૂર્ણ કરી અમે સૌએ તો વૈષ્ણોદેવી ભવનની બીજા માળની લોબીમાં લાઈનબંધ ગાદલા પાથર્યા અને થાક પછીની નિંદરને શરણે ગયા.બરાબર ઘેરી ઊંઘમાં હતાં અને રાત્રે અચાનક વાવાઝોડા જેવો સુસવાટા મારતો પવન ફુકાણો અને વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદે અમને સૌને ઉઠાડી દિધા.

પાંચ હજારને બસ્સો ફૂટની ઊંચાઈએ જે મેઘ તાંડવ રચાણું તેમાં સૌ પ્રથમ તો જાલીમ પવનમાં બધું ઉડવા માંડે અને વાછટમાં ગાદલા ભીના થાય એ પહેલા જ અમે તેને રૂમમાં નાખ્યા અને પછી આવી ઘનઘોર મેઘલી રાતે અમે સૌ અવાચક થઈને આ મેઘ તાંડવ જોવા લોબીમાં ઉભા રહી ગયા.
સુભાષ સિવાય અમારામાંથી મોટા ભાગનાને હિમાલયના આ રોદ્ર સ્વરૂપનો પ્રથમ સ્પર્શ હતો અને રોમાંચ તો એટલો હતો કે અમે સૌએ સુભાષ પાસે હિમાલયમાં અચાનક થતા હવામાનના આવા અલટા-પલટાની વાતો સાંભળી અને મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતીના હાજરા-હજૂર અવતાર સમી દેવી માતા વૈષ્ણોદેવીના સાનિધ્યે અને વિજળીના ધ્રુજાવી દે તેવા ચમકારા વચ્ચે ભારતની આ શક્તિપીઠના અને ત્રિકૂટ પર્વતના ઉર્જાવાન માહોલને અમે મોડે સુધી માણ્યો.
બીજે દિવસે સવારે અમારે માતા રાની વૈષ્ણોદેવી જ્યાં બિરાજમાન છે તે બ્રહ્માના ઘર ગણાતા મેરુ પર્વત કે મહામેરુ પર્વત આસપાસ રહેલા કુલ વીસમાંના એક એવા ત્રિકૂટ પર્વતને છોડીને ચંબા વેલીમાં સ્થિત ડેલહાઉઝી જવાનું હતું.

ભગવત પુરાણ મુજબ ૧૦,૦૦૦ યોજનની ઊંચાઈ વાળા ઉર્જાવાન ત્રિકૂટ પર્વતની હુંફને છોડીને જવાનું મન તો નોહતું પરંતુ સકળ સંઘે સામાન બાંધ્યો અને કતરાથી બસ્સો કિલોમીટરના અંતરે રહેલા ડેલહાઉઝી પહોંચવા HRTCની express બસમાં અમે તેર સહપ્રવાસીઓ ગોઠવાણા. કતરાથી જમ્મુ-પઠાણકોટ થઈને ડેલહાઉઝીની આ રોડ ટ્રીપ કુલ ૨૩૦ કિલોમીટરની હતી જેમાં અમે સર્પાકાર રસ્તાઓ, નદી-પહાડો, વૃક્ષો અને નવ-નવ કિલોમીટર લાંબી ટનલ પસાર કરી અને એકદમ લાંબા આ હિમાલયન રૂટને મનભરીને જોયો ક્યારેક સેવ-મમરા તો ક્યારેક ખારી સિંગ કે ઘરે બનાવેલી સુખડીની મોજ સાથે.
કતરાથી ડેલહાઉઝીના આ રૂટ પર જમ્મુ-કાશ્મીર અને પંજાબની સરહદ પર આવેલી રાવી નદી પરનો ૧૬૦ મીટરનો High concrete gravity ધરાવતો રણજીત સાગર ડેમ એ વખતે under construction હતો અને કઠુઆ અને પઠાણકોટથી ખૂબ નજીક હતો.

એકાદ-બે હોલ્ટ પરના ધાબે ચા-પાણી અને ભોજન પછી સાત-આઠ કલાકે ડેલહાઉઝી પહોંચેલી અમારી ટીમે હિમાચલપ્રદેશના ચંબા જીલ્લામાં આવેલા ડેલહાઉઝીમાં પગ મુક્યો ત્યારે બપોરના ત્રણ-ચાર થયા હતા અને આગલે દિવસે માતા રાની વૈષ્ણોદેવી સુધી કરેલા તેર-ચૌદ કિલોમીટરના ટ્રેક પછીની આ સાત-આઠ કલાકની બસની મુસાફરી પછી સૌ જકડાઈ ગયેલા પગે બસમાંથી ઉતર્યા અને અડધી ઊંઘરેટી સ્થિતિમાં પોત પોતાનો સામાન લઈ એક જગ્યાએ ભેગા થયા અને અમારા બુક કરાવેલા નિવાસ સ્થાને પહોંચ્યા.
આમ તો સુભાષ સાથે નાના-નાના પ્રવાસોમાં કેળવાયેલી આ જુવાન ટીમને એક સારા ભોજન અને ઊંઘની જ તાતી જરૂર હતી અને એ મળ્યા પછી અમે બીજી સવારે ૬,૪૬૦ ફુટની ઊંચાઈ પર રહેલા અને બ્રિટીશ ઈન્ડિયા વખતના ગર્વનર જનરલ Earl of Delhousieના નામ પરથી ડેલહાઉઝી નામથી ઓળખાતા આપણા હિમાચલી હિલ સ્ટેશનને explore કરવાનું શરુ કર્યું.

વર્ષના નેવું દિવસ પોતાની solid surface પર બરફના થર લઈને શ્વસતું આ હિલ સ્ટેશન મે મહિનામાં તો સવારની તડકિમાં એકદમ ચમકતું હતું. નૈનિતાલ માફક જ્યાં આપણા રહેવા-જમવાની જગ્યાઓ માટે પણ હાંફી જઈએ એટલું ચઢાણ-ઉતરાણ કરવું પડે તેવા પર્વતીય ડેલહાઉઝીમાં અમે રહ્યા એટલા દિવસ ગમતી walk લઈને ડેલહાઉઝી આસપાસ પથરાયેલી ધૌલાધાર પર્વતમાળાને ક્યારેક કોઈ વ્યૂ પોઈન્ટ પરથી તો ક્યારેક ઊંચી અગાસીએથી જોઈ અને જોયા જ કરી.
Outer હિમાલયની દક્ષિણ તરફની આ પર્વતમાળાનું સ્વરૂપ બરફાળ તો ખરુ જ પરંતુ ખડકાળ અને ખરબચડું પણ ખરુ કારણ કે તેનું ભૂસ્તરિય સ્વરૂપ જ ગ્રેનાઈટ જેવા બરછટ અને દાણા-દાણા વાળા ખડકોનું બનેલું, લાઈમસ્ટોન જેવા ચૂનાના પથ્થરનું પોત લઈને જીવતું અને સ્ફટિક તથા અબરખ જેવું પારદર્શક પણ ખરું.

અમે સૌએ હિમાચલપ્રદેશની ઉત્તર-પશ્ચિમે ડેલહાઉઝીથી શરુ કરીને દક્ષિણ-પૂર્વમાં કુલ્લુમાં વહેતી બિયાસ નદી સુધી પથરાયેલી આ ઊભા ચઢાણવાળી અને કઠોર છતાં કામણગારી પર્વતમાળાને સવારના ધુમ્મસમાં અને સૂર્યોદય-સૂર્યાસ્તના સૂર્યપ્રકાશે નિરખ્યા કરી અને ડેલહાઉઝીની કોઈ પાળ કે પેરાપેટ પર લાઈનબંધ બેઠેલા કે ઉભેલા અમે બાર, આજન્મ પ્રવાસી એવી, બાના સાનિધ્યે હિમાલયની હુંફ ઉજવતા રહ્યા ક્યારેક આદુવાળી ચા સાથે તો ક્યારેક સુભાષ-નેહલને પ્રિય strong coffee સાથે.

સમૂહ જીવનના આવા પ્રવાસી જલસામાં ડેલહાઉઝીમાં રહ્યા એટલા દિવસ આ Colonial townમાં નિરર્થક આંટા મારવાની મજા લીધી એ વખતે મેં અને પૂજાએ ગાંધી ચોક, મોલ રોડ અને તિબેટન માર્કિટ ઉપરાંત બ્રિટિશ રાજ વખતના બંગલો અને વહીવટી ઈમારતો જોઇને કોલોનિયલ કાળના આ ઈંગ્લિશ નગરમાં હોવાની ફીલને શ્વાસમાં ભરી અને પોપટી લીલા છાપરા વાળા ઘરો, માર્ગની બંને બાજુ રહેલા ચીડના ઊંચા પડછંદ વૃક્ષો અને st John ચર્ચ જાવ કે st francis ચર્ચની મુલાકાત લ્યો, જૂના દેવળો અને બ્રિટીશ શાસન વખતની જૂની ઈમારતોનું યુરોપિયન આર્કિટેક્ચર જોયું અને ઉડીને આંખે વળગે એવા eye-catching આર્કિટેક્ચરમાં ચર્ચની સંરચનાની અણીવાળી કમાનો, ઊંચા ઊંચા શિખરો અને ચર્ચના પરંપરાગત dormer કે વાતાયન અને રંગીન stained glass window મારા સ્થાપત્ય પ્રેમી જીવને old fashioned charmમાં ડૂબાડતા રહ્યા.
સાંજ-સવારની આવી નિરાંતવી વૉક વખતે અમે ડેલહાઉઝીના બંને બાજુ રેલિંગ વાળા રસ્તાઓ કે મોલ રોડ જતા-આવતા વચ્ચે આવતી લાકડાની રવેશ વાળા અને વિશાળ વરંડા વાળા બંગલાઓને ઊભા રહિ અવલોક્યા અને જયારે ડેલહાઉઝી બસ સ્ટેન્ડ પાસેની આર્મીની પ્રાઈમરી સ્કૂલ પાસેથી પસાર થયા કે સુભાષ ચોક પાસેના સેંટ જ્હોન ચર્ચમાં ગયા ત્યારે તો એ ઓલ્ડ વર્લ્ડ ચાર્મ અમને કોલોનિયલ કાળમાં લઈ જઈને પાછો ફર્યો.

ડેલહાઉઝીમાં ઉજવેલી આવી ક્ષણોમાં એક સવારે કે સાંજે અમે ૧૮૯૪માં બંધાયેલા St Francis church ગયા. યુરોપિયન ડીઝાઈન, સ્ટોનવર્ક અને rose windowથી કોલોનિયલ સંરચનાની સંપૂર્ણ feel આપતા આ ૧૩૨ વર્ષ જુના ચર્ચને જોયા પછી અમે તેરે તેર સહપ્રવાસીઓ ખૂબ સુંદર બગીચો, ગેરુવા બાંકડિઓ અને પાઈન વૃક્ષથી ઘેરાયેલા ચર્ચના આંગણે કુંડાળું વળીને બેઠા.થોડિવારમાં જ હિમાચલપ્રદેશમાં રહેલા બે લાખ Rhesus monkey Macaca પ્રકારના વાંદરામાંનું એક વાંદરુ કે કહો માંકડા પ્રકારનું old world વાંદરું ચીડના વૃક્ષ પરથી સીધુ જ મારી પાછળ ‘રૂમાલ દા’ નો રૂમાલ લેવા આવ્યું હોય તેમ આવ્યું અને આવીને મારી પીઠ પર પ્રેમથી હાથ ફેરવવા લાગ્યું.

આ દ્રશ્ય જોઈને, માંડ માંડ હસવાનું ખાળીને, મારા સહપ્રવાસીઓએ મને ઈશારો કર્યો કે રક્ષાબેન, સ્હેજે હલતા નહિ, હમણાં જતું રહેશે. ખરેખર જ થોડિવારમાં મને પૂર્વજન્મના પ્રેમનો હૂંફાળો હાથ ફેરવીને એ મર્કટ નામે ઓળખાતું ચંચળ મન જેવું મરકટ વાંદરુ (રિસસ મેકક) જ્યાંથી આવ્યું હતું તે પાઈન વૃક્ષ પર ચડિ ગયું.

આવી કેટલીક રોમાંચક અને રમતિયાળ ક્ષણો લઈને પણ વિસ્તરેલા વૈષ્ણોદેવી-ડેલહાઉઝીના સમૂહ પ્રવાસમાં અમે સૌએ ચાલીને લોકલ સ્થળો explore કર્યા.ધૌલાધાર રેન્જ વચ્ચે સવાર-સાંજની scenic walk લીધી.ગંજી પહાડિ જેવો એકાદ moderate trek કર્યો.ગાંધી ચોકથી કરલેનુ રોડ પર આવેલા સુભાષ બાવલી જેવા ઐતિહાસિક સ્થળે ગયા.ઠંડી ઉડાડવા આઈસ્ક્રીમ ખાધો અને એક સવારે લોકલ બસમાં બેસીને ડેલહાઉઝીથી માત્ર વીસેક કિલોમીટર દૂર રહેલા ‘Mini Switzerland’ ગણાતા ખજીયારનું excursion પણ કર્યું ત્યારે થયું કે A journey is best measured in friends, rather than in miles.’
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.