Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

ભાગ્યમાં લખેલું હંમેશા યોગ્ય સમયે વ્યક્તિ સુધી પહોંચે જ છે. ‘દોસ્તી’માં લક્ષ્મીકાંત-પ્યારેલાલની એન્ટ્રી હોય કે ‘કુછ કુછ હોતા હૈ’માં ગીતકાર સમીરની પસંદગી; નસીબના વળાંકો જ કલાકારોને અદભૂત સફળતા અપાવી ઇતિહાસ રચે છે તે વાત અહીં સચોટ રીતે સમજાવી છે.

 ભાગ્યમાં જે લખાયું હોય તે થતું હોય છે. તમે આવી ઘણી ઘટનાઓ વાંચી- નિહાળી હશે.હા,આજે કોઇ ફિલસૂફીનો મૂડ નથી પણ કઈ રીતે ભાગ્ય- નસીબમાં લખેલું તમને મળે છે અને એ પાછું ફળે પણ છે તે જોઈએ. ૧૯૬૪ના વર્ષમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘દોસ્તી’ના “ચાહુંગા મેં તુજે શામ સવેરે...”  ગીત માટે ગીતકાર મજરૂહ સુલ્તાનપુરીને ફિલ્મફેર એવોર્ડ મળ્યો.તે સમયે આજની જેમ જાત જાતના અને ભાત-ભાત એવોર્ડઝ હતા નહી માટે ફિલ્મફેરની ટ્રોફીનું ઘણું જ મહત્વ હતું પરંતુ તમને ખબર છે  એક સમયે મજરૂહ સા’ બ આ ફિલ્મ છોડી દેવાના  હતા. 



 રાજશ્રી પ્રોડક્શનના માલિક તારાચંદ બરજાત્યા એ ૧૯૬૨ના વર્ષમાં ફિલ્મ ‘આરતી’ નું નિર્માણ કર્યું. ફિલ્મ ઘણી જ વખણાઇ. તેનું સંગીત રોશન ( ઋત્વિક રોશનના દાદા જેના નામ પરથી ‘રોશન’  અટક રાખવામાં આવી તે)  એ આપ્યું હતું અને તેના ગીતો મજરૂહ સુલ્તાનપુરી લખ્યા હતા. આ ફિલ્મના ગીતો ઘણા પ્રખ્યાત થયા હતા. હવે તારાચંદ બરજાત્યાએ બંગાળી ફિલ્મ કે જેમાં બે દિવ્યાંગ  ભિક્ષુકોની વાર્તા હતી તેના પરથી એક હિન્દી ફિલ્મનું નિર્માણ કરવાનું નક્કી કર્યું. જેનું નામ રાખ્યું ‘દોસ્તી’. સ્વાભાવિક છે ફિલ્મના સંગીત માટે તેમણે પોતાની અગાઉની ફિલ્મની ‘હીટ’   જોડીને જ પુન: તક આપવાનું મુનાસિબ માન્યું પરંતુ ત્યાં આવી એક સમસ્યા. રોશનને આ બે ભિક્ષુકોની વાર્તામાં પોતાના સંગીત માટે અવકાશ ન જણાયો ! આ રીતે તેમણે ફિલ્મ ન સ્વીકારી. તે સમયે મૂંઝાયેલા નિર્માતા તારાચંદજીને પોતાની ડબ ફિલ્મોમાં મ્યુઝિક અરેન્જ કરતા બે છોકરાઓ યાદ આવ્યા. તેમણે ‘દોસ્તી’  માટે નવયુવાન લક્ષ્મીકાંત- પ્યારેલાલ કે જેઓને બધા ‘એલ.પી’ ને નામે ઓળખે છે  તેમને તક આપી.આ ફિલ્મથી આ યુવા સંગીતકારોએ તે સમયના દિગ્ગજ સંગીતકારો શંકર-જયકિશન,એસ.ડી.બર્મનને પડકારતુ સંગીત આપ્યું.    



 હવે નવા બે છોકરાઓ ફિલ્મના સંગીત સાથે જોડાયા એટલે ગીતકાર મજરૂહ સુલ્તાનપુરી દુવિધામાં પડ્યા કે નવા સંગીતકારો સાથે પોતે કામ કરે કે ન કરે ?  ત્યાં જ સંગીતકાર ચિત્રગુપ્તે તેમને આ નવા સંગીતકાર ઘણા જ ‘ટેલેન્ટેડ’  છે તેથી આ ફિલ્મ છોડવાની ભૂલ ન કરવાનું તેમને સૂચન કર્યું અને રેસ્ટ ઇઝ  હિસ્ટ્રી. આજે પણ ‘દોસ્તી’  ફિલ્મના ગીતો તમે સાંભળો તો તમારું હૃદય પીગળી  જશે(ખાસ કરી ‘જાને વાલો જરા ,મૂડ કે દેખો.. અને રાહી મનવા દુ:ખા કી ચિંતા.. ” જેવા ગીતો સાંભળતા)   અને આંખો ભીની થયા વગર રહેશે નહીં.  



     આવો જ ભાગ્યનો બીજો કિસ્સો જોડાયેલો છે ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ સાથે.  ૧૯૯૭-૯૮ના વર્ષમાં ‘લિજેન્ડરી ‘દિગ્દર્શક-નિર્માતા યશ ચોપડાના ઘરે ગીતકાર સમીરને બોલાવવામાં આવ્યા.  ત્યાં બેઠો હતો એક નવયુવાન કે જે પોતાની પહેલી ફિલ્મ દિગ્દર્શિત કરવા જઇ રહ્યો  હતો પરંતુ ‘પ્રથમ ગ્રાસે મક્ષીકા’માં  વાત કંઈ એવી થઈ કે તેના ગીતકારે ફિલ્મ છોડી દીધી હતી. આ ગીતકાર હતા જાવેદ અખ્તર.બન્યું એવું કે તેમને આ ફિલ્મનું શીર્ષક ગમ્યું નહી.જાવેદ સા’બ ઘણા જ સિનિયર લેખક-ગીતકાર  તેમને મનાવી ન શકાય તેથી કરણ જોહરે તેમની યુવા ‘વેવલેન્થ’  સાથે મેળ ખાય તેવા યુવા ગીતકાર  સમીર ઉપર પસંદગી ઉતારી.કરણ જોહર પાસે બીજો વિકલ્પ ગીતકાર આનંદ બક્ષીનો હતો પણ  સમીર કે જેઓ મોટેભાગે યુવાઓને રુચે એવા શબ્દોથી ગીતો લખે છે તેમને કરણએ  પસંદ કર્યા.  સમીરે (કોઈને)  અશ્લીલ  લાગેલ  તેવા ‘ કુછ કુછ હોતા હૈ’ શિર્ષકને પ્રણયમાં ઝબોળીને લખ્યું  કે,



“તુમ પાસ આયે,  યુ મુસ્કુરાયે,
તુમને ન જાને ક્યા,  સપને દિખાયે,
અબ તો મેરા દિલ,  જાગે ના સોતા હૈ,
ક્યા કરું હાયે,  કુછ કુછ હોતા હૈ...”



 આ ફિલ્મનું  આખું આલ્બમ યુવાઓએ હીટ કરાવી દીધું.ગીતકાર સમીર કે જેઓ તેમના ‘મેન્ટર’  ટી–સિરીઝના  ગુલશન કુમારની હત્યા બાદ ફરીથી હિંદી ફિલ્મજગતમાં પોતાને સાબિત કરવા મથતા હતા,  આ ફિલ્મે સાબિત કરી દીધુ કે સમીર કેવા અદભૂત ગીતો લખી શકે છે. 



આ જ ખૂબી છે કે તમારા નસીબમાં લખેલું હરી ફરી તમારી પાસે ચોક્કસથી આવે જ છે. ફિલ્મજગતમાં તો આવા ઘણા  ઉદાહરણો આપને મળશે પણ ઉનાળાની તપતી ગરમીમાં ‘દોસ્તી’  અને ‘કુછ કુછ હોતા હૈ’ના  આલ્બમ ચોક્કસથી સાંભળજો અને કિસ્મતની કરામતને યાદ કરજો.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે