Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

વર્ષ ૨૦૦૧ની આ પ્રવાસકથા દીવના ઐતિહાસિક કિલ્લા, પોર્ટુગીઝ સ્થાપત્ય અને વણાકબારાના દરિયાઈ લોકજીવનને જીવંત કરે છે. લેખિકાએ કિલ્લાની દીવાલો, પ્રાચીન આલેખો અને કાઠિયાવાડી દાદાના પાત્રો દ્વારા ભૂતકાળ અને વર્તમાનના સમન્વયને પોતાની કલાત્મક દ્રષ્ટિ અને સંવેદનાભર્યા શબ્દોમાં સુંદર રીતે કંડાર્યો છે.

વર્ષ ૨૦૦૧ના જુલાઈ મહિનામાં મેં અને મારી સહપ્રવાસી, નલિનીએ દીવનો ઐતિહાસિક કિલ્લો અને પોર્ટુગીઝના શાસન વખતના પ્રાચીન દેવળો જોવા માટે જે પ્રવાસ આદરેલો તેમાં અમે દીવ પહોંચ્યાની બીજી સવારે લાલ રંગનું એક ફટફટીયુ મોપેડ ભાડે કર્યું અને દીવ જેવા ટાપુની દરિયાઈ હવાને શ્વાસમાં ભરતા દીવના કિલ્લે પહોંચ્યા.



      દીવના કિલ્લાની પ્રવેશ ફી નહિ હોવાથી કિલ્લા પાસેનો પુલ ઓળંગી અમે બેરોકટોક કિલ્લાની અંદર પ્રવેશ્યા અને પછી સેંટ જ્યોર્જ બુરજ અને પથ્થરો પર લખેલા થોડા આલેખો જોઇને આગળ ચાલ્યા કે તરતજ લાકડાનું આકાશી રંગનું બારણું જોયું જે બારણેથી અંદર પ્રવેશ્યા પહેલા જ આકાશ તરફ નજર કરી તો આપણા મંદિરોના ઘુમ્મટ પર ધજા કે કળશ હોય તેમ ઈસુ ખ્રિસ્ત નો cross high light થતો દેખાણો. 




      કિલ્લાની પ્લાસ્ટર ઊખડી ગયેલી દિવાલ પરના આ crossને આકાશી રંગના લાકડાના નાના બારણા અને તેના અણીદાર સ્તંભો સાથે જીલું એ પહેલા જ હું તો ઊભી રહિ ગઈ કારણ કે floor પર રહેલા એક ખંડિત પથ્થર પાસે ઉભા રહી માથે ફેંટો પહેરેલા એક કાઠીયાવાડી દાદા-ભાભા આખા દ્રશ્યમાં ચાર ચાંદ લગાડતા લાઈટરથી બીડી જગવ્યા પછી જમણા હાથમાં બીડી પકડિને, નિરાંતે અને એક ઠસ્સાથી, બીડી ફુકતાં, બેઠા હતાં.



     લાંબુ સફેદ ખમીશ, ચોરણી અને બંડિ પહેરેલા એ દાદા-ભાભા ખરેખર તો મને pause આપતાં હતા અને મેં બે vertical compositionમાં તેના pauseને યોગ્ય એક્સ્પોઝરે જીલ્યો અને સૌથી ઉપર પ્લાસ્ટર ઉખડી ગયેલી ઈસુ ખ્રિસ્તના cross વાળી દિવાલ, અણીદાર સ્તંભો વાળું આકાશી બારણું અને અચાનક મળેલા દાદા-ભાભાને વૃક્ષની એક લીલીછમ ડાળી સાથે જીલી એ જ આકાશી બારણેથી અંદર ગઈ જ્યાં કિલ્લાની બહારના ભાગમાં રહેલું એક વૃક્ષ દેખાતું હતું અને કિલ્લાની અંદરની દિવાલની ઓટલી પર અને ઓટલી નીચે આલેખો ધરાવતા ખંડિત પથ્થરો પડ્યા હતા. 



      લીલ ચડીને કાળા થઈ ગયેલા અને પોર્ટુગીઝ ભાષાના inscription ધરાવતા આ પથ્થરો વચ્ચે દેવળો પર ક્રોસની નિશાની હોય તેવા પથ્થરો પણ હતા અને ખૂબ મોટા ઈલેક્ટ્રીક મીટર આસપાસ એક ખોપરીના આઈકોન સાથે Danger કે ખતરા લખ્યું હોય અને હાડકાનો cross હોય તેવો ઉભાર ધરાવતો ઓરસ-ચોરસ પથ્થર પણ ત્યાં પડેલો હતો.




 
      હજી તો સૌરાષ્ટ્રના પાળિયા જેવા આ પોર્ટુગીઝ આલેખો અને ખ્રિસ્તી ધર્મના આઈકોન અને મોટીફ ધરાવતા લીલ ચડેલા કાળા ખંડિત પથ્થરોને મારી સ્થાપત્ય પ્રેમી જોળીમાં ઉમેરું ત્યાં વળી ગળામાં લાંબા ચેઈન જેવી ચાંદિની કંઠી પહેરેલા અને મૂછવાળા અમારા ઓલા કાઠિયાવાડી દાદા-ભાભા ખંડિત પથ્થરો વચ્ચે ફોટા પડાવવા બેસી ગયા અને મને આલેખો અને આઈકોનના પથ્થરીયા નિર્જીવ માહોલ વચ્ચે એક જીવંત, rustic વિષય મળ્યો ત્યારે એ vertical comopsitionની ટોચે લીલાછમ વૃક્ષની હાજરી હતી. તેની નીચે ઉતરતા ક્રમમાં કિલ્લાની અંદરની rough surfaced દિવાલ હતી; સ્ટુડિયો પોઝ આપતા દાદા-ભાભા હતા અને તેમની આસપાસ પડેલા ખંડિત પથ્થરો હતા. એટલું જ નહીં, open museumમાં હોય તેવી સીમેન્ટની ઓટલી હતી; માટી વાળી floor હતી અને જાણે આ સઘળું સંપૂર્ણ ખરબચડા કહિ શકાય તેવા open અને ancient museumનો જાણે માહોલ રચી રહ્યા હતા. 



      આવી એક, out of blue, આવી મળેલી photo સેશનને આવડ્યો એવો  ન્યાય કરીને દીવના વિશાળ કિલ્લાને explore કરતાં મને પીપરના વૃક્ષ સાથેની એવી frame હાથ લાગી જેમાં બારીઓ જેવા બે ખુલ્લા ચોસલામાંથી day light દેખા દેતી હતી. દિલ દોરીને તીર કાઢેલા લીટા-લીટોડા વાળી જૂની દિવાલ હતી અને હતી ખરેલા પાનના આંગણા જેવી ખરબચડી floor. 




      કિલ્લાની અંદરની આવી કેટલીક photogenic જગ્યાઓને જીલતાં-કારવતાં હું કમાન આકારની છત વાળા એવા ઓરડામાં પહોંચી જ્યાં પોર્ટુગીઝ લખાણો-આલેખો વાળા દળદાર પથ્થરો floor પર જડેલા પડ્યા હતા. મેં બહારથી આવતી day lightમાં આ tomb stone જેવા પથ્થરોના ફોટા પાડ્યા. એક ટોપીવાળા ભાઈએ એના વિશે માહિતી પણ આપી જેની કોઈ નોંધ મેં એ વખતે ન કરી અને અત્યારે આલેખો ધરાવતા, એ ઓરડાના, પથ્થરો વિશે જાણવા હું આતુર છું કે એ ઓરડામાં શું હતું? શું એ પોર્ટુગીઝોની કબરો હતી કે બીજું કશું?



       Purely military purpose માટે બંધાયેલા આ દીવ fortressમાં બીજા કિલ્લાઓ માફક દીવાન-એ-આમ, દિવાન-એ-ખાસ કે દરબાર હોલ જેવું કશું નોહતું અહીં હતી અભેદ્ય દિવાલો, અનાજ રાખવાના કોઠારો, તોપો, પ્રાચીન અવશેષો, પગથિયા, જેટી અને ત્રણ દિશાએથી જોવા મળતો અફાટ અરબી સમુદ્ર. 



     અમે વહાણ આકારના આવા દીવ દુર્ગની અગાસીએ પહોંચ્યા અને દરિયાના મોજાઓને દુર્ગની દિવાલે અફળાતાં જોયા.કિલ્લાની ઉત્તર-પશ્ચિમે રહેલી જેટી જોઈ અને દિવાલ પરના બુરજ પર mount કરેલી Gunને પણ જોઈ. કિલ્લાના ત્રણ પ્રવેશદ્વારોમાંથી મુખ્ય પ્રવેશદ્વારની પાંચ બારીઓ અને stone galleryને તો અમે જોઈને જ આવેલા પરંતુ કિલ્લા પરથી દૂર દેખાતી પાણીકોઠા જેલનો વ્યૂ અદભૂત હતો, કારણ કે હું તો ચારેય બાજુથી સમુદ્રથી ઘેરાયેલી જેલને પ્રથમ વખત જોઈ રહિ હતી અને આ જેલ એક સેવાઘર(chapel), light house અને લશ્કરી સૈનિકો માટે રહેવા માટેની barrack લઈને છેલ્લા પાંચસો વર્ષોથી અખંડ-અવિચળ ઉભી હતી તે જોઈને ચાર-પાંચ સદી પહેલાના, અરબી સમુદ્રમાં રહેલા, આ સુરક્ષિત અને Isolated detention centreની પાણીની વચ્ચો વચ્ચ રહેલી સંરચના કેવી રીતે બાંધી હશે તેવો પ્રશ્ન થયો.




    દીવ ટાપુ પરના colonial શાસન વખતે પોર્ટુગીઝોએ ૧૫૩૫માં બાંધેલા આ દીવ કિલ્લાની પશ્ચિમે વસેલા દીવ નગર તરફ હવે ધીમેધીમે સૂર્ય નારાયણ સરકતા હતા અને અમે કિલ્લાની અગાસીએથી આથમતા અજવાળા પહેલાના છાયાચિત્રની ગમતી પીંછી દ્વારા આકાર લેતી પાણીકોઠા જેલ અને એક યુગમાં ખંભાત, સુરત અને ભરૂચ સાથે જોડાયેલી જેટી અને લાઈટ હાઉસને જોઈ રહ્યા હતા. 



    સાંજે છ વાગે પૂર્ણ થતા કિલ્લાના મુલાકાતના સમયને ધ્યાનમાં રાખીને અમે, કિલ્લાના પ્રવેશદ્વાર સુધી પાછા ફરતાં પહેલા, આ વિશાળ કિલ્લાની parapet પર રહેલી અષ્ટધાતુ તોપ પર હાથ ફેરવીને અનેક યુદ્ધો-આક્રમણો અને ૧૯૬૧ના ડિસેમ્બરમાં થયેલા ‘ઓપરેશન વિજય’ના છેલ્લા જંગને યાદ કર્યો અને પછી ભાડે કરેલા ફટફટીયા પર દીવથી ત્રણેક કિલોમીટર દૂર રહેલા ગંગેશ્વર મહાદેવ નામના ગુફા મંદિરે ગયા. 



      દરિયા કિનારે આવેલા ફુદમ નામના ગામમાં રહેલા આ ગંગેશ્વર મહાદેવ મંદિરે, પાંડવોએ સ્થાપેલા મનાતા, પાંચ શિવલિંગ હતાં.એક ભાઈ આ શિવલિંગ પર ફૂલ ચડાવી પૂજા કરતા હતા અને ભરતી સમયે દરિયાલાલમાં ડૂબી જતા શિવલિંગ દિવસના બચેલા પ્રકાશમાં ચમકતા હતા. 



      હું અને મારી સહપ્રવાસી, નલિની ભટ્ટ પણ શૈવપંથી એટલે અમે પણ શિવલિંગને અભિષેક કર્યો અને અંધારું થાય તે પહેલા ફુદમ ગામથી દીવ પહોંચી  દરિયો દેખાય એવી એકાદ જગ્યા પર બેસી પ્રાચીન દેવળો અને ચક્રતીર્થ, જલંધર, ગોમતી, નાગવા અને ઘોઘલા બીચ જેવા સમુદ્ર તટોથી સમૃધ્ધ આ ટુરીસ્ટ સિટીની કોઈ જુદા જ પ્રકારની શુધ્ધ હવાને શ્વાસમાં ભરી બે રાત્રિ રોકાણ વાળી આ નાનકડી ટ્રીપના રાત્રિના ભોજન પછી સુઈ ગયા કારણ કે બીજે દિવસે અમારે ફરી ફટફટીયું ભાડે કરી દીવથી બાર કિલોમીટર દૂર રહેલા વણાકબારા fishing boat harbour અને તેની  બહુરંગી જેટી સુધી જવું હતું. 



    બીજે દિવસે સવારે અમે ફરી એ જ મોપેડ લઈને દીવ Coastline પરથી દીવથી વણાકબારાનું બાર કિલોમીટરનું અંતર પસાર કરી દીવ ટાપુની પશ્વિમે રહેલા વણાકબારા fishing village પહોંચ્યા.લાલ-લીલી, પીળી અને અનેક અતરંગી ધજાઓના રંગીન લેન્ડસ્કેપમાં એકલી હોડી જ હોડીથી સભર દ્રશ્યફલકમાં વણાકબારાની fish market પણ ધમધમતી હતી. ક્યાંક છકડામાં મચ્છી ભરાતી હતી તો ક્યાંક મચ્છીના નાના-નાના ઢગલા આસપાસ મચ્છીની ખરીદી થતી હતી. 



     ત્રણ કિલોમીટરના લાંબા પટ પર પથરાયેલું વણાકબારા બોટ જેટીનું દ્રશ્ય બોટ પર ફરફરતી ધજાઓનું એક એવું દ્રશ્ય હતું જેમાં ભારતના રાષ્ટ્રધ્વજ ઉપરાંત દેવી-દેવતાઓના flags પણ ફરફરતા હતા અને લાલ રંગની ધજાઓ જાણે કંકુવર્ણો Seascape લઈને પથરાયેલી હતી. 



    ગોવા-કેરલની યાદ અપાવતા આ બીચ પર મચ્છીની દુર્ગંધને લીધે અમે જાજો સમય ટકી શક્યા નહિ અને વણાકબારા જેટીથી દીવ તરફ આગળ જતાં અમે એક કડવા લીમડા નીચે સમાધિ જેવા સફેદ ધોળાવેલા પત્થરનું cluster જોયું જેના પર કંકુના ચાંદલા પણ કર્યા હતાં.આસપાસ કોઈ હતું નહીં એટલે કોને પૂછવું પરંતુ  એવું લાગ્યું કે આ, દરિયાઈ સફરમાં, મૃત્યુ પામેલાઓના સ્મારકો હશે.




      વણાકબારાની આવી ઉડતી મુલાકાત ઉજવી અમે ફરી બાર કિલોમીટરનું અંતર કાપી દીવ પહોંચ્યા અને બપોર પછી ત્રણ-ચાર વાગે દીવથી ભાવનગર આવવા નીકળ્યા ત્યારે એસ.ટી. બસની મુસાફરી કુલ ૪૬૨ કિલોમીટરની હતી જેણે અમને રાત્રે બાર વાગે ભાવનગર પહોંચાડ્યા.



     અડધી ઉંઘરેટી સ્થિતિમાં ભાવનગરના એસ.ટી. ડેપો પહેલા હું તો ભાવનગરના તળાજા રોડ પરના stop પર રાત્રે બાર વાગે એકલી ઉતરી અને બેન નલિની આગળના કોઈ સ્ટેન્ડ પર ઉતરી જ્યાંથી એને પોતાનું ઘર નજીક પડે. 




    મેં નવેક કલાકની આટલી લાંબી બસ મુસાફરી પછી બહાદૂરીતો એવી કરી કે રાત્રે બાર વાગે ભાવનગરના તળાજા રોડ પર ઉતર્યા પછી રીક્ષા કરી લેવાને બદલે સામાન ખભે નાખી ભાવનગરના તળાજા રોડથી કાળિયાબીડ સુધીના મારા ઘર સુધીનું અંતર ચાલીને કાપ્યું. એ વખતે થાક તો ઠીક પણ રાત્રે બાર વાગે કોઈ અસુરક્ષાનો વિચાર સુધ્ધા ન આવ્યો અને નીચી મુંડી કરીને મંડી ચાલવા કે ઝટ આવે મારું ઘર, ‘સરાય’ અને જ્યારે ધરતીના છેડા જેવું ઘર આવ્યું ત્યારે ‘થકવી નાખતા થેલાને’ ખભેથી ઉતારી પ્રવાસ પછીની ઉંઘ ખેંચી અને ઉઘડતી સવારે જાતને કહ્યું કે દોસ્ત, તું આપણા ગરવી ગુજરાતમાં અને ભાવનગરમાં સલામત છો.

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.