જ્યારે યુગાન્ડામાંથી ગુજરાતીઓની વિદાયે આખા દેશને પાયમાલ કરી દીધો
જાન્યુઆરી, ૧૯૭૧માં સિંગાપોર ખાતે કોમનવેલ્થ કોન્ફરન્સ યોજવાની હતી. આ કોન્ફરન્સમાં ભાગ લેવા યુગાન્ડાના રાષ્ટ્રપતિ અપોલો ઓબોટે નીકળી ચૂક્યા હતા. આ બધાની વચ્ચે યુગાન્ડામાં રેડિયો ઉપર એક ઘોષણા પ્રસારિત થઈ. આ ઘોષણાથી યુગાન્ડા દેશની માઠી દશા બેસવાની હતી. ઘોષણા એવી થઈ કે યુગાન્ડાની સેનાએ દેશના સત્તાના સુકાન હવે મેજર જનરલ ઈદી અમીનના હાથમાં સોંપ્યા છે.યુગાન્ડામાં હવે અમીન યુગ શરૂ થઇ રહ્યો હતો.
યુગાન્ડામાં આમ તો રાષ્ટ્રવાદના નામે બહારના લોકોને નિષ્કાસિત કરવાનું તો વર્ષ ૧૯૭૦થી ચાલુ થઈ ગયું હતું. ૧૯૭૦માં ઓબોટે સરકારે વીસ હજાર કેન્યાના અને બહાર દેશોના મજૂરોનો દેશનિકાલ કર્યો હતો. આ જ ક્રમમાં હવે વારો હતો એશિયનોનો. જેમાં ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓને વધારે ફટકો પડવાનો હતો. ગુજરાતીઓ આટલે દૂર પૂર્વ આફ્રિકામાં આવ્યા કઈ રીતે ?
બ્રિટિશરોના રાજમાં ૧૮૯૦થી પૂર્વ આફ્રિકાના વિસ્તારોમાં નવી રેલવે લાઇન નાંખવાનું કામ શરૂ થયું હતું. આ કાર્ય વિકટ- દુષ્કર તથા અત્યંત શ્રમવાળું હતું. આથી, પંજાબીઓ, સુન્ની મુસ્લિમો તથા ગુજરાતીઓમાં ખાસ કરીને પટેલો આ શ્રમકાર્યમાં જોડાયા. હવે આ બાંધકામ બાદ રેલવેને ગાર્ડ, સ્ટેશન માસ્ટર, ટિકિટ ચેકર જેવા લોકોની જરૂરિયાત વર્તાઇ. આ પ્રકારની ‘વ્હાઇટ કોલર જોબ’ માં ગુજરાતીઓ એકદમ પાક્કા. આ તકો સર્જાતા ગુજરાતીઓનો પ્રવાહ પૂર્વ આફ્રિકા તરફ વહેવા લાગ્યો. બીજી તરફ ‘ધંધો’ એ ગુજરાતીઓના રગેરગમાં હોય છે માટે જ્યાં જ્યાં રેલવે સ્ટેશન્સ બન્યા ત્યાં આજુબાજુના વિસ્તારો વિકસ્યા.અંતરિયાળ વિસ્તારોમાં જવાનું સુગમ બન્યુ.તે વિસ્તારોના લોકોની જરુરિયાતનો સામાન વેચવાનું શક્ય બન્યું. આ તક ઝડપતા પટેલો, લોહાણા વગેરે એ ત્યાં નાના-મોટા ધંધા, દુકાનો- હાટડીઓ શરૂ કરી વ્યાપાર શરૂ કર્યો અને પૈસા કમાવાનું શરૂ કર્યું. આમ કરતાં કરતાં એક સમયે ૧૯૭૦ની આસપાસ યુગાન્ડામાં સાઇઠ હજારથી પાંસઠ હજાર જેટલા ગુજરાતીઓનો વસવાટ હતો.
યુગાન્ડાના જિન્જા – કાકિરાના વિસ્તારો એટલે માધવાણી પરિવારનું સામ્રાજ્ય. આ પરિવારના વડીલ- પોરબંદરના મૂળજીભાઈ માધવાણી ૧૯૦૮માં માત્ર ૧૪ વર્ષની વયે યુગાન્ડા આવી ગયેલા. બાદમાં નાના-મોટા વ્યાપાર કરતાં કરતાં તેઓ ખાંડ ઉત્પાદનમાંથી એક મોટું સામ્રાજ્ય ખડું કરવામાં સફળ રહ્યા. બાદમાં તો માધવાણી પરિવારે અનેક ક્ષેત્રમાં પ્રગતિ કરી તો મહેન્દ્ર મહેતાના ત્યાં ચાના બગીચાઓ હતા તથા લુગાઝીમાં તેમના ખાંડના કારખાનાઓ હતા. આ દેશમાં પ્રચુર માત્રામાં રહેલી કુદરતી સંપત્તિઓનો ગુજરાતીઓએ સારો એવો વેપાર કર્યો. પણ અમીન યુગ આવતા જ તેમના માથે આફત આવી પડી. ૧૯૭૧માં ઇદી અમીને સત્તા પર આવ્યા પછી મોટા ઉદ્યોગપતિઓ હોય કે નાના વ્યક્તિ તમામને પહેરેલ કપડે જ દેશમાંથી હાંકી કાઢ્યા. તેમની સંપત્તિ કે જેમાં વૈભવી બંગલાઓ તથા ગાડીઓ હતા તે ઇદી અમીન તથા તેના માણસોએ પચાવી પાડ્યા.જેને તેઓ તેઓ સાચવી નહોતા શક્યા.વૈભવી બંગલાઓ જાળવણીને અભાવે ખરાબ હાલતમાં આવી ગયેલા તો ચાના બગીચાઓ યોગ્ય કટીંગ ન કરાતા જંગલ બની બીન-ઉત્પાદક બની ગયેલા. યુગાન્ડાના જે ગુજરાતીઓ લોકો જોડે બ્રિટિશ પાસપોર્ટ હતા તેઓ બ્રિટન જતા રહ્યા અને આગળ જતાં ત્યાં જ સ્થાયી થયા હતા.
તો બીજી બાજુ અર્થતંત્રની ‘ધડકન’ એવા ગુજરાતીઓ યુગાન્ડામાંથી ગયા બાદ યુગાન્ડાનું અર્થતંત્ર પ્રાણ ગુમાવી બેઠું. ઇદી અમીન બાદ સત્તા પર આવેલા શાસકોને તેની સમજ તરત જ પડી ગઈ જેથી તેમણે માધવાણી- મહેતા પરિવાર જેવા મોટા ઉદ્યોગપતિઓ સહિત જેઓ ફરીથી યુગાન્ડામાં વસવાટ કે વેપાર કરવા માંગતા હોય તેવા તમામને દેશમાં પરત આવવા કહેણ મોકલ્યું. ઉધાર હાથે લોનો આપી. તેમની જપ્ત કરેલી સંપત્તિ- જમીન તમામ પરત આપવામાં આવ્યું. પરન્તું હજી ત્યાંના વાતાવરણમાં અવિશ્વાસ હતો અને જુની કારમી યાદો હતી માટે ઘણા ગુજરાતીઓ યુગાન્ડા આવીને પોતાની સંપત્તિઓ પરત મેળવીને તેને ઠેકાણે કરી રવાના પણ થઈ ગયા. ૧૯૮૬ પછી એક સમયે ગુજરાતીઓ પહેલાની વસ્તીના મુકાબલે માત્ર ૩૦% સુધી માંડ પહોંચ્યા હતા. હવે સમય બદલાયો હતો. મોટાભાગના ગુજરાતીઓ આ દેશ કરતા બ્રિટન અને યુરોપ તરફ જવા લાગ્યા હતા.
વતનથી દૂર જઈ સંઘર્ષ કરી મહેનતકશ ગુજરાતીઓ દુનિયાના કોઈ પણ ખૂણે ભાગ્ય ઘડી લેતા હોય છે. હા, ક્યારેક ઇદી અમીન જેવા વિઘ્નો પણ આવે પરંતુ ગુજરાતીઓ આવા વિઘ્નો સફળતાપૂર્વક ઓળંગી જતા હોય છે.
નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે