Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

લેખક ૧૯૯૯ના સંસ્મરણો વાગોળતા મહાબલિપુરમના દરિયાકાંઠે વસેલા પંચરથ સ્મારકોની સ્થાપત્યકલા, દ્રવિડિયન શૈલી અને પલ્લવકાલીન શિલ્પોનું ભાવપૂર્ણ વર્ણન કરે છે. આ લેખ પાષાણમાંથી કંડારેલા રથોની ભવ્યતા અને પ્રવાસની મીઠી સ્મૃતિઓને કેમેરાની નજરે અને હૃદયના ભાવે સજીવન કરે છે.

 સવારે પોંડીચેરીથી નીકળી બે-અઢિ કલાકે મહાબલિપુરમ પહોંચ્યા પછીની સાંજે મેં, સુભાષે અને બાએ મહાબલિપુરમના સમુદ્ર તટે રહેલું આઠમી સદીનું તટ મંદિર કે કહો Shore temple સાંધ્ય પ્રકાશના છેલ્લા કિરણોના અસ્ત થવા સુધી explore કર્યું. એ પછીની બીજી સવારે બંગાળના ઉપસાગરના ખારા પવનોની મીઠ્ઠી થપથપીથી ઉઠીને અમે વિપુલ જળરાશિ ધરાવતા, ભારત અને મ્યામનારની મુખ્ય નદીઓના જળ જે ઉપસાગરમાં ઠલવાય છે તે, બંગાળના ઉપસાગરના ઘૂઘવતા કિનારે વસેલા મહાબલિપુરમની morning walk લીધી અને સમુદ્ર તટની સવારનો અહેસાસ શ્વાસમાં ભર્યો.




    કુલ ૧,૬૦૦ કિલોમીટરની પહોળાઈ લઈને પથરાયેલા બંગાળના ઉપસાગરના સાગરના દર્શન પછી રૂમ પર જઈ સ્નાન વિધિ પૂર્ણ કરી નાસ્તો ક્યાં કરીશું એવા વિચારે ગેસ્ટહાઉસનો દાદરો ઉતરી નીચે ઉતર્યા કે તરત જ રસ્તાની ધારે એક લારી જોઈ જેમાં ફળફળતા અને તાજ્જા ઈડલી-સાંભાર અમારી રાહ જોઈ રહ્યા હતા. જીંદગીમાં કોઈ દિવસ ઈડલી સાંભારની લારી હોય કે હાથ લારી જેવા વાહનમાં ઈડલી-સાંભાર અને કોફી પણ મળી જાય એવી કલ્પના કરી નોહતી પણ ભારતના આ દક્ષિણ દરવાજે મેં ૧૯૯૯ના નવેમ્બરની એ સવારે આવી લારીનું પ્રથમ encounter કર્યું અને વધીને પચાસ-સાઈઠ રૂપિયામાં અમે ત્રણ જણાએ ભરપેટ નાસ્તો કર્યો, કોફી પીધી અને પછી પંચરથ કે પાંડવ રથ તરીકે જાણીતા monumental complex પહોંચ્યા.




    બંગાળના ઉપસાગરના કોરોમંડળ સમુદ્ર તટની કરકરી રેતીના વિશાળ વિસ્તારમાં તાડ અને શરૂ\સરૂના વૃક્ષો વચ્ચે મોટી મોટી શીલાઓ અને લીસ્સા ખડકો જમીનની સપાટી પર અનેક આકારો રચતા અને જમીનની અંદર પણ થોડા ધરબાયેલા અને પથરાયેલા પડ્યા હતા અને આ શીલાઓ-ખડકો વચ્ચે એક પાષણમાંથી કંડારેલા [Monolithic] પંચરથ તરીકે ઓળખાતા ધર્મરાજ રથ, અર્જુન રથ, ભીમ રથ, નકુલ-સહદેવ રથ અને આ પાંચ પાંડવો સાથે પાંચાલીનો દ્રોપદી રથ, Rock-cut monolithic monumentsનો મુગટ પેહેરીને સ્થિર-અવિચલ ઉભો હતો.




    1984થી UNESCOની world heritage sitesની યાદીમાં મુકાયેલા આ પંચરથ મંદિર નહિ પરંતુ પંચરથ સ્મારક પરિસરમાં અમે કારતક મહિનાની તડકી વાળી કુણી સવારે પહોંચ્યા ત્યારે મારી જેવા સ્થાપત્ય પ્રેમી જીવની અંદર ખજાનો હાથ લાગ્યાનો જે અહેસાસ ઠેકડા મારી રહ્યો હતો તે અહીં વર્ણવી ન શકું એટલો અવર્ણનીય હતો.



    ૧૯૯૯માં તો કોઈ gift shop અને કોઈ સોવેનિયર શોપના વણ જોઈતા clutter વગરનું પંચરથ પરિસર જાણે સાતમી સદીમાં બંધાયું તે વખતનો પ્રાચીન માહોલ લઈને એક ખૂબ વિશાળ ખડકમાંથી કંડારેલા Monolithic monumentsની ગરિમા સાથે દેશી-વિદેશી પ્રવાસીઓને આવકારી રહ્યું હતું.




    સાતમી સદીમાં પલ્લવ રાજવંશના નરસિંહવર્મન પ્રથમના શાસનકાળમાં સંરચિત દ્રૌપદી અને પાંચ પાંડવ રથો અને તેની pink granite સંરચનાને કેમેરાની જોળીમાં ભરવા માટે મેં મારા Roll કેમેરાને હાથમાં લીધો જેમ કોઈ ચિત્રકાર હાથમાં brush લઈ રેખાંકન કરવા સજ્જ થાય. 



      પૂર્ણપણે ઉઘડી ચુકેલી સૂર્યાળ સવારે સરુના વૃક્ષના જાળી વાળા છાંયા-પડછાયામાં ઉભા રહિને મેં ઝુપડી આકારના દ્રોપદી રથથી શરૂ કરીને અન્ય પાંચેય રથો સાથે સાથે તાડના વૃક્ષની સમાંતરે ઉભેલા દેખાતા વિશાળકાય હાથી અને સિંહના શિલ્પને પણ એક જ ફ્રેમમાં સંયોજી નરસિંહવર્મન પ્રથમના નિર્વાણ પામવાથી અધૂરા છોડાયેલા આ અનન્ય પંચરથ સ્મારકોને એક એક કરીને explore કરવાનું આરંભ્યું.



    ભારતીય પુરાણોમાં પુષ્પક વિમાન જેવા આકાશમાં ઉડતા વિમાનો, મહેલો અને રથો જેવા આ સ્મારકો કાષ્ઠમાંથી ઘડેલા પ્રાચીન રથોની જાણે replica હોય તેવા લાગતાં હતા.અભ્યાસ કરવા જેવી માંડણી કે layoutના માલિક પાંચે પાંચ રથો પૃથ્વીની સપાટીમાંથી બહાર નીકળેલા, ઉભારવાળા, out cropped ખડકમાંથી ઘડેલા સ્મારકોની common plinth પર mount થયેલી સંરચના હતી જે સ્થપતિ ન હોવા છતાં મને આકર્ષતી હતી કારણ કે પ્રાચીન ભારતના સ્થાપત્યો મારી માટે કોઈ મનગમતા મેગ્નેટથી કમ નોહતા.



    મારા સહપ્રવાસી, મારી બા અને મોટો ભાઈ સુભાષ પંચરથ સ્મારકોને જોઇને પંચરથ પરિસરમાં જ સ્થિત સરુ જેવા સદા હરિત વુક્ષના છાયે બેઠા અને એ પછી હું સૌ પ્રથમ ધર્મરાજા રથ નામના સૌથી મોટા પશ્ચિમાભિમુખ સ્મારક સમક્ષ ફોટો પાડવા ઊભી રહિ. 




      ચારેય બાજુથી ખુલ્લા એ ત્રણ માળના ત્રિથલ સ્મારક આસપાસ મોટી મોટી શીલાઓ જાણે વેરાયેલી પડી હતી અને જમીનની સપાટી પર ઉભરી આવેલા ખડકોથી બનેલી plinth પાંચેય રથોને જોડતી હતી. નાના-નાના ગવાક્ષો વાળા અલંકૃત ષટકોણીયા શિખર નીચે સિંહપ્રતિમાઓથી ભરાવદાર લાગતાં સ્તંભોનો ટેકો લઈને મેં તેના ત્રણ માળમાં રહેલી પચાસ જેટલી પ્રતિમાઓ જોઈ અને અર્ધનારેશ્વર અને હરિહરની સમભંગ ઉભી પ્રતિમાઓને ઓળખીને ધર્મરાજા રથની પ્રદક્ષિણા ફરતાં-ફરતાં ચારેય બાજુઓના ખૂણાઓ પર રહેલી બબ્બે પ્રતિમાઓના જોડકાઓના vertical compositionsને ગુંજે ભરી, પથ્થર પર કંડારેલા નાગરી લિપિના આલેખો જોઈને અર્જુન રથ તરફ ગઈ જે અર્જુન રથ ઝુંપડી જેવા દેખાવ વાળા દ્રોપદી  રથની બાજુમાં તેની નાજુક રવેશનું મનોહર લાલિત્ય પાથરતો ઉભો હતો.



    દ્રવિડિયન સ્થાપત્ય શૈલીનું અપૂર્ણ સ્મારક એવો આ અર્જુન રથ દ્રોપદી રથની ઉપપીઠ પર એટલે કે તેના secondary platform પર સૂર્યપ્રકાશમાં તેનું mat finish,  ખરબચડું અસ્તિત્વ લઈને ઉભો હતો.આસપાસ હવાની લહેરખીઓથી ઝૂમતી સરુની શાખાઓના ધ્વનિમાં અર્જુન રથની અંદરની ઓટલી સુધી જઈને મેં તે inner porch કે મુખમંડપથી પંચરથ પરિસરનો wide-angle ફોટો ખેંચ્યો અને દ્વારપાળો, ભગવાન વિષ્ણુ, કાર્તિકેય, શિવ અને નંદિની કુલ ચૌદ જેટલી પ્રતિમાઓથી સમૃધ્ધ બાહ્ય દીવાલ પરની પેનલને જોઈ સાતમી સદીના શિલ્પકારોને નતમસ્તક થઈ.




    લાકડાના મંદિરરથો બનતા તે શાસન કાળના આ પંચરથ સ્મારકોમાં અર્જુન રથ પછી પંચરથોમાં સૌથી વધુ Impressive એવા ભીમરથ સમક્ષ ઉભી રહિ ત્યારે પશ્ચિમ બંગાળના અંતરિયાળ ગામડાઓના thatched roofing ધરાવતાં અને આગળ-પાછળ ઢાળ હોય તેવા ઘરો યાદ આવ્યા. 



      બંને બાજુ વળાંક વાળી પાંખ આકારની કમાનો ઘરાવતું ભીમરથનું roofing ચાર રથોથી અલગ હતું. એક માળની ભીમ જેવી Massiveને મજબુત સંરચનાનો લંબ ચોરસ આકાર ધરાવતો ભીમરથ નળાકાર ઘુમ્મટ આકારનું ટનલ જેવું barrel vaulted અલંકૃત roof લઈને પ્રવાસીઓને આકર્ષતો હતો અને એ આકર્ષણમાં છુપાયેલો હતો ‘સાલા શિખર’ જેવી બૌધ્ધ ગુફાઓનો આકાર જે આપણને ક્યારેક લોનાવલાની ભાજા કેવ્ઝ સુધી પણ લઈ જાય. 



      ભગવાન વિષ્ણુની અનંતશયન પ્રતિમા અર્થે સંરચિત લંબચોરસ આકારના આ ભીમરથના roof પર રહેલા ઘોડાની નાળ આકારના અલંકૃત window dormer [વાતાયન] જોઈને હું ભીમરથથી નકુલ-સહદેવ રથની નમણી જોડી તરફ વળી તે પહેલા સુભાષ અને બા પાસે જઈને સાથે લાવેલા કોરા નાસ્તા સાથે મગસની એકાદ લાડુડીનો ટેકો કરી, પાણી પી ફરી પંચરથ પરિસરના બાકીના ત્રણ રથોને explore કરવાનું શરૂ કર્યું.



     બીજા રથોની સરખામણીએ કદમાં નાના નકુલ-સહદેવ રથો સુપડા જેવા કાન વાળા મહાકાય હાથીના અને તેની જોડાજોડ ઉભેલા સિંહવાહન શિલ્પના સાંનિધ્યે કોઈ વિશાળ સંરચનાના template માફક ઉભા હતા.ઉત્તરાભિમુખ પ્રવેશદ્વારથી નકુલ-સહદેવ જેવા જ robust અને રૂપાળા દેખાતા આ દક્ષિણાભિમુખ રથો layoutની દ્રષ્ટીએ દક્ષિણ ભારતની દ્રવિડિયન શૈલી સાથે ઉત્તર ભારતની નાગર શૈલીનું કલાત્મક blending ધરાવતાં હતાં અને તેની અંદરની દીવાલોના ગવાક્ષોમાં કોતરેલા દેવ-દેવીઓના શિલ્પો પણ એટલા જ કલાત્મક હતાં.



     સોળે કળાએ ખીલેલી સાતમી સદીની શિલ્પકલાને મારી સ્થાપત્ય પ્રેમી જોળીમાં ભરી હું ઝુંપડી જેવા આકારના દ્રોપદી રથ તરફ ગઈ.સરૂના વૃક્ષોની આગળ સૂર્યપ્રકાશમાં પૂર્ણ ચમકતા આ દ્રૌપદી રથની એક બાજુ પર ચારેક શિલાઓ પડી હતી અને પંચરથની ફોટોગ્રાફી કરતી વખતે રથના Foregroundમાં પથરાયેલી શીલાઓ લેવા ઉતાવળમાં શિખર કપાય ગયા હોય અને head space પણ ન રાખી હોય તેવા સંયોજનો લેવાની જે ભૂલ કરી હતી તે સુધારીને મેં એકદમ perfect સંયોજનથી દ્રૌપદી રથને જીલ્યો ત્યારે હિન્દુ પુરાણો સાથેના classical જોડાણોથી સભર આ રથ પાંચાલ નરેશ દ્રુપદની પુત્રી અને યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી યજ્ઞસેની દ્રોપદી જેવો જ સ્વરૂપવાન રથ હતો તેવું અનુભવાતું હતું.




      પૂર્વની દીવાલ પર મા દુર્ગાની સમભંગ પ્રતિમાથી મંડિત આ રથ બાકીના પાંચેય રથોથી કદ-આકારમાં નાનો પરંતુ સંરચનાની દ્રષ્ટ્રીએ ઉડીને આંખે વળગે તેવો આકર્ષક હતો કારણ કે તેનો આકાર પશ્ચિમ બંગાળના અંતરિયાળ ગામડાઓની મઢી, કુટિ, મઢૂલી કે પર્ણકુટી જેવો હતો. એટલું જ નહી, અર્જુન રથ સાથે share થઈ રહેલા તેના પ્લેટફોર્મ કે ઉપપીઠ પર સ્તૂપ આકારની નાની મજાની સ્તુપી પણ શોભી રહિ હતી.



       થયું એવું કે કળશ વગરના Curvilinear એટલે વક્રીય roofના ઢાળના અંતે કંડારેલા કલાત્મક Motifsને જોઈને પ્રવેશદ્વાર પરના મકર તોરણ પર મારી નજર પહોંચે તે પહેલા જ પ્રવેશદ્વારની બંને બાજુઓ પર રહેલા સાલભંજિકા તરીકે ઓળખતા બે સ્ત્રી દ્વારપાલિકાઓના  શિલ્પો પર મારી નજર ગઈ અને તડકા-છાયાની cut lightમાં મેં તે શિલ્પોને જીલ્યા ત્યારે ખરેખર આ સ્ત્રી દ્વારપાલિકાઓનું શાસ્ત્રીય શિલ્પ સાલભંજિકા એટલે સાલ વૃક્ષની કોઈ ડાળ તોડતું ઊભું નોહતું પરંતુ ત્રિભંગ મુદ્રામાં કમર પર ડાબો હાથ રાખી અને જમણા હાથમાં ધનુષ્ય કે કમાન પકડિને છટાપૂર્વક ઊભું હતું.    



    Breast-bandથી આકર્ષક અને શાસ્ત્રીય મૂર્તિવિધાન કે classical Iconographyના વિશિષ્ટ ચિત્રણ ધરાવતા દ્વારપાલિકાઓના આવા શિલ્પોને મદનિકા પણ કહે છે તેવા આ સ્ત્રી દ્વારપાલિકાઓના શિલ્પો મનમોહક હતા અને આવા મનમોહક ત્રિભંગ શિલ્પોને, તેના ઉભાર, તેના વળાંકોને મન-હૃદયમાં જીલી ગર્ભગૃહમાં સ્થિત મા દુર્ગાના વરમુદ્રા એટલે વરદાન મુદ્રાથી મંડિત સમભંગ ઉભા શિલ્પને જોયું. કમલાસને શંખ-ચક્ર લઈને ઉભેલી મા દુર્ગાનો એક હાથ તેના કટિ પ્રદેશ પર હતો અને મુગટધારી માના અલંકારોમાં રહેલો તેમનો breast-band ધ્યાનાકર્ષક હતો.



    છેલ્લી બે-અઢી કલાકમાં પંચરથ પરિસરમાં દ્રોપદી સહિતના છ રથોને, તેના સ્તંભો-શિલ્પોને અને તેના શિખરો-ઘુમ્મટોને explore કરીને મેં દુર્ગાના વાહન એવા સિંહના છ ફૂટના high stone શિલ્પને પણ મારા કેમેરામાં સંયોજી બારસો વર્ષોથી બંગાળની ખાડીના ખારા પવનને અને તેરમી સદી અને વર્ષ ૨૦૦૪ની ભયંકર સુનામીને પણ પૂર્ણ મજબૂતાઈથી ખમી ગયેલા well-preserved Panch Rath સ્મારકોને ભારતના ત્રિરંગાને ભરું એવી જ સલામો ભરી અને બા અને મહાબલિપુરમને આ પ્રવાસન circuitમાં include કરનાર મોટા ભાઈ, સુભાષ પાસે ગઈ અને અમે ત્રણેય સહપ્રવાસીઓ પંચરથ સ્મારકોની Monumental siteથી ગંગા અવતરણ કે Arjun’s penance એટલે કે અર્જુનના તપ તરીકે ઓળખાતા વિશ્વના સૌથી મોટા Rock-cut relief તરફ પ્રયાણ કર્યું.

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.