Published Date :

 By : રક્ષા ભટ્ટ

  • Image-Not-Found

વર્ષ ૧૯૯૯ના નવેમ્બરમાં તિરુવન્નામલાઈના આધ્યાત્મિક વાતાવરણથી પોંડિચેરીના સમુદ્ર કિનારા સુધીની આ એક સંવેદનશીલ સફર છે. કેમેરાના લેન્સ દ્વારા કંડારેલા પ્રકૃતિના દ્રશ્યો, સ્થાનિક સંસ્કૃતિ અને સૂર્યાસ્તની સોનેરી ક્ષણોનું વર્ણન અહીં જીવંત સ્મૃતિઓ રૂપે હૃદયસ્પર્શી રીતે રજૂ થયું છે.

      વર્ષ ૧૯૯૯ના નવેમ્બર માસમાં હું, મોટો ભાઈ સુભાષ અને મારી બા નીલાબા તામિલનાડુની જે circuitના પ્રવાસે નીકળ્યા હતાં તેના સૌ પ્રથમ ગંતવ્ય એવા તિરુવન્નામલાઈ સ્થિત શ્રી રમણાશ્રમમાં ત્રણ-ચાર દિવસ રહ્યા પછી પાંચમે દિવસે સવારે આઠ વાગે રમણાશ્રમના dining hallમાં ચા-કોફી નાસ્તો કરી સુભાષ તિરુવન્નામલાઈના બસ સ્ટેન્ડ જવા માટે ઑટો રીક્ષા લઈને રમણાશ્રમના મુખ્ય પ્રવેશદ્વારે આવ્યો. કારણ કે અમારે પોંડિચેરી જવા માટે તામિલનાડું રાજ્ય પરિવહનના બસ સ્ટેન્ડ જવું હતું.




    મેં બાને રીક્ષામાં બેસાડીને સામાન ગોઠવ્યો ત્યાં સુધીમાં સુભાષ આશ્રમના કાર્યાલયમાં અમારા નિવાસની ચાવી જમા કરાવી કેટલીક formalities પૂર્ણ કરી અને રીક્ષા સુધી પાછો ફર્યો.મને રમણાશ્રમ છોડવાની બહુ ઈચ્છા નોહતી એટલે જતાં જતાં પણ એકવાર રમણના સમાધિ મંદિર જઈને રીક્ષા તરફ પાછી ફરતી હતી ત્યાં એક નાનો એવો વાંદરો મારા ખભે બેસી ગયો અને તેના નાના કોમળ હાથો વડે તેણે મારો સફેદ દુપટ્ટો કોઈ નાનું બાળક આપણને રોકિ રાખતું હોય તેમ પકડિ રાખ્યો.




    ‘રમણાશ્રમ છોડીને ન જા’ એવા સંકેતને સાથે લઈને હું ભારે હૈયે રીક્ષામાં બેઠી અને અમે તિરુવન્નામલાઈના એસ ટી સ્ટેન્ડ તરફ ઉપડ્યા. શ્રી રમણાશ્રમથી TNSTC એટલે તામિલનાડુ રાજ્ય પરિવહનનું બસ સ્ટેન્ડ માત્ર ત્રણ કિલોમીટર જ દૂર હતું પરંતુ એ ત્રણ કિલોમીટરમાં પણ આજથી છવ્વીસ વર્ષો પહેલાના તિરુવન્નામલાઈના વૃક્ષો વચ્ચે રહેલા નળિયા વાળા ઘરો અને ટાયરના ચાર પૈડા વાળું બળદગાડું જોઈને અને એ બળદગાડા પર આકાશી રંગની દક્ષિણ ભારતીય સુતરાઉ સાડીમાં એક સ્ત્રીને જોઈને મારો કેમેરા એકાદ click કરવા ઉભો રહી ગયો.તે ઉપરાંત બળદગાડાના ચાલક તામિલ પુરુષની અડધી લુંગી વાળીને ઉપર ચડાવાની તમિલીયન ટેવને પણ જાણે રોલ કેમેરામાં ભરીને હું રીક્ષામાં બેઠી ત્યાં થોડું આગળ જતાં રસ્તાના કાંઠે એક લીંબુ પીળા રંગના પૈડા વાળું ગાડું જોયું જે એક તમિલ સ્ત્રી ચલાવી રહી હતી.




      મન તો નોહતું કે બસ સ્ટેન્ડ જતાં જતાં સામાન સાથેની રીક્ષાને બીજી વખત ઉભી રાખી હું એ પીળા ગાડાની ફોટોગ્રાફી કરું પરંતુ મારું મન કહેતું હતું કે એ પીળા ગાડાનું આ સંયોજન એક ન એક દિન તામિલનાડુની સાંસ્કૃતિક ધરોહર સાબિત થશે અને એટલે જ હું રીક્ષામાંથી નીચે ઉતરી અને બે તમિલ સ્ત્રીઓ વાળા તે પીળા રંગના બળદ ગાડાને ક્લિક કર્યું પરંતુ એવા ઉતાવળા સંયોજનમાં મારી જાણ બહાર એક sign board પણ આવી ગયું જેમાં રહેલા યોગી રામસુરત કુમાર મહર્ષિ અરવિંદ, રમણ ભગવાન અને સ્વામી રામદાસના શિષ્ય હતાં એવી જાણ થઈ અને એ ત્રણેય પાસેથી અનુક્રમે જ્ઞાન, તપ અને ભક્તિનું ભાથું લઈને તેઓ પણ Enlightenmentની ઊંચી સ્થિતિએ પહોંચ્યા હતાં એ પણ મેં જાણ્યું.


      તિરુવન્નામલાઈ છોડતાં છોડતાં પણ મેં તિરુવન્નામલાઈની પવિત્ર ભૂમિના એક બીજા ગુરુને મારી સ્મરણ જોળીમાં સાચવીને હૃદયસ્થ કર્યા અને મારા ખુદના બે વ્હાલા ગુરુ એવા બા અને સુભાષ સાથે, નવેમ્બરની કાર્તિકી સવારે, તિરુવન્નામલાઈના બસ સ્ટેન્ડ પહોંચી અને રીક્ષામાંથી સામાન ઉતારી પોંડિચેરીના પ્લેટફોર્મ સુધી પહોંચી.


      બપોરે બાર-એક વાગે અમને પોંડિચેરી પહોંચાડે તેવી બસને આવવાને હજી થોડિવાર હતી એટલે હું બસ સ્ટેન્ડ પર પણ કેમેરા ગળામાં નાખીને કોઈ વિષયની શોધમાં હતી અને એસ. ટી. સ્ટેન્ડના wash roomની બહાર મને બે old age સ્ત્રીઓના દર્શન થયા.




     બે શ્વેતકેશી તમિલ મહિલાઓ પર સવારનો કુણો તડકો છવાયેલો હતો અને સૂરજ નારાયણ અમારી પાછળ હોવાથી wash roomને પગથિયે પૈસા લેવા બેઠેલી બેમાંની એક સ્ત્રીનો sketchable પડછાયો પણ સ્પષ્ટ દેખાતો હતો. Foregroundમાં ખાટલાના એક પાયાને રાખીને જયારે તે બંનેને સંયોજ્યા ત્યારે ભગવી લુંગી ધારી શ્યામ વર્ણી મહિલા તો નાકની ચુક સરખી કરવામાં વ્યસ્ત હતી અને તેની સામે લીલી કોરનો સાડલો પહેરેલી તેની સખી ઊંઘરેટી અવસ્થામાં બેઠી હતી. 




      Washroom પાસે પાડેલા ફોટાનું આટલું બધું વર્ણન કરવાનું જ ન હોય પરંતુ આ ફોટો પાડતી વખતની મારી એક તસવીરકારની અપરિપક્વ દશા એવી હતી કે હું તે બંને ભગીનીઓને લેન્સ સામે જુઓ એવું કહિ જ શકિ હોત પરંતુ Alas! એ બુધ્ધિ ન ચાલી અને ફોટો તો પાડ્યો પરંતુ મને ગમતાં તમિલ વ્યક્તિચિત્રનો મોકો હું ચુકી ગઈ.



      Anyways, થોડીવારમાં પોંડિચેરી જવાની બસ આવી અને અમે ત્રણેય એકસો બાર કિલોમીટરની બસની મુસાફરી કરવા બસમાં બેઠા. ટેક્ષીની બદલે રાજ્ય પરિવહનની બસ મુસાફરીની મને મજા આવતી હતી કારણ કે અમારી સાથે બસમાં અતિ શ્યામ વર્ણના અને તમિળ અને તેલુગુ જેવી દ્રવિડિયન ભાષા બોલતા સ્થાનિક લોકો પણ મુસાફરી કરી રહ્યાં હતાં.



     અમારે તિરુવન્નામલાઈથી દક્ષિણ-પૂર્વે બંગાળની ખાડીની ધારે વસેલા પુડુચેરી એટલે પોંડિચેરી પહોંચવાનું હતું અને એવું પહોંચવામાં અમે વિલ્લુપુરમ cross કર્યું ત્યારે પોંડિચેરી પહોંચવાના માત્ર ઓગણચાલીસ કિલોમીટર જ બાકિ હતા અને એકાદ કલાકમાં એ ઓગણચાલીસ કિલોમીટર પણ પૂર્ણ કરી અમે પોંડિચેરીના કેન્દ્રશાસિત પ્રદેશમાં પગ મુક્યો.



    ભારતના દક્ષિણ-પૂર્વ દરિયા કિનારાના આ પ્રવાસી ગામમાં ઉતર્યા પછી ગાંધી સ્ક્વેર નામના વિસ્તાર આસપાસની કોઈ હોટલમાં ઉતારો લઈને અમે સાંજે સૌ પ્રથમ તો પોંડિચેરીના પ્રોમેનેડ કે રૉક બીચ તરીકે ઓળખાતા સમુદ્ર કિનારે ગયા.War memorialથી શરૂ કરીને [Goubert Avenue] ગોબર્ટ એવેન્યુના Dupleix park સુધીના એકાદ દોઢ કિલોમીટરના લાંબા પટ્ટામાં ગમતી evening walkની શક્યતા લઈને વિસ્તરેલા સમુદ્ર કિનારે અમે બેઠા ત્યારે સાંજ ઢળવાને હજી વાર હતી સમુદ્રનું આસમાની જળ અમારી સામે લહેરાતું હતું અને ચમકતી રેતી વાળા સમુદ્ર કિનારાની નજીક આઠેક સ્તંભો વચ્ચે ગાંધીજીની એક પૂર્વાભિમુખ પ્રતિમા વિશ્વ પ્રવાસીઓથી ધમધમતા આ શહેરને અને French colonial યુગથી ચાલ્યા આવતાં પ્રખ્યાત Le cafe રેસ્ટોરન્ટને પણ જોઈ રહિ હતી.




     મારી પાત્રીસની ઉંમરે પોંડિચેરી જેવા વિદેશીઓથી સભર કેન્દ્રશાસિત પ્રદેશનો પ્રથમ સ્પર્શ ખાસ્સો Vergin હતો અને મને સતત રખડતા રહેવાના પ્રવાસી પંપ મારનારો પણ હતો. પૂર્વના પેરીસ ગણાતા આ દક્ષિણ ભારતીય શહેરની સાંજને અને ગાંધી સ્ક્વેરની ચહલ-પહલને આંખમાં ભરતી હું સમુદ્ર કિનારા પર ધીમે ધીમે કેસરી રંગ પકડતી જતી સાંજને પણ મારા રોલ કેમેરામાં ભરતી જતી હતી.




    ઝાંઝમેરના સમુદ્ર કિનારાની ફોટોગ્રાફિ સિવાય Seascapeનો કોઈ ખાસ અનુભવ તો નોહતો પરંતુ લેન્ડસ્કેપ ફોટોગ્રાફિની subtype ગણાતી આ Seascape photography સમુદ્રની ભરતીના ધસમસતા મોજાઓ જેટલી જ dynamic હતી. સર્જનાત્મકતાના અંતહીન કેનવાસ પર ચિત્રમયી તસવીરો ખેંચવાનો chance આપતી Seascape ફોટોગ્રાફિમાં ઢળતી સાંજની જે ક્ષણોની હું એક કલાકથી રાહ જોઈ રહિ હતી તે ક્ષણ આવી ત્યારે પોંડિચેરીના આ પ્રખ્યાત સમુદ્ર વચ્ચે ફિશિંગ માટે ખોડેલા ફિશિંગ પોલે મને અગણિત છાયા ચિત્રો પણ આપ્યા જેમાં એ ખૂંટા પર બેઠેલા પક્ષીઓ પણ હતાં.



    ગાંધી સ્ક્વેર પરની ગાંધી પ્રતિમાના છાયાચિત્રને પણ કેમરાની જોળીમાં ભરીને ઢળતાં સૂરજની કેસરીયા સાંજને મેં જ્યારે capture કરી ત્યારે ઈશ્વરે આકાશના કેનવાસ પર છુટ્ટા હાથે થોડા strokes માર્યા હતા તેને પણ સંયોજી vertical અને horizontal compostionની આખી sun set seriesને મેં seriously જીલી.



    ખાલી દ્રશ્ય નહિ પરંતુ વાર્તા કહેતી સાંજના દ્રશ્યને જીલવામાં મેં સિત્તેર ટકા આકાશ અને ત્રીસ ટકા દરિયાની સોનેરી સપાટીને મારી કરી ત્યારે એ લંબરૂપ એટલે vertical સંયોજનમાં મહર્ષિ અરવિંદ ઘોષનો યોગી-તત્વજ્ઞાની જેવો મને ગમતો રંગ પોંડિચેરીનું સિત્તેર ટકા આકાશ રોકિને છવાયેલો હતો અને બાકીનું ત્રીસ બંગાળની ખાડીના આસમાની જળ પર સોનું પાથરતાં સૂર્યની સોનેરી ઝાંયનો હતો. 




    એક એક ક્ષણને અનન્ય બનાવતી આ ઢળતી સાંજે વાદળ પાછળ લૂપાછૂપી રમતો કેસરી સૂર્ય જયારે તેના પૂર્ણ ઓજસ અવતારે golden lightનો ધોધમાર વરસાદ વરસાવાની ક્ષણોમાં હતો ત્યારે અચાનક બે માછીમારો સહિતની એક હલેસા હોડી મને દૂરથી આવતી દેખાણી અને મેં સૂર્યપ્રકાશની ઉભી પટ્ટીની હદમાં જયારે તે હોડી આવી ત્યારે ખચાક દઈને એક ફોટુ ખેંચી લીધો અને સ્મરણ જોળીને સોનાની લગડીઓથી સભર કરી.



    સમુદ્રના પ્રોમિનન્ટ તત્વને ઉજાગર કરતી લેન્ડસ્કેપ ફોટોગ્રાફિની subgenre એવી seascape ફોટોગ્રાફિનો આ મોકો મળ્યો ત્યારે ફોટોગ્રાફિની દુનિયામાં ઝંપલાવ્યાને માત્ર ત્રણ વર્ષ જ થયાં હતાં, આથી કેમેરાની shutter speedને અનેક સેકન્ડો કે મિનિટો માટે ખુલ્લી રાખી ખડકો કે દરિયામાં નાખેલા ખૂંટા જેવા સ્થિર વિષયો sharp આવે અને સમુદ્ર જળ જેવા motionમાં રહેલા ગતિમાન તત્વો અસ્પષ્ટ અને ધુંધળા capture થઈ ચિત્રકારે પીંછીથી મારેલા strokes જેવો ચિત્રમયી ભાવ સર્જે તેવી Long exposure photographyની કોઈ સમજ નોહતી છતાં seascapeના સોનેરી સમયની જાદુઈ સોનેરી હુંફને હળવા અંદાજમાં કેમેરાની જોળીમાં ભરીને દરિયામાં ડૂબતાં સૂર્યથી ઘેરી થતી જતી સાંજ અને સંધ્યા કાળને મેં પૂરી શિદ્દતથી જીલ્યાં અને દોઢ કિલોમીટરમાં વિસ્તરેલા પ્રોમેનેડ બીચમાં ગાંધી સ્ક્વેરની ગાંધી પ્રતિમા પાસે બા-સુભાષ દરિયાની જે પાળ પર બેસી સુર્યાસ્ત માણતા હતાં ત્યાં પહોંચી ગઈ.    




    પોંડિચેરીની પ્રથમ સાંજનો આ જલસો સંતોષમય હતો અને એવા પ્રવાસી સંતોષના સથવારે અમે એક જમાનાના વેદોના જાણકારોની નગરી વેદપુરી એટલે કે પોંડિચેરીના ગાંધી સ્ક્વેરના લીસ્સા રસ્તે ચાલતાં ચાલતાં એક રેસ્ટોરન્ટમાં જઈ દક્ષિણ ભારતીય વ્યંજનો જમ્યા અને પલ્લવ, ચૌલા અને પાંડ્ય રાજ વંશના શાસન પછી સુલતાનોના શાસનકાળના સાક્ષી રહેલા આ પોંડિચેરીની એકાદ બાંકડી પર બેસીને ભારતના ભૂગોળ અને ઈતિહાસના અભ્યાસુ એવા મોટા ભાઈ, સુભાષ સાથે દરિયાખેડુ પોર્ટુગીઝ અને ડેનિશ વેપારીઓની વાતો કરી અને એ વાતો સત્તરમી સદીમાં આરંભાયેલ કોલોનિયલ કાળ અને ફ્રેન્ચ વસાહતોની વાતો સુધી પહોંચી ત્યારે અમારી હોટલ પર જઈ દૈનિક કાર્યો પૂર્ણ કરીને નિદ્રાધીન થવાનો વખત થઈ ગયો હતો કારણ કે પોંડિચેરી પ્રવાસના બીજા દિવસે સુભાષની પ્રવાસી આંગળી પકડિ અમે......

મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.