Published Date :

 By : નિરજ ગામીત

  • Image-Not-Found

કોટભલવાલ જેલની ઘટનાથી શરૂ થયેલ મસૂદ અઝહરનો આતંકવાદ, તેના પરિવાર અને જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામા હુમલામાં પરિણમ્યો. સ્થાનિકોની મદદ અને પાકિસ્તાની ષડયંત્ર દ્વારા કરાયેલા આ હુમલાનો ભારતે બાલાકોટ એરસ્ટ્રાઈક દ્વારા જડબાતોડ જવાબ આપી શહીદોના લોહીનો બદલો લીધો હતો.

 ૧૯૯૯નું વર્ષ હતું. જમ્મુ-કશ્મીર રાજ્યના જમ્મુ ખાતેની કોટભલવાલ સેન્ટ્રલ જેલમાં કેદીઓએ ભાગવા માટે સુરંગ ખોદી. આ સુરંગમાંથી ભાગવામાં એક આતંકવાદી સજ્જાદ અફઘાની માર્યો ગયો. બીજી બાજુ એક હટ્ટૉ-કટ્ટો કેદી ભાગવાની કોશિષમાં સુરંગમાં ફસાઈ ગયો. આ ઘટનાને લીધે જેલનો સ્ટાફ એ આતંકવાદીના ભરાવદાર શરીરની મજાક ઉડાવવા લાગ્યો. જેના જવાબમાં ઠંડા કલેજે તે આતંકવાદી તે બધાને કહેતો કે મારે કોઈ સુરંગ ખોદવાની જરૂર નથી એક દિવસ તમે બધા જ મને બાઈજ્જત આ જેલમાંથી બહાર છોડવા આવશો અને ખરેખર એ દિવસ એ વર્ષન અંત થતાં થતાં આવી જ ગયો.  આ આતંકવાદીને છોડાવવા તેના ભાઈ ઈબ્રાહીમ અથર એ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ. સાથે મળીને નેપાળથી દિલ્હી જતી IC -814  ફ્લાઈટ હાઇજેક કરી.જેને કંદહાર(અફઘાનિસ્તાન) ખાતે ઉતારવામાં આવી. સરકારે નાછૂટકે મસૂદ અઝહર સહિતના આતંકવાદીઓને છોડવા પડ્યા. હવે જે થયું તેના કારણે ભારતમાં આવનારા દિવસો-વર્ષોમાં પછી આત્મઘાતી હુમલાઓની કતાર લાગી જવાની હતી. ૩૧ જાન્યુઆરી, ૨૦૦૦ના રોજ ભારતની જેલમાં પાંચ વર્ષોં ગાળ્યા બાદ  વધુ આક્રમક બનેલા મસૂદ અઝહરે કરાચી ખાતે ફલાલ મસ્જિદ આગળ સભાને સંબોધતા જૈસ –એ-મહમ્મદ  (JeM) નામના આતંકવાદી સંગઠન શરૂ કરવાની જાહેરાત કરી.૧૪,ફેબ્રુઆરી,૨૦૧૯ના રોજ જમ્મુ-કશ્મીરના પુલવામા ખાતે સુરક્ષાદળો પર જે હુમલો થયો તેના માટે ઉપર જણાવી એ ઘટના જાણવી જરૂરી છે. હવે જઇએ  સીધા જ ૨૦૧૬ના વર્ષમાં.હવે વ્યક્તિ બદલાય છે પણ ખાનદાન –પરિવાર તો મસૂદ અઝહરનું જ છે. 


     મસૂદ અઝહરનો ભત્રીજો મોહમ્મદ ઉંમર ફારૂખ સપ્ટેમ્બર, ૨૦૧૬માં અફઘાનિસ્તાનમાં ચાલતા આતંકવાદી તાલીમ કેન્દ્રમાં વિસ્ફોટકો બનાવતા અને ફોડતા શીખ્યો. અફ્ઘાનિસ્તાન-તાલિબાનો આઇ.એસ.આઇ.સાથે મળી પોતાના ત્યાં ઘણા ત્રાસવાદી કેમ્પો ચલાવતું હતું. (તા.ક. -હાલમાં બન્ને દેશો એકમેક્ના વિરોધી થઇ ગયાં છે.)  ફારૂખ દ્વારા લેવાતી આ તાલીમ એ ભારતમાં થનાર એક મોટી આતંકવાદી હુમલાની ઘટનાને જન્મ આપનારી બનવાની હતી.પુલવામાની આગ માટે ફારૂખ એ ચિંગારી સાબિત થયો હતો.આ તાલીમ બાદ ફારુખ ચાર આતંકવાદીઓ સહિત ભારતમાં આતંક ફેલાવવા ૧૩ એપ્રિલ,૨૦૧૮ના રોજ હીરાનગર સેક્ટરથી ભારતમાં પ્રવેશ્યો.


      પુલવામા હુમલાની આત્મઘાતી યોજના ઘડવાનું એક તાત્કાલિક કારણ મસૂદ અઝહર અને તેના આતંકી સંગઠનને જલ્દીથી જ મળી ગયું પણ આ વખતે મસૂદ માટે કારણ  અંગત અને પારિવારીક પણ હતું.(જૈસ –એ-મોહમ્મદ આમ પણ મસૂદ અઝહરનું પારિવારીક સાહસ જ ગણાય છે તેના ભાઇઓ-ભત્રીજાઓ- સગાઓ આ આતંકી સંગઠનમાં જુદા જુદા હોદ્દાઓ પર છે.) ૩૦ ઓક્ટોબર,૨૦૧૮ના રોજ  મસૂદ અઝહરનો બીજા ભત્રીજો  અને ફારૂખનો નાનો  ભાઈ ઉસ્માન હૈદર તરાલ ખાતે સુરક્ષા દળો સામે લડતા માર્યો ગયો. જેથી હવે ગુસ્સે ભરાયેલા મસૂદે બદલો લેવાના ઇરાદા સાથે તેના આતંકવાદી સંગઠન જૈસ –એ-મોહમ્મદ દ્વારા ફિદાયીન- આતંકવાદી હુમલો કરવાનું નક્કી કર્યું. પુલવામા ખાતે લેથપુરામાં આવેલી સી.આર.પી.એફ.ની ૧૧૦મી બટાલિયનનું હેડક્વાર્ટર આ આત્મઘાતી હુમલો કરવા માટે પસંદ કરવામાં આવ્યું.જેનું  આયોજન ૨૦૧૮ ના વર્ષના  છેલ્લા મહિનાઓથી ચાલી રહ્યું હતું. 


 લેથપુરા એપ્રોચ રોડ,  રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૪૪ નજીક શાકીર બશીરના પિતાની ટિમ્બર શોપ હતી.આ હુમલામાં શાકીર જેવા સ્થાનિકોને પણ સાંકળવામાં આવ્યા હતાં. દુકાન અને તેની આસપાસથી શાકીર સુરક્ષા દળોની  આવન જાવન ઉપર નજર રાખતો. તેને લગતા વિડિયો- તસ્વીરો   આતંકવાદીઓને મોકલતો રહેતો જેથી આ હુમલાનું પૂર્વાયોજન થયું.બધી તૈયારીને અંતે એ હુમલાનો દિવસ આવી ગયો. બધી જ તૈયારી થઇ ગઇ હતી. એ દિવસ હતો ૬ ફેબ્રુઆરી, ૨૦૧૯નો. લેથપુરા નજીકના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સુરક્ષા દળોની આવન જાવન પર સતત નજર રખાઈ રહી હતી. વિસ્ફોટકો ભરેલી ઈકો કાર તૈયાર હતી પણ કુદરતે યારી ન આપી. ( કુદરત એ દિઅવસે ભારતના પક્ષે હતી કદાચ)  ભારે બરફ પડવાને લીધે હાઇવે પર ટ્રાફિક બાધિત  થયો. રસ્તાઓ બંધ થયા. જેથી એ દિવસે આત્મઘાતી હુમલો ટળ્યો. રોકાયો નહી પણ ટળ્યો. હવે જઇએ  સીધા જ ૧૪ ફેબ્રુઆરી, ૨૦૧૯ પર. 


     શાકીર બશીર કે જેની દુકાન લેથપુરા નજીક નેશનલ હાઇવે-૪૪  ઉપર હતી તેણે ઉંમર ફારુખને રસ્તો ખુલ્લો હોવાની અને જમ્મુ તરફથી સુરક્ષા દળોના વાહનો આવી રહ્યા હોવાની ખબર આપી. આ ખબર મળતાં જ બપોરે ૩:૦૦  વાગે ઉંમર ફારૂખ, આદિલ અહેમદ દાર અને  શાકીર બશીર વિસ્ફોટકો ભરેલી કાર લઈને હુમલો કરવાની યોજનાવાળા સ્થળે જવા નીકળ્યા. જેલમ નદી પરના હાજીબાલ પુલ  ઉપર ગાડી રોકાઇ. ગુંદીબાગ,પુલવામાના સ્થાનિક રહેવાસી એવા આદિલ અહેમદ દારે બે આઈ.ઇ.ડીએસ વિસ્ફોટકોથી ભરેલી ગાડીનું સ્ટિયરિંગ પોતે સંભાળી લીધું. નેશનલ હાઇવેના લિંક રોડ ઉપર ઉભા રહી સુરક્સા દળોના કાફલાના આવવાની તેઓ રાહ જોવા લાગ્યા. પાંચ દસ મિનિટ થઈને તેમણે સુરક્ષા દળોનો કાફલો આવતો નિહાળ્યો.ઘડીઓ ગણાવવા લાગી. આદિલે કાર શરૂ કરી અને થોડો આગળ રસ્તાની બાજુમાં કારમાં બેઠેલાઓ અન્યોને ઉતારી દીધા. પછી JK03C 1886  નંબર પ્લેટ ધરાવતી કાર શ્રીનગરના નેશનલ હાઇવે તરફ મારી મૂકી. આશરે ૩:૩૦ કલાકે આદિલે તે કાર સીધી જ  સુરક્ષા દળોના કાફલામાં અથડાવી દીધી. ભયંકર વિસ્ફોટ થયો. વિસ્ફોટની તીવ્રતા ઘણી જ હતી. બસના ફૂરચા ઉડી ગયા અને ઘટનાસ્થળે   હાઇવે પર ખાડાઓ પડી ગયા. બસમાં સવાર ૩૯ જવાનો અવસાન પામ્યા. ૦૮ લોકો જે કાફલાની અન્ય બસોમાં હતા તેમની ઈજા પહોંચી. સી.આર.પી.એફ.ની રસ્તા ખોલ કંપનીના એ.એસ.આઇ. મોહનલાલ પણ આ હુમલામાં માર્યા ગયા. જૈસ –એ-મોહમ્મદ એ આ હુમલાની જવાબદારી લીધી.


     ત્યારબાદ ચાલેલી તપાસમાં હુમલાની ઘણી બાબતોના રહસ્ય ખુલ્યા. આ હુમલા માટે ₹૫,૭૦,૦૦૦ની રકમ ખર્ચવામાં આવી હતી. ઉંમર ફારુકના કશ્મીરના બેંકના ખાતામાં ૮ જાન્યુઆરીથી ૯ ફેબ્રુઆરી,  ૨૦૧૯ દરમિયાન ₹ ૧૦,૪૩,૨૮૦ જેટલી રકમ જમા કરવામાં આવી હતી. ૫ ફેબ્રુઆરી,૨૦૧૯ ના રોજ  શાકીર બશીરના ઘરે આર.ડી.એક્સ. ધરાવતી બે આઈ.ઇ.ડી. કારમાં ફીટ કરવામાં આવી હતી  જેની સ્વીચ સ્ટીયરીંગ વ્હીલ પાસે આપવામાં આવી હતી. આ હુમલા માટે આર.ડી.એક્સ.નો જથ્થો પાકિસ્તાનથી લાવવામાં આવ્યો હતો. (સ્વાભાવિક જ છે.)  આ આત્મઘાતી હુમલાના આયોજન પાછળ ઘણા મોડ્યુલસ  સંકળાયેલા હતા. જેને આમ તો એકબીજાની માહિતી ન હતી પરંતુ તેમને  પોતાને  સોંપાયેલું  કામ તેમણે પાર પાડ્યું હતું. જેમ કે પરિવહન ટ્રાન્સપોર્ટ મોડ્યુલે આતંકવાદીઓને એક સ્થળેથી બીજા સ્થળે સ્થાનાંતરિત કરવાનું કામ કર્યું હતું. લોજિસ્ટિક મોડ્યુલે આતંકવાદીઓનો રહેવા- જમવા- છુપાવવાની વ્યવસ્થા કરી હતી. આ રીતે ક્યાંક સ્થાનિકોની પણ મદદ લઈ પુલવામા આત્મમઘાતી  હુમલો કરવામાં આવ્યો હતો.  જેના પ્રત્યાઘાત સ્વરૂપે ભારતે પાકિસ્તાન અધિકૃત કશ્મીર (પી.ઓ.કે.)ના બાલાકોટ ખાતે ચાલતા ત્રાસવાદી કેમ્પો ઉપર હવાઈ હુમલા કરી અને ૩૦૦ જેટલા ત્રાસવાદીઓને મારીને  જડબાતોડ જવાબ આપ્યો હતો.

નિરજ ગામીત ગાંધીનગર સચિવાલયમાં સરકારી અધિકારી છે. તેઓ ઉમદા લેખક અને અચ્છા વાચક છે. ઓપિનિયન આપ્યા વિના માત્ર માહિનીને કેન્દ્ર રાખીને અવનવા વિષયો પર લેખ લખવામાં તેમની હથોટી છે. તેમણે 'બેસ્ટ ઓફ રાઈટ ટાઈમ' નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે