વર્ષ ૨૦૦૦ના એ દિવસે, ઝાંઝમેરના ખડકાળ દરિયે એસ.એલ.આર. કેમેરાથી સેપિયા ફિલ્ટરમાં કંડારાયેલાં દ્રશ્યો આજે પણ અકબંધ છે. ફોટોગ્રાફીના શોખથી લઈને અંધારિયા રસ્તે મળેલી છકડાની ‘ગુરુદક્ષિણા’ સુધીની આ સફર, લેખિકાની છબીકલા યાત્રાનું એક અવિસ્મરણીય અને તેજસ્વી પ્રથમ પ્રકરણ બની રહી.
વર્ષ ૨૦૦૦ની દિવાળીના વેકેશન પછીના રજાના એક દિવસે હું અને નલિની ભાવનગર જીલ્લાના દરિયા કાંઠાના ગામ ઝાંઝમેર ગયા હતાં.મારા વતન ભાવનગરના તળાજા તાલુકાના આ ઘૂઘવતાં ગામે પહોંચ્યા પછી તરત જ અચાનક મળી ગયેલા એક નળિયા વાળા પૂર્વાભિમુખ ઘરે શિયાળાની હૂંફાળી તડકીએ કેટલાક ચહેરાઓ ઉપર એવો પ્રકાશ પાથરેલો કે મેં એક નાની એવી ફોટો સેશન કરી નાખી અને યજમાનના ઘરે ગરમ-ગરમ ચા તો પીધી જ પરંતુ યજમાનના ઘરના બાળકોને પણ મારા એસ એલ આર કેમેરાની સ્મરણ પટ્ટીમાં મઢીને મુક્યા અને પછી આવળ-બાવળ વચ્ચેના રસ્તે ઝાંઝમેર ગામના એ રૂપકડા ઘરેથી દરિયા તરફ ચાલવા માંડ્યા.

થોડું ચાલ્યા હશું ત્યાં પાછળ ફરીને જોયું તો મેં જે બાળકોના ફોટા પાડ્યા હતાં તે બાળકોમાંના કિશોર વયના બે છોકરાવ અમારી પાછળ પાછળ દરિયે આવી રહ્યાં હતાં અને આથી મજા એ પડી કે અમારે ઝાંઝમેર ગામથી થોડું ચાલીને આવતો દરિયો શોધવો ન પડ્યો.
આવળ-બાવળના સાંકડા રસ્તે એકાદ કિલોમીટર ચાલ્યાં પછી, એક સમયે Jojoba oil માટે જોજોબાની ખેતી કરતાં, ખડકાળ દરિયે અમે પહોંચ્યા.દરિયાની રેતીવાળા સમુદ્ર કિનારાના આ ગામમાં કહે છે કે તાપમાન માઈનસે પહોંચે કે છેક પિસ્તાલીસ કે અડતાલીસ ડિગ્રીએ પહોંચે તો પણ ઓછા પાણીએ ટકિ જતાં જોજોબાની ખેતી કરી શકતાં ઝાંઝમેર ગામનો દરિયો એટલે મૂળ તો આપણો અરબસાગર એટલે કે ઘૂઘવતો અરબી સમુદ્ર.
ગુજરાતનો નકશો લઈને બેસીએ તો ભાવનગરની દક્ષિણે તળાજા-મહુવા વચ્ચે દેખા દેતાં ઝાંઝમેરની જમણે ઊભી લીટીમાં ખંભાતનો અખાત લખેલું વંચાય અને એ લખાણની જમણી બાજુ પશ્ચિમે દહેજ, ઓલપાડ, દાંડી, ડુમસ લખેલું દેખાય. આટલા interesting locationનું માલિક આ ઝાંઝમેર આમ તો ઘોઘાથી શરુ થતાં દરિયાથી જાણે દ્વારકા લઈ જતો route જે દ્વારકાથી છેક ઘોઘા સુધી ડાબેથી જમણે કે કહો પશ્ચિમથી પૂર્વે ‘U’ આકારે દરિયે દરિયે ગુજરાતના [GIS software મુજબ digitally trace કરેલી coastline] ૨,૩૪૦ કિલોમીટર લાંબા દરિયા કાંઠાને cover કરે અને આપણને કહે કે હું તો ભારતની સૌથી લાંબી coastline છું.

થયું એવું કે અમે દરિયે પહોંચ્યા ત્યારે ઓટનો સમય હતો અને કોઈ ખાણી-પીણીના કે ચા-કોફીના સ્ટોલ વગરના નિર્જન દરિયા કાંઠે સન્નાટો પણ એટલો જ આકરો હતો કે અમે દરિયા સામેની એક ખડકાળ cliff એટલે કરાડના છાયે બેસીને સાથે લાવેલો નાસ્તો કરી પાણી પીધું અને ભરતી શરુ થઈ તે પહેલા મસ્તરામધારા પહોંચી આ ખડકાળ દરિયા કાંઠા પર ચાલ્યા અપન ખરા.
ભાવનગર અને સુરત જીલ્લા વચ્ચે વિસ્તરેલો ખંભાતનો અખાત કુલ એંશી માઈલ લાંબો અને તેની દક્ષિણે અરબી સમુદ્ર ઘૂઘવે પરંતુ આ ખંભાતનો અખાત પણ ભાગ તો અરબ સાગરનો જ જે બરાબર અમારી સામે ઘૂઘવી રહ્યો હતો અને અમારો ઈરાદો તો એવો હતો કે કુછ ભી હો જાયે પરંતુ દરિયામાં દેખાતા ત્રણ મોટા ખડકોને સુર્યાસ્ત સમયે કેમેરાની જોળીમાં જીલીને જ ઝાંઝમેર છોડવું છે.

આવા સંકલ્પે પહેલા તો ઝાંઝમેરના દરિયા કાંઠે રહેલા ખડકોની abstract photography કરી અને બપોરની strong lightને થોડિ warm કરવા માટે કેમેરાના lens પર graduated sepia filter ચડાવ્યું જે filter મારી roll filmની photographyના એ દિવસોમાં હું મારી સાથે જ રાખતી અને જો કોઈ સ્થળે-સ્થાપત્યે બપોરના આકરા તડકે પહોંચતી તો લેન્સ પર એ sepia tone filterને એવી રીતે ચડાવતી કે મેં પાડેલા ફોટોને કે compose કરેલા સંયોજનને soft brown tint મળે અને એ હૂંફાળી vintage image nostalgic feel આપી કોઈ સ્થાપત્ય, સ્મારક કે ખડક-ખંડેરને એકદમ mysterious mood બક્ષે.
Roll cameraના એ દિવસોના આવા explorationમાં અમે ખડકો અને પથ્થરોથી સમૃધ્ધ સમુદ્રતટને આકંઠ પીધો અને માછીમારોએ પાથરેલી જાળ આસપાસ કોઈ ખડક પર બેઠેલા શ્વેત-ધવલ બગલાઓને પણ જતનથી જોળીમાં જીલ્યા. ક્યાંક કોઈ ખડક કોઈ ઋષિ માફક એકલો–અટૂલો દરિયાની ભરતી-ઓટને સાક્ષી માફક જોતો સદીઓથી સ્થિર હતો તો ક્યાંક દરિયા કાંઠે રહેલા મંદિરની લાલ ધજા મા ખોડિયાર કે મસ્તરામ બાપાના તપનું સત લઈને ફરફરતી હતી.
બપોરના તડકામાં તગતગતી અનેક મહાકાય શીલાઓ, મીઠી વીરડી જેવા જળમાં પડતા તેના પ્રતિબિંબો, માઉન્ટ આબુના ટોડરોકની યાદ અપાવતા ખડકો, અને જાણે અંદર ગુફા હશે તેવા ખડકોને જીલતાં-કારવતાં સાંજ પડી અને ઝાંઝમેરના દરિયાની ભરતીએ ધીમેધીમે સમુદ્રતટના ખડકોને પોતાના ઘૂઘવતા પ્રેમથી પલાળવાનું શરુ કર્યું.

જે ક્ષણોની આખો દિવસ રાહ જોઈ હતી તે એકદમ તોફાની અને ઉર્જાવાન ક્ષણોની એક લાંબી હારમાળા ગૂંથાવા લાગી અને હું તેના દરેક મણકાને મારી આવડત મુજબ કેમેરામાં જીલવા લાગી.એ આખા ઉત્સાહી spellમાં નલિની મારી બાજુમાં ઉભી હતી, ક્યારેક મારી કેમેરા કિટ પોતાના ખભે નાખીને તો ક્યારેક મને ખારી શીંગનો એક બુકડો હાથમાં આપીને, ક્યારેક કાળી ડબ્બીમાંથી નવો રોલ cartridge પર ચડાવવા આપીને કે ક્યારેક glucoseના injection જેવું સુખડીનું બટકુ હાથમાં આપીને.
બહેનપણીથી વિશેષ મોટી બેન જેવી નલિની સાથે હવે મેં ખડક સાથે ધબિંગ કરીને અફળાતા-ફીણાતા મોજાઓનો ઉભો ફોટો અંકે કર્યો જેના ચાર layers હતાં. સૌથી ઉપરનું અડધો અડધ layer આકાશનું અને તેની નીચેના બાકી બચેલા અડધા layerમાં બરાબર વચ્ચે અફળાયેલા મોજા વાળો ખડક, પછી દરિયો અને દરિયાના foregroundમાં દરિયાનાં મોજાનો મિજાજ.

ઢળતા સુરજની સાખે એક horizontal સંયોજનમાં ઉપર આકાશ, નીચે greyish દરિયો અને વચ્ચે એકબીજાથી અંતર રાખીને ઉભેલા ત્રણ ખડકોનું simple composition sepia toneની vintage feelનો Goan mood લઈને ઉભેલું હતું જેને જોળીમાં ભર્યું ત્યારે Seascapesની આખી એક દુનિયા ખુલ્લી ગઈ જેમાં foregroundમાં દરિયાની રેતી પર ચાલેલા ચરણોના ચરણ ચિહ્નો હોય, પછી હોય ખડકોની એકલતા, પછી ઘૂઘવતો દરિયો અને વળી પાછા આકાશના કેનવાસને અડતા મહાપુરુષ જેવા નિશ્ચલ ખડકો.
આવા દરિયા-દરિયા સંયોજનની ક્ષણોને સંભાળીને સંગ્રહતા સાંજ ઢળી અને દૂર દૂર સુધી કોઈ ન હોય તેવા સન્નાટાને સાથે લઈને અમે સમુદ્રતટ પર પડેલા પથ્થરો અને ખડકો વટાવતા ઉપર ગયા ત્યારે realize કર્યું કે અમારે સંધ્યાકાળ પછી વધતા જતાં અંધારામાં આવળ-બાવળ વચ્ચેના અંધારિયા રસ્તા પર ચાલીને ઝાંઝમેર ગામ પહોંચવાનું છે અને જે છોકરાઓ અમારી સાથે આવેલા એ તો ક્યારનાય અમને દરિયે છોડીને જતાં રહ્યાં હતાં.
વર્ષ 2000માં આજથી પચ્ચીસ વર્ષ પહેલા mobileનો જમાનો તો નોહતો જ એટલે mobileની inbuilt batteryનો તો પ્રશ્ન જ નોહતો. પણ અમારી પાસે સાદી બેટરી પણ નોહતી આથી અમે બાવળ વચ્ચેના નિર્જન રસ્તે ઝાંઝમેરના દરિયેથી ઝાંઝમેર ગામ તરફ ચાલવાનું શરુ કર્યું.નલિની તો મારી કરતાં બહાદુર હતી પરતું મને તો નજીવા ખડખડાટે પણ ભયનો એક ઉભો લીસોટો અંદર સુધી ધ્રુજાવતો હતો એટલે હું નલિનીની બરાબર સમાંતરે ચાલતી હતી.

મારો ભય ઓછો કરવા ‘ચિંતા ન કર હમણા ગામ આવી જશે’ એવું કહેતી નલિનીનો નિર્ભય અવાજ મારામાં બહાદુરીનું બળ પૂરે તે પહેલા તો અક્કર-ચક્કરમાંથી એક કૂતરું પ્રગટ થયું અને અમારી સાથો સાથ આગળ-પાછળ ચાલવા લાગ્યું.
આવી સ્થિતિમાં એક કિલોમીટરનું અંધારિયું અંતર વટાવી અમે ઝાંઝમેર ગામમાં પહોંચ્યા અને નિરાંતનો ઊંડો શ્વાસ લીધો ત્યાં એક બીજો પ્રશ્ન ઉભો હતો કે હવે ઝાંઝમેરથી તળાજા કે ભાવનગર લઈ જતી એક પણ એસ.ટી. બસ નથી તો ક્યાં કરેંગે.

આવા પ્રાણ પ્રશ્નને મન-હ્રદયમાં અવકાશ આપી જ્યાં એસ.ટી બસ ઊભી રહે તે સ્થળ પરના એકાદ પાનના ગલ્લે કે નાનકડિ દુકાને અમે ઉભા’તા ત્યાં એક-બે મુસાફર ભરેલો એક છકડો ઢઢઢઢ કરતો અમારી સામે આવીને ઉભો રહ્યો જેને હજી પૂછું કે અમને, at least, ઝાંઝમેરથી તળાજા સુધી લઈ જશો ત્યાં ખુદ છકડા વાળા જુવાન છોકરાએ મને પૂછ્યું કે લે રક્ષાબેન, તમે ઝાંઝમેરમાં? અને મને બત્તી થઈ કે આ તો મારો ગ્રામ દક્ષિણામૂર્તિ, મણાર લોકશાળાનો વિધાર્થી અને મે કહ્યું હા, અમે તો સવારથી ઝાંઝમેર આવ્યા’તા ને હવે ભાવનગર જવું છે.

સાતેક વર્ષ પહેલાના મારા મણાર લોકશાળાના વિધાર્થીએ અમને ઝાંઝમેરથી સત્તરેક કિલોમીટર દૂર રહેલા તળાજા ગામ જવા તેના છકડામાં બેસાડ્યા. છકડાની પાળે બેઠેલા હું અને નલિની ઝાંઝમેર, પીથલપુર અને તેની પણ આગળ તળાજા પહોંચતા સુધીમાં ઉબડ-ખાબડ રોડ પર ખુબ ઉછળ્યા. એક તો સવારથી ઢંગનું ભોજન લીધું નોહતું અને આખો દિવસ દરિયાકાંઠાની ખારી ભેજ વાળી હવા લઈને તાંબા વર્ણા તો થયા જ હતાં પરંતુ ચશ્મા પણ ધૂંધળા થઈ અંધારાને વિશેષ આંધળું કરી રહ્યા હતા.
આવી અનેક મુશ્કેલીઓના popping upમાં મૂળ તો ભૂખ હતી જેને પ્રજ્વલિત રાખી અમે તળાજા-ભાવનગર રોડ પર ઉતર્યા અને મારા વિધાર્થીને પૂછ્યું કે તને કેટલા રૂપિયા દેવાના છે? એનો જવાબ હતો તમારા પૈસા થોડા લેવાના હોય આ તો મારી ગુરુ દક્ષિણા અને આમ અમે બહુ સલામત રીતે ઝાંઝમેરથી તળાજા પહોંચ્યા.

તળાજા પહોંચીને સૌ પહેલા તો તળાજા હાઈ-વે પરના એક ધાબે ગરમ-ગરમ રોટલા-શાક અને છાશનું ભોજન કર્યું અને પછી ભાવનગર જતી એકાદ બસમાં બેસી તળાજાથી ભાવનગરનું જાણીતું અંતર કાપી થાકીને ભાવનગર પહોંચ્યા ત્યારે થયું કે આ અફાટ અરબી સમુદ્રે મને કેવા ઘૂઘવતાં,અફળાતાં અને ખડકોથી કડક-મજબૂત અને મનગમતા સંયોજનો આપી સભર કરી અને એ સભરતાં વચ્ચે મારા અભ્યાસ કાળની Ernest Hemingwayની Pulitzer Prize Winner [૧૯૫૩] નવલકથા, ‘Old Man And The Sea’નું પણ સ્મરણ કરાવી નવલકથાકાર Hemingwayના શબ્દોમાં કહ્યું કે ‘Every day is a new day.’
મારી માટે આ નવો દિવસ એટલે મારી છબીકલા યાત્રાના Seascapesનો, કદાચ, પ્રથમ દિવસ.....
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.