પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થયેલા વધારાથી અર્થતંત્ર પર મોંઘવારીનું દબાણ વધી શકે છે, જેના કારણે આગામી મહિનાઓમાં પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં વધારો થઈ શકે છે અને રોજિંદા વપરાશની વસ્તુઓ વધુ મોંઘી બની શકે છે. રેટિંગ એજન્સી ક્રિસિલે જાહેર કરેલા અહેવાલમાં આ અંદાજ વ્યક્ત કર્યો છે.
અહેવાલ મુજબ, 15 મે પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર આશરે ₹7.5નો વધારો થઈ ચૂક્યો છે. જો કાચા તેલના ભાવ ઊંચા જ રહે તો નજીકના ભવિષ્યમાં આ વધારો પ્રતિ લિટર ₹10 સુધી પહોંચી શકે છે. ક્રિસિલે જણાવ્યું છે કે તેની અસર સમગ્ર અર્થતંત્રમાં પરિવહન ખર્ચ વધારાના રૂપમાં જોવા મળશે, જેના કારણે ખાદ્યપદાર્થો અને અન્ય ઉપભોક્તા વસ્તુઓની મોંઘવારી વધી શકે છે.
રોજિંદી વસ્તુઓ મોંઘી થઈ શકે છે
અહેવાલ અનુસાર, ઇંધણના ભાવમાં વધારો થવાથી મોંઘવારી પર સીધી અસર પડશે. ઇંધણના ભાવમાં પ્રતિ લિટર ₹7.5ના વધારાથી છૂટક મોંઘવારી દરમાં આશરે 0.36 ટકા વધારો થઈ શકે છે. જો ભાવમાં કુલ વધારો ₹10 પ્રતિ લિટર સુધી પહોંચે તો છૂટક મોંઘવારી લગભગ 0.48 ટકા વધી શકે છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ઇંધણના વધેલા ભાવનો સૌથી વધુ પ્રભાવ માર્ગ પરિવહન પર પડશે, કારણ કે તેની કુલ કામગીરીની કિંમતમાં આશરે 42 ટકા હિસ્સો ઇંધણનો હોય છે. પરિણામે માલ પરિવહન મોંઘું બનશે અને તેની અસર રોજિંદા ઉપયોગની વસ્તુઓના ભાવ પર પડશે. દેશમાં લગભગ 71 ટકા માલસામાનનું પરિવહન રસ્તા મારફતે જ થાય છે.
તમારા ખિસ્સા પર વધશે વધુ બોજ
ક્રિસિલના જણાવ્યા મુજબ, પરિવહન ખર્ચ વધવાથી દૂધ, ફળો, દાળ, ચા-કોફી, મસાલા, ઈંડા, માંસ અને માછલી જેવા ખાદ્યપદાર્થોના ભાવમાં વધારો થઈ શકે છે, કારણ કે આ વસ્તુઓ મોટા પ્રમાણમાં પરિવહન નેટવર્ક પર આધારિત છે.
આ ઉપરાંત કાપડ, ગ્રાહક ઇલેક્ટ્રોનિક્સ, લાકડાના ઉત્પાદનો, સિમેન્ટ અને સિરામિક જેવા ક્ષેત્રોમાં પણ ખર્ચ વધી શકે છે. રસાયણ, કોલસા અને ધાતુ ઉદ્યોગો પણ મોંઘવારીની અસર હેઠળ આવી શકે છે. આવી સ્થિતિમાં કંપનીઓ વધેલો ખર્ચ ગ્રાહકો પર લાદી શકે છે અથવા ઉત્પાદનોની માત્રામાં ઘટાડો કરીને નફો જાળવવાનો પ્રયાસ
કરી શકે છે.