બલૂચિસ્તાનમાં થયેલા અત્યાર સુધીના સૌથી મોટા હુમલા બાદ પાકિસ્તાની સેનાની મુશ્કેલીઓ વધી ગઈ છે. સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સંસદમાં જણાવ્યું કે આખરે કેમ પરિસ્થિતિ નિયંત્રણ બહાર છે?
પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાનમાં સ્થિતિ ફરી એકવાર બેકાબૂ બનતી જણાય છે. કેમકે શનિવારે બલૂચિસ્તાનના 12 શહેરોમાં એકસાથે થયેલા મોટા અને સંકલિત હુમલાઓએ માત્ર પાકિસ્તાની સુરક્ષા વ્યવસ્થાની પોલ જ નથી ખોલી, પરંતુ સેનાની સજ્જતા પર પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે. આ હુમલાઓમાં સૈન્ય મથકો અને પોલીસ સ્ટેશનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
વળી સોમવારે નેશનલ એસેમ્બલીમાં બોલતા સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે બલૂચિસ્તાન પાકિસ્તાનના કુલ ભૂભાગનો 40% થી વધુ હિસ્સો છે, પરંતુ અહીં વસતી અત્યંત ઓછી છે. તેમના મતે, અહીં 35 કિલોમીટરના વિસ્તારમાં માત્ર 1 વ્યક્તિ જોવા મળે છે. આવા વિસ્તારને નિયંત્રિત કરવો અત્યંત કઠિન છે. તેમણે સ્વીકાર્યું કે સેના ત્યાં હાજર છે, પરંતુ સ્થિતિ સંભાળવા માટે મોટા પાયે તૈનાતીની જરૂર છે.
ખાસ વાત એ રહી કે આ હુમલાઓમાં આત્મઘાતી હુમલાખોરોની સાથે મહિલા લડવૈયાઓ પણ સામેલ હતી, જેણે સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો કર્યો છે. હવે ખુદ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સંસદમાં સ્વીકાર્યું છે કે બલૂચિસ્તાનની ભૌગોલિક સ્થિતિ, સંસાધનોની લૂંટ અને અંદરની મિલીભગતને કારણે સેના માટે સ્થિતિ અત્યંત મુશ્કેલ બની ગઈ છે.
નેતાઓ, અમલદારો અને ગુનેગારોની ખતરનાક મિલીભગત
ખ્વાજા આસિફે મોટો ખુલાસો કરતા કહ્યું કે બલૂચિસ્તાનમાં આદિવાસી નેતાઓ, ગુનેગારો અને અમલદારોનું ખતરનાક ગઠબંધન છે. તેમનો આરોપ છે કે સ્મગલિંગ સાથે જોડાયેલા ગુનાહિત ટોળકીઓ અલગતાવાદી સંગઠનોને માત્ર ફંડિંગ જ નથી કરી રહી, પરંતુ તેમને સંરક્ષણ પણ આપી રહી છે. તેમણે કહ્યું કે હવે આ આંદોલનની કમાન ગુનેગારો અને સ્મગલરોના હાથમાં જતી રહી છે.
તેમજ સંરક્ષણ મંત્રીના જણાવ્યા મુજબ, તેલની દાણચોરી સાથે જોડાયેલું નેટવર્ક દરરોજ અંદાજે 4 અબજ રૂપિયા કમાઈ રહ્યું છે. જોકે આ જ નાણાંનો ઉપયોગ હથિયારો ખરીદવા અને આતંક ફેલાવવા માટે પણ કરવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે અફઘાનિસ્તાન માટે આવતો ટ્રાન્ઝિટ સામાન પાછો પાકિસ્તાનમાં લાવીને વેચવામાં આવે છે. જ્યારે સરકારે આ બાબતે કડકાઈ દાખવી, ત્યારે ચમન બોર્ડર સહિત અનેક વિસ્તારોમાં મોટા વિરોધ પ્રદર્શનો થયા હતા.
સંઘર્ષમાં સેના અને નાગરિકોની જાનહાનિની સ્થિતિ શું છે?
સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે છેલ્લા 2 દિવસમાં સુરક્ષા દળોએ 177 આતંકીઓને ઠાર કર્યા છે, પરંતુ આ દરમિયાન 16 જવાનો અને 33 નાગરિકોના પણ મોત થયા છે.
આ ઉપરાંત તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે માનવાધિકાર અને ગુમ થયેલા લોકોનો મુદ્દો માત્ર એક પ્રોપેગેન્ડા છે, જ્યારે આ નેટવર્કના ઘણા લોકો દુબઈ અને મસ્કત જેવા દેશોમાં વૈભવી જીવન જીવી રહ્યા છે.