બરફાચ્છાદિત ધૌલાધાર પર્વતો અને પ્રાચીન દેવદારના વૃક્ષો વચ્ચે વસેલા ભરમૌરના ૧૪૦૦ વર્ષ જૂના 'ચૌરાસી મંદિર'ની આ સફર છે. અહીં શિવભક્તિ, નાગર સ્થાપત્ય, કાષ્ઠકળા અને હિમાચલી લોકજીવનની સુંદરતાને લેખિકા પોતાના કેમેરા અને સંવેદનશીલ શબ્દો થકી અત્યંત આત્મીયતાથી આલેખે છે.
હિમાચલ પ્રદેશના winter capital ગણાતા ધર્મશાલાના twin settlement એવા મેક્લોડ્ગંજના ત્સુગલાખાંગ પરિસરમાં સ્થિત નામગ્યાલ બૌધ્ધમઠની મુલાકાત સાથોસાથ તિબેટન બુધ્ધિઝમના religious motifs, murals, થાંકા ચિત્રો, મૂર્તિઓ, મંત્રોચ્ચાર, પ્રેયર વ્હિલ, પ્રેયર ફ્લેગ, બૌધ્ધ સાધુઓના મરુન અને પીળા વસ્ત્રો, તિબેટન મ્યુઝીયમ અને મેક્લોડ્ગંજની તિબેટન સોવેનિયર શોપમાં મજા પડે એટલો સમય પસાર કરી અમારા સમૂહ પ્રવાસના તેર પ્રવાસીઓમાંથી હું અને પૂજા ધર્મશાલાથી પિસ્તાલીસ કિલોમીટર દૂર રહેલા મસરુરના મોનોલિથિક રૉક કટ મંદિરે પણ જઈ આવ્યા.
ધર્મશાલામાં પસાર કરેલા આવા ત્રણેક દિવસ પછી એક સવારે બા-સુભાષ સહિતના અમે સૌ ધર્મશાલાથી ચંબા વેલીના ભરમૌર જવા માટે હિમાચલ પથ પરિવહનની three by two બસમાં ગોઠવાણા.

કાંગરાથી ચંબા વેલીના એ રૂટ પર અમારી સરકારી બસ પાલમપુર, નાગરોટા, કાંગરા, બાનીખેત અને ચંબા થઈને ભરમૌર પહોંચી ત્યારે એ ૧૮૯ કિલોમીટરનું પહાડી અંતર પસાર કરવામાં અમને છ કલાક જેવું થયું પરંતુ આ છ કલાકમાં ચંબાનો શીતલા બ્રિજ, જમણી બાજુ સતત દેખા દેતો વેલી વ્યુ, ડાબી બાજુ રહેલા પર્વતો, રાવી નદીના પથરાળ કિનારા, સાંકડા માર્ગે પડુ પડુ થતી બસ મુસાફરીનો રોમાંચ, રાવી નદી પરના power projects, રાજમા-કઢી અને દાલ-ચાવલના ભોજનનો બ્રેક અને જ્યાંથી મણિમહેશ લેઈકની યાત્રા આરંભાય છે તે હડસલ ગામ સહિતના અમારા બસ રૂટમાં પર્વતોના લેયર્સના લેયર્સ અને ચંબાવેલીનો કેટલાક ધારદાર ખડકોનો ખડકાળ વિસ્તાર જોતાં જોતાં અમે હડસલથી બાર કિલોમીટર દૂર રહેલા અને ઐતિહાસિક રીતે બ્રહ્મપુર તરીકે જાણીતા ભરમૌર પહોંચ્યા.

ભરમૌર પહોંચ્યાની બપોરે તો જમીને આરામ કર્યો પરંતુ ત્રણ-સાડા ત્રણ પછી ભરમૌરના ચૌરાસી મંદિરે ઉપડ્યા. ચંબાની દક્ષિણ-પૂર્વે સાઈઠ કિલોમીટર દૂર રહેલા ભરમૌરમાં વર્ષ ૨૦૦૦ના મે મહિનામાં કુલ પાંચસો જણાની વસ્તી પણ નોહતી અને બરફાચ્છાદિત પર્વતોથી ઘેરાયેલું ચંબાવેલીનુ આ ગામ મણિમહેશ સરોવરની યાત્રાએ જતા યાત્રાળુઓ અને ટ્રેકર્સથી જીવંત હતું.

ચંબાની આ પ્રાચીન રાજધાની અને ૭૦૦૦ ફૂટની ઉંચાઈ પર રહેલા આ ગામમાં પગ મૂક્યો ત્યારથી શિવભુમિમાં હોવાનો અહેસાસ શ્વાસમાં અવર-જવર કરી રહ્યો હતો અને રાવી અને ચિનાબ નદીની વચ્ચે વસેલું આ નાનકડું હિમાચલી ગામ પીર પંજાલ અને ધૌલાધાર જેવી પર્વતમાળાની વચ્ચે પણ વસેલું હોવાથી બરફાચ્છાદિત પર્વતમાળાના દર્શન અમારી સાંજ-સવારની વૉકને સ્વર્ગીય કરશે એ ખાતરી હતી.

આવી હિમાલયન આશાઓ વચ્ચે અમે તેર પ્રવાસીઓ ધૂળ ઉડતી હોય તેવા ખડકાળ માહોલમાં ચાલતાં ચાલતાં ભરમૌર ગામની ગલીઓ પસાર કરતાં કરતાં બરફાચ્છાદિત પર્વતમાળાઓ વચ્ચે વિશાળ પરિસરમાં સાતમી સદીથી કુલ ચૌર્યાસી મંદિરની પાઠ-પૂજા સાથે સનાતની વિધિ વિધાનો લઈને જીવતા વિશાળ ચૌરાસી મંદિર પરિસરમાં પ્રવેશ્યા.

નખશિખ શિવભક્ત મારી બા, નીલાબા સહિતના અમે સૌ દેવદારના પ્રાચીન વૃક્ષોના સાનિધ્યે રહેલા ચૌરાસી મંદિર પરિસરને જોઈને રાજા સાહિલ વર્મન કે રાજામેરુ વર્મને કુરુક્ષેત્રથી મણિમહેશ સરોવરની યાત્રા અને મણિમહેશ કૈલાશ પર્વતના દર્શને આવેલા ૮૪ સિધ્ધોના માનમાં આ ચૌર્યાસી મંદિરો બંધાવ્યા હતા તે ઐતિહાસિક ઘટનાને visualise કરતાં એક પછી એક એવા ૮૪ મંદિરો અને દેરીઓને જોઈ રહ્યા હતા.
સ્થાપત્ય અને સંસ્કૃતિના સુવર્ણ યુગના સાક્ષી એવા આ મંદિર પરિસરમાં ૮૪ શિવલિંગ સ્વરૂપે સ્થિત galaxy of temples વચ્ચે ઉંચી પીઠિકા પર સ્થિત મુખ્ય મણિમહેશ મંદિરને દૂરથી મારી કેમેરાની જોળીમા જીલતાં વલભી શિખરથી મંડિત નાગર સ્થાપત્ય શૈલીના મંદિર સમક્ષ હું ઉભી રહિ.

સલેટીયા પથ્થરના roofing વાળા પ્રવેશદ્વારથી મંદિર પરિસરમાં પ્રવેશતાં જ સૌથી પહેલા ઉત્તરાભિમુખ મુખ્ય મંદિર પર નજર પડી.મણિમહેશ તરીકે ઓળખાતા આ મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતાં પહેલા જ મેં ઊંચી પીઠિકા પર રહેલી ચાર-પાંચ ઓટલીના થાળા પર રહેલા લાલ રંગના શિવલિંગો સાથે લાલ રંગના બે અષ્ટકોણીય સ્તંભોને પણ જીલ્યા ત્યારે તે સ્તંભો સાથે ઘણા બધા ઘંટો અને જેના પર લાલ-પીળી ધજાઓ ફરફરતી હોય તેવું પચાસેક ત્રિશૂળોનું એક ઝુમખુ પણ જીલ્યું.
વિગતે જોયું તો ઘટાદાર પ્રાચીન દેવદારની નિકટ રહેલા મણિમહેશ મંદિરના કાટખૂણા વાળા brackets કે પોખરામાં flying ગણો કોતરેલા હતા અને નવગ્રહને સમર્પિત નવ નાના શિખર મંદિરો છતના ઉપરના કિનારે બનેલા છજ્જાને શણગારી રહ્યા હતા.

મૂળ ઉત્તર ભારતની ત્રણ હિંદુ સ્થાપત્ય શૈલીઓમાંની એક એવી નાગર સ્થાપત્ય શૈલીના આ મંદિરના અતિ અલંકૃત મંદિર શિખરમાં મને એટલો બધો રસ પડ્યો કે મેં આ વલભી શિખરને બોલર્સ હેટ જેવી ફરતી disk સાથે જીલ્યું ત્યારે દેવી-દેવતાઓના કમલાસનનો નિર્દેશ કરતી અને ‘આમલકા’ તરીકે ઓળખાતી આ ડિસ્ક શિખરની ટોચ પર રહેલા કળશ નીચે વલભી શિખર શૈલીના ઊડીને આંખે વળગે તેવા સત્વ-તત્વ તરીકે જીલાણી હતી અને તેનો કમાન આકારનો ઘુમ્મટ કે મહેરાબ દેવદારના વૃક્ષની ડાળીઓ અને કેસરી રંગની રેશમી ધજા સાથે એવી રીતે જીલાયો હતો કે તે ભરમૌરના આકાશ સાથે સંવાદ ન રચતો હોય !

મંદિર શિખરમાં આમલકા અને પછી કળશ હોય તેવા ચૌરાસી મંદિર પરિસરના આ મુખ્ય મંદિરની વલભી શિખર શૈલીને ભરમૌરના સ્વચ્છ આકાશ અને બરફાચ્છાદિત પર્વતમાળા સાથે સંયોજી મેં અને મારી સહપ્રવાસી પૂજા [ગાંધી]એ ચૌરાસી મંદિર પરિસરના સલેટીયા પથ્થરના roofing વાળા મંદિર શિખરોને પણ ફરફરતી લાલ ધજા અને ૧૬, ૦૦૦ ફુટ ઊંચા બરફાચ્છાદિત ધૌલાધાર પર્વતો સાથે અમારી કેમેરાની જોળીમાં ભર્યા ત્યારે વાતાવરણ વાદળીયું થઈ ગયું હતું.

દ્રીપકલ્પ માફક ત્રણ બાજુએથી સોળ હજાર ફુટ ઊંચી ધૌલાધાર જેવી પર્વતમાળાથી ઘેરાયેલા ભરમૌરના ચૌરાસી મંદિર પરિસરના નરસિંહ અને લક્ષણા દેવી મંદિરમાં અનુક્રમે ભગવાન વિષ્ણુ અને મહિષાસુરમર્દિની દુર્ગા બિરાજમાન હતા અને મણિમહેશના મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં લંબચોરસ યોનિપીઠ પર રહેલા હળદરીયા પીળા ચાંદલા અને ત્રિપુંડ કરેલા કાળા રંગના ખરબચડા શિવલિંગ પર સોના જેવી ચમકતી પિત્તળની ફણીધર નાગની કલાત્મક ફેણ સાક્ષાત શિવની હાજરી પુરતી હતી.ગલગોટાના પીળા ફૂલોના શણગાર વચ્ચે અગરબત્તીની ધૂમ્રશેરથી સુવાસિત માહોલને મન-હ્રદયે ધરી મેં જ્યારે મુખ્ય મંદિરને એક્ષ્પ્લોર કરવાનું ચાલુ રાખ્યું ત્યારે પૂજા તેના એસ એલ આર કેમેરામાં મુખ્ય મંદિર સમક્ષ રહેલા નંદીશ્વર મંદિરના નંદીને સમગ્ર મંદિર સ્થાપત્ય સાથે જીલી રહી હતી.

મેં જોયું કે ચૌરાસી મંદિર પરિસરના મુખ્ય મણિમહેશ મંદિરની પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિવાલો પર રહેલા ભદ્રા પ્રકારના કેટલાક ગવાક્ષો ખાલી હતા અને આ મૂર્તિવિહિન ગવાક્ષો ઉપરાંત ઊંચી પીઠિકા પર બિરાજમાન એકાદસ રુદ્ર સદીઓથી ચૌરાસી મંદિરનું રક્ષણ કરતાં હતા.
મારી ટીમના બધા સભ્યો મંદિર પરિસરના એકાદ દેવદારી ઓટલા પર બેઠા બેઠા હિમાચલના સૌથી વિશાળ પરિસર ધરાવતા ચૌરાસી મંદિરેથી ધૌલાધાર પર્વતમાળાના સાનિધ્યને માણતા બેઠા હતા એ દરમિયાન ૮૪ મંદિરો અને પથ્થરના દેરાઓથી સમૃધ્ધ આ પ્રાચીન પરિસરના કાર્તિકેય મંદિર, ગણેશ મંદિર નંદી મંદિર, ધર્મરાજ મંદિર, ચિત્રગુપ્તની બેઠક અને અર્ધગંગા-ગુપ્તગંગાના કુંડ ફરતે આંટો મારીને હું સાતમી સદીમાં કાષ્ઠ કામની ઉત્તમ નકાશીથી મંડિત અને ગુપ્તકાળની શૈલીથી સંરચિત લક્ષણાદેવી મંદિરે આવી ત્યારે મારું ધ્યાન પથ્થરની બે દેરીઓના foregroundમાં બેઠેલી ત્રણ હિમાચલી સ્ત્રીઓ પર પડ્યું.

સાંજે બાળકોને લઈને મંદિરે આવેલી સ્થાનિક ભરમૌરી બહેનોએ જેવું મારા લેન્સ તરફ જોયું કે તરત જ તે ત્રણેયને vertical સંયોજનમાં સંકેલીને હું આગળ ચાલી ત્યારે નાના નાના મંદિરોની અંદર શિવલિંગ ફરતે પણ ગામના બાળકો ઉભા હતાં તેને પણ જીલ્યા.
શૈવ અને વિષ્ણુપંથના મંદિરોનું stone carvanigs, મંદિરોના દ્વારશાખ પરનું stone અને wooden carvings, ગંગા-યમુનાની પ્રતિમાઓ, ત્રિશુળો, શિવલિંગો, શિવલિંગના થાળા, લાલ-પીળી ધજાઓ, કંકુવર્ણા ચાંદલા અને અન્ય હિન્દુ motiifsથી સભર આ મંદિર પરિસરમાં મારુ ધ્યાન મરુન મીણો જડેલી સોનાની ચુક પહેરેલી એક હિમાચલી સ્ત્રી ઉપર પડી અને મેં તરત જ એક ફોટું ખેંચ્યા પછી તેનો portrait લેવા તેમને રીતસર ઊભા રાખ્યા.
ગુલાબી દુપટ્ટો, રાણી રંગનું સ્વેટર, મોટો લાલ ચાંદલો અને સફેદ વર્ણના હિમાચલી ચહેરા પરનું સ્મિત જીલ્યું ત્યારે તે વ્યક્તિચિત્રમાં આંખો પર આવેલા છાયાને કેમેરાની inbuilt ફ્લેશથી filler મારી પ્રકાશિત કરી શકાય તે સમજ નોહતી પરંતુ મારો કેમેરા રાખી શકે તેટલું wide aperture [Low F number] સેટ કરી મારી સામેની વ્યક્તિના ચહેરાને તેની પાછળ રહેલા backgroundથી આઈસોલેટ કરી soft background create કરવાથી depth of field ઘટે અને વ્યક્તિનો ચહેરો ઉભરી આવે તે ખબર પડતી હતી.
કોઈ રીતસરના શિક્ષણ વગરની મારી છબીકલા લાંબા પ્રવાસોમાં જાતે પોતે જ આવું શીખતી શીખતી થોડું શીખતી હતી તેવામાં હવે ધીમે ધીમે સાંજ ઢળી રહિ હતી અને ઠંડી પણ વધી રહિ હતી.
વિશ્વના એક માત્ર યમરાજ કે ધર્મરાજ મંદિર અને અનન્ય કાષ્ઠ કોતરકામથી સમૃધ્ધ લક્ષણામાતા નામના દુર્ગાના wooden templeના પ્રાચીન સ્તંભોને જોઈને અને ૧૨૮ ફૂટ ઊંચા દેવદારના પ્રાચીન વૃક્ષના થડને સ્પર્શીને દેવદારની ડાળીઓ પર બાંધેલી લાલ ચુંદડિઓ, પથ્થરના દેરાઓ, વૃક્ષોના સુક્કા થડ અને વિશાળ મંદિર પરિસર ફરતે ઉભેલા બરફાચ્છાદિત પર્વતોના દ્રશ્યફલકને મન-હૃદયમાં ભરીને ચોર્યાસી મંદિર પરિસરથી માત્ર પંદર મિનિટની વૉક પછી આવતી અમારી road side property તરફ, બા-સુભાષ અને સૌ સાથે, ચાલવાનું શરુ કર્યું ત્યારે ફળોના બગીચા અને terrace farmingથી સભર આ શિવભૂમિની પર્વતમાળા પછીતે સૂર્ય ઢળી રહ્યો હતો અને ઢળતો ઢળતો કહિ રહ્યો હતો કે ભારતના હિમાલયન શિખરોની હિમાચ્છાદિત હૂંફ વચ્ચે ૧૪૦૦ વર્ષ પ્રાચીન સ્થાપત્યોની કેવી કલાત્મક સફર આપણી રાહમાં હોય છે....
મૂળે શિક્ષક જીવ એવા રક્ષા ભટ્ટ રખડપટ્ટી કરવામાં અવ્વલ છે. આજે ઈન્સ્ટાગ્રામના જમાનામાં હવે ત્રીજું પ્રોફાઈલ ફોટોગ્રાફરનું દેખાય છે, પરંતુ રક્ષા ભટ્ટે નેવુંના દાયકામાં કેમેરા પકડ્યો હતો અને એક મહિલા ફોટોગ્રાફર તરીકે હિમાલય તેમજ ભારતભરનું ભ્રમણ કર્યું હતું અને કેમેરામાં ભારતને કંડાર્યું હતું. તેમણે ગુજરાતને 'કેદારનાથ' જેવું અત્યંત રસપ્રદ પુસ્તક પણ આપ્યું છે.